ઢોસા / ઇડલી / અપ્પમ / પૂડલા

મસાલા ઢોસા :
સામગ્રી :
અડદની દાળ-1 કપ, ચોખા-3 કપ, ચણાની દાળ-2 ચમચા, મેથી-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
  
 
 રીત :
અડદની દાળ, ચોખા, ચણાની દાળ અને મેથીને ધોઇને છ-સાત કલાક માટે પલાળી રાખો. તે પછી તેને મિક્સરમાં બારીક ક્રશ કરી ખીરું તૈયાર કરો. આ તૈયાર ખીરામાં આથો લાવવા માટે તેને છ-સાત કલાક ઢાંકીને રહેવા દો. તે પછી આથો આવેલા ખીરામાં મીઠું નાખી ચમચાથી હલાવો. ત્યાર બાદ નોનસ્ટિક પેન પર આ ખીરાને પાથરો, કિનારીએ તેલ મૂકી ઢોસાને બ્રાઉન રંગના શેકી લો. ક્રિસ્પી ઢોસામાં વચ્ચે બટાકા, ડુંગળીનું શાક મૂકી ફોલ્ડ કરી દો. આ ઢોસા સાંભલ અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
નોંધ : તમે ઇચ્છો તો ઢોસાના ખીરાને ક્રશ કરતી વખતે તેમાં બે ચમચા ચણાની દાળ અને બે ચમચી મેથીદાણા નાખવાથી ઢોસા વધારે ક્રિસ્પી બનશે અને તેનો રંગ પણ ગોલ્ડન બ્રાઉન થશે.

_____________________________________________________________________

 બાજરાના ઢોસા :
સામગ્રી :
અડદની પલાળેલી દાળ-1 કપ, બાજરીનો લોટ-3 કપ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
અડદની પલાળેલી દાળને મિક્સ કરી. બારીક ક્રશ કરો. તેમાં બાજરીનો લોટ ભેળવો. ઢોસાના ઘટ્ટ મિશ્રણ જેવું ખીરું જરૂર પૂરતું પાણી રેડી તૈયાર કરો. સ્વાદ મુજબ મીઠું ભેળવો. એક નોનસ્ટિક પેન ગરમ કરી તેના પર થોડું ખીરું પાથરો. તેને બંને બાજુએ તેલ લગાવી સાંતળો. ટમેટાંની ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ઓટ્સ ઢોસા :
સામગ્રી :
ઓટ્સ-1 કપ, ચોખાનો લોટ-2 કપ, બારીક સમારેલાં લીલાં મરચાં-2 ચમચા, હિંગ-ચપટી, તેલ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ઓટ્સને પાણીમાં પંદર-વીસ મિનિટ પલાળી રાખો. મીઠા સિવાયની તમામ સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લો. આ મિશ્રણ ઢોસાના ખીરા જેવું બનવું જોઇએ. હવે તેમાં મીઠું નાખીને હલાવો. નોનસ્ટિક લોઢી ગરમ કરી તેના પર થોડું તેલ લગાવો. આના પર એક ચમચો મિશ્રણ લઇ પાથરો. એક તરફ શેકાઇ જાય એટલે બીજી તરફ ફેરવો. એને પણ બ્રાઉન રંગનું પડ થાય એટલે પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો.

*************************************************************************

 વેજિટેબલ ઇડલી :
સામગ્રી :
ચોખા-2 વાટકી, અડદની દાળ-1 વાટકી, ફણગાવેલા મગ-અડધી વાટકી, ફણગાવેલા સોયાબીન-અડધી વાટકી, ગાજરનું છીણ-અડધી વાટકી, સમારેલી કોબીજ-અડધી વાટકી, ખાવાનો સોડા-2 ચમચી, ચણાની પલાળેલી દાળ-1 ચમચી, લીમડો-વઘાર માટે, રાઇ-વઘાર માટે, તેલ-જરૂર પૂરતું, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચોખા અને અડદની દાળને આગળની રાતે પલાળી દો. બીજા દિવસે સવારે મિક્સરમાં ક્રશકરી લો. તે પછી તેમાં મીઠું અને ખાવાનો સોડા નાખી આથો આવે તે માટે ગરમીવાળી જગ્યાએ મૂકી રાખો. હવે એક ચમચી તેલ ગરમ કરી રાઇ વઘારો. તેમાં લીમડાના પાન, પલાળેલી ચણાની દાળ, ગાજરનું છીણ, સમારેલી કોબીજ, ફણગાવેલા મગ અને સોયાબીન અને મીઠું નાખી થોડી વાર હલાવીને પછી આંચ પરથી ઉતારી લો. હવે ઇડલીના મોલ્ડમાં તેલ લગાવી તેમાં ઇડલીનું મિશ્રણ ભરો. તે પછી એક ચમચી વેજિટેબલનું મિશ્રણ ગોઠવો. તે પછી ફરી ઇડલીનું ખીરું ભરો. આને દસ-પંદર મિનિટ સુધી વરાળથી બાફી લો. વેજિટેબલ ઇડલી તૈયાર થઇ જાય એટલે સહેજ માખણ લગાવી નાળિયેરની ચટણી અને સાંભર સાથે સર્વ કરો.

_____________________________________________________________________

તવા ઇડલી :
સામગ્રી :
ઇડલી-4-5 નંગ, તેલ-1 ચમચો, જીરું-1 ચમચી, આદુંની છીણ-અડધી ચમચી, ડુંગળી-1 નંગ, ટામેટાં-1 નંગ, કેપ્સિકમ-1 નંગ, મરચું-જરૂર પૂરતું, પાઉંભાજીનો મસાલો-જરૂર મુજબ, પાણી-1 ચમચો, લીંબુનો રસ-પા ચમચી, સમારેલી કોથમીર-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ઇડલીના ટુકડા કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો. તે બ્રાઉન રંગનું થાય એટલે તેમાં આદુંની છીણ, સમારેલાં ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ તથા લીમડો નાખીને સાંતળો. જરૂર મુજબ, મીઠું, મરચું અને પાઉંભાજીનો મસાલો નાખી મિક્સ કરો. ઇડલીના ટુકડા અને પાણી નાખી મિક્સ કરો. છેલ્લે લીંબુનો રસ અને સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

*************************************************************************

મગના અપ્પમ :
સામગ્રી :
મગની મોગર દાળ-1 વાટકી, ચોખા-2 વાટકી, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, બારીક સમારેલી ડુંગળી-1 વાટકી, બારીક સમારેલી કોથમીર-અડધી વાટકી, તેલ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ.





રીત :
દાળ અને ચોખાને ત્રણ-ચાર કલાક પલાળી રાખી પછી પાણી નિતારી લઇ ક્રશ કરી લો. આમાં મીઠું ભેળવી આઠ-દસ કલાક (આથો આવે તેટલો સમય) રાખો. તેમાં આદું-મરચાંની પેસ્ટ, ડુંગળી, કોથમીર અને તેલ ઉમેરી મિક્સ કરો. હવે અપ્પમના મોલ્ડમાં તેલ લગાવી આંચ પર મૂકો. ગરમ થાય એટલે તેમાં મિશ્રણ ભરી આંચ ધીમી કરી દો. મોલ્ડને ઢાંકી દો. એક તરફથી અપ્પન બ્રાઉન થાય બીજી બાજુ ફેરવો કોપરાની ચટણી સાથે સર્વ કરો.

*************************************************************************

ફરાળી પૂડલા :
સામગ્રી :
દૂધીનું છીણ-1 વાટકી, શિંગોડાનો લોટ-2 વાટકી, સિંધાલૂણ-સ્વાદ મુજબ, બારીક સમારેલાં લીલાં મરચાં-3 નંગ, બારીક સમારેલી કોથમીર-જરૂર મુજબ, ઘી-જરૂર મુજબ.





રીત :
દૂધીમાં ઘી સિવાયની બધી સામગ્રી નાખી સારી રીતે મિક્સ કરો. તેમાં જરૂર પૂરતું પાણી રેડી ઘટ્ટ ખીરું તૈયાર કરો. હવે જાડા તળિયાવાળી લોઢી પર ઘી લગાવી તેના પર આ ખીરું પાથરી પૂડલો બનાવો અને ઘી મૂકી બંને બાજુએ શેકી લો. ગરમાગરમ પૂડલા ગળી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

 સ્ટફ્ડ મેથી પૂડલા :
સામગ્રી :
ચણાનો લોટ-2 કપ, ખાવાનો સોડા-પા ચમચી, લાલ મરચું-1 ચમચી, અજમો-1 ચમચી, હિંગ-ચપટી, સમારેલી મેથી-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
સ્ટફિંગ માટે : સમારેલી ડુંગળી-2 નંગ, સમારેલી મેથી-1 કપ, પનીરનું છીણ-100 ગ્રામ, મરીનો પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સ્ટફિંગ માટે એક કડાઇમાં એક ચમચી તેલ ગરમ કરો અને તેમાં ડુંગળીને આછા બ્રાઉન રંગની સાંતળો. તેમાં સમારેલી મેથી, પનીરનું છીણ, મીઠું અને મરીનો પાઉડર ભેળવીને શેકો. તે પછી એક તરફ રાખી ઠંડું થવા દો. એક બાઉલમાં ચણાનો લોટ, સોડા, મીઠું, મરચું, હિંગ, અજમો અને સમારેલી મેથી લઈ તેમાં જરૂર પૂરતું પાણી રેડી પૂડલા માટેનું ખીરું તૈયાર કરો. નોનસ્ટિક પેન ગરમ કરી તેમાંથી પૂડલા બનાવો. વચ્ચે સ્ટફિંગ મૂકીને કિનારીએથી વાળી લો. ગરમાગરમ પૂડલા ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

રવા-ચણાના લોટના પૂડલા :
સામગ્રી :
ચણાનો લોટ-2 વાટકી, રવો-પા વાટકી, છાશ-પા વાટકી, આદું-ડુંગળી-લસણની પેસ્ટ-1 ચમચો, ખાવાનો સોડા-ચપટી, પનીરના નાનાં ટુકડા-100 ગ્રામ, બારીક સમારેલાં ટમેટા-3 નંગ, બાફેલા વટાણા-અડધી વાટકી, સમારેલી કોથમીર-જરૂર મુજબ, મરચું-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચણાનો લોટ, રવો, છાશ અને સોડાને બરાબર મિક્સ કરો. તેમાં પાણી રેડી ખીરું તૈયાર કરો. મીઠું, મરચું, આદું-ડુંગળી-લસણની પેસ્ટ ભેળવો. નોનસ્ટિક લોઢી ગરમ કરી તેના પર થોડું પાણી છાંટો. પછી સાફ કપડાંથી લૂછીને પૂડલાનું મિશ્રણ પાથરો. ચમચાથી તેને ગોળાકાર બનાવી બંને બાજુએ બ્રાઉન રંગના સાંતળો. પછી પ્લેટમાં કાઢી લો. પનીર, ટમેટા, વટાણામાં મરચું, મીઠું અને કોથમીર ભેળવી પૂડલા પર પાથરી તેને વાળી દો. ચટણી સાથે પૂડલા સર્વ કરો.

_____________________________________________________________________

પંચગુણી પૂડલા :
સામગ્રી :
મગ-1 વાટકી, મઠ-1 વાટકી, અડદ-1 વાટકી, ચણા-અડધી વાટકી, સોયાબીન-અડધી વાટકી, બારીક સમારેલી મેથી-1 કપ, લીલાં મરચાં-4-5 નંગ, બારીક સમારેલી કોથમીર-અડધી વાટકી, તેલ-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
પાંચેય કઠોળને એક દિવસ અગાઉ સવારે પલાળી દો. છ કલાક પછી પાણી નિતારી જાડા કપડાંમાં બાંધો. આ કઠોળને બીજા દિવસ સુધીમાં ફણગા ફૂટી જશે. તે પછી મિક્સરમાં  સૌ પ્રથમ ચણા અને સોયાબીનને ક્રશ કરી, ત્યાર બાદ બાકીની વસ્તુઓ અધકચરી ક્રશ કરી લો. ઉપર જણાવેલા બધા મસાલા અને કોથમીર પણ મિક્સ  કરો. નોનસ્ટિક લોઢી ગરમ કરી પાતળા પૂડલા બનાવો. ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ફણગાવેલા મગના પૂડલા :
સામગ્રી :
ચણાનો લોટ-દોઢ કપ, ફણગાવેલા મગ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, ચાટ મસાલો-1 ચમચી, મરચું-1 ચમચી, દહીં-3 ચમચા, અજમો-પા ચમચી, હળદર-પા ચમચી, સમારેલાં લીલાં મરચાં-5 નંગ, સમારેલી કોથમીર-2 ચમચા, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલા ટામેટાં-2 નંગ, લીંબુનો રસ-1 ચમચી, તેલ-તળવા માટે.



રીત :
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, મરચું, અજમો, હળદર, સમારેલાં અડધા ભગાના લીલાં મરચાં, કોથમીર, ડુંગળી અને દહીં નાખી મિક્સ કરો. જરૂર પૂરતું પાણી ઉમેરી પૂડલા માટેનું ખીરું તૈયાર કરો. બીજા બાઉલમાં ફણગાવેલા મગ લઇ તેમાં ટામેટાં, બાકીના લીલાં મરચાં, કોથમીર, મીઠું, ચાટ મસાલો અને લીંબુનો રસ ભેળવો. લોઢી ગરમ કરી તેના પર સહેજ તેલ મૂકો. ત્યાર બાદ એક ચમચો ખીરું રેડી તેની આસપાસ ચમચીથી તેલ મૂકો અને તે આછા બ્રાઉન રંગના શેકો. આ જ પ્રમાણે બીજી તરફ પણ શેકો. એક બાજુએ સ્ટફિંગ મૂકી બંને બાજુએથી વાળી દઇ ગરમ ગરમ જ સર્વ કરો.

_____________________________________________________________________


ચાઇનીઝ પૂડલા :
સામગ્રી :
ચોખાનો લોટ-2 કપ, ચણાનો લોટ-1 ચમચો, તેલ-1 ચમચો, હળદર-અડધી ચમચી, તેલ-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.
સ્ટફિંગ માટે : ગાજર-1 નંગ, કેપ્સિકમ-1 નંગ, ડુંગળી-1 નંગ, સોયા સોસ-1 ચમચો, ચિલિ સોસ-1 ચમચો, સેઝવાન સોસ-1 ચમચો, વિનેગર-1 ચમચો, બારીક સમારેલું લસણ-1 ચમચો, તેલ-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
પૂડલાની સામગ્રી અને પાણી ભેળવીને ખીરું તૈયાર કરો. તેમાં એક ચમચો તેલ ભેળવી ખૂબ હલાવી પંદર મિનિટ સુધી રહેવા દો. ગાજરને છીણી લો. ડુંગળીની છીણ બનાવો અને કેપ્સિકમની લાંબી ચીરીઓ સમારો. ચાઇનીઝ વાનગી તેજ આંચ પર બનાવવામાં આવતી હોવાથી તેજ આંચ પર લોઢી મૂકો. તેમાં તેલ ગરમ કરી લસણ સાંતળો પછી તરત જ ગાજર અને કેપ્સિકમ નાખી હલાવો. બધા સોસ, વિનેગર અને મીઠું ભેળવી એક મિનિટ રાખો. પછી આંચ પરથી ઉતારી લો. ગરમ લોઢી પર પૂડલા બનાવો. તેની વચ્ચે શાકનું એક ચમચો મિશ્રણ મૂકો. ચાઇનીઝ પૂડલા તૈયાર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો