વડા / કચોરી / સમોસા / પકોડા / લોલીપોપ

પૂરણ વડા :
સામગ્રી :
ચણાની દાળ-1 વાટકી, ગોળ-1 વાટકી, ખાંડ-અડધી વાટકી, એલચીનો પાઉડર-અડધી ચમચી, બદામની ચીરી-અડધી ચમચી, ચારોળી-અડધી ચમચી, મેંદો-2 વાટકી, ચોખાનો લોટ-2 વાટકી, મીઠું-ચપટી, તેલ-જરૂર પૂરતું.



રીત :
ચણાની દાળને કૂકરમાં બાફી લો. તેને ઠંડી કરી વધારાનું પાણી નિતારી લો. એક કડાઇમાં થોડું ઘી લો. તેમાં ખાંડ, ગોળ અને થોડું પાણી નાખી એકરસ કરો. જ્યારે ખાંડ અને ગોળ બરાબર ઓગળી જાય ત્યારે દાળ ભેળવો. હવે તેમાં મેવો નાખી મિક્સ કરો અને ઠંડુ થવા દો. મેંદામાં ચોખાના લોટ ભેળવો. તેમાં ચપટી મીઠું અને જરૂર પૂરતું પાણી રેડી ઘટ્ટ ખીરું બનાવો. હવે દાળના મિશ્રણમાંથી નાના નાના બોલ્સ વાળી તેને તૈયાર ખીરામાં બોળી તળી લો. પૂરણવડા તૈયાર છે.
નોંધ : તમે આ જ રીતે ખારા પૂરણવડા પણ બનાવી શકો છો. ખાંડ અને ગોળને બદલે મીઠાનો સ્વાદ મુજબ ઉપયોગ કરો.

_____________________________________________________________________

આલુ વડા :
સામગ્રી :
ચણાનો લોટ-250 ગ્રામ, ચોખા-125 ગ્રામ, બટાકા-500 ગ્રામ, ચણાની દાળ-2 ચમચી, અડદની દાળ-1 ચમચી, આદું-નાનો ટુકડો, રાઇ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીલાં મરચાં-5-7 નંગ, સમારેલી ડુંગળી-3 નંગ, હળદર-અડધી ચમચી, ખાવાનો સોડા-પા ચમચી, તેલ-તળવા માટે.



રીત :
સૌ પ્રથમ બટાકા બાફીને ઠંડા થવા દો. કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, ચણાની દાળ, અડદની દાળ અને બારીક સમારેલી ડુંગળી નાખો. તેને સારી રીતે સાંતળીને પછી તેમાં લીલાં મરચાં-આદુંની પેસ્ટ ભેળવો. આ દરમિયાન બાફેલા બટાકાનો છુંડો કરી તેમાં મીઠું અને હળદર મિક્સ કરો. આ મિશ્રણને તેમાં નાખી ધીમી આંચે શેકો. ચોખાને આગલી રાતે પલાળી રાખો. આ પલળેલા ચોખાને ક્રશ કરી લો. બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળો. હવે ચણાના લોટમાં મીઠું, ખાવાનો સોડા અને ક્રશ કરેલા ચોખાનું ખીરું તૈયાર કરો. બટાકાના ગોળાને આ મિશ્રણમાં બોળી તેલમાં બ્રાઉન રંગના તળી લો. આલુ વડાને લીલી ચટણી કે ટમેટો સોસ સાથે ખાવ.

_____________________________________________________________________

ફરાળી બફવડા :
સામગ્રી :
બટાકા-500 ગ્રામ, કોપરાનું છીણ-1 વાટકી, શેકેલા તલ-2 ચમચા, શેકેલા સીંગદાણા-1 વાટકી, કિશમિશ-10-12 નંગ, કાજુ-10-12 નંગ, ખાંડ-2 ચમચા, તેલ-તળવા માટે, લીલાં મરચાં-2-3 નંગ, મરચું-અડધી ચમચી, આરાલોટ-2 ચમચા, ગરમ મસાલો-અડધી ચમચી, સિંધાલૂણ-સ્વાદ મુજબ.



રીત :
બટાકાને બાફી, છોલીને છીણી લો. તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને સિંધાલૂણ ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરો. આને થોડી વાર એક તરફ રહેવા દો. એ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, શેકેલા તલ, કિશમિશ, કાજુના ટુકડા. થોડી ખાં, સિંધાલૂણ, મરચું મિક્સ કરો. બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ ભપો. તમે ઇચ્છો તો આને શિંગોડાના લોટમાં મિશ્રણ બોળીને તેલમાં તળી લો. અથવા બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. ચા સાથે ગરમાગરમ બફવડાનો સ્વાદ માણો.

_____________________________________________________________________

ક્રિસ્પી વડા :
સામગ્રી :
ચણાની દાળ-1 વાટકી, સમારેલી પાલકની ભાજી-1 ચમચી, સમારેલી કોથમીર-1 ચમચી, હળદર-અડધી ચમચી, વાટેલા આદું-મરચાં-1 ચમચી, શેકેલુ જીરું-અડધી ચમચી, ચપટી સોડા, તળવા માટે-તેલ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચણાની દાળને 6-7 કલાક પલાળવી દો. સવા ભાગની દાળને ચીલી કટરથી અધકચરી વાટી લો. બાકીની દાળને બ્લેન્ડરમાં ઝીણી વાટી લો. બંને ભાગ કરી પાલક, કોથમીર અને બધી સામગ્રી બરાબર હલાવીને કલાક માટે રાખો. તેલ ગરમ મૂકી ખીરા ઉપર સોડા મૂકી ચમચો ગરમ તેલ રેડો. ખૂબ ફીણી, હાથ ઉપર નાના વડા થેવીને તેલમાં ગુલાબી તળવા. ટમેટા સોસ કે ગળી ચટણી સાથે સર્વ કરો.


*************************************************************************

મકાઇની ચટપટી કચોરી :
સામગ્રી :
પડ માટે : મેંદો-2 કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-50 ગ્રામ.
સ્ટફિંગ માટે : તાજાં મકાઇડોડાં-3-4 નંગ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-પા ચમચી, હળદર-પા ચમચી, વરિયાળી-1 ચમચી, જીરું-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, લીંબુ-અડધું, ચણાનો શેકેલો લોટ-2 ચમચા, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, સમારેલું આદું-નાનો ટુકડો, તેલ-જરૂર પૂરતું.



રીત :
મેંદામાં મીઠું અને તેલનું મોણ ભેળવી જરૂર પૂરતું પાણી લઈ લોટ બાંધો. આ લોટને ભીના કપડાથી ઢાંકી અડધો કલાક રહેવા દો. મકાઇડોડાંને છીણી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં વરિયાળી અને જીરું નાખો. સમારેલાં આદું-મરચાં નાખી બે મિનિટ સાંતળો. પછી છીણેલી મકાઇ ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી શેકો. બધા મસાલા, ચણાનો લોટ અને પા કપ પાણી રેડી ખદખદવા દો. ઠંડુ થાય એટલે સ્ટફિંગને મેંદાના લોટના લૂઆ કરો. પૂરી જેવી વળી તેમાં સ્ટફિંગ ભરી કચોરી બનાવો. આ કચોરીને તેલમાં બ્રાઉન રંગની તળી લો. ગરમાગરમ મકાઇની કચોરી આંબલીની ચટણી સાથે સર્વ કરો.

*************************************************************************

મેક્રોની સમોસા :
સામગ્રી :
તેલ-2 ચમચા, આદું-લસણની પેસ્ટ-1 ચમચો, કેપ્સિકમ-1 નંગ, બાફેલી મેક્રોની-1 કપ, ઓરિગેનો-પા ચમચી, સફેદ મરચું-સ્વાદ મુજબ, મરચું-અડધી ચમચી, ટામેટો કેચઅપ-2 ચમચા, રેડ ચિલી કેચઅપ-2 ચમચા, વિનેગર-2 ચમચા, મેંદો-1 કપ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આદું-લસણની પેસ્ટ સાંતળો. કેપ્સિકમને સમારી આમાં સાંતળો. હવે એક બાઉલમાં બાફેલી મેક્રોની, ઓરિગેનો, સફેદ મરચું, મરચું, ટામેટો કેચઅપ, રેડ ચિલી કેચઅપ અને વિનેગર ભેળવો. આ મિશ્રણમાં તૈયાર કેપ્સિકમ નાખી અલગ રાખો. બીજા બાઉલમાં મેંદામાં સ્વાદ મુજબ, મીઠું, તેલ નાખી જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધો. આમાંથી લૂઆ લઇ નાની પાતળી પૂરીઓ વણો. એક પૂરી લઇ તેના બે ભાગ કરો. એક ભાગ પર સ્ટફિંગ મૂકી તેની કિનારીએ પાણી લગાવી સીલ કરી દો. આ રીતે બધા સમોસા તૈયાર કરો અને તળી લો. ચટણી કે રેડ ચિલી સોસ સાથે સર્વ કરો.
નોંધ : આ જ રીતે બાફેલા નૂડલ્સના સમોસાનું સ્ટફિંગ તૈયાર કરી શકો છો. ઇચ્છો તો આને તળવાને બદલે મોદકનો આકાર આપી સ્ટીમથી મોમોઝની જેમ બાફી લો.

*************************************************************************

પનીર પકોડા :
સામગ્રી :
પનીરના ટુકડા-250 ગ્રામ, ચણાનો લોટ-1 કપ, મરચું-અડધી ચમચી, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, કોથમીર-જરૂર પૂરતી, ચાટ મસાલો-જરૂર પૂરતો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
પનીરના ચોરસ ટુકડાને નવશેકા પાણીમાં પાંચેક મિનિટ પલાળો. ચણાના લોટમાં સ્વાદ મુજબ મીઠું, મરચું, સમારેલાં લીલાં મરચાં અને કોથમીર નાખી ખીરું તૈયાર કરો. પનીરના ટુકડા પર ચાટમસાલો ભભરાવો અને બીજા ટુકડા પર સોસ લગાવો. બંને ટુકડાને ભેગાં કરી ચણાના લોટના ખીરામાં બોળી તળી લો. લીલી ચટણી અથવા સોસ સાથે ખાવ.

*************************************************************************

વેજ લોલીપોપ :
સામગ્રી :
બટાકા-150 ગ્રામ, ડુંગળી-40 ગ્રામ, ગાજર-40 ગ્રામ, શિમલા મરચાં-30 ગ્રામ, કોબીજ-30 ગ્રામ, કોર્નફ્લોર-25 ગ્રામ, ચિલી ફ્લેક્સ-1/2 ટીસ્પૂન, મીઠું-સ્વાદ મુજબ, કાળા મરી-1/2 ટીસ્પૂન.
સોસ માટે :
તેલ-2 ટીસ્પૂન, લસણની પેસ્ટ-1 ટીસ્પૂન, સોયા સોસ-2 ટીસ્પૂન, ચિલી ફ્લેક્સ-1/2 ટીસ્પૂન, પાણી-70 મિલી.


રીત :
એક બાઉલમાં લોલીપોપની બધી સામગ્રી નાખી મિક્સ કરી લો. હવે થોડું મિશ્રણ હાથમાં લો અને નાના-નાના બોલ બનાવી લો. ત્યારબાદ આ બોલની વચ્ચે લોલીપોપ સ્ટિક લગાવો. આ રીતે બધી લોલીપોપ તૈયાર કરી લો. ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરી લો અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે એક પેનમાં 2 ટીસ્પૂન તલનું તેલ ગરમ કરો. તેમાં 1 ટીસ્પૂન લસણની પેસ્ટ નાખી હલાવો. પછી 2 ટીસ્પૂન કેચઅપ, 2 ટીસ્પૂન સોયા સોસ અને 1/2 ટીસ્પૂન ચિલી ફ્લેક્સ નાખી સારી રીતે મિક્સ કરો. પછી તેમાં 70 મિલી પાણી નાખી સોસને ઘટ્ટ થાય ત્યાં સુધી સાંતળો. વેજ લોલીપોપ તૈયાર છે. તેને ગરમાગરમ સર્વ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો