શિયાળુ વસાણા

મેથી પાક :
સામગ્રી :
મેથીનો લોટ-200 ગ્રામ, ગુંદર-250 ગ્રામ, ઘઉંનો જાડો લોટ-100 થી 150 ગ્રામ, બદામ અધકચરી વાટેલી-250 ગ્રામ, દેશી ગોળ-500 ગ્રામ, ખરી સાકર પાઉડર-300 ગ્રામથી 500 ગ્રામ (સ્વાદ મુજબ), સૂંઠ પાઉડર-50 ગ્રામ, બત્રીસું-2 ચમચી, ગંઠોડા પાઉડર-1 થી 2 ચમચી, દેશી ઘી-300 થી 400 ગ્રામ, બદામની કતરણ-સજાવટ માટે.
 રીત :
એક મોટા વાસણમાં ઘી મૂકી ઘઉંનો લોટ ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો. લોટ શેકાઈ જાય પછી તેમાં છીણેલો 500 ગ્રામ ગોળ નાખવો. તે ઓગળીને તેનો પાયો બની જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવો અને સતત હલાવતા રહેવું. ગુંદરને અલગથી ઘીમાં તળી ફુલાવી લેવો અને વાટી લેવો. ગોળવાળું મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં સાકર અને બધા મસાલા સાથે ગુંદર અને મેથીનો લોટ ઉમેરવો. બધું મિશ્રણ બરાબર હલાવી તેને ગ્રીસ કરેલી થાળીમાં ઠારી લેવું. તેના કાપા પાડી ચોરસ ટુકડા કાપી લેવા. ઉપરથી બદામની કતરણ ભભરાવી થોડું દબાવી લેવું. દરરોજ સવારે એક પીસ ખાવો શિયાળામાં ગુણકારી છે.
નોંધ : મેથીનો લોટ મિશ્રણ ખૂબ ગરમ હોય ત્યારે ન નાખવો નહીં તો મેથીપાક ખૂબ કડવો થઈ જશે.

_____________________________________________________________________

મેથીના લાડુ :
સામગ્રી :
અડદનો લોટ-250 ગ્રામ, મેથી-250 ગ્રામ, ઘઉંનો જાડો લોટ-250 ગ્રામ, ઘી-500 ગ્રામ, ગોળ-750 ગ્રામ, કાટલું-50 ગ્રામ, સૂંઠનો પાઉડર-50 ગ્રામ, કાજુ-50 ગ્રામ, બદામ-50 ગ્રામ, કોપરું-50 ગ્રામ, કોપરાનું છીણ-4-5 ચમચી.


રીત :
સૌપ્રથમ અડધા ભાગનું ઘી લઈ તેમાં અડદના લોટને ધીમી આંચે શેકી લો. એ જ રીતે ઘઉંના લોટને પણ બદામી રંગનો શેકી લો. ગોળને બારીક સમારી લો. હવે બાકીનું ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી ત્રણ ઊભરા આવે ત્યાં સુધી રાખો. તેમાં બંને લોટ, સૂંઠનો પાઉડર, કાટલું અને બધી સામગ્રી ભેળવી સારી રીતે મિક્સ કરો. બધી સામગ્રી મિક્સ થઈ જાય એટલે તેના લાડુ વાળી લો. લાડુને કોપરાની છીણમાં રગદોળો. લાડુને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો.

_____________________________________________________________________

ગુંદરનો પેંદ :
સામગ્રી :
ગુંદર-500 ગ્રામ, ફુલ ફેટ દૂધ-2 લિટર, સૂંઠ-2 ચમચી, ગંઠોડા-2 ચમચી, ખસખસ-50 ગ્રામ, બદામ પાઉડર-100 ગ્રામ, પિસ્તાં પાઉડર-50 ગ્રામ, સાકર પાઉડર-50 ગ્રામ, ઘી-2 ચમચા, ટોપરાની કાચલી-1 નાની, ખારેક-100 ગ્રામ.



રીત :
એક મોટા વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં ટોપરાની કાચલીની છીણને શેકવી. ત્યારબાદ તેમાં જ ગુંદરને ફુલાવી દૂધ અડધુ થઈ જાય એટલે તેમાં નાખવો. દૂધ ધીમે ધીમે ફાટી જશે અને માવાની કણીઓ પડવા લાગશે. દૂધ લગભગ બળવા આવે ત્યારે તેમાં સાકર નાખવી અને ઓગળવા દેવી. હવેના સ્ટેજે તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળી જાય એટલે તેમાં બધા મસાલા નાખી ભેળવી લેવા અને ત્યાં સુધી ગેસ પર રાખવું જ્યાં સુધી તેને ટેક્સચર દૂધના હલવા જેવું ન થાય. ત્યારબાદ ઠંડુ થાય એટલે એક કન્ટેનરમાં સ્ટોર કરવો. દરરોજ સવારે એક ચમચો એનર્જી બુસ્ટરનું કામ કરે છે.

_____________________________________________________________________

શક્તિવર્ધક સુખડી :
સામગ્રી :
કોકો પાઉડર-1 ચમચી, મલ્ટિગ્રેઇન લોટ-ડોઢ વાટકી, રાગીનો લોટ-અડધી વાટકી, ઘી-1 વાટકી, બદામ-કાજુ પાઉડર-1 વાટકી, સજાવટ માટે-બદામની કતરણ, ગોળ-1 વાટકી.



રીત :
એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં બંને લોટને ધીમા તાપે ગુલાબી રંગના શેકી લો. તેમાં બદામ, કાજુ પાઉડર, કોકો પાઉડર નાખો. બરાબર હલાવો. થોડી વાર બદામ, કાજુ પાઉડર શેકાવા. પછી તેમાં છીણેલો ગોળ ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો. ત્યારબાદ ગ્રેસ કરેલી થાળીમાં ઠારી તેના કાપા પાડી ચકતાં બનાવી લો. ઉપર બદામની કતરણ છાંટી હળવા હાથે દબાવો. ઠંડું થાય એટલે કન્ટેનરમાં ભરી લો. આ દિવસના ગે તે ટાઇમે બાળકોને આપી શકાય. ચોકલેટનો સ્વાદ હોવાથી બાળકો હોંશે હોંશે ખાશે અને તાકાત મેળવશે.

_____________________________________________________________________

આદું પાક :
સામગ્રી :
આદું-250 ગ્રામ, ગોળ-100 ગ્રામથી 150 ગ્રામ, ઘી-2 ચમચી, સમારેલાં કાજુ-બદામ-3 થી 4 ચમચી.



રીત :
આદુંને છોલી-ધોઈને એકદમ ઝીણું સમારી લેવું. એક વાસણમાં ઘી મૂકી આદુંને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું. ત્યારબાદ તેમાં ગોળ નાખવો. ગોળ ઓગળીને પરપોટા થવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લેવું. તેમાં સમારેલાં કાજુ, બદામ નાખી ભેળવી લેવું. તેને ઠારીને ચોસલાં અથવા લાડુડી વાળી લેવી.

_____________________________________________________________________

શક્તિ બોમ્બ અડદિયા પાક :
સામગ્રી :
અડદનો કરકરો લોટ-250 ગ્રામ, ખાંડ-300 થી 400 ગ્રામ, માવો-200 ગ્રામ, શેકેલી બદામનો પાઉડર-100 ગ્રામ, ગુંદર-100 ગ્રામ, ઘી-250 ગ્રામ, સુંઠ-2 ચમચી, ગંઠોડા-2 ચમચી, બત્રીસું-2 ચમચી.



રીત :
એક મોટા વાસણમાં ઘી મૂકી તેમાં અડદનો લોટ ધીમા તાપે એકદમ ગુલાબીથી થોડો વધારે ડાર્ક થાય તેવો શેકી લેવો. ગુંદર અલગથી તળી વાટી લેવો. માવો અલગથી શેકી લેવો. ખાંડની બેતારી ચાસણી બનાવવી. હવે લોટ શેકાઈ જાય એટલે ગુંદર, માવો અને બધા મસાલા નાખી મિશ્રણ એકરસ થાય તેવું હલાવી લેવું. ત્યારબાદ આ મિશ્રણને ચાસણીમાં ઉમેરી બરાબર હલાવતા રહેવું. થોડું નવશેકું હોય ત્યારે તેના બોમ્બ જેવા શેપના લાડુ વાળી લેવા દરરોજ સવારે એક લાડુ ખાવો. આ શક્તિનો ભંડાર છે માટે શક્તિ બોમ્બ જેવું કામ કરે છે.

_____________________________________________________________________

સૂંઠના લાડુ :
સામગ્રી :
ઘઉંનો લોટ-250 ગ્રામ, સૂંઠનો પાઉડર-250 ગ્રામ, ગંઠોડા પાઉડર-5 ગ્રામ, ચણાનો લોટ-200 ગ્રામ, ખાંડ-750 ગ્રામ, ઘી-750 ગ્રામ, બદામનો પાઉડર-250 ગ્રામ, કોપરું-100 ગ્રામ, ચારોળી-પિસ્તાં-25 ગ્રામ, સફેદ મરીનો પાઉડર-5 ગ્રામ, તમાલપત્ર-5 નંગ, કેસર-5 ગ્રામ, શર્તાવરી-5 ગ્રામ, જાવંત્રી-5 ગ્રામ.


રીત :
ચણાના લોટમાં ચાર ચમચી ઘી અને ચાર ચમચી દૂધ નાખી ધાબો આપો. તે પછી તેને બરાબર મિક્સ કરો. હવે તેને ચાળણીથી ચાળી ઘીમાં બદામી રંગનો શેકો. ઘઉંના લોટને પણ અલગ કડાઇમાં બદામી રંગનો શેકો. હવે બંને લોટ ભેગા કરી તેમાં ખાંડ સિવાયની બધી સામગ્રી નાખી દો. ખાંડ ડૂબે એટલું પાણી લઈ તેની અઢી તારની ચાસણી બનાવો. તેમાં લોટનું મિશ્રણ નાખી મિક્સ કરો. આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરો અને તેના તમને ગમે આકારના ટુકડા કરો. કાજુ-બદામ-કોપરાથી સજાવટ કરી પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો