નાસ્તા

ખાંડવી :
સામગ્રી :
દહીં-1 કપ, પાણી-પા કપ, ચણાનો લોટ-અડધો કપ, હળદર-1 ચમચી, હીંગ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ.
વઘાર માટે :
તેલ-1 ચમચો, રાઇ-1 ચમચી, લીલાં મરચાં-2 નંગ, લીમડો-8-10 પાન, કોથમીર-થોડી, કોપરાનું છીણ-જરૂર પૂરતું, લાલ મરચું-અડધી ચમચી.



રીત :
દહીં, પાણી અને ચણાના લોટને સારી રીતે ગ્રાઈન્ડર થી એકરસ કરો. તેમાં ગાંઠા ન બાઝી જાય તેનું ધાય રાખવું. ત્યાર બાદ તેને એક કડાઈમાં નાખી ધીમી આંચે સતત હલાવતા રહો જેથી તેમાં ગઠ્ઠા ન પડે. ત્યાર બાદ બરાબર જાડું મિશ્રણ થાય એટલે તેને એક થાળીમાં પહેલા અંદરની બાજુ અને પછી બહારની બાજુ એમ બંને બાજુ ખીરું પાઠરી દો. દસ-પંદર મિનિટ પછી તેને એક ચપ્પા થી સેજ ઉખાડો જેથી તે ઉખડે એટલે હાથથી તેને ગોળ વાળી દો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં લઈ તેના કાપા પાડી દો. ત્યાર બાદ એક પેનમાં 1 ચમચો તેલ મુકી રાઈનો વઘાર કરો. તેમાં લીલાં મરચાં, લીમડો અને લાલ મરચું નાખી તે ખાંડવી ઉપર ગોળ ફરતું રેડી દો. ત્યાર બાદ કોથમીર અને કોપરાના છીણથી સજાવો.

_____________________________________________________________________

ફરાળી ખાંડવી :
સામગ્રી :
શિંગોડાનો લોટ-1 વાટકી, ખાટી છાશ-3 વાટકી, લીલાં મરચાંની પેસ્ટ-2 ચમચી, કોપરાનું છીણ-2 ચમચા, સિંધાલુણ-સ્વાદ મુજબ, જીરું-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, તલ-1 ચમચી, તેલ-વધાર માટે.



રીત :
એક તપેલીમાં શિંગોડાના લોટમાં છાશ રેડી, થોડું સિંધાલૂણ ભેળવી તેમાં ગાંઠા ન બાઝે એ રીતે પલાળી દો. હવે આને મધ્યમ આંચે સતત હલાવીને ખાંડવી પાથરી શકાય એવું ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી હલાવતાં રહો. મિશ્રણ તૈયાર થઇ જાય એટલે તેને તેલ લગાવેલી થાળીમાં પાતળું પડ બને એ રીતે પાથરો. ઠંડું પડે એટલે ચપ્પુથી લાંબા કાપા કરી તેના રોલ વાળી દો. ઉપર કોપરાનું છીણ ભભરાવી પ્લેટમાં ગોઠવો. હવે એક કડાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરું બદામી રંગનું થાય એટલે તલ અને મરચું નાખી આ વઘારને ખાંડવી પર રેડો.

_____________________________________________________________________

શિંગોડાના લોટની ઉપમા :
સામગ્રી :
શિંગોડાનો લોટ-200 ગ્રામ, રાજગરાનો લોટ-50 ગ્રામ, જીરું-અડધી ચમચી, બટાકા-1 નંગ, સમારેલાં લીલાં મરચાં-2 ચમચી, કાજુના ટુકડા-1 ચમચો, બદામના ટુકડા-1 ચમચો, દ્રાક્ષ-1 ચમચો, ખારેક-1 ચમચો, સિંધાલૂણ અને મરચું-સ્વાદ મુજબ, ઘી-100 ગ્રામ, લીંબુનો રસ-1 ચમચો, શેકેલા સિંગદાણા-1 ચમચો, પનીરનું છીણ-30 ગ્રામ, આદુંનું છીણ-2 ચમચી, કોથમીર-સજાવટ માટે.



રીત :
ઘી ગરમ કરી કડાઈમાં જીરાનો વઘાર કરો. તેમાં બટાકા ચઢવા દો. ત્યારબાદ તેમાંજ શિંગોડાનો લોટ અને રાજગરાનો લોટ નાખી બદામી રંગના થવા દો. પછી સમારેલાં મરચાં, આદું અને પાણી નાખો. ત્યારબાદ બાકીની બધી સામગ્રી નાખી સીઝવા દો. શીરા પર કોથમીર અને પનીરની છીણથી સજાવટ કરી સર્વ કરો.

_____________________________________________________________________

પૈહમ પૂરી :
સામગ્રી :
પાકું કેળુ-1 નંગ, ચોખાનો લોટ-પા કપ, મેંદો-પોણો કપ, એલચીનો ભૂકો-અડધી ચમચી, હળદર-ચપટી, ખાંડ-સ્વાદ મુજબ, પાણી-1-2 કપ, તેલ-જરૂર મુજબ.
 રીત :
એક બાઉલમાં મેંદો, ચોખાનો લોટ, હળદર, એલચીનો પાઉડર, ખાંડમાં પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. કડાઈમાં તેલ ગરમ કરી એમાં કેળાના ટુકડા બોળી તળી લો. બ્રાઉ રંગના થાય એટલે કડાઈમાંથી કાઢી મહેમાનોને ગરમા ગરમ સર્વ કરો.

_____________________________________________________________________

ટામેટાંની પૂરી :
સામગ્રી :
ઘઉંનો લોટ-1 કપ, રવો-3 કપ, બારીક સમારેલો ફુદીનો-2 ચમચા, ટામેટાંની પ્યોરી-1 કપ, જીરું-1 ચમચી, મરચું-1 ચમચી, બેકિંગ સોડા-ચપટી, તેલ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ, રવો, સમારેલો ફુદીનો, જીરું, મરચું, બેકિંગ સોડા, તેલ અને મીઠું ભેળવો. ટામેટાંની પ્યોરીથી લોટ બાંધો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો. આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દો. પછી તેમાંથી નાના નાના લૂઆ લઇ પૂરી વણી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી પૂરી તળી લો. આ પૂરીને લીલી ચટણી સાથે ખાવ.

_____________________________________________________________________

દાળની પૂરી :
સામગ્રી :
ઘઉંનો લોટ-1 વાટકી, અડદની દાળનો લોટ-2 વાટકી, લીલાં મરચાં-4 નંગ, આદુંનું છીણ-અડધી ચમચી, સમારેલી કોથમીર-જરૂરૂ મુજબ, હિંગ-ચપટી, જીરું-અડધી ચમચી, તેલ-મોણ માટે, તળવા માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બંને જાતના લોટ ભેળવીને મોણ નાખો. તે પછી બધી સામગ્રી લોટમાં ભેળવી કઠણ કણક બાંધો. એક કલાક માટે આ કણકને ઢાંકીને રાખો. તે પછી તેમાંથી નાના નાના લૂઆ વાળી પૂરી વણો. તેલ ગરમ કરી તેમાં આ પૂરી તળી લો ગરમાગરમ પૂરી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ચણાની દાળની પૂરી :
સામગ્રી :
મેંદો-1 ચમચો, ઘઉંનો લોટ-1 ચમચો, ચણાનો લોટ-1 ચમચો, રવો-1 ચમચો, બ્રેડક્રમ્બ્સ-1 ચમચો, દહીં-નાની વાટકી, બાફેલી ચણાની દાળ-20 ગ્રામ, બાફેલી અમેરિકન મકાઇ-20 ગ્રામ, બાફેલાં બટાકાનો માવો-10 ગ્રામ, સમારેલી પાલક-1 વાટકી, સમારેલું લીલું લસણ-નાની ચમચી, આદું-મરચાની પેસ્ટ-1 ચમચી, સમારેલી કોથમીર-1 વાટકી, પનીરનો ભૂકો-1 વાટકી, લીંબુનો રસ-2 ચમચી, તેલ-મોણ માટે, હળદર-મરી પાઉડર-મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બાફેલી ચણાની દાળને અધકચરી ક્રશ કરી તેમાં પનીરનો ભૂકો ભેળવો. તેમાં મકાઇના બાફેલા દાણા, સમારેલી પાલક, બટાકાનો માવો, લીલું લસણ, આદું-મરચાંની પેસ્ટ નાખીને મિશ્રણ તૈયાર કરવું. હવે બધા લોટને ભેગા કરીને તેમાં રવો અને બ્રેડક્રમ્બ્સ ભેળવો. તેમાં મરીનો પાઉડર, હળદર, મીઠું અને તેલનું મોણ નાખી તૈયાર કરેલું મિશ્રણ લીંબુનો રસ અને દહીં ઉમેરી લોટ બાંધો. લુઆ વાળીને જાડી પૂરી વણો અને નોનસ્ટિક લોઢી પર તેલ મૂકીને બંને બાજુ શેકી લો. બદામી રંગની થાય એટલે ચા સાથે સ્વાદ માણો.

_____________________________________________________________________

તલ પૂરી :
સામગ્રી :
પૂરી માટે : ચણાનો લોટ-1 વાટકી, શેકેલા તલ-50 ગ્રામ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, હળદર-1 ચમચી, પાણી-દોઢ વાટકી.



રીત :
ચણાના લોટમાં આદું-મરચાંની પેસ્ટ, શેકેલા તલનો ભૂકો, મીઠું અને હળદર નાખી પાણી રેડી ખીરું તૈયાર કરો. આ ખીરાને ગરમ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી રાખો. તે પછી તેલવાળી થાળીમાં પાથરી ઠંડું થવા દો. પછી વાટકીથી તેની નાની નાની પૂરી કાપી લો.

_____________________________________________________________________

મસાલા પૂરી :
સામગ્રી :
ઘઉંનો લોટ-1 વાટકી, ચણાનો લોટ-પા વાટકી, અથાણાનો મસાલો-1 ચમચી, રવો-પા વાટકી, તેલ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે.



રીત :
ઘઉંના લોટમાં ચણાનો લોટ, રવો, અથાણાનો મસાલો, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો. તેમાં જરૂર પૂરતું પાણી રેડી પૂરી માટેનો લોટ બાંધો. આમાંથી નાના નાના લૂઆ લઇ પૂરીઓ વણો અને તળી લો. આને ચા કે કોફી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ચણા સુંડલ :
સામગ્રી :
કાબુલી ચણા-1 કપ, કાચી કેરી-પા કપ, કોપરાનું છીણ-પા કપ, મીઠું-સ્વાદ મુજબ.
વઘાર માટે : રાઇ-1 ચમચી, અડદની દાળ-દોઢ ચમચી, આખા લાલ મરચાં-2 નંગ, હિંગ-2 ચપટી, લીમડો-8-10 પાન, તેલ-2 ચમચા.



રીત :
કાબુલી ચણાને પાણી પલાળી રાખો. પછી સાફ પાણીથી ધોઈ પ્રેશર કૂકરમાં સહેજ મીઠુ અને પાણી નાખી બાફી લો. કેરીને છીણી લો. હવે એક કડાઈમાં તેલ લઈ રાઇનો વઘાર કરો. અડદની દાળ, લાલ મરચાં, હિંગ અને લીમડો નાખી ફ્રાય કરો. જ્યારે અડદની દાળ બદામી રંગની થાય ત્યારે એમાં કેરીની છીણ નાખી થોડી વાર રાખો. બાફેલા કાબુલી ચણા, મીઠું અને કોપરાનું છીણ નાખી બરાબર બફાઈ જાય એટલે ખાવા આપો.

_____________________________________________________________________

ચણાની દાળની ભાખરવડી :
સામગ્રી :
ચણાની દાળ-250 ગ્રામ, ઘઉંનો લોટ-500 ગ્રામ, બારીક સમારેલાં લીલાં મરચા-5 નંગ, લસણ-10 કળી, જીરું-પા ચમચી, રાઇ-પાચમચી, હળદર-પા ચમચી, ધાણા પાઉડર-પા ચમચી, આમચૂર પાઉડર-સ્વાદ મુજબ, બારીક સમારેલું આદું-નાનો ટુકડો, લીમડો-8-10 પાન, મીઠું-સ્વાદ મુજબ, કોથમીર-જરૂર પૂરતી.



રીત :
ચણાની દાળને રાતે પલાળી દો. સવારે પાણી નિતારી ચણાની દાળમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરો. તેમાં જીરું, હળદર, લીલાં મરચાં, આદું પણ ક્રશ કરીને ભેળવો. તે પછી આમચૂર પાઉડર, સમારેલી કોથમીર, ધાણા પાઉડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. સહેજ કઠણ લોટ બાંધી નાના નાના લૂઆ લો. આમાંથી નાની પૂરી વણી ચણાની દાળના મિશ્રણને તેમાં ભરો અને રોલ વાળી બંને કિનારીએથી સહેજ દબાવી દો. આ રીત એક થાળીમાં 25-30 લૂઆ તૈયાર કરો. હવે મોટા તપેલામાં એક લિટર પાણી ગરમ કરો. પાણી ઉખલવા લાગે એટલે ચાળણી પર ભાખરવડી ગોઠવો. તે પછી મોટી થાળીથી ઢાંકીને અડધા કલાક સુધી રહેવા દો. તૈયાર ભાખરવડીના પ્રમાણસર ટુકડા કરી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

પૌઆનો મિક્સ ચેવડો :
સામગ્રી :
નાયલોન સાબુદાણા-અડધી વાટકી, નાયલોન પૌઆ-500 ગ્રામ, કોપરું-1 કાચલી, સીંગદાણા-અડધી વાટકી, મકાઇના પૌઆ-1 વાટકી, સાબુદાણાના પૌઆ-1 વાટકી, લીમડો-જરૂર મુજબ, તેલ-તળવા માટે, હળદર-1 ચમચી, મરચું-1 ચમચી, ધાણા પાઉડર-2 ચમચી,રાઇ-જરૂર પૂરતી, જીરું-પા ચમચી, ખસખસ-1 ચમચી, બૂરું ખાંડ-2 ચમચા, સમારેલાં લીલાં મરચાં-2-3 નંગ, હિંગ-પા ચમચી, વરિયાળી-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
પૌઆને એક કડાઇમાં લઈ ધીમી આંચે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. કોપરાની પાતળી સ્લાઈસ કરો. તે પછી બીજી કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સીંગદાણા, કોપરું, મકાઈના પૌઆ, સાબુદાણાના પૌઆ અને સાબુદાણા તળીને જુદા રાખો. હવે એક મોટા તપેલામાં લગભગ ચાર ચમચા તેલ ગરમ કરો. તેમાં રાઇ, જીરું, લીમડો અને લીલાં મરચાંનો વઘાર કરો. તે પછી ખસખસ તથા બીજી સામગ્રી નાખો. તેમાં શેકેલા પૌઆ નાખી મિક્સ કરો. આંચ પરથી ઉતારી લઈ બધી સામગ્રી ભેળવો અને સહેજ ઠંડો થાય એટલે મીઠું અને બૂરું ખાંડ ભેળવો. જો ચેવડામાં ખટાશ ઉમેરવી હોય તો થોડો આમચૂર મિક્સ કરી શકો છો. એકદમ ઠંડો થાય એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

_____________________________________________________________________

પૌંઆ ભેળ :
સામગ્રી :
પૌંઆ-250 ગ્રામ, બાફેલાં મગ-100 ગ્રામ, બાફેલાં વટાણા-100 ગ્રામ, સીંગદાણા-100 ગ્રામ, નાળિયેરનું છીણ-2 વાડકી, કાજુ-કિશમિશ-100 ગ્રામ,  ગાજર-2 નંગ, બાફેલાં બટાકા-2 નંગ, ડુંગળી-2 નંગ, રાઇ-જીરું-લીમડો-જરૂર પ્રમાણે, આદું-મરચાંની પેસ્ટ-2 ચમચી, મીઠું-તેલ-લીંબુનો રસ-ખાંડ-જરૂર પ્રમાણે, ઝીણી સમારેલી કોથમીર-1 વાડકી.



રીત :
પૌંઆ સાફ કરીને પલાળી લો. સીંગદાણામાં મીઠું નાખીને બાફી લો. ગાજરને છોલીને નાના ટુકડાં કરી બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો. એક કડાઇમાં તેલનો વઘાર મૂકીને રાઇ, જીરું, લીમડો નાખો. કાજુ-કિશમિશ નાખો. તેમાં આદું-મરચાં નાખીને ડુંગળી ઉમેરીને સાંતળો. બાફેલાં વટાણા, ગાજર, બટાકા, સિંગદાણા, પૌંઆ મગ બધું નાખીને સરખું હલાવો. તેમાં પ્રમાણસર મીઠું, ખાંડ, લીંબુનો રસ, કોથમીર, નાળિયેરનું છીણ બધું મિક્સ કરો. એક બાઉલમાં કાઢીને  ઉપર કોથમીર, નાળિયેરનું છીણ, દ્રાક્ષ નાખીને સર્વ કરો.

_____________________________________________________________________

ચટાકેદાર કુરમુરે પૌંઆ :
સામગ્રી :
મમરા-200 ગ્રામ, લીલાં મરચાં-3 નંગ, સમારેલાં ટામેટાં-3 નંગ, સમારેલી ડુંગળી-2 નંગ, સીંગદાણા-નાની વાટકી, ઝીણી સેવ-નાની વાટકી, પાલવની સેવ-નાની વાટકી, સમારેલી કોથમીર-1 વાટકી, લીમડો-5-7 પાંદડાં, જીરું-1 ચમચી, તળેલા કાજુ-2 ચમચી, હળદર-મીઠું-સ્વાદ પ્રમાણે.


રીત :
મમરાને એક ચાળણીમાં પાંચ-દસ મિનિટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ ગેસ ઉપર એક કડાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો. તેમાં મીઠો લીમડો નાખીને હળદર, સીંગદાણા, લીલાં મરચાં તેમ જ સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરો. થોડી વાર સાંતળીને તેમાં સમારેલાં ટામેટાં અને મીઠું ઉમેરવા. ત્યાર બાદ પલાળેલા પૌંઆ નાખીને હળવા હાથે હલાવો જેથી મમરા ભાંગી ન જાય. તે પછી આંચ પરથી નીચે ઉતારી લો. આ ચટાકેદાર કુરમુરે પૌંઆને તે ગરમ હોય ત્યારે જ એક બાઉલમાં કાઢી તેના પર પાલક સેવ, ઝીણી સેવ અને કોથમીર ભભરાવીને નાસ્તાનો સ્વાદ માણી શકો છો.

_____________________________________________________________________

ખસ્તા કચોરી :
સામગ્રી :
ઘઉંનો લોટ-1 વાટકી, મેંદો-1 વાટકી, તેલ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, અજમો-જરૂર પૂરતો.
સ્ટફિંગ માટે : ચણાનો લોટ-1 વાટકી, મીઠું-સ્વાદ મુજબ, મરચું-1 ચમચી, જીરું-1 ચમચી, વરિયાળી-1 ચમચી, તલ-1 ચમચી, ધાણા-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, તેલ-મોણ માટે અને તળવા માટે.



રીત :
સૌ પ્રથમ લોટમાં બધી સામગ્રી ભેળવી કણક બાંધો. આને થોડી વાર રહેવા દો. ચણાના લોટમાં બધો મસાલો ભેળવી ખૂબ મોણ નાખી ગોળા વળે એવું મસળી નાના નાના ગોળા વાળો. હવે લોટમાંથી લૂઆ લઈ પૂરી વણી તેની વચ્ચે સ્ટફિંગનો ગોળો મૂકી હાથથી ગોળ ગોળ દબાવતાં જઈ કચોરીનો આકાર આપો. તેલ ગરમ કરી ધીમી આંચે બધી કચોરી તળી લો. ગરમાગરમ કચોરી આમલી કે લીલી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ગળી સેવ :
સામગ્રી :
ચણાનો લોટ-250 ગ્રામ, ગોળ-750 ગ્રામ, વરિયાળી-1 ચમચી, પાણી-2 કપ, તેલ-તળવા માટે.



રીત :
ચણાના લોટમાં વરિયાળી ભેળવો અને જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધો. આ લોટમાંથી સંચાની મદદથી સેવ બનાવીને તળી લો. એક તપેલીમાં ગોળ અને પાણી ભેગાં કરી બેતારી ચાસણી તૈયાર કરો. તેમાં સેવ નાખી એકરસ કરો. જ્યારે સેવ ચાસણી શોષી લે એટલે તેને આંચ પરથી ઉતારી લો.

_____________________________________________________________________

સેવ મઠરી :
સામગ્રી :
મેંદો-150 ગ્રામ, શાહજીરું-અડધી ચમચી, ઘી-2 ચમચા, કસૂરી મેથી-1 ચમચી, મરીનો પાઉડર-1 ચમચી, લવિંગ-5 નંગ, રવો-1 ચમચી, બિકાનેરી સેવ-જરૂરી મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક બાઉલમાં મેંદો, શાહજીરું, મીઠું, ઘી, કસૂરી મેથી, લવિંગ, મરીનો અધકચરો પાઉડર અને રવો નાખી સારી રીતે મિક્સ કરો. આમાં જરૂર પૂરતું ગરમ પાણી ઉમેરી લોટ બાંધો. લોટ બંધાઇ જાય એટલે તેમાં બિનારી સેવ નાખી કૂણવો. તેમાંથી લાંબી પાતળી રોટલી વણો. આમાંથી મનગમતા આકારની મઠરી તૈયાર કરી સૂકાવા દો. હવે કડાઇમાં ઘી ગરમ કરી તેમાં સેવ મઠરીને બ્રાઉન રંગની તળી લો. ગરમાગરમ મઠરી કેરી અને લીંબુના અથાણાં સાથે સર્વ કરો.
નોંધ : નવો નવો સ્વાદ મેળવવા માટે આલુ સેવ, પાલક સેવ, ટામેટાં સેવ, રતલામી સેવ વગેરેનો ઉપયોગ કરી શકો છો.

_____________________________________________________________________

સેવરી સ્નેક :
સામગ્રી :
ચણાની દાળ-1 વાડકી, પલાળેલા મસુર-1 વાડકી, પલાળેલી મગની ફોતરાવાળી દાળ-સવા વાડકી, પૌંખા-1 વા઼ડકી, બટાકા-3 નંગ, ઝીણી સેવ-સવા વાડકી, મીઠું, હળદર, મરચું-સવા ચમચી, આમચૂર પાઉડર-સવા ચમચી, સંચળ-સવા ચમચી, મરી-હીંગ-ચપટી, તેલ-તળવા માટે.



રીત :
ત્રણે પલાળેલા કઠોળને કપડા ઉપર કોરા કરવા. તેલ ગરમ મૂકી આછો ધૂમાડો નીકળે એટલે વારાફરતી ગુલાબી તળવા. વારંવાર હલાવ્યા કરવા. તળીને પેપર ઉપર કાઢવા. આકરા તાપે ચારણીમાં થોડા થોડા પૌંઆ મૂકીને તળવા. બટાકાને છોલી છીણવા. છીણને 2 થી 3 વાર પાણીમાં ધોઈ, કપડા વચ્ચે દબાવી કોરું કરવું. ચારણીમાં થોડું થોડું લેતા જઈ ગુલાબી તળવું. તળેલી બધી જ ચીજો ભેગી કરી સૂચવેલા મસાલા ભેળવવા. તળેલો મીઠો લીમડો નાખવો. સેવ ઉમેરી બરાબર હલાવીને પ્લાસ્ટિકની કોથળીમાં ભરવું. સ્ટીલના ઉભા ડબ્બામાં ટાઇટ બંધ રાખવું જરૂર મુજબ વાપરવું.
નોંધ : મસુરને 8 કલાક, ચણાની દાળ તથા મગની દાળ 6 કલાક પલાળવા. પલાળેલી મગની દાળને ઘસીને છોતરા કાઢી નાંખવા. તળીને તરત જ મસાલા નાંખવા. ઠંડામાં મસાલા ભળશે નહીં. સંચળની ખારાશને લીધે મીઠું ઓછું નાખવું. સ્નેક એકદમ ઠંડો થાય પછી જ પ્લાસ્ટિકની થેલીમાં ભરવો. લાંબો સમય સાચવવો હોયતો અડધો ફ્રીજમાં મૂકી દેવો. ખોરાશ અટકાવાશે.

_____________________________________________________________________

ફરાળી ચકરી :
સામગ્રી :
શિંગોડાનો લોટ-250 ગ્રામ, કુટ્ટુનો લોટ-100 ગ્રામ, રાજગરાનો લોટ-100 ગ્રામ, સીંગદાણા-100 ગ્રામ, સિંધાલૂણ-સ્વાદ મુજબ, તેલ તળવા માટે, બાફેલા બટાકા-1 નંગ, સફેદ તલ-1 ચમચી, બારીક સમારેલી કોથમીર-લીલાં મરચાં-1 ચમચો.



રીત :
ત્રણે લોટને ભેગાં કરી તેમાં બાફેલા બટાકાને મસળીને મિક્સ કરો. તેમાં સીંગદાણાનો ભૂકો, સિંધાલૂણ, કોથમીર-મરચાં, તલ, એક ચમચો તેલ અને મરચું ભેળવી કઠણ કણક બાંધો. તેલ ગરમ કરો. હવે લોટને ચકરી બનાવવાના સંચામાં ભરી તેલમાં ચકરી પાડી તળી લો. ગરમાગરમ ચકરીનો સ્વાદ માણો.

_____________________________________________________________________

ફરાળી ચકરી :
સામગ્રી :
બટાકા-2 નંગ, રાજગરાનો લોટ-1 વાટકી, શિંગોડાનો લોટ-1 વાટકી, મોરૈયાનો લોટ-અડધી વાટકી, મરચું-1 ચમચી, જીરું-1 ચમચી, ખાવાનો સોડા-ચપટી, તેલ-તળવા માટે, સિંધાલૂણ-જરૂર મુજબ.



રીત :
બટાકાને બાફી, છોલીને છીણ બનાવો. આ છીણમાં રાજગરાનો, મોરૈયાનો અને શિંગોડાનો લોટ ભેળવો. તેમાં સિંધાલૂણ મરચું, જીરું અને ખાવાનો સોડા મિક્સ કરી ચકરી પડે એ રીતે માવો તૈયાર કરો. જો બટાકાનું મિશ્રણ હાથમાં ચોંટતું હોય તો હથેળીને સહેજ પાણીવાળી કરી ચકરી પડે એવું મિશ્રણ બનાવો. હવે ચકરી પાડવા માટેના સંચામાં આ મિશ્રણ ભરો. તેલ ગરમ મૂકી તેમાં સંચાથી ચકરી પાડો અને તળી લો. ઠંડી થાય એટલે એક ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખો. ચકરી આઠ-દસ દિવસ સુધી રહેશે.


_____________________________________________________________________

ચટપટ ચંદ્રકલા :
સામગ્રી :
મેંદો-2 કપ, મીઠું-1 ચમચી.
સ્ટફિંગ માટે : મિક્સ શાક-2 કપ, બારીક સમારેલું કેપ્સિકમ-2 ચમચા, લસણની પેસ્ટ-2 કળી, કોર્નફ્લોર-1 ચમચો, સોયા સોસ-2 ચમચી, ચિલી ફ્લેક્સ-1 ચમચી, આજીનો મોટો-ચપટી, ખાંડ-પા ચમચી, મીઠું-સ્વાદ અનુસાર, મરીનો પાઉડર-સ્વાદ અનુસાર, તેલ-તળવા માટે.



રીત :
ગાજર, કોબીજ, લીલી ડુંગળી, બેબીકોર્ન વગેરે શાકભાજીની લાંબી પાતળી ચીરીઓ કરો. મેંદામાં મીઠું અને એક ચમચો ગરમ તેલ નાખી લોટ બાંધો. એક ચમચી તેલ ગરમ કરો. તેમાં લસણની પેસ્ટ સાંતળી બદામી રંગની થાય એટલે બધા શાક નાખો. શાક સહેજ બફાય એટલે કોર્નફ્લોર, ચીલી ફ્લેક્સ, આજીનો મોટો, ખાંડ, મીઠું, મરીનો પાઉડર, સોયા સોસ અને સમારેલા કેપ્સિકમ ભેળવો. આ મિશ્રણને ઠંડું થવા દો. મેંદાના લોટમાંથી લૂઆ બનાવી એકસરખા આકારની બે પૂરી વણો. સંચાને તેલવાળો કરી તેમાં એક પૂરી ગોઠવો. પછી તેના પર મિશ્રણ પાથરી કિનારીએ પાણી લગાવી દો. આના પર બીજી પૂરી મૂકી સંચાને દબાવી બંધ કરો અને વધારાની કિનારીને કાઢી નાખો. એક થાળીમાં કોરો મેંદો ભભરાવી તેમાં ચંદ્રકલાને અલગ અલગ ગોઠવતાં જાવ. તે પછી ગરમ તેલમાં તળી લો.

_____________________________________________________________________

દૂધીના મૂઠિયાં :
સામગ્રી :
દૂધીનું છીણ-1 વાટકી, રાજગરાનો લોટ-1 વાટકી, શેકેલા સીંગદાણાનો ભૂકો-1 ચમચો, સીંગદાણા-1 ચમચો, સમારેલાં લીલાં મરચાં-2-3 નંગ, સમારેલી કોથમીર-1 ઝૂડી, જીરું-અડધી ચમચી, મરી-જરૂર મુજબ, તેલ-વધાર માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
દૂધીના છીણમાંથી પાણી નિતારી લો. તેલ સિવાયની બધી સામગ્રી દૂધીના છીણમાં મિક્સ કરો. જરૂર લાગે તે દૂધીમાંથી નિતારેલું પાણી થોડું ઉમેરી શકો છો. આનો કઠણ લોટ બાંધી તેમાંથી થોડો થોડો લોટ લઇ મૂઠિયાં વાળો. એક કડાઇમાં તેલ ગરમ કરો અને બધા મૂઠિયાંને બ્રાઉન રંગના તળી લો.

_____________________________________________________________________

કોથમીરના મૂઠિયાં :
સામગ્રી :
ચણાનો લોટ-2 કપ, સમારેલી કોથમીર-દોઢ કપ, હળદર-અડધી ચમચી, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, તલ-અડધી ચમચી, હિંગ-ચપટી, વઘાર માટે : રાઇ-અડધી ચમચી, જીરું-અડધી ચમચી, હિંગ-ચપટી, તલ-1 ચમચી, લીંમડો-7-8 પાન, સમારેલું મરચું-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
ચણાના લોટમાં સમારેલી કોથમીર, હળદર, આદું-મરચાંની પેસ્ટ, તલ, હિંગ અને મીઠું ભેળવી જરૂર પૂરતું પાણી રેડી કણક બાંધો. તેમાંથી મોટા મોટા લુઆ લો. એક તપેલીમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ઉભો સેપ આપી મૂઠિયાં ભરો. હવે હાંડવાના કૂકરમાં આ તપેલી મૂકી તેજ આંચે પંદર-વીસ મિનિટ વરાળથી બફાવા દો. પછી આંચ પરથી ઉતારી લઇ મૂઠિયાંના પીસ કરો. એક કડાઇમાં ચમચો તેલ ગરમ કરી રાઇ અને જીરાનો વઘાર કરો. તેમાં હિંગ, લીમડો, લીલું મરચું અને તલ નાખી વઘારો આને લીલી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

રવા દહીંના ટોસ્ટ :
સામગ્રી :
બ્રેડ-6 સ્લાઇસ, રવો-1 કપ, દહીં-1 કપ, આદુંની પેસ્ટ-1 ચમચી, સમારેલાં લીલાં મરચાં-1 નંગ, તેલ-4 ચમચા, સમારેલી કોથમીર-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌથી પહેલાં એક બાઉલમાં રવો અને દહીં લઈ બરાબર મિક્સ કરો અને દસ મિનિટ ઢાંકીને રહેવા દો. તે પછી તેમાં કોથમીર, મીઠું અને આદુંની પેસ્ટ નાખો અને મિક્સ કરો. હવે બ્રેડની સ્લાઇસને ત્રિકોણ આકારની કાપો. લોઢી ગરમ કરી બ્રેડનો એક પીસ લઈ તેની બંને બાજુએ દહીંનું મિશ્રણ સારી રીતે લગાવો. લોઢી ગરમ થાય એટલે તેના પર સહેજ તેલ મૂકી બ્રેડના પીસને થોડી થોડી વારે ફેરવીને બ્રાઉન કલરના સાંતળો. રવા-દહીંના ટોસ્ટ તૈયાર છે. આને સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

મગની દાળના ટોસ્ટ :
સામગ્રી :
બ્રેડની સ્લાઇસ-10 નંગ, મગની દાળ-1 વાડકી, વાટેલાં આદું-મરચાં-1 ચમચી, કોપરાનું છીણ-1 ચમચો, ઘી/માખણ-2 ચમચા, કિશમિશ-50 ગ્રામ, મીઠું-ખાંડ-લીંબુ-જરૂર પ્રમાણે, કોથમીરની ચટણી-જરૂર પ્રમાણે.



રીત :
મગની દાળ ધોઈને અધકચરી બાફી લો. પછી તેને નીચે ઉતારી લઇ દાળ ઠંડી પડે એટલે તેમાં મીઠં-ખાંડ, લીંબુનો રસ, વાટેલાં આદું-મરચાં, કિશમિશ અને કોપરાનું છીણ નાખીને મિશ્રણ તૈયાર કરો. બ્રેડની બે સ્લાઇસ લઇ તેના પર માખણ લગાવો. તેમાં વચ્ચે મગની દાળનું પૂરણ ભરીને બીજી બ્રેડ મૂકીને સેન્ડવિચ જેવું બનાવી બંને તરફ ઘી મૂકીને શેકી લો. આ ટોસ્ટને કોથમીરની ચટણી કે સોસ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ક્રીમ્ડ બ્રોકોલી ઓન ટોસ્ટ :
સામગ્રી :
બ્રોકોલી-1 મધ્યમ, બ્રેડ-6 સ્લાઇસ, બટર,1 ચમચી, છીણેલું ચીઝ-2 ચમચી, બારીક સમારેલી ડુંગળી-1 ચમચી, મરી-સવા ચમચી, બારીક સમારેલું મરચું-1 નંગ, વ્હાઇટ સોસ-સવા વાટકી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બ્રોકોલીને કાપીને નાના છૂટાં કરવા. થોડું પાણી નાંખી ચડાવી લેવા, પાણી બળી જવા દેવું. ચારે તરફથી બ્રેડની સ્લાઇસનો કઠણ ભાગ કાપીને દૂર કરવો. થોડું બટર ગરમ મૂકી કાંદો સાંતળવો. બ્રોકોલી, વ્હાઇટ સોસ, મીઠું, મરી, લીલા મરચાં નાખવા. સામાન્ય ઢીલું મિશ્રણ તૈયાર કરવું. દરેક સ્લાઇસ ઉપર બ્રોકોલીનું મિશ્રણ પાથરવું. ઉપર થોડું ચીઝ ભભરાવવું. બેકિંગ ડિશમાં બટર લગાવી તૈયાર કરેલી સ્લાઇસ ઓવનમાં બેક કરી ઉપયોગમાં લેવી.
(નોંધ : લીલા મરચાંને બદલે હોટ ચીલી સોસ વાપરી શકાય છે.)

_____________________________________________________________________

પનીર ટોસ્ટ :
સામગ્રી :
બ્રેડ-2-3 સ્લાઇસ, પનીર-100 ગ્રામ, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું ટામેટાં-1 નંગ, લીલાં મરચાં-2 નંગ, જીરું-અડધી ચમચી, હળદર-પા ચમચી, મરચું-પા ચમચી, કોથમીર-2-3 ચમચા, ચાટ મસાલો-અડધી ચમચી, તેલ/માખણ-જરૂર મુજબ, ચીઝ-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
પનીર ટોસ્ટ બનાવતાં પહેલાં સૌથી પહેલાં ટોપિંગ માટેનું મિશ્રણ તૈયાર કરો. એ માટે એક બાઉલમાં પનીરનો ભૂકો કરો. તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં, જીરું, હળદર, મરચું, સમારેલી કોથમીર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. હવે પનીર ટોસ્ટ તૈયાર કરવા માટે બ્રેડની એક સ્લાઇસ લઇ તેની એક તરફ બે ચમચા ટોપિંગનું મિશ્રણ અને ચીઝ પાથરી તેને હાથથી સહેજ દબાવી સેટ કરો. આ રીતે બધી બ્રેડ તૈયાર કરો. તે પછી એક નોનસ્ટિક લોઢી ગરમ કરી તેમાં થોડું માખણ કે તેલ ગરમ કરો. બ્રેડની સ્લાઇસને તેના પર મૂકી મધ્ય આંચે માખણ કે તેલ મૂકીને એક મિનિટ શેકો. પછી સાચવીને તેને બીજી બાજુ ફેરવો અને એ તરફ પણ તેલ લગાવી શેકી લો. ટેસ્ટી પનીર ટોસ્ટ તૈયાર છે. આ જ રીતે બાકીના ટોસ્ટ પણ બનાવો.

_____________________________________________________________________

બ્રેડ ચીઝ ટોસ્ટ :
સામગ્રી :
બ્રેડ સ્લાઇસ-8 નંગ, ડુંગળી-એક નંગ, લીલાં મરચાં-5 નંગ, લીંબુનો રસ-2 ચમચી, કાળા મરી પાઉડર-ચપટી, ઓરેગાનો-1 મોટી ચમચી, ગ્રીન શિમલા મરચાં-અડધી ચમચી, લીલા ધાણા-1 ચમચી, ચીઝ સ્લાઇસ-ઇચ્છા મુજબ.



રીત :
શિમલા મરચાં, ડુંગળી, લીલાં મરચાં અને લીલા ધાણાને ઝીણા સમારીને એક બાઉલમાં મૂકો. તેમાં લીંબુનોરસ, ઓરેગાનો અને કાળા મરી પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો. હવે મીડિયમ ગેસ પર નોન સ્ટિક તવો મૂકો અને તેમાં બધી બ્રેડને એક એક કરીને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે બધી બ્રેડ સ્લાઇસ પર તૈયાર કરેલા મિશ્રણને પાથરો અને તેના પર ચીઝ સ્લાઇસ મૂકી દો. (તમે ચીઝને છીણી પણ શકો છો) હવે એક એક કરીને બ્રેડ તવા પર મૂકો અને જ્યારે ચીઝ ઓગળવા માંડે તો તવા પરથી ઉતારી લો. તૈયાર બ્રેડ ચીઝ સ્ટોસ્ટને ચા કે કોફી સાથે ખાવ.

_____________________________________________________________________


1 ટિપ્પણી: