સેન્ડવિચ / પિત્ઝા

પોટેટો-કેરટ સેન્ડવિચ :
સામગ્રી :
બ્રેડની સ્લાઇસ-10 નંગ, બાફેલા બટાકા-2 નંગ, છીણેલું ગાજર-1 વાટકી, વાટેલાં આદું-મરચાં-1 ચમચી, સમારેલી કોથમીર-1 ચમચો, ગરમ મસાલો-1 ચમચી, બટર-1 ચમચો, કેચઅપ-1 વાટકી, કોથમીરની ચટણી-1 વાટકી, મીઠું-ખાંડ-લીંબુ-તેલ-ઘી-જરૂર પ્રમાણે.

 રીત :
બાફેલા બટાકાંને છૂંદી લો અને તેમાં ગાજરનું છીણ મિક્સ કરો. હવે તેમાં આદું-મરચાં, કોથમીર, ગરમ મસાલો, મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખીને પૂરણ બનાવો. બ્રેડની સ્લાઇસની વચ્ચે બટર અને કોથમીરની ચટણી લગાવો. બે સ્લાઇસની વચ્ચે પૂરણ ભરીને ઘી અથવા તેલ મૂકીને તેને શેકી લો. ગરમાગરમ સેન્ડવિચ કેચઅપ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ત્રિરંગી સેન્ડવિચ :
સામગ્રી :
બ્રેડ-6 સ્લાઇસ, માખણ-અડધો કપ, લીલા રંગ માટે પનીરનું છીણ-અડધો કપ, કોથમીર-ફુદીનાની ચટણી-જરૂર પૂરતી, મીઠું-સ્વાદ મુજબ, કેસરી રંગ માટે ગાજરનું છીણ-અડધો કપ, મેયોનિઝ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌ પ્રથમ બ્રેડની સ્લાઇસને માખણ લગાવી એક તરફ રહેવા દો. લીલા રંગ માટે પનીરના છીણમાં કોથમીર ફુદીનાની ચટણી અને મીઠું ભેળવી પેસ્ટ જેવું બનાવો. એ જ રીતે કેસરી રંગ માટે ગાજરના છીણમાં મેયોનિઝ અને મીઠું ભેળવો. હવે માખણ લગાવેલી બ્રેડની સ્લાઇસ પર લીલા રંગની પેસ્ટ બનાવો. તેના પર બીજી સ્લાઇસ ગોઠવી ઉપર કેસરી મિશ્રણ પાથરો. તેના પર બ્રેડની ત્રીજી સ્લાઇસ ગોઠવો. ત્યાર બાદ તેને ત્રાંસા આકારમાં કાપો. ત્રિરંગી સેન્ડવિચ તૈયાર છે.

_____________________________________________________________________

બોમ્બે ચીઝ સેન્ડવિચ :
સામગ્રી :
ચીઝ સ્લાઇસ-8, બ્રેડ-8 સ્લાઇસ, ટામેટાં-2 નંગ, ડુંગળી-2 નંગ, બાફેલા બટાકા-2 નંગ, માખણ-100 ગ્રામ, ચાટ મસાલો-1 ચમચી, પ્રોસેન્ડ ચીઝ-20 ગ્રામ, ટામેટાં કેચપ-જરૂર પ્રમાણે, ચીઝ-સજાવટ માટે.


રીત :
સૌ પ્રથમ બટાકા મેસ કરો. તેમાં જરૂર મુજબ મીઠું નાખો. બ્રેડ ની સ્લાઇસ ઉપર ચીઝ સ્લાઇસ, માખણ, ટામેટો કેચપ, ચાટ મસાલો લગાવી વચ્ચે બટાકાનો માવો મૂકો. તેમાં ડુંગળી, ટામેટાંના પીતા પણ મૂકો. ત્યારબાદ તેને થોડીવાર સેન્ડવિચ ટોસ્ટરમાં બેક કરો. અને ઉપર થોડું ચીઝ લગાવી સર્વ કરો.

*************************************************************************

દેશી પિત્ઝા :
સામગ્રી :
ઘઉંનો લોટ-1 કપ, ચણાનો લોટ-1 કપ, કોર્નફ્લોર-3 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, અજમો-અડધી ચમચી, સમારેલાં મરચાં-3 નંગ, કોથમીર-3 ચમચા.
ટોપિંગ માટે : મસળેલું પનીર-1 કપ, ફણગાવેલું કઠોળ-અડધો કપ, ડુંગળી-1 નંગ, ટામેટાં-1 નંગ, ગાજર-1 નંગ, ચિલી સોસ-1 ચમચો.



રીત :
સૌથી પહેલાં ટોપિંગ માટેની તમામ સામગ્રી મસળેલું પનીર, ફણગાવીને બાફેલું કઠોળ, ડુંગળીની સ્લાઇ, ગાજરનું છીણ, ટામેટાં, ચિલી સોસ અને સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો. બેઝ બનાવવા માટે ઘઉંના લોટમાં ચણાનો લોટ અને કોર્નફ્લોર ભેળવી ખીરું તૈયાર કરો. આ ખીરું પૂડલાના ખીરા જેવું હોવું જોઇએ. આમાં મીઠું, અજમો, આદુંનું છીણ, સમારેલાં મરચાં અને કોથમીર ભેળવો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેના પર થોડું ખીરું રેડી ફેલાવો. એક તરફ બરાબર શેકાઇ જાય એટલે તેને બીજી તરફ ફેરવો. તેના પર તૈયાર ટોપિંગ પાથરો અને પડ પલટાવી ઢાંગી દો. એકદા-બે મિનિટ રહેવા દીધા પછી પ્લેટમાં કાઢી તેને પિત્ઝાની જેમ અથવા રોલ વાળીને સર્વ કરો.
નોંધ : અન્ય પિત્ઝાની માફક આના પર અનેક પ્રકારના ટોપિગ્સ કરી શકાય છે. ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, મકાઇના દાણા વગેરેનો ઉપયોગ કરી શકો છો.

_____________________________________________________________________

ભાખરી પિત્ઝા :
સામગ્રી :
ભાખરીનો લોટ- 500 ગ્રામ, તેલ-2 ચમચી, ડુંગળી-2 નંગ, ટામેટાં-2 નંગ, કેપ્સિકમ-1 નંગ, ચીઝ-250 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ.
ગ્રેવી માટે : ડુંગળી-2 નંગ, ટામેટાં-2 નંગ, લસણ-4 કળી, લાલ મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, મીઠું સ્વાદ મુજબ.


રીત :
ભાખરીના લોટમાં તેલ અને મીઠું નાખી કઠણ લોટ બાંધો, ડુંગળી, ટામેટાં, લસણની મિક્સરમાં ગ્રેવી કરો. એક પેનમાં થોડું તેલ મૂકી તેમાં લાલ મરચાનો વઘાર કરી તેમાં આ ગ્રેવી નાખી થોડી વાર ખદખદવા દો. ગ્રેવી થાઈ જાય એટલે ગેસ બંધી કરી તેને નીચે ઉતારી થડી થવા દો. ત્યારબાદ ભાખરીના લોટમાંથી નાના નાના લૂઆ કરી ભાખરી વળી લો. તેને એક કડાઈમાં શેકવા મૂકો. બન્ને બાજું શેકાય એટલે તેની ઉપર ગ્રેવી મૂકો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, ઝીણા સમારેલા કેપ્સિકમ મૂકી થોડી વાર સીજાવા દો. ત્યારબાદ તેની ઉપર ચીઝને છીણીને ભભરાવો. તૈયાર છે ભાખરી પિત્ઝા.

_____________________________________________________________________

રોટલી પિત્ઝા :
સામગ્રી :
રોટલી-1 નંગ, ઘી-1 ચમચી, બારીક સમારેલી ડુંગળી,કેપ્સિકમ,ટામેટું-1 નંગ, બાફેલા બટાકાનો છુંદો-1 નંદ, મરચું-અડધી ચમચી, મરીનો પાઉડર-જરૂર પ્રમાણે, ચાટ મસાલો-જરૂર પ્રમાણે, ચીઝ ક્યૂબ-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ, બારીક સમારેલી કોથમીર-જરૂર મુજબ, લીલાં મરચાં-જરૂર પ્રમાણે.


રીત :
લોઢી ગરમ કરી તેના પર ઘી લગાવો. તેના પર રોટલી મૂકી ઘીમી આંચે બંને બાજુએ ઘી મૂકી શેકી લો. હવે તાના પર સોસ પાથરી ઉપર ચાટ મસાલો ભભરાવી બારીક સમારેલાં શાકનો થર કરો. મરચું, મરીનો પાઉડર, મીઠું અને કોથમીર ભભરાવો. છેલ્લે ચીઝના ક્યૂબને છીણી આ છીણ ભભરાવો. વઘેલા ઘીને રોટલીની ગોળ ફરતે મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દો અને ગરમાગરમ રોટી પિત્ઝાનો સ્વાદ માણો.

_____________________________________________________________________

બાજરીના પિત્ઝા :
સામગ્રી :
બાજરીનો લોટ-250 ગ્રામ, પાલકની ભાજી-150 ગ્રામ, દહીં-1 ચમચો, વાટેલા આદું-મરચાં-1 થી 1/2 ચમચી, ગોળ-15 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, તેલ, હળદર.
ફિલિંગ માટે : તુવેરના દાણા-25 ગ્રામ, લીલા વટાણા-200 ગ્રામ, કોથમીર-1/2 ઝૂડી, લીલા મરચાં-2 થી 3, લીંબુ, તેલ-1 ચમચો, રાઈ, તલ, મીઠું, ખાંડ- સ્વાદ મુજબ, ટોમેટો સોસ-1 વાટકી.
લીલી ચટણી : કોથમીર-1 ઝૂડી, લીલું લસણ-25 ગ્રામ, દાળિયા-25 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, લીંબુ-અડધુ, ખાંડ-1 ચમચી, આદું-કટકો. અને આ બધું ક્રશ કરી ચટણી બનાવવી.
સજાવટ માટે : ચીઝ-3-4 ક્યુબ્ઝ, કેપ્સિકમ-1 નંગ, માખણ-જરૂર મુજબ.



રીત :
સૌ પ્રથમ બાજરીના રોટલા માટે બાજરી લોટમાં પાલકની ભાજી સમારીને ધોઈને નાંખો. તેમાં હળદર, તેલ, મીઠું, દહીં, આદું-મરચાં નાખો. ગોળનો ભૂકો પાણીમાં ઓગાળીને તે પાણીથી લોટ બાંધો. બાજરીના લોટનું જ અટામણ લઈને જાડો રોટલો વણો અને ગેસ પર શેકી લો. આ રીતે 3 થી 4 મધ્યમ સાઈઝના રોટલા તૈયાર થશે. હવે તુવેરના દાણા અને વટાણાને ક્રશ કરો. એક વાસણમાં તેલ મૂકીને રાઇ-તલ નાખી વટાણા-તુવેરના દાણા કે જેને ક્રશ કર્યા છે. તેને વઘારો. તેમાં મીઠું-ખાંડ, લીલાં મરચાં, કોપરાનું ખમણ, ગરમ મસાલો નાંખો. હલાવો અને ચઢી જાય ત્યારે લીંબુ નાખીને ઉતારી લો. કોથમીરને ધોઈને, સમારી તેમાં નાખો. ફિલીંગ તૈયાર છે. હવે ઓવનને ગરમ કરવા મૂકો. ટ્રેને ગ્રીસ કરી રોટલો મૂકો. તેની ઉપર લીલી ચટણી પાથરો. પૂરણમાં સોસ મિક્સ કરીને ચટણી ઉપર તેનું લેયર કરો. તેની ઉપર ચીઝ છીણીને નાખો. કેપ્સિકમને ધોઈને લાંબા સમારીને ઉભા મૂકવા. ઓવનમાં 10 મિનિટ માટે બેક કરો. જો તમે ઇચ્છો તો માખણના ડબકાં પણ ઉપર નાંખી શકો. ગરમા ગરમ સર્વ કરો.
નોંધ : શિયાળા માટેની ઉત્તમ વાનગી છે. આયર્ન અને પ્રોટીનથી ભરપૂર અને બાળકોને ભાવે તેવી વાનગી બજારમાં મળતા પિત્ઝા કરતાં આ બાજરીના પિત્ઝા પચવામાં ઉત્તમ છે.

_____________________________________________________________________

પૂડલા પિત્ઝા :
સામગ્રી :
ઘઉંનો લોટ-2 કપ, ડુંગળીની સ્લાઇસ-1 નંગ, બારીક સમારેલી કોબીજ-અડધો કપ, કેપ્સિકમની ચીરીઓ-1 નંગ, ચિલી ફ્લેક્સ-1 ચમચી, મરીનો પાઉડર-અડધી ચમચી, ઓરીગેનો/મિક્સ હર્બ્સ-અડધી ચમચી, માખણ અને ચીઝનું છીણ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ઘઉંના લોટમાં મીઠું ભેળવી પૂડલા માટેનું ખીરું તૈયાર કરો. તેમાં એક ચમચો તેલ ભેળવી ચાર-પાંચ કલાક માટે રહેવા દો. લોઢીને ધીમી આંચે ગરમ કરી તેના પર પૂડલા બનાવો. ઉપરની સપાટી પર સમારેલી કોબીજ, કેપ્સિકમ અને ડુંગળીની ચીરી પાથરો. તેના પર બધો પાઉડર મસાલો ભભરાવો. અગાઉથી છીણેલું ચીઝ ભભરાવો. પૂડલા પર ઢાંકણું ઢાંકી દો જેથી ઉપરના શાક થોડા નરમ થઇ જાય અને ચીઝ પીગળી જાય. તે પછી ઢાંકણું ખોલી પૂડલા પિત્ઝાને ચાર ભાગ કરો અને સોસ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ચીઝી વેજ પિત્ઝા :
સામગ્રી :
પિત્ઝા બેઝ-1 નંગ, બારીક સમારેલાં મિક્સ શાક-1 વાટકી, ચીઝ-2 સ્લાઇસ, મોઝેલા ચીઝ-2 નંગ, ટામેટાંની પ્યોરી-1 ચમચો, બારીક સમારેલી ડુંગળી-200 ગ્રામ, આદું-લસણની પેસ્ટ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, ગરમ મસાલો-જરૂર મુજબ, માખણ-1 ચમચો.
સજાવટ માટે :
ટામેટાં અને ડુંગળીની રિંગ્સ, કોથમીર.


રીત :
ટામેટાંની પ્યોરી બનાવવા માટે ટામેટાંને બાફી લો. પાણી નિતારી તેને અધકચરા ક્રશ કરી લો. એક પેનમાં માખણ ગરમ કરી તેમાં આદું-લસણની પેસ્ટ સાંતળો. પછી તેમાં ટામેટાંની પ્યોરી ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. પિત્ઝા માટે પિત્ઝા બેઝને બે મિનિટ માટે ઓવનમાં ગરમ કરો. તે પછી તેને બહાર કાઢી તેના પર ચીઝની સ્લાઇસ ગોઠવો. ઉપર ટામેટાંની પ્યોરી પાથરો. તે પછી બધાં શાકનો વારાફરતી થર કરો. છેલ્લે મોઝેલા ચીઝ નાખી ઉપર ટામેટા, ડુંગળીની રિંગ્સ અને કોથમીરથી સજાવટ કરો.

_____________________________________________________________________

પનીર ટિક્કા પિત્ઝા :
સામગ્રી :
પિત્ઝા બેઝ માટે :
મેંદો-2 કપ, તેલ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, ખાંડ-2 ચમચી, ઇન્સ્ટન્ટ યીસ્ટ-જરૂર મુજબ.
પિત્ઝા ટોપિંગ માટે :
બારીક સમારેલું કેપ્સિકમ-1 નંગ, પનીર-1 ચમચો, બેબી કોર્ન-3 ચમચા, પિત્ઝા સોસ-અડધો કપ, ચીઝ ક્યૂબ-2 નંગ, હર્બ પાઉડર-અડધી ચમચી. સોસ-સજાવટ માટે.


રીત :
પિત્ઝા બેઝ માટે : મેંદાને ચાળી તેમાં ઇન્સ્ટન્ટ યીસ્ટ, મીઠું, ખાંડ અને તેલ ભેળવી સારી રીતે મિક્સ કરો. નવશેકા પાણી થી લોટ બાંધો. આને ઠાંકીને સહેજ ગરમીવાળી જગ્યાએ મૂકો જેથી આથો આવી જાય. લોટ સહેજ ફૂલ જાય એટલે પિત્ઝા બેઝ તૈયાર કરો.
પિત્ઝા ટોપિંગ માટે : પેનમાં તેલ ગરમ કરી તેમાં બધાં શાક અને પનીર નાખી થોડી વાર રહેવા દો. અડધો સે.મી. જાડાઇ અને 10-12 ઇંચ વ્યાસ ધરાવતાં પિત્ઝા બેઝ તૈયાર કરો. નોનસ્ટિક પેનને સહેજ તેલ લગાવી ગરમ કરો. પિત્ઝા બેઝને નોસ્ટિક પેનમાં મૂકો. તેને ઢાંકીને ધીમી આંચે નીચેની તરફ આછા બ્રાઉન રંગનો થવા દો. બેઝના ટોપિંગ માટે પહેલાં સોસ પાથરી, ઉપર શાકનું મિશ્રણ પાથરો. તેના પર ચીઝ ભભરાવી, ધીમી આંચે 5-6 મિનિટ રહેવા દો. ચીઝ પીગળે અને નીચેની સપાટી એકદમ બ્રાઉન થાય તે ઉપર હર્બ્સ પાઉડર (કોથમીર, ફુદીનો અને તુલસીનો પાઉડર) ભભરાવી સર્વ કરો.

_____________________________________________________________________

લો કેલેરી પિત્ઝા :
સામગ્રી :
ઘઉંની બ્રેડ-4 સ્લાઇસ, મિક્સ શાક (કેપ્સિકમ, લીલાં મરચાં, ગાજર, કોબીજ, ડુંગળી અને ટામેટાં-1 વાટકી, ચીઝ ક્યૂબ-2 નંગ, ટામેટાંનો સોસ-1 ચમચો, આદું-લસણની પેસ્ટ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-જરૂર પ્રમાણે, વિનેગર-જરૂર પ્રમાણે.


રીત :
પેનમાં તેલ ગરમ કરી, તેમાં આદું-લસણની પેસ્ટ સાંતળો અને વારાફરતી બધાં શાક નાખી થોડી વાર રહેવા દો. ચીઝ સિવાયની બધી સામગ્રીને મિક્સ કરો. બ્રેડની સ્લાઇસને ઓવનમાં મૂકી બે મિનિટ માટે બેક કરો. તે પછી તેના પર તૈયાર ટોપિંગનો થર કરો. ઉપર ચીઝનું છીણ પાથરી તે પીગળે ત્યાં સુધી બેક કરીને સર્વ કરો.

_____________________________________________________________________

મિની પિત્ઝા :
સામગ્રી :
બ્રેડ-6 સ્લાઇસ, બ્રેડક્રમ્બ્સ-1 ચમચો, રવો-1 ચમચો, મકાઇનો લોટ-1 ચમચો, ઇનો ફ્રૂટસોલ્ટ-1 પાઉચ, દહીં-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, મિક્સ શાક-જરૂર પ્રમાણે, પનીરનું છીણ-50 ગ્રામ, ફણગાવેલા ચણા-1 ચમચો, ચાટ મસાલો-અડધી ચમચી.
વઘાર માટે : તેલ, રાઇ, લીમડો, લીલા મરચાં.
સજાવટ માટે : કોથમીર, ચટણી અને સોસ.


રીત :
બ્રેડની કિનારી કાપીને તેને દહીંમાં પલાળી દો. તેમાં રવો, મકાઇનો લોટ અને મીઠું ભેળવી પંદર મિનિટ રહેવા દો. ત્યારબાદ બધા શાક બારીક સમારીને ભેળવો અને મસાલો નાખો. હવે મિશ્રણમાં બ્રેડક્રમ્બ્સ અને ઇનો ભેળવો. એક મોલ્ડમાં ઘી કે તેલ લગાવી તેમાં આ મિશ્રણ ભરો. તેના પર ફણગાવેલા ચણા, પનીર અને નાળિયેર ભભરાવો. ચીઝ પણ છીણીને નાખો. હવે અગાઉથી ગરમ કરેલા ઓવનમાં 150 ડિગ્રી ફેરનહીટ પર 25-30 મિનિટ સુધી બેક કરો. ક્રિસ્પી પિત્ઝા પર વઘાર રેડો. સોસ, કોથમીર અને ચટણી સાથે ગરમાગરમ બ્રેડ પિત્ઝા સર્વ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો