આઇસક્રીમ / ફાલુદા / મિલ્કશેક / સિરપ

વેનિલા આસક્રીમ :
સામગ્રી :
દૂધ-700 ગ્રામ, ક્રીમ-300 ગ્રામ, ખાંડ-1 કપ, વેનિલા એસેન્સ-1 ચમચી, કસ્ટર્ડ-80 ગ્રામ, ડ્રાયફ્રૂટ-જરૂર પ્રમાણે.



રીત :
એક તપેલીમાં દૂધ, ખાંડ, ક્રીમ, વેનિલા એસેન્સ, કસ્ટર્ડ મિક્સ કરો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી તેને ફ્રીઝરમાં મૂકો. બે કલાક પછી આઇસક્રીમ જામી જાય ત્યારે તપેલીને બહાર કાઢ આસક્રીમને ખૂબ જ હલાવો અને પછી તેને ફરીથી ફ્રિઝરમાં જામવા માટે મૂકો દો. બે-ત્રણ કલાકમાં આઇસક્રીમ જામી જાય એટલે બહાર કાઢી તેના પર ડ્રાયફ્રૂટનો ભૂકો ભભરાવી મહેમાનો સર્વ કરો.

_____________________________________________________________________

બટકસ્કોચ આઇસક્રીમ :
સામગ્રી :
દૂધ-2-3 કપ, ઘટ્ટ ઉકાળેલું દૂધ-અડધો કપ, બૂરું ખાંડ-પોણો કપ, બટરસ્કોચ એસેન્સ-1 ચમચી, દૂધનો પાઉડર-1 ચમચી.



રીત :
દૂધ, બૂરું ખાંડ, ઘટ્ટ દૂધ અને દૂધના પાઉડરને સારી રીતે મિક્સ કરી લો. તે એકદમ એકરસ થઈ જાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. હવે તેને એક તપેલીમાં લઈ ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારી લો. ઠંડું થાય એટલે એક તપેલીમાં લઈ બટરસ્કોચ ભેળવી એલ્યુમિનિયમ ફોઈલથી સારી રીતે ઢાંકીને ફ્રિઝરમાં મૂકો દો. થોડું જામવા આવે ત્યારે ફ્રીજમાંથી મિશ્રણ કાઢી તેને મિક્સરમાં બ્લેન્ડ કરો. મિક્સ થયા પછી ફરી તેને એ જ તપેલીમાં ભરી એલ્યુમિનિયમ ફોઈલથી ઢાંકી દો. આઠથી દસ કલાકમાં આઇસક્રીમ તૈયાર થઈ જશે.

_____________________________________________________________________

પાન આઇસક્રીમ :
સામગ્રી :
ઘટ્ટ દૂધ-1 લિટર, ખાંડ-300 ગ્રામ, કોર્નફ્લોર-પા ચમચી, ક્રીમ-દોઢ કપ, પાનની ફ્લેવર માટે, કલકત્તી પાન-4 નંગ, લીંબુ-1 નંગ, ખારેક-6 નંગ, વરિયાળીનો પાઉડર-1 ચમચો, એલચીનો અધકચરો ભૂકો-અડધો ચમચો, ગુલકંદ-પા કપ, મેન્થોલ-ચમચી




રીત :
ખારેકને આગલી રાતે પલાળી દો. કલકત્તી પાનને લીંબુના રસ સાથે મિક્સીમાં ક્રશ કરો. પલાળેલી ખારેકના ઠળિયા કાઢી સમારી લો. પાનવાળી પેસ્ટ, ખારેક, વરિયાળીનો પાઉડર, એલચીનો ભૂકો અને ગુલકંદ મિક્સ કરો. પ|| કપ ઠંડા દૂધમાં કોર્નફ્લોર ઘોળો. બાકીના દૂધમાં ખાંડ ભેળવી પાંચ મિનિટ સુધી ઉકળવા દો. તેમાં ગાંઠા ન બાઝી જાય એ માટે સતત હલાવતાં રહો. તે પછી આંચ પરથી ઉતારી ઠુંડું પડે એટલે તેમાં પાનવાળી ફ્લેવર અને ક્રીમ ભેળવી ફ્રીજરમાં મૂકી દો. થોડા કલાક પછી તેને ફ્રીજમાંથી કાઢી ખૂબ હલાવો. તે પછી મેન્થોલ ભેળવી ચાર-છ કલાક માટે ફરી ફ્રીજરમાં મૂકો. આઇસ્ક્રીમ જામી જાય એટલે સર્વ કરો.

_____________________________________________________________________

ગ્રીન ટી આઇસક્રીમ :
સામગ્રી :
તાજી મલાઇ-300 મિ.લિ., કન્ડેન્સ્ડ મિલ્ક-100 મિ.લિ., લીલી ચા-20 ગ્રામ, વેનિલા એસેન્સ-અડધી ચમચી




રીત :
મલાઇને મિક્સરમાં લીલી ચાના પાઉડર સાથે બ્લેન્ડ કરી લો. તે એકરસ થઈને એકદમ મુલાયમ બને ત્યાં સુધી વલોવો. તેમાં ચમચાથી કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનિલા એસેન્સ નાખી હલાવો. બાર કલાક માટે ફ્રિજમાં સેટ થવા દો. બરાબર સેટ થઈ જાય પછી ગ્રીન ટી આઇસક્રીમને ટેસ્ટ માણો.

_____________________________________________________________________


ચોકલેટ ચિપ આઇસક્રીમ :
સામગ્રી :
દૂધ-અડધો લિટર, કસ્ટડ પાઉડર - 2 ચમચા, ક્રીમ-1 કપ, ખાંડ-પોણો કપ, ચોકલેટનું છીણ-1 કપ.





રીત :
એક તપેલીમાં દૂધ લઈ તેમાં કસ્ટર્ડ ઘોળીને ઉકળવા મૂકો. તેમાં એક ઊભરો આવે એટલે પાંચેક મિનિટ ચમચાથી હલાવીને ઉકાળો. ત્યારબાદ તેમાં ખાંડ નાંખીને હલાવો. આઇસ્કીરમ માટે કસ્ટર્ડનું મિશ્રણ તૈયાર છે. આને સામાન્ય તાપમાને થોડી વાર રહેવા દીધા પછી ઠંડું થવા માટે બે કલાક માટે ફ્રીજમાં મૂકી દો. એકદમ ઠંડું થઈ જાય એટલે તેમાં ક્રીમ અને એક ચમચો ચોકલેટનું છીણ નાખી સારી રીતે હલાવીને મિક્સ કરો. હવે આમાં બાકીનું ચોકલેટનું છીણ નાખીને એરટાઈટ કન્ટેનરમાં ભરી જામવા માટે ફ્રીઝરમાં મૂકી દો. ચાર-છ કલાકમાં તે તૈયાર થઈ જાય એટલે ચોકલેટ ચિપ્સ આઇસક્રીમનો સ્વાદ માણો.

_____________________________________________________________________

રંગબેરંગી આઇસક્રીમ :
સામગ્રી :
ક્રીમ-2 કપ, કોર્નફ્લોર-2 ચમચી, દૂધ-2 કપ, ખાંડ-10 ચમચી, વેનિલા એસન્સ-1 ચમચી, જીએમએસ પાઉડર-ચપટી, ખસખસનું શરબત-જરૂર મુજબ, રોઝ શરબત-જરૂર મુજબ.




રીત :
દોઢ કપ દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરો અને અડધો કપ દૂધમાં જીએસએમ પાઉડર ઘોળો. હવે આ બંને દૂધને મિક્સ કરો. તૈયાર મિશ્રણને ગરમ કરો. જ્યારે મિશ્રણ કસ્ટર્ડની માફક ઘટ્ટ થઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. થોડી વાર બાદ તેમાં ખાંડ નાખો. ઠંડું થાય એટલે તેમાં વેનિલા એસન્સ નાખી મિશ્રણને ડબામાં ભરી ફ્રીઝરમાં મૂકી દો. થોડું જામે એટલે બહાર કાઢો. ક્રીમ અને જામેલા આઇસક્રીમને મિક્સરમાં ધીરે ધીરે ત્રણ-ચાર વાર એકરસ કરી ફરીથી ડબામાં ભરી ફ્રીઝરમાં મૂકી દો.
આઇસક્યૂબ - એક કપ પાણીમાં બે ચમચી ખસખસનું શરબત અને જરૂર પૂરતું પાણી રેડો. આના આઇસક્યૂબ બનવા મૂકો. આ જ રીતે રોઝ શરબતના પણ આઇસક્યૂબ બનાવો.
સર્વ કરતાં પહેલાં આઇસક્રીમની ઉપર રોઝ અને ખસખસના આઇસક્યૂબ અને થોડું થોડું ખસખસ તેમ જ રોઝનું શરબત રેડી સર્વ કરો.

_____________________________________________________________________

પેરેડાઇઝ આઇસક્રીમ :
સામગ્રી :
વેનિલા આઇસક્રીમ-1 સ્કૂપ, ચોકલેટ આઇસક્રીમ-1 સ્કૂપ, સ્ટ્રોબેરી આઇસક્રીમ-1 સ્કૂપ, સમારેલો મેવો- જરૂર પ્રમાણે, આઇસક્રીમ વેફર્સ-જરૂર પ્રમાણે, ચેરી અને ખસખસ- સજાવટ માટે,
આઇસક્રીમ માટે :
દૂધ-500 ગ્રામ, જીએસએમ પાઉડર-1 ચમચી, સીએમસી-ચપટી, ખાંડ-7 ચમચા, કોર્નફ્લોર-1 ચમચો
ચોકલેટ આઈસક્રીમ માટે : બેઝિક આઇસક્રીમમાં 3 ચમચા કોકો પાઉડર અને 3 ચમચા ડ્રિકિંગ ચોકલેટ નાખો.
વેનિલા આઇસ્કરીમ માટે : બેઝિક આઇસક્રીમમાં વેનિલા એસન્સ નાખી પંદર મિનિટ ફ્રીઝરમાં મૂકી દો.
સ્ટ્રોબેરી આઇસ્કરીમ માટે : બેઝિક આઇસક્રીમમાં ફ્રેશ ક્રીમ ભેળવી થોડો નરમ થાય ત્યાં સુધી હલાવો. પછી તેમાં સ્ટ્રોબેરી ક્રશ નાખી એરટાઇટ ડબ્બામાં ભરી જામવા મૂકી દો.




રીત :
બધી સામગ્રીને એક બાઉલમાં લઇ મિક્સ કરો. તૈયાર મિશ્રણને તેજ આંચ પર સતત હલાવતાં રહી ઉકાળો. એક ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દો. પાંચેક મિનિટ પછી ગેસ પરથી ઉતારી લઈ ઠંડું થવા દો. હવે તેને એક ટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં જામવા માટે મૂકો.
હવે સર્વ કરતી વખતે પહેલાં સર્વિંગ બાઉલમાં રોઝ સીરપ અને મેવો નાખો. તે પછી ત્રણેય આઇસક્રીમના સ્કૂપ ગોઠવો. ઉપર ચેરી, સમારેલા મેવા અને ખસખસ ભભરાવી સર્વ કરો.

_____________________________________________________________________

પીચ આઇસક્રીમ :
સામગ્રી :
ટિનપેક પીચ-3 કપ, ખાંડ-દોઢ કપ, લીંબુ-1 નંગ, દૂધ-સવા કપ, મલાઇ-સવા બે કપ, વેનિલા એસેન્સ-દોઢ ચમચી.




રીત :
એક બાઉલમાં પીચ, અડધો કપ ખાંડ અને લીંબુનો રસ ભેળવો. તેને અડધો કલાક રહેવા દો જેથી સુગંધ એકબીજામાં ભળી જાય. પીચને મિક્સરમાં બ્લેન્ડ કરી પ્યોરિ તૈયાર કરો. આને અલગ બાઉલમાં કાઢી તેમાં એક કપ ખાંડ ઉમેરો. હેન્ડમિક્સરથી ખાંડને એકરસ કરી તેમાં એકરસ કરેલી દૂધ, મલાઈ, વેનિલા એસેન્સ અને પીચની પ્યોરિ ભેળવો. બધું મિક્સ કરી તેને ફ્રિજમાં સેટ થવા મૂકો. કુલ કુલ પીચ આઇસક્રીમની મજા માણો.

_____________________________________________________________________

સ્ટોબેરી આઇસક્રીમ :
સામગ્રી :
સ્ટ્રોબેરીના ટુકડા-3 કપ, લીંબુનો રસ-4 ચમચા, ખાંડ દોઢ કપ, દૂધ-દોઢ કપ, મલાઈ-પોણા ત્રણ કપ, વેનિલા એસેન્સ-2 ચમચા




રીત :
સ્ટ્રોબેરીને એક બાઉલમાં કાઢો. તેમાં અડધો કપ ખાંડ અને લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી બે કલાક સુધી આ મિશ્રણને સાઇડ પર રહેવા દો. તેથી સ્ટ્રોબેરીમાંથી રસ છૂટો પડશે. મિક્સરમાં ગ્રાઇન્ડ કરી સ્ટ્રોબેરીનો પલ્પ બનાવી ફરી તેને બાઉલમાં કાઢો. તેમાં બાકીની ખાંડ ઉમેરી દૂધ, મલાઈ અને વેનિલા એસેન્સ ઉમેરો. એકરસ થાય ત્યાં સુધી મિશ્રણને હલાવો. આને ફ્રિજમાં આખી રાત સેટ થવા દો. તે પછી મહેમાનોને સ્ટ્રોબેરી આઇસક્રીમ ખવડાવો.

_____________________________________________________________________

બનાના સ્પ્લિટ :
સામગ્રી :
વેનિલા આઇસક્રીમ-1 કપ, કેળા-2 નંગ, બટરસ્કોચ આઇસક્રીમ-1 કપ, ઓરેન્જ આઇસક્રીમ-1 કપ, ચોકલેટનું છીણ-50 ગ્રામ, ક્રીમ-અડધો કપ, ચેરી-અડધો કપ




રીત :
કેળાને છોલી તેને વચ્ચેના ભાગથી ઊભા સમારી લો. ચોકલેટને ડબલ બોઇલરમાં ઓગાળી લો અને તેમાં ક્રીમ ભેળવો. એક સર્વિંગ ડિશમાં સમારેલું કેળું મૂકો. તેના પર એક-એક સ્કૂપ વેનિલા, બટરસ્કોચ અને ઓરેન્જ આઇસક્રીમ રાખો. તેની ઉપર ચોકલેટનું છીણ અને ક્રીમ પાથરો. આ રીતે એક પ્લેટ તૈયાર કરો. એને ફ્રિજમાં ઠંડું કરવા મૂકો. બનાના સ્પ્લિટ આઇસક્રીમ તૈયાર છે. તેને ઠંડી-ઠંડી ચેરીની સજાવીને સર્વ કરો.

_____________________________________________________________________

બનાના-ચોકલેટ આઇસક્રીમ :
સામગ્રી :
કેળા-2 નંગ, ખાંડ-અડધો કપ, લીંબુ-અડધું, દૂધ- 1 કપ,ક્રીમ-1 કપ, મલાઈ-1 કપ, ચોકલેટનું છીણ-2 ચમચા.



રીત :
કેળાં છોલી તેના ગોળ પતીકાં કરી નોનસ્ટિક કડાઈમાં નાખો. તેના પર ખાંડ નાખી કેળાંનો છૂંદો કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. મિશ્રણ આછા બ્રાઉન રંગનું થાય એટલે ગેસ પરથી ઉતારી લો. તે ઠંડું થાય એટલે તેમાં ક્રીમ નાખી હલાવો. જ્યારે મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ, ચોકલેટનું છીણ અને દૂધ ભેળવો. આને પણ ખૂબ હલાવો. હવે તેને જામવા માટે એક કલાક સુધી ફ્રીજરમાં રહેવા દો અને ફરીથી કાઢી તેને હલાવો. આને એરટાઉટ કન્ટેનરમાં ભરી જામવા માટે મૂકી દો. એરટાઇટ હોવાથી આઇસક્રીમ કઠણ બનશે. ચાર-છ કલાકમાં આઇસક્રીમ તૈયાર થઈ જશે. સર્વ કરતાં પહેલાં આને પાંચ મિનિટ રૂમ ટેમ્પરેચર પર રાખો અને પછી સર્વ કરો.

_____________________________________________________________________

બેરી ચોકલેટ સન્ડે :
સામગ્રી :
બ્રાઉન સુગર-અડધાથી પોણો કપ, કોકો પાઉડર-પા કપ, મીઠું-ચપટી, દૂધ-અડધો કપ, ચોકલેટ ચિપ્સ-2 ચમચા, વેનિલા એસન્સ-1 ચમચી
સન્ડે માટે :
બદામની ચીરી-2 ચમચા, બ્લેકબેરી-1 કપ, બ્લ્યૂબેરી-1 કપ, સ્ટ્રોબેરીની લાંબી ચીરી-8 નંગ, વેનિલા એસન્સ-1 ચમચી, ઘટ્ટ દહીં-1 કપ.



રીત :
એક સોસપેનમાં ખાંડ, કોકો પાઉડર અને મીઠું ભેળવો. તેમાં ધીમે ધીમે દૂધ રેડતાં જઇ મધ્યમ આંચે એકરસ થાય ત્યાં સુધી હલાવતાં રહો. સોસ ખદખદવા લાગે એટલે તેને આંચ પરથી ઉતારી લઇ ચોકલેટ અને વેનિલા એસન્સ નાખી સ્મૂધ થાય ત્યાં સુધી હલાવો. તે પછી ઠંડો થવા દો. આ સોસને એક કન્ટેનરમાં કાઢી તેને ફ્રિજમાં મૂકી દો. પાંચેક દિવસ ફ્રિજમાં રાખવાથી તે એકદમ ઘટ્ટ થઈ જશે. તેમાંથી પોણો કપ સોસ લો. ઓવનને 350 ડિગ્રી ફેરનહીટ પર ગરમ કરી તેમાં બદામને 6-8 મિનિટ માટે બેક કરો. તે પછી તેને ફોઇલમાં વીંટાળી ત્રણ દિવસ સુધી રહેવા દો. એક બાઉલમાં બંને બેરી લઇ તેમાં વેનિલા એસન્સ નાખી કાંટાથી બેરીને કાણાં પાડો. તે એકદમ કોરી થઇ જાય ત્યાં સુધી આ રીતે કરો. તે પછી તેને અડધા કલાક સુધી રહેવા દો. સર્વ કરતી વખતે બેરીને સર્વિંગ બાઉલમાં કાઢો. તેમાં પા કપ સ્કૂપ ઘટ્ટ દહીં ઉમેરો. તેના પર બે ચમચા ચોકલેટ ચિપ્સ ભભરાવી છેલ્લે થોડી બદામથી સજાવીને મહેમાનોને આપો.

_____________________________________________________________________

ગ્રેપ્સ આઇસક્રીમ :
સામગ્રી :
કાળી દ્રાક્ષ-200 ગ્રામ, દૂધ-1 લિટર, ખાંડ-150 ગ્રામ.



રીત :
દૂધને એક તપેલીમાં ધીમી આંચે ઉકળવા મૂકો અને ઘટ્ટ કરી લો. દૂધ ઉકળીને 300 ગ્રામ જેટલું રહે ત્યારે તેને આંચ પરથી ઉતારીને ઠંડું થવા દો. હવે કાળી દ્રાક્ષને મસળી લો અને તેને દૂધમાં નાખીને સરખી ભેળવી લો. તેમાં ખાંડ ભેળવીને ફરીથી ગેર પર ગરમ કરવા મૂકો. થોડી વાર ઉકળવા દીધા પછી આંચ પરથી ઉતારીને ઠંડું કરી લો. આ મિશ્રણને આઇસક્રીમ બાઉલમાં નાખીને ફ્રિજમાં મૂકી. દો. ગ્રેપ્સ આઇસક્રીમ તૈયાર કરી તેનો સ્વાદ માણો.

_____________________________________________________________________

મેંગો આઇસક્રીમ :
સામગ્રી :
કેરીનો પલ્પ-1 કપ, કોપરાનું દૂધ-1 કપ, મલાઇ વિનાનું દૂધ-1 કપ, ખાંડ-સ્વાદ પ્રમાણે, બદામ, પીસ્તા, કાજુ-જરૂર પ્રમાણે, કેરીના નાના ટુકડા-અડધો કપ, તજનો પાઉડર-પા ચમચી.

રીત :
કેરીનો પલ્પ, કોપરાનું દૂધ, મલાઇ વિનાનું દૂધ અને તજના પાઉડરને એક સાથે મિક્સરમાં બ્લેન્ડ કરી લો. તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ભેળવી ફરીથી બ્લેન્ડ કરો. આ મિશ્રણને એરટાઇટ કન્ટેનરમાં કાઢી તેને લગભગ છ કલાક ફ્રિજમાં સેટ થવા માટે મૂકો. તે પછી તેને બહાર કાઢી ફરી બ્લેન્ડ કરો. આ રીતે દર છ કલાકે બે કે ત્રણ વાર બહાર કાઢી બ્લેન્ડ કરીને ફરી સેટ થવા મૂકો. આ દરમિયાન તેમાં ઇચ્છો તો કેરીના ટુકડા ભેળવીને બ્લેન્ડ કરો જેથી તે મિક્સ થઈ જાય. આ રીતે છ કલાકના અંતરે ત્રણ વાર બહાર કાઢીને બ્લેન્ડ કરો. સર્વ કરતાં પહેલાં તેને ફ્રિજમાં બરાબર સેટ થવા દો અને સ્કૂપથી આઇસક્રીમ કાઢી ઉપર સૂકો મેવો ભભરાવો.

_____________________________________________________________________

મિક્સ્ડ ફ્રૂટ આઇસક્રીમ :
સામગ્રી :
કેરી-અડધો કપ, પપૈયું-અડધું, લીચી-4-6 નંગ, દ્રાક્ષ-6-8 નંગ, ચેરી-થોડી, લીંબુનો રસ-4-5 ટીપાં, આદુંનો રસ-3-4 ટીપાં, વેનિલા આઇસક્રીમ-1 સ્કૂપ (દરેક સર્વિંગ માટે), મીઠું અને મરીનો પાઉડર-ચપટી, ચોકલેટનું છીણ-સજાવટ માટે.



રીત :
એક ગ્લાસમાં કેરી, પપૈયું, લીચી, દ્રાક્ષ વગેરે ફળના ટુકડા ભરો. તેના પર મીઠું અને મરીનો પાઉડર ભભરાવો અને જરૂર પ્રમાણે આદું અને લીંબુનો રસ રેડો. તેના પર એક સ્કૂપ વેનિલા આઇસક્રીમ મૂકો. હવે આ મિક્સ્ડ ફ્રૂટ આઇસક્રીમ પર ચોકલેટના છીણથી સજાવટ કરો. ઉનાળામાં આ મસ્ત મિક્સ્ડ ફ્રૂટ આઇસક્રીમ ઠંડક પહોંચાડવાની સાથે સ્વાસ્થ્યને પણ સારું રાખે છે.
_____________________________________________________________________
 
ચોકલેટ ચિપ્સ :
સામગ્રી :
તાજું ક્રીમ-400 ગ્રામ, દૂધ-2 લિટર, ખાંડ-1કપ, વેનિલા એસેન્સ-2 ચમચી, કોર્નફ્લોર-3 ચમચી, બદામનું એસેન્સ-1 ચમચી, સમારેલી બદામ-1 વાટકી, ચોકલેટ ચિપ્સ-1 વાટકી, બૂરું ખાંડ-3 ચમચી.



રીત :
થોડું દૂધ અલગ રાખીને બાકીના દૂધમાં ખાંડ ભેળવીને પાંચ મિનિટ સુધી ગરમ કરો. અલગ રાખેલા દૂધમાં કોર્નફ્લોર ભેળવીને ગરમ દૂધમાં ભેળવી દો. હવે દૂધને થોડી વાર ઉકાળીને પછી ઠંડું કરો. તેમાં વેનિલા અને બદામનું એસેન્સ નાખો. બૂરું ખાંડ અને ક્રીમ ભેળવીને ફીણો અને આઇસક્રીમના મિશ્રણમાં ઉમેરો અને મિક્સ કરો. તેના ઉપર બદામના ટુકડા અને ચોકલેટ ચિપ્સ નાખો. આઇસક્રીમ ચર્નરમાં ચર્ન કર્યા પછી એક કલાક માટે ફ્રિજમાં મૂકી રાખો. તૈયાર છે ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ.

_____________________________________________________________________

ફજી બ્રાઉની કુકી આઇસક્રીમ સેન્ડવિચ :
સામગ્રી :
ફજી બ્રાઉની કુકીઝ-4 નંગ, વેનિલા આઇસક્રીમ-અડધો કપ, મિનિ ચોકલેટ ચિપ્સ-પા કપ.



રીત :
કુકી પેપર પર સૌપ્રથમ ચાર કુકીઝ ગોઠવો. તેના પર પા કપ મિનિ ચોકલેટ ચિપ્સ પાથરો. એક ચમચાથી દરેક કુકી પર પા કપ આઇસક્રીમ પાથરી તેના પર બીજી કુકી ગોઠવો. હવે આ સેન્ડવિચને ચોકલેટ ચિપ્સમાં હળવેથી રગદોળો જેથી તે આઇસક્રીમ સાથો ચોંટી જશે. તેને કુકી પેપર પર મૂકી ફ્રિજમાં બે કલાક સુધી રહેવા દો અથવા તો સેટ થઈ જાય એટલે સર્વ કરો.
 
_____________________________________________________________________

કુકીઝ એન્ડ ક્રીમ આઇસક્રીમ :
સામગ્રી :
તાજી મલાઇ-300 મિ.લિ., કન્ડેન્સ્ડ મિલ્ક-100 મિ.લિ., વેનિલા એસેન્સ-અડધી ચમચી, કુકીઝ-4 નંગ



રીત:
એક બાઉલમાં કુકીઝનો ભૂકો કરો. મલાઇને મિક્સરમાં એકદમ ફીણીને એકરસ કરી લો. તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, વેનિલા એસેન્સ અને કુકીઝનો ભૂકો ઉમેરો. તેને એક કન્ટેનરમાં ભરી બાર કલાક માટે ફ્રિજમાં રહેવા દો. વચ્ચે વચ્ચે ત્રણ-ચાર વખત હલાવો જેથી કુકીના ટુકડા તળિયે બેસી ન જાય. સેટ થઈ જાય એટલે કુકીઝ અને ક્રીમ આઈસક્રીમનો સ્વાદ માણો.

_____________________________________________________________________

કોફી આઇસક્રીમ :
સામગ્રી :
કોફી-2 ચમચી, બૂરું ખાંડ-અડધો વાટકો, ચોકલેટ આઇસક્રીમ-500 ગ્રામ, આઇસક્રીમ સોડા-1 બોટલ.
 
 
 
 
રીત :
ખાંડમાં એક કપ જેટલું પાણી રેડીને ગરમ કરો. પછી તેને ઠંડું થવા દઈ તેમાં કોફી ભેળવી દો. કોફી સિરપ તૈયાર થઈ જશે. હવે આઇસક્રીમને ચાર ભાગમાં વહેંચીને ચાર ગ્લાસમાં કાઢો. પછી દરેક ગ્લાસમાં આઇસક્રીમ સોડા ઉમેરીને તેનો સ્વાદ માણો.


*************************************************************************

રાજસ્થાની ફાલુદા :
સામગ્રી :
દૂધ-1 લિટર, કોર્નફ્લોર-1 ચમચો, કેસર-થોડા તાંતણાં, સમારેલો મેવો-અડધો કપ, એલચીનો પાઉડર-2 ચપટી, ખાંડ-4 ચમચા, તાજું ક્રીમ-1 કપ, કેવડાનું એસન્સ-5 ટીપાં, ખાવાનો પીળો રંગ-ચપટી.



રીત :
એક વાટકીમાં ઠંડું દૂધ કાઢી લઇ બાકીના દૂધને ઉકાળો. એક ઊભરો આવે એટલે ધીમી આંચ કરી દૂધ ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. હવે વધેલા દૂધમાં કોર્નફ્લોર ભેળવી મિક્સ કરો. તૈયાર મિશ્રણમાં ઘટ્ટ દૂધ ભેળવો. સતત હલાવતાં રહો. જેથી તેમાં ગાંઠા ન બાઝી જાય. હવે દૂધમાં એલચીનો પાઉડર, સમારેલો સૂકો મેવો અને ખાંડ નાખીને દસ મિનિટ હલાવો. તે પછી આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. જ્યારે મિશ્રણ એકદમ ઠંડું થઇ જાય ત્યારે તેમાં કેવડાનું એસન્સ, ક્રીમ અને ખાવાનો પીળો રંગ ભેળવો. આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં ભરી ફ્રીજરમાં મૂકી દો. સેટ થઇ જાય એટલે રાજસ્થાની ફાલુદાનો સ્વાદ માણો.


*************************************************************************

ચોકલેટ બનાના મિલ્કશેક :
સામગ્રી :
કેળું-1 નંગ, કેડબરી-1 નંગ, ખાંડ-સ્વાદ મુજબ, દૂધ-1 ગ્લાસ.



રીત :
કેળાંને છોલી કાંટાથી તેનો છૂંદો કરી બ્લેન્ડરમાં કાઢો. તે એકદમ છૂંદો થઈ જાય અને ક્યાંય કડક ન રહે એ ધ્યાન રાખો. ચોકલેટને માઇક્રોવેવમાં એકદમ લિક્વિડ થાય ત્યાં સુધી રાખીને મેલ્ટ કરો. તે પછી તેને છૂંદેલા કેળા સાથે મિક્સ કરો. કેળાં અને ચોકલેટના મિશ્રણમાં ખાંડ ભેળવો. તે પછી દૂધ ઉમેરી એટલું હલાવો કે તેમાં ફીણ થવા લાગે આ મિશ્રણ પર બરફ, વલોવેલી મલાઇ કે ક્રીમ નાખી સર્વ કરો.

_____________________________________________________________________

ચોકલેટ ફ્રોસ્ટી મિલ્કશેક :
સામગ્રી :
વલોવેલી મલાઇ / ક્રીમ-6 ચમચા, ટિનપેક કોકોનટ મિલ્ક-5 ચમચા, વેનિલા એસેન્સ-નાની ચમચી, ડાર્ક કોકો પાઉડર-2 ચમચા, ખાંડ-2 ચમચા.



રીત :
ક્રીમને મિક્સરમાં એટલી વાર બ્લેન્ડ કરો કે તેના પર ફીણ વળે. તે પછી બાકીની સામગ્રી તેમાં ઉમેરો. આ દરમિયાન તે ઘટ્ટ ન થઈ જાય તેનું ધ્યાન રાખીને સતત હલાવતા રહો. આ મિશ્રણને ફ્રીજમાં મૂકી દો. વીસ મિનિટ પછી ફ્રીજમાંથી કાઢી કાંટાથી તેને ભૂક હલાવો અને કિનારીએથી પણ ઉખેડીને એકરસ કરો. આ રીતે દર વીસ મિનિટે બહાર કાઢી તેને હલાવતાં રહો અને બરાબર ઘટ્ટ થઈ જાય ત્યારે થોડી મલાઇ/ક્રીમથી સર્વ કરો.

*************************************************************************

ચોકલેટ સિરપ :
સામગ્રી :
કોકો પાઉડર-3 ચમચા, ખાંડ-4 ચમચા, કોર્નફ્લોર-અડધી ચમચી, દૂધ અથવા પાણી-પા કપ, વેનિલા એસેન્સ-અડધી ચમચી.



રીત :
એક પેન અથવા તપેલીમાં કોકો પાઉડર, ખાંડ અને કોર્નફ્લોર મિક્સ કરો. તેમાં દૂધ અને વેનિલા એસેન્સ નાખો. ખૂબ સારી રીતે હલાવો અને તેમાં ક્યાંય ગાંઠા ન રહે તેનો ખ્યાલ રાખો. હવે મધ્યમ આંચે તેને સતત હલાવતા રહો. તે થોડી જ વારમાં ઘટ્ટ થવા લાગશે. પૂરતું ઘટ્ટ થઈ જાય એટલે આંચ પરથી ઉતારી લઇ તેને ઠંડું થવા દો. ચોકલેટ સિરપ ઠંડો થશે એટલે વઘારે ઘટ્ટ થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો