પનીર સ્પેશીયલ

પનીર ટિક્કા :
સામગ્રી :
પનીરના ટુકડા - 300 ગ્રામ, માખણ - 50 ગ્રામ,ટામેટા, ટમેટાંની પેસ્ટ - 2 ચમચા, મરચું - 1 ચમચી, ગરમ મસાલો - 1 ચમચી, કસૂરી મેથી - 1 ચમચી, તાજું ક્રીમ/મલાઈ - 2 ચમચા, લીલાં મરચાંની પેસ્ટ -2 ચમચી, મીઠું - સ્વાદ મુજબ.





રીત :
એક પેનમાં માખણ ગરમ કરો. તેમાં ટમેટાંની પેસ્ટ, મરચું, ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી બરાબર મિક્સ કરો. મીઠું નાખી ધીમી આંચે ગ્રેવી તૈયાર થવા દો. લગભગ પાંચ મિનીટ પછી તેમાં મલાઈ કે ક્રીમ ભેળવો અને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવા દો. ત્યારબાદ ગ્રેવીને ઠંડી થવા દો. પનીરના ટુકડાને મેરીનેટ કરો. ત્યારબાદ પનીરના ટુકડાને ઘી કે તેલવાળી સ્ટિકમાં ભરાવી દો. બધી સ્ટિક્સને ઓવનમાં દસ-બાર મિનિટ સુધી ગ્રીલ કરો. તૈયાર પનીર ટિક્કાને પાંચ મિનીટ પછી સ્ટિક્સમાંથી કાઢી શકો છો.
_____________________________________________________________________

પનીર ટિક્કા :
સામગ્રી :
પનીર-500 ગ્રામ, ડુંગળી-1 નંગ, ટમેટાં-1 નંગ, કેપ્સિકમ-1 નંગ, દહીં-200 ગ્રામ, લીંબુ-1 નંગ,લસણની પેસ્ટ-2 ચમચી, આદુંની પેસ્ટ-2 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, ગરમ મસાલો-2 ચમચી, મરીનો પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કેસરી રંગ-ચપટી, તેલ-જરૂર મુજબ



રીત :
પનીર, ડુંગળી ટમેટાં અને કેપ્સિકમના બે સે.મી. ચોરસ ટુકડા સમારો. દહીંનું પાણી નિતારી લઈ તેમાં બધા મસાલા મિક્સ કરો. તે પછી તેમાં પનીર અને બીજા શાક નાખી બે કલાક માટે ફ્રીજમાં મૂકી દો. તે પછી સળિયામાં પનીર અને શાકના ટુકડા વારાફરતી ભરાવી અગાઉથી ગરમ કરેલા ઓવનમાં બેક થવા દો. લીંબુનો રસ નિચોવી પનીર ટિક્કા સર્વ કરો.

  _____________________________________________________________________

ગ્રીલ પનીર ટિક્કા :
સામગ્રી :
આદું-લસણની પેસ્ટ-1 ચમચો, દહીં-2 કપ, ગરમ મસાલો-1 ચમચો, ચાટ મસાલો-1 ચમચો, જીરાં પાઉડર-1 ચમચી, મરચું-અડધી ચમચી, ધાણા પાઉડર-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, લીંબુનો રસ-2 ચમચી, તેલ-2 ચમચા, ટમેટાં-2 નંગ, મરીનો પાઉડર-1 ચમચી, પનીરના ટુકડા-અડધો કપ, સમારેલા કેપ્સિકમ-અડધો કપ, સમારેલી ડુંગળી-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
દહીંમાં આદું-લસણની પેસ્ટ ભેળવીને વલોવો. હવે બધો મસાલો અને મીઠું દહીંમાં મિક્સ કરો. આ મિશ્રણમાં લીંબુનો રસ નાખી ખૂબ હલાવો. હવે બધી સમારેલી સામગ્રીને તૈયાર મેરિનેડ (દહીં અને મસાલાનું મિશ્રણ)માં હળવા હાથે ભેળવો. આ મિશ્રણને બે કલાક માટે ફ્રીજમાં મૂકી દો. બે કલાક પછી ટૂથપિક લઇ તેમાં સમારેલા શાકના એક-એક ટુકડા ભરાવો. આ રીતે જરૂર પૂરતી ટૂથપિક તૈયાર કરો. હવે આના પર જરૂર પૂરતું તેલ લગાવી ઓવનમાં બેક થવા મૂકો. દસ મિનિટ પછી તેને બહાર કાઢી ચાટ મસાલો ભભરાવી લીલી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

તવા પનીર ટિક્કા :
સામગ્રી :
પનીરની લાંબી ચીરી-250 ગ્રામ, દહીં-અડધો કપ, ચણાનો લોટ-પા કપ, કેપ્સિકમ-1 નંગ, ટામેટાં-2 નંગ, ડુંગળી-1 નંગ, આદુંની પેસ્ટ-1 ચમચી, સમારેલી કોથમીર-1 ચમચો, ઘી-1 ચમચો, મરીનો ભૂકો-1 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, લીંબુનો રસ-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, જીરાં પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌથી પહેલાં દહીંમાં ચણાનો લોટ, મરીનો ભૂકો, હળદર, મરચું, આદુંની પેસ્ટ, મરચાંની પેસ્ટ, તેલ અને મીઠું ભેળવો. તે પછી આમાં પનીરના ટુકડા નાખી મિક્સ કરો અને અડધા કલાક માટે રહેવા દો. પછી દહીંમાથી આ ટુકડા એક પ્લેટમાં કાઢો અને તેને ફ્રીઝમાં કલાક માટે મૂકી દો. કેપ્સિકમ અને ટામેટાંને ધોઈ લો. કેપ્સિકમની અંદરથી બિયાં કાઢી લઈ તેની લાંબી પાતળી ચીરીઓ કરો. એ જ રીતે ટામેટાંમાંથી પણ બી કાઢી લઈ તેની લાંબી, પાતળી ચીરીઓ કરો. ત્યાર બાદ ડુંગળીને છોલી તેના ત્રણ-ચાર ટુકડા કરો. એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં પનીરના ટુકડા નાખી ધીમી આંચે હલાવી ગોલ્ડન બ્રાઉન રંગના સાંતળો. વધેલા ઘીમાં જીરાનો પાઉડર નાખી શેકો અને પછી કેપ્સિકમ, ટામેટાં અને ડુંગળી ઉમેરી બે મિનિટ ચડવા દો. તે પછી પનીરના તળેલા ટુકડા, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરો અને હલાવો. તે પછી કોથમીર ભભરાવો અને આંચ પરથી નીચે ઉતારી લો. પનીર ટિક્કા તૈયાર છે.
_____________________________________________________________________
પનીર ટિક્કા :
સામગ્રી :
પનીરના ટુકડા-650 ગ્રામ, તાજું ક્રીમ-50 ગ્રામ, માખણ-30 ગ્રામ, મરચું-50 ગ્રામ, મીઠું સ્વાદ મુજબ
મસાલા માટે :
પાણી નિતારેલું દહીં-150 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, આદું-લસણની પેસ્ટ-1 ચમચો, ગરમ મસાલો-અડધી ચમચી, આખો ગરમ મસાલો-અડધી ચમચી, મરચું-પોણી ચમચી, લીંબુ-2 નંગ, સરસિયું-1 ચમચી
ગ્રેવી માટે :
માખણ-50 ગ્રામ, આદુંની પેસ્ટ-અડધી ચમચી, લસણની પેસ્ટ-અડધી ચમચી, ક્રીમ-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, મેથી-પા ચમચી, મરચું-પા ચમચી, ટમેટાં-1 કિલો, મધ-પા ચમચી, ડુંગળી-400 ગ્રામ



રીત :
પનીરના મસાલામાં બધી સામગ્રી ભેગી કરી સારી રીતે મિક્સ કરો. તેને એક કલાક માટે મેરિનેટ થવા દો. તે પછી બધા ટુકડાને લોઢી અથવા ગ્રિલ પર થોડી વાર ગરમ કરો.ગ્રેવી માટે : ટમેટાંને એલચી, લીલાં મરચાં અને તમાલપત્ર સાથે બાફી લઈને તેની પ્યોરિ બનાવો. તેલ ગરમ કરી તેમાં ડુંગળી બદામી રંગની થાય એટલે આદું-લસણની પેસ્ટ અને મરચું ભેળવો. થોડી વાર પછી તેમાં ટમેટાં નાખી ગ્રેવી તૈયાર થવા દો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે તેમાં પનીરના ટુકડા નાખીને મિક્સ કરો. પાંચેક મિનિટ પછી બધી સામગ્રી ભેળવો. છેલ્લે ક્રીમ ભેળવીને સર્વ કરો.
_____________________________________________________________________

પનીર બટર મસાલા :
સામગ્રી :
પનીર-125 ગ્રામ, ડુંગળીની પેસ્ટ-2 નંગ, ટમેટાંની પેસ્ટ-1 નંગ, તમાલપત્ર-1 નંગ, જીરાં પાઉડર-1 ચમચી, લવિંગ-3 નંગ, કાજુ-1 ચમચી, તજ-નાનો ટુકડો, ગરમ મસાલો-અડધી ચમચી, એલચી-2 નંગ, મરચું-પા ચમચી, દહીં-3 કપ, માખણ-2 ચમચા, તાજું ક્રીમ- 1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ





રીત :
પનીરના ટુકડાને તળી લો. તજ, લવિંગ, એલચીનો પાઉડર બનાવો. તેમાં તમાલપત્ર અને ડુંગળીની પેસ્ટ નાખીને સાંતળો. આદું-લસણની પેસ્ટને પણ સાંતળો. તેમાં બધા મસાલા અને મીઠું ભેળવી એકરસ કરી ટમેટાંની પેસ્ટ નાખી બે મિનિટ હલાવો. આંચ ધીમી કરી ક્રીમ અને દહીં મિક્સ કરો. બે-ત્રણ મિનિટ સુધી સતત હલાવતાં રહી ધીમી આંચે રહેવા દો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો. છેલ્લે પનીરના તળેલા ટુકડા, કાજુની પેસ્ટ અને વધેલું માખણ ભેળવો. થોડી વાર બાદ આંચ પરથી ઉતારી લો. પનીર બટર મસાલા તૈયાર છે.
_____________________________________________________________________

કડાઈ પનીર
સામગ્રી :
પનીર-300 ગ્રામ, ડુંગળી-2 નંગ, કેપ્સિકમ-3 નંગ, ટમેટાં-2-3 નંગ, લીલાં મરચાં-2 નંગ, આદું-નાનો ટુકડો, તેલ-2 ચમચા, જીરું-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, ધાણા પાઉડર-પા ચમચી, મરચું-પા| ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કોથમીર-જરૂર પ્રમાણે.





રીત :
પનીરના ચોરસ ટુકડા કરો. કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાંને ધોઈ બારીક સમારી લો. આદું-લીલાં મરચાંની પેસ્ટ તૈયાર કરો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો પાઉડર નાખો. ત્યારબાદ ડુંગળી નાખીને સાંતળો. તેમાં હળદર અને ધાણાનો પાઉડર મિક્સ કરી, આદું-મરચાંની પેસ્ટ અને ટામેટાં નાખી મિક્સ કરો. એકાદ મિનિટ રહેવા દો. તે પછી ઢાંકણું ખોલી ટામેટાંને છુંદી નાખો. તેમાં કેપ્સિકમ નાખી ધીમી આંચે ચાર મિનિટ રહેવા દો. ત્યારબાદ પનીરના ટુકડા, પાણી, મીઠું, મરચું અને ગરમ મસાલો નાખી હલાવો. સતત હલાવતાં રહી થોડી વાર રાખો. કડાઈ પનીર તૈયાર છે. તેને સર્વિંગ કડાઈમાં કાઢી સમારેલી કોથમીરથી સમજાવી સર્વ કરો.
_____________________________________________________________________

ગાર્લિક પનીર :
સામગ્રી :
લસણ-8-10 કળી, પનીર-300 ગ્રામ, આખા લાલ મરચાં-2-3 નંગ, ડુંગળીની રિંગ્સ-3 નંગ, રેડ ચિલી સોસ-1 ચમચી, સોયા સોસ-1 ચમચી, વેજિટેલબ સોસ-અડધો કપ, કેપ્સિકમ-1નંગ, મીઠું સ્વાદ ુંજબ, મરીનો પાઉડર-અડધી ચમચી, કોર્નફ્લોર-3 ચમચા, વિનેગર-1 ચમચો





રીત :
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મરચું, લસણની 4-5 કળી નાખીને સાંતળો. હવે પનીર અને ડુંગળીની રિંગ્સ નાખી તેજ આંચે ઉછાળીને હલાવો. 5|| કપ પાણી અને રેડ ચિલી સોસ નાખી ઉછાળીને હલાવો. તેમાં વેજિટેલબ સ્ટોક ભેળવી મિક્સ કરો. બે મિનિટ હલાવો. ત્યારબાદ સોયા સોસ, મીઠું, મરીનો પાઉડર ભેળવો. હવે કોર્નફ્લોરનું મિશ્રણ નાખી તેને ઘટ્ટ થવા દો. છેલ્લે વિનેગર ભેળવી એક મિનિટ બાદ આંચ પરથી ઉતારી લો.
_____________________________________________________________________

કેરેટ પનીર છીણ :
સામગ્રી :
પનીરનું છીણ-1 કપ, લીલા ચણા-1 કપ, ગાજરનું છીણ-અડધો કપ, ટમેટાં-1 નંગ, ડુંગળી-1 નંગ, લીલાં મરચાં-2 નંગ, તેલ-1 ચમચી, રાઈ-પા ચમચી, હિંગ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-અડધી ચમચી, મરી પાઉડર-અડધી ચમચી.




રીત :
ગાજરને છીણી લો. ટમેટાં અને ડુંગળીને બારીક સમારી લો. તેલ ગરમ કરી તેમાં ડુંગળી, ટમેટાં, હિંગ, લીલાં મરચાં નાખો. ટમેટાં બફાઈ જાય એટલે તેમાં લીલા ચણા, ગાજર અને મીઠું ભેળવી ઢાંકી દો. ચણા બફાઈ જાય ત્યાં સુધી રાખો. સર્વ કરતાં પહેલાં તેના પર પનીરનું છીણ, લીંબુનો રસ, મરીનો પાઉડર અને ધાણાનો પાઉડર ભભરાવો.
_____________________________________________________________________

શાહી મિક્સ મટર-મલાઈ :
સામગ્રી :
લીલા વટાણા-અડધો કપ, પનીર-300 ગ્રામ, મખાના-દોઢ કપ, મલાઈ-અડધો કપ, ટમેટાંની પ્યોરી-અડધો કપ, ડુંગળી-2 નંગ, મેદો-અડધો ચમચો, આદું-લસણ-મરચાંની પેસ્ટ-1 ચમચી, હળદર-પા ચમચી, ધાણા પાઉડર-દોઢ ચમચી, મરચું-પા ચમચી, તેલ-જરૂર પ્રમાણે, મીઠું-સ્વાદ મુજબ




રીત :
વટાણા બાફી લો. મખાનાને અધકચરા તળી મિક્સરમાં ક્રશ કરી લો. ટમેટાંની પ્યોરીમાં બધો મસાલો અને મીઠું ભેળવો. ડુંગળીને બારીક સમારો અને પનીરના પણ નાના ટુકડા કરો. હવે તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળો. આદુંની પેસ્ટ અને મેંદો નાખીને સાંતળો પછી મલાઈ નાખીને ખૂબ હલાવો. જ્યારે મલાઈનું ઘી છૂટું પડે ત્યારે તેમાં ક્રશ કરેલા મખાના મિક્સ કરો. તેમાંથી સુંગધ આવે એટલે ટમેટાંની પ્યોરી ઉમેરી ખદખદવા દો. પનીર નાખી ઉભરા આવે એટલે બાકીના મખાનાથી સજાવી સર્વ કરો.
_____________________________________________________________________

મસાલા દહીં પનીર :
સામગ્રી :
તાજું પનીર-200 ગ્રામ, આદું-નાનો ટુકડો, લીલાં મરચાં-2-3 નંગ, લસણ-3-4 કળી, ડુંગળી-1 નંગ, તમાલપત્ર-2-3 નંગ, તજ-નાનો ટુકડો, એલચી-2-3 નંગ, ધાણા પાઉડર-1 ચમચી, મરચું-1 ચમચી, ક્રીમ-1 ચમચો, દહીં-200 ગ્રામ, મરીનો પાઉડર - મીઠું - સ્વાદ પ્રમાણે, સમારેલી કોઠમીર-જરૂર પ્રમાણે





રીત :
પનીરની લાંબી ચીરીઓ કરો. લીલાં મરચાં, આદું અને ડુંગળીને ક્રશ કરી પેસ્ટ બનાવો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ, એલચી નાખી આ પેસ્ટને આછા ગુલાબી રંગની સાંતળો. તેમાં બે ચમચા પાણી ઉમેરો. હવે તેમાં વલોવેલું દહીં, મરચું, કોથમીર, મીઠું અને એક કપ પાણી રેડીને હલાવો અને ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં પનીરની ચીરીઓ નાખો. કોથમીર, ક્રીમ અને મરીનો પાઉડર નાખી રોટી સાથે સ્વાદ માણો.
_____________________________________________________________________

ફુદીના પનીર :
સામગ્રી :
પનીર-250 ગ્રામ, ડુંગળી-2-3 નંગ, હળદર-5|| ચમચી, મરચું-1 ચમચી, ટમેટાં-2 નંગ, સૂકવેલો ફુદીનો-2 ચમચા, ગરમ મસાલો-1 ચમચી, તેલ-4 ચમચા, મીઠું-સ્વાદ મુજબ




રીત :
પનીરના એક-એક ઇંચના ટુકડા કરો. ડુંગળીની ગોળ રિંગ્સ સમારો. એક ટમેટાંના ચાર મોટા ટુકડા સમારી તેમાંથી ગર કાઢી લો. આ ગરને ક્રશ કરો. બીજા ટમેટાંના એક-એક ઇંચના ટુકડા સમારો. હવે કડાઇમાં ચાર ચમચા તેલ ગરમ કરી તેમાં ડુંગળીને આછા બદામી રંગની સાંતળો. તેમાં હળદર, મરચું અને મીઠું ભેળવો. ત્યારબાદ ટમેટાંનો ગર નાખીને પાંચ-સાત મિનિટ રહેવા દો. તેમાં પનીર, ફુદીનો, સમારેલાં ટમેટાં અને ગરમ મસાલો ભેળવી બે મિનિટ સુધી રહેવા દો. સ્વાદિષ્ટ ફુદીના પનીર તૈયાર છે.
_____________________________________________________________________

ટેસ્ટી પનીર :
સામગ્રી :
બારીક સમારેલું આદું-2 ટુકડા, બારીક સમારેલી કોથમીર-1 ઝુડી, પનીર-100 ગ્રામ, લસણ-4 કળી, બારીક સમારેલી ડુંગળી-1 નંગ, બારીક સમારેલાં લીલાં મરચાં-4 નંગ, મારીકે સમારેલા ટામેટાં-2 નંગ, ઓલિવ ઓઈલ-2 ચમચા, ક્રીમ-50 ગ્રામ, ટમેટાંની પ્યોરી-200 ગ્રામ, કાજુ અને મગતરી-150 ગ્રામ, લવિંગ અને એલચાનો પાઉડર-2 નંગ, હળદર-1 ચમચી, મરચું-1 ચમચી, જીરાંનો શેકેલો પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ




રીત :
કાજુ અને મગજતરીના બીને થોડા દૂધમાં ક્રશ કરી લો. એક ચમચો ઓલિવ ઓઇલ ગરમ કરો. તેમાં સમારેલાં કોથમીર અને આદું નાખી સાંતળીને અલગ કાઢી લો. હવે બે ચમચા તેલમાં પનીરના ટુકડાને બદામી રંગના તળો. કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણ નાખી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો. પછી લીલાં મરચાં અને ટમેટાં નાખો. થોડીવાર પછી તેમાં ટમેટાંની પ્યોરી અને કાજુની પેસ્ટ ભેળવો. મિશ્રણ બરાબર તૈયાર થઈ જાય એટલે તેમાં હળદર, મરચું અને શેકેલા જીરાનો પાઉડર ભેળવો. લવિંગ અને એલચાનો પાઉડર પણ મિક્સ કરો. તૈયાર ગ્રેવીમાં પનીર અે સાંતળેલા કોથમીર-આદુંનું મિશ્રણ ભેળવો. ઉપર ક્રીમ નાખો અને બારીક સમારેલી કોથમીર ભભરાવી ગરમાગરમ પરોઠા સાથે સર્વ કરો.
_____________________________________________________________________

ગુલકંદ માવા કોન :
સામગ્રી :
પનીર-150 ગ્રામ, માવો-200 ગ્રામ, ખાંડ-100 ગ્રામ, ગુલકંદ-1 ચમચો, કાજુના ટુકડા-1 કપ, બદામના ટુકડા-1 કપ, પિસ્તાંના ટુકડા-1 કપ, બદામની ચીરી-15-20


રીત :
માવાને મસળી તેમાં ખાંડ મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને ધીમી આંચે શેકી લો. ઠંડું થાય એટલે તેમાં પનીર ભેળવી ખૂબ મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાનાં નાનાં ગોળા વાળો. દરેકને ઘી લગાવેલી આડણી પર થપથપાવીને ગોળ બનાવો. ચપ્પુથી દરેકને વચ્ચેથી બહારની તરફ એક કાપો કરો. પછી તેને કિનારીએથી શરૂ કરી ગોળ રોલ વાળી કોન બનાવો. આ તૈયાર કોનમાં ગુલકંદનો પાતળો થર કરો. બાકી વધેલો ગુલકંદ અને મેવાને મિક્સ કરી કોનમાં ભરી દો. ગુલકંદ માવા કોન તૈયાર છે.
_____________________________________________________________________

કડાઈ કોર્ન પનીર :
સામગ્રી :
પનીર-250 ગ્રામ, બેબી કોર્ન-10-15 નંગ, ડુંગળી-2 નંગ, કેપ્સિકમ-3 નંગ, ટામેટા-3 નંગ, તેલ/માખણ-2 ચમચા, આજીનો મોટો-ચપટી, હળદર-અડધી ચમચી, મરચું-2 ચમચી, જીરાંનો પાઉડર-2 ચમચી, કસૂરી મેથી-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-1 ચમચો





રીત :
પનીરના પ્રમાણસર ચોરસ ટુકડા કરો. બેબી કોર્નની પાતળી સ્લાઇસ કરો. ડુંગળીને પણ બારીક સમારી લો. ટામેટા અને કેપ્સિકમનો ગર કાઢીને તેના ચોરસ ટુકડા સમારો. હવે તેલ/માખણ ગરમ કરી તેજ આંચ પર ડુંગળી સાંતળો. તે પછી તેમાં આજીનો મોટો, બેબી કોર્ન, કેપ્સિકમ, ટામેટા, હળદર, જીરાંનો પાઉડર, કસૂરી મેથી અને મીઠું ઉમેરી બધા શાક નરમ થાય ત્યાં સુધી રહેવા દો. છેલ્લે પનીરના ક્યૂબ્સ નાખી થોડી વાર રાખો. કોથમીરથી સજાવીને સર્વ કરો.
_____________________________________________________________________

ટેસ્ટી મલાઈ પનીર :
સામગ્રી :
પનીર-250 ગ્રામ, ડુંગળી-3 નંગ, બારીક સમારેલું આદું-2 ચમચી, હળદર-5|| ચમચી, મરીનો પાઉડર-1 ચમચી, કસૂરી મેથી-2 ચમચી, મલાઈ-3 કપ, કોથમીર-જરૂર પ્રમાણે, કેપ્સિકમ-1 નંગ, લાલ કેપ્સિકમ-1 નંગ, તેલ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ




રીત :
સૌ પ્રથમ પનીરના એકસરખા ટુકડા કરો. તે પછી ડુંગળી, આદું અને કોથમીરને સમારી લો. બંને કેપ્સિકમના પણ પનીર જેવડા ટુકડાકરો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને આછા બદામી રંગના સાંતળી લો. તેમાં સમારેલું આદું, કસૂરી મેથી, મરીનો પાઉડર અને મીઠું ભેળવો.તે પછી તેમાં કેપ્સિકમ નાખી થોડી વાર રહેવા દો. હવે હળદર અને પનીર નાખી મિક્સ કરો. ઉપર ક્રીમ નાખી ખૂબ હલાવો છેલ્લે સમારેલી કોથમીર ભભરાવી ગરમાગરમ મલાઈ પનીર સર્વ કરો.
_____________________________________________________________________

ચિલી પનીર :
સામગ્રી :
પનીર-150 ગ્રામ, કોર્નફ્લોર-1 ચમચો, બ્રેડક્રમ્બ્સ-1 ચમચો, આખા લાલ મરચાં-1 નંગ, લસણ-4 કળી, આદું-નાનો ટુકડો, મીઠું-સ્વાદ મુજબ, ખસખસ-5|| ચમચી, પાણી-1 ચમચો, લીંબુનો રસ-1 ચમચી, મિક્સ શાક-દોઢ કપ, ગ્રેવી માટે : કોર્નફ્લોર-2 ચમચા, પાણી-અડધો કપ, સોયા સોસ-1 ચમચો, ટમેટાં નો સોસ-1 ચમચો, ચિલી સોસ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-જરૂર મુજબ




રીત :
પનીરના ટુકડા કરો. તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો. વીસ મિનિટ પછી પનીરના ટુકડા તળી લો. નોનસ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. આમાં ગાજર, ફણસી, ડુંગળી, કેપ્સિકમ, કોબીજ વગેરે નાખી પાંચ-દસ મિનીટ ચડવા દો. હવે તેમાં ગ્રેવીની બધી સામગ્રી નાખી એક મિનીટ માટે સતત હલાવતાં રહો. છેલ્લે પનીરના ટુકડા નાખી મિક્સ કરો અને બે મિનીટ રાખી આંચ પરથી ઉતારી લો.
_____________________________________________________________________

પનીર કોરમા :
સામગ્રી : પનીર-250 ગ્રામ, સ્ટફિગ માટે : ચીઝ-50 ગ્રામ, સમારેલા કેપ્સિકમ-2 ચમચા, સમારેલાં ટમેટાં-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-જરૂર મુજબ, વઘાર માટે-તમાલપત્ર-1 નંગ, લવિંગ-4 નંગ, તજ-નાનો ટુકડો, એલચા-2 નંગ, મરી-6 નંગ, ઘી-50 ગ્રામ




રીત :
પનીરના ત્રણ ઈંચ લાંબા અને એક ઇંચ પહોળા ટુકડા કરો. તેને થોડી વાર મીઠાવાળા પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ સાચવીને તેમાંનું પાણી નિતારી લો. પનીરની આ સ્લાઇસને સમતળ સપાટી પર ગોઠવો. તેના પર મિશ્રણ ગોઠવી પછી હળવા હાથે રોલ વાળો. (ખાંડવીના રોલ વાળીએ છીએ એ રીતે) તે પછી લોઢી પર તેલ મૂકી તેને સાંતળી લો. ઇચ્છો તો બે મિનીટ માટે માઇક્રોવેવમાં બેક પણ કરી શકો છો, જેથી પનીર કાચું ન લાગે. ડુંગળી, ટમેટાં, આદુંને એકસાથે ક્રશ કરી લો. ઘી ગરમ કરી તેમાં વઘાર માટેની સામગ્રી નાખો. બે મિનીટ પછી તેમાં ટમેટાની પેસ્ટ નાખી સાંતળો. પછી મીઠું નાખો. ઘી છૂટું પડે એટલે તેમાં ગરમ મસાલો નાખી કોરમા આંચ પરથી ઉતારી લો. સર્વિંગ પ્લેટમાં કોરમા કાઢી તેમાં પનીરના રોલ્સ નાખી સર્વ કરો.
_____________________________________________________________________

પનીર સદાબહાર
સામગ્રી :
બારીક સમારેલી ડુંગળી-2 નંગ, બારીક સમારેલા ટમેટાં-2 નંગ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, પનીર-250 ગ્રામ, દૂધ-અડધો કપ, તેલ-2 ચમચા, હળદર-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-જરૂર પ્રમાણે, મરચું-અડધી ચમચી.


રીત :
પનીરના ચોરસ ટુકડા કરી તેને અડધા કપ દૂધમાં પલાળી દો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને આછા બ્રાઉન રંગની સાંતળો. તે પછી તેમાં હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો નાખી બે મિનિટ હલાવીને સમારેલા ટમેટાં નાખો અને તેલ છુટું પડે ત્યાં સુધી આંચ પર ગરમ થવા દો. ત્યારબાદ નીચે ઉતારી લઈ ઠુંડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરો. આ મિશ્રણમાં દૂધમાં પલાળેલા પનીરના ટુકડા નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. સમારેલી કોથમીર સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

બદામી પનીર :
સામગ્રી :
ડુંગળી-2 નંગ, લીલાં મરચાં-2-3 નંગ, લસણ-4-5 કળી, આદું-નાનો ટુકડો, ટમેટાં-2 નંગ, બદામ-15-20 નંગ, તેલ જરૂર પૂરતું, હિંગ-ચપટી, જીરું-અડધી ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, મરચું-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાણી-અડધો કપ, મલાઇ-અડધો કપ, દૂધ-અડધો કપ, પનીર-250 ગ્રામ, ગરમ મસાલો-અડધી ચમચી, બદામ-સજાવટ માટે, કોથમીર-સજાવટ માટે.



રીત :
ડુંગળી અને લીલાં મરચાં તેમ જ આદું અને લસણની પેસ્ટ બનાવો. બદામને એક કલાક પાણીમાં બોળી રાખી છોલી નાખો. પછી તેની પણ પેસ્ટ બનાવી લો. આ જ રીતે ટમેટાંની પણ પેસ્ટ બનાવો. હવે કડાઇમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરાંનો વઘાર કરી આદું-લસણની પેસ્ટ સાંતળો. હવે તેમાં બદામની પેસ્ટ, ટમેટાંની પેસ્ટ, ધાણા પાઉડર, મરચું નાખી સાંતળો અને તેલ છૂટું પડવા દો. તે પછી મલાઇ, દહીં, મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. આ ગ્રેવીમાં લગભગ અડધો કપ પાણી અને અડધો કપ દૂધ ઉમેરી સતત હલાવતાં રહો. ઊભરો આવે એટલે પનીરના ટુકડા તેમાં નાખો અને ઢાંકી દઇને પાંચેક મિનિટ ખદખદવા દો. તે પછી બદામી પનીરને બાઉલમાં કાઢો અને ગરમ મસાલો ભભરાવી કોથમીરથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

શાહી કોરમા :
સામગ્રી :
સમારેલા બટાકા-1 કપ, બાફેલું ફ્લાવર-દોઢ કપ, સમારેલું ગાજર-અડધો કપ, સમારેલી ફણસી-અડધો કપ, પનીરના ટુકડા-અડધો કપ, કસૂરી મેથી-2 ચમચી, હળદર-અડધી ચમચી, જીરાં પાઉડર-અડધી ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મરચું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કાજુ-અડધો કપ, કોપરાનું છીણ-એક ચમચો, હળદર-ચપટી, મરીનો પાઉડર-પા ચમચી, તેલ-વઘાર માટે, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-જરૂર મુજબ.



રીત :
એક તપેલીમાં ઘી ગરમ કરો અને તેમાં હળદર, જીરાં પાઉડર, ગરમ મસાલો અને મરચું નાખો. ધીમી આંચે આ મસાલાને સાંતળો. તે પછી તેમાં સમારેલા બટાકા, કસૂરી મેથી નાખીને બટાકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી હલાવો. ત્યાર બાદ તેમાં બાફેલું ફ્લાવર, ગાજર, ફણસી અને પનીર ભેળવો. મીઠું નાખીને મિક્સ કરો. આ દરમિયાન બ્લેન્ડરમાં કાજુ, કોપરાનું છીણ અને અડધો કપ પાણી બ્લેન્ડ કરો. તેમાં એક કપ નાળિયેરનું દૂધ અને સહેજ હળદર નાખી ફરી એક વાર બ્લેન્ડ કરો. આ તૈયાર મિશ્રણમાં બે કપ પાણી રેડી તેજ આંચ પર ગરમ કરો. ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દઈ મરીનો પાઉડર ભેળવો. છેલ્લે ઢાંકીને ધીમી આંચે સાત-આઠ મિનિટ ખદખદવા દો. બારીક સમારેલી કોથમીર અને કાજુ-કિશમિશથી સજાવટ કરો.
નોંધ : નાળિયેરનું દૂધ ન હોય તો સાદા દૂધ અથવા ગ્રેવીમાં એક કપ દહીં નાખી શકો છો.

_____________________________________________________________________

પનીર અડદની દાળ :
સામગ્રી :
અડદની દાળ-પોણો કપ, હળદર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાણી-દોઢ કપ, તેલ-જરૂર મુજબ, પનીરના ટુકડા-1 કપ, જીરું-અડધી ચમચી, સમારેલી ડુંગળી-અડધો કપ, ટમેટાં-અડધો કપ, લીલાં મરચાં-6-7 નંગ, મરચું-2 ચમચી, શેકેલું જીરું-2 ચમચી, સમારેલી કોથમીર-જરૂર પૂરતી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
અડદની દાળને એક કલાક પલાળી રાખી પછી તેમાં હળદર, મીઠું અને દોઢ કપ પાણી રેડી કૂકરમાં એક સીટી થાય ત્યાં સુધી બાફો. ઠંડી થાય એટલે પાણી નિતારીને એક તરફ રહેવા દો. એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં પનીરના ટુકડા તળીને અલગ કાઢી લો. પેનમાં વધેલા તેલમાં જીરાંનો વઘાર કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી નાખી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તે પછી તેમાં સમારેલા ટમેટાં, લીલા મરચાં, મરચું, હળદર, બે ચમચા પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો. બે મિનિટ પછી તેમાં અડદની દાળ ઉમેરો. શેકેલું જીરું અને સમારેલી કોથમીર નાખો. પનીર અડદની દાળ તૈયાર છે. તે ગરમાગરમ પૂરી કે પરોઠા સાથે સર્વ કરો.
નોંધ : વધેલી પનીર અડદની દાળને બ્રેડ વચ્ચે મૂકીને સ્વાદિષ્ટ સેન્ડવિચ અથવા બ્રેડ રોલ્સ પણ બનાવી શકાય છે.

_____________________________________________________________________

હરિયાલા પનીર :
સામગ્રી :
પનીરનું છીણ-પોણો કપ, પાલક અને મેથી-1-1- ઝૂડી, સમારેલી મેથી-1 મુઠ્ઠી, જીરું,-પોણી ચમચી, ડુંગળી-1 નંગ, લીલાં મરચાં-2-3 નંગ, મરચું-1 ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, મલાઇ-અડધી ચમચી, પલાળેલાં કાજુ-6-8 નંગ, મગતરીનાં બી-1 ચમચી, ગરમ મસાલો-ચપટી, તેલ-દોઢ ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ત્રણ કપ પાણીમાં ડુંગળી અને લીલાં મરચાં નાખો અને ત્રણ મિનિટ માટે બાફો. તે પછી આંચ ધીમી કરી મેથી અને પાલક નાખી બે મિનિટ ઉકળવા દો. ત્યાર બાદ તેને નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. બફાયેલી ડુંગળી, લીલાં મરચાં અને બંને ભાજીઓની પેસ્ટ બનાવી લો. પા કપ પાણીમાં મગતરીના બી નાખી ત્રણ-ચાર મિનિટ ઉકાળો. મીઠું મરચું અને ભાજીની તૈયાર પેસ્ટ તેમાં નાખી મિક્સ કરો. આઠ-દસ મિનિટ સુધી મધ્ય આંચે રહેવા દો. એક કપ પાણી રેડી તેજ આંચે ત્રણ-ચાર મિનિટ સુધી રાખો. હવે કાઝુ અને મગતરીની તૈયાર પેસ્ટ તથા મલાઇ ભેળવો. આંચ ધીમી કરી ચાર-પાંચ મિનિટ સુધી ખદખદવા દો. જો ગ્રેવી ઘટ્ટ જોઈએ તો વધારે ખદખદવા દો. હવે પનીરનું છીણ તેમાં નાખી એક મિનિટ માટે મધ્ય આંચે રાખો. મીઠું અને ગરમ મસાલો ભેળવી રોટલી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

પનીર બાદશાહી :
સામગ્રી :
પનીર-600 ગ્રામ, માવો-4 ચમચા, કાજુના ટુકડા-2 ચમચા, માખણ-2 ચમચા, ક્રીમ-4 ચમચા, અથાણાંનો મસાલો- ચમચો, ટમેટાંની પ્યોરી-4 કપ, કોર્નફ્લોર-સાડા ત્રણ ચમચા, મીઠું-સ્વાદ મુજબ, પીળો રંગ-ચપટી, પાણી-જરૂર પૂરતું, આદું-લસણની પેસ્ટ-2 ચમચા, મરચું-જરૂર પૂરતું, મેથીનો પાઉડર-ચપટી, ગરમ મસાલો-2 ચમચી.


રીત :
પનીરના મનપસંદ આકારમાં ટુકડા સમારો. એક બાઉલમાં માવો, પનીરના બે ટુકડા, કાજુના ટુકડા, અથાણાંનો મસાલો અને ચાર ચમચા ટમેટાંની પ્યોરી નાખી મિક્સ કરો. આ મિશ્રણને સેન્ડવિચની માફક પનીરના બે પીસ વચ્ચે ગોઠવો. હવે કોર્નફ્લોરમાં મીઠું, ખાવાનો પીળો રંગ અને જરૂર પૂરતું પાણી ભેળવી ખીરું તૈયાર કરો. તમે તૈયાર કરેલી પનીર સેન્ડવિચના પીસને આમાં બોળી તેલમાં બ્રાઉન રંગની તળી લો. હવે એક પેનમાં એક ચમચો તેલ ગરમ કરો. આમાં આદું-લસણની પેસ્ટ નાખી સાંતળો. અઢી કપ ટમેટાંની પ્યોરી રેડો અને આઠ-દસ મિનિટ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તેમાં મરચું, મેથીનો પાઉડર, ગરમ મસાલો, સફેદ મરીનો પાઉડર (ઐચ્છિક) નાખીને મિક્સ કરો. પાંચક મિનિટ ખદખદવા દો. હવે તેમાં બે ચમચા માખણ અને ચાર ચમચા ક્રીમ ઉમેરી એકરસ કરો અને આંચ પરથી ઉતારી લો. એક પ્લેટમાં તૈયાર પનીર સેન્ડવિચ ગોઠવી તેના પર કરી રેડી ક્રીમથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

તંદૂરી પનીર ફ્લાવર :
સામગ્રી :
નાનાં ફ્લાવર-2 નંગ, પાણી-જરૂર મુજબ, ઘટ્ટ દહીં-2 ચમચા, ચણાનો શેકેલો લોટ- પા ચમચી, કસૂરી મેથી-1 ચમચી, હળદર-પા ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, આદું-લસણની પેસ્ટ-2 ચમચી, લીંબુનો રસ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, પનીરનું છીણ-250 ગ્રામ, કિશમિશ-2 ચમચા, સમારેલો ફુદીનો-જરૂર મુજબ, અજમો-પા ચમચી, સમારેલી કોથમીર-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, ચાટ મસાલો-જરૂર મુજબ, તેલ-જરૂર મુજબ.



રીત :
એક તપેલીમાં ચપટી હળદર નાખી પાંચ કપ પાણી ગરમ કરો. તેમાં ફ્લાવરના આખા ફૂલ તોડી પાંચ મિનિટ બફાવા દો. પછી પાણી નિતારી લો. એક બાઉલમાં દહીં, ચણાનો શેકેલો લોટ, કસૂરી મેથી, હળદર, ગરમ મસાલો, મરચું, આદું-લસણની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. બીજા બાઉલમાં પનીરનું છીણ, કિશમિશ, ફુદીનો, અજમો, કોથમીર અને મીઠું મિક્સ કરો. એક પેનમાં તેલ ગરમ ગરો. આમાં પનીરનું મિશ્રણ નાખો. બરાબર મિક્સ થઇ જાય એટલે તેને આંચ પરથી ઉતારી લો. તૈયાર મિશ્રણ બંને ફ્લાવરમાં ભરો. હવે દહીંનું મિશ્રણ ફ્લાવર સારી રીતે લગાવીને ફ્રીજમાં મૂકી દો. અડધા કલાક પછી તેને કાઢી થોડી વાર રૂમ ટેમ્પરેચર પર લાવો પછી અગાઉથી ગરમ કરેલા ઓવનમાં ફ્લાવરને 180 ડિગ્રી પર બેક કરો. સર્વ કરતી વખતે તેના પર ચાટ મસાલો, કોથમીર ભભરાવો અને લીંબુનો રસ નીચોવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો