સલાડ

કોર્ન સલાડ વિથ સ્પ્રાઉટ્સ :
સામગ્રી :
મકાઇડોડા-2  નંગ, ફણગાવેલા મગ-અડધો કપ, પલાળેલા ચણા-અડધો કપ, પલાળેલા સીંગદાણા-અડધો કપ, લીલાં મરચાં-4 નંગ, માખણ-દોઢ ચમચો, બારીક સમારેલી ડુંગળી-અડધો કપ, ટમેટાં-કાકડી-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-જરૂર મુજબ.
  

 રીત :
ફણગાવેલા મગ, પલાળેલા ચણા અને સીંગદાણામાં થોડું પાણી રેડી બફાવા મૂકો. અધકચરા બફાઇ જાય એટલે આંચ પરથી ઉતારી લો. તે પછી વધારાનું પાણી નિતારી લો. જો અમેરિકન મકાઇ લાવ્યા હો તો તેને પાંચ મિનિટ પાણીમાં બાફો અથવા બંને મકાઇડોડાને કૂકરમાં બે સીટી થાય ત્યાં સુધી બાફો. ઠંડા થાય એટલે દાણા કાઢી લો. હવે એક કડાઇમાં માખણ ગરમ કરી તેમાં લીલાં મરચાં સાંતળી તેને અલગ કાઢી લો. આ માખણમાં મકાઇના દાણા, ફણગાવેલા મગ, ચણા અને સીંગદાણા નાખો. મીઠું ભેળવી પછી આંચ પરથી ઉતારી લો. ત્યાર બાદ આને એક પ્લેટમાં કાઢો. તેના પર થોડો લીંબુનો રસ રેડો અને સમારેલા ટમેટાં, કાકડી, ડુંગળી ઉપર ભભરાવો.

_____________________________________________________________________

કોર્ન સલાડ :
સામગ્રી :
મકાઇના દાણા-200 ગ્રામ, ચાટ મસાલો-1 ચમચી, મરીનો પાઉડર-અડધી ચમચી, લીલાં મરચાં-2-3 નંગ, કેપ્સિકમ-1 નંગ, ટાનેટા-1 નંગ, ડુંગળી-1 નંગ, લીંબુનો રસ-2 ચમચી, માખણ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
મકાઇના દાણાને સહેજ મીઠું નાખી બાફી લો. પાણી નિતારી તેને એક બાઉલમાં કાઢો. તેમાં ચાટમસાલો, મરીનો પાઉડર, લીલાં મરચાં અને સમારેલું કેપ્સિકમ ભેળવો. ઉપર લીંબુનો રસ રેડો. હવે માખણ અને મીઠું ભેળી સર્વિંગ પ્લેટ કે બાઉલમાં કાઢો અને સર્વ કરો.

_____________________________________________________________________

પોટેટો રાજમા સલાડ :
સામગ્રી :
બાફેલા બટાકા-2 નંગ, બાફેલા રાજમા-1 કપ, ડુંગળી-2 નંગ, લીલાં મરચાં-1 નંગ, તેલ-1 ચમચી, મરીનો પાઉડર-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચો, બારીક સમારેલી કોથમીર-જરૂર પૂરતી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌપ્રથમ એક પેનમાં ધીમી આંચે તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી અને લીલાં મરચાં સાંતળી લો. ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા, રાજમા, મીઠું, મરીનો પાઉડર, લીંબુનો રસ નાખી ત્રણ મિનિટ સુધી ધીમી આંચે ચડવા દો. છેલ્લે બારીક સમારેલી કોથમીરથી સજાવટ કરો. પ્રોટીન અને ભરપૂર વિટામિન ધરાવતું આ સલાટ તમારા માટે ખૂબ લાભકારક રહેશે.

_____________________________________________________________________

ત્રિરંગી પાસ્તા સલાડ :
સામગ્રી :
ત્રિરંગી પાસ્તા-1 કપ, ગાજરનું છીણ-અડધો કપ, ચીઝના ટુકડા-1 કપ.
સજાવટ માટે : મેયોનિઝ-પા કપ, દૂધ-2 ચમચા.



રીત :
પાસ્તાને બાફી લો. તેને નિતારીને ઠંડા પાણીથી ધોઇ લો. તેને સર્વિંગ બાઉલમાં કાઢો. તેમાં ગાજરનું છીણ, ચીઝ મિક્સ કરો. દૂધમાં મેયોનિઝ ભેળવી તેને પાસ્તાના મિશ્રણમાં ભેળવો અને ઉછાળીને મિક્સ કરો. ત્રિરંગી પાસ્તા સલાડ તૈયાર છે.

_____________________________________________________________________

ચાઇનીઝ બ્રોકોલી મિક્સ :
સામગ્રી :
કોર્નફ્લોર-2 ચમચા, વેજીટેબલ સ્ટોક-અડધો કપ, તેલ-2 ચમચી, લીલાં મરચાં-3 નંગ, લસણ-5-6 કળી, ડુંગળી-1 નંગ, બ્રોકોલી-દોઢ કપ, ફણગાવેલું કઠોળ-1 કપ, બેબી કોર્ન-1 કપ, મરીનો પાઉડર-જરૂર મુજબ, ટોમેટો કેચઅપ-2 ચમચી, વિનેગર-1 ચમચી, સોયા સોસ-2 ચમચી, ખાંડ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
કોર્નફ્લોરમાં વેજીટેબલ સ્ટોક મિક્સ કરી ખીરું તૈયાર કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલાં લીલાં મરચાં અને લસણ સાંતળો. તે પછી સમારેલી ડુંગળીને બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં બ્લાન્ચ કરેલી બ્રોકોલીના ટુકડા, ફણગાવેલું કઠોળ, બ્લાન્ચ બેબીકોર્ન, મીઠું અને મરીનો પાઉડર ભેળવો. તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ ઉમેરી હલાવો. ત્રણ-ચાર મિનિટ પછી ટોમેટો કેચઅપ, વિનેગર, સોયા સોસ અને ખાંડ નાખી મિક્સ કરો. એકાદ-બે મિનિટ પછી આંચ પરથી ઉતારીને સર્વ કરો.

_____________________________________________________________________

બેક્ડ પોટેટો સલાડ :
સામગ્રી :
નાના બટાકા(બેક કરેલા)-6 નંગ, બાફેલા લીલા વટાણા-2 ચમચા, શેકેલું જીરું-પા ચમચી, મીઠું અને મરીનો પાઉડર-સ્વાદ મુજબ, લીંબુનો રસ-1 ચમચી, સમારેલી ડુંગળી-2 ચમચા, ઓલિવ ઓઇલ-અડધી ચમચી, સમારેલી કોથમીર/લીલી ડુંગળી-1 ચમચો.



રીત :
એક બાઉલમાં બેક કરેલા બટાકા, ડુંગળી, વટાણા, જીરાંનો પાઉડર અને મીઠું, મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. લીંબુના રસમાં ઓલિવ ઓઇલ અને મીઠું નાખી રહેવા દો. ત્યાર બાદ સર્વિગ બાઉલમાં બટાકાનું મિશ્રણ નાખી તેના પર લીંબુનો રસ રેડો. છેલ્લે કોથમીર અથવા લીલી ડુંગળીથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

વેજિટેબલ સલાડ :
સામગ્રી :
કોબીજ-અડધો કપ, બારીક સમારેલું ગાજર-અડધો કપ, બારીક સમારેલો મૂળો-અડધો કપ, સમારેલું કેપ્સિકમ-પા કપ.
ડ્રેસિંગ માટે : મધ-1 ચમચો, નારંગીનો રસ-2 ચમચા, રાઇ-જરૂર પૂરતી, લીંબુનો રસ-1 ચમચી, મીઠું અને મરચું-સ્વાદ મુજબ.



રીત :
બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી તેને ઠંડું થવા માટે ફ્રીજમાં મૂકી દો. સર્વ કરતાં પહેલાં સલાડ પર ડ્રેસિંગ રેડી મિક્સ કરો અને તરત જ ઠંડું હોય ત્યારે મહેમાનોને ખાવા આપો.

_____________________________________________________________________

ગાજર-મૂળાનું સલાડ :
સામગ્રી :
ગાજર-1 નંગ, મૂળો-1 નંગ, આદું-નાનો ટુકડો, લીલાં મરચાં-1-2 નંગ, સમારેલી કોથમીર-1 ચમચો, લીંબુ-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
મૂળા અને ગાજરને છોલી બરાબર ધોઇ લો. તે પછી તેને છીણી હથેળીથી દબાવી બધું પાણી નિતારી લો. એક બાઉલમાં ગાજર અને મૂળાનું છીણ કાઢો. તેમાં બારીક સમારેલું આદું, કોથમીર અને લીલા મરચાં ભેળવો. સર્વ કરવાનું હોય તે પહેલાં સલાડમાં મીઠું અને લીંબુનો રસ ભેળવો અને તરત જ ભોજન સાથે સર્વ કરો.

_____________________________________________________________________

જેલી સલાડ :
સામગ્રી :
જેલી-1 પેકેટ, બારીક સમારેલી કોબીજ-1 કપ, બારીક સમારેલા ગાજર-1 કપ, બારીક સમારેલી લીલી ડુંગળી-1 નંગ, બારીક સમારેલા ટામેટા-1 નંગ, બારીક સમારેલું કેપ્સિકમ-1 નંગ, સફરજન-1 નંગ, પાઇનેપલની સ્લાઇસ-2 નંગ, કોથમીર-અડધો ચમચો, મીઠું અને મરીનો પાઉડર-સ્વાદ મુજબ, બૂરું ખાંડ-અડધી ચમચી, સફેદ વિનેગર-1 ચમચી.



રીત :
જેલી બનાવીને સલાડ બાઉલમાં ભરી ફ્રીજમાં જામવા માટે મૂકી દો. જેલી જામી જાય એટલે તેના નાના નાના ચોરસ ટુકડા કરો. સફરજન અને પાઇનેપલના પણ બારીક ટુકડા સમારો. એક સર્વિંગ બાઉલમાં સૌ પ્રથમ બધાં ફ્રૂટ અને શાક પાથરો. તેના પર મીઠું, મરીનો પાઉડર, વિનેગર અને ખાંડ ભભરાવો. તેમાં જેલીના ટુકડા નાખી મિક્સ કરો. ઉપર ટમેટાં અને કોથમીરથી સજાવટ કરો.

_____________________________________________________________________

મગ સલાડ :
સામગ્રી :
ફણગાવાલે મગ-2 વાટકી, બારીક સમારેલા ટામેટાં-1 નંગ, બારીક સમારેલી ડુંગળી-1 નંગ, ઝીણી સેવ-અડધી વાટકી, તેલ-2 ચમચી, ખાંડ-1 ચમચી, હિંગ-ચપટી, લાલ મરચું-અડધી ચમચી, ચાટ મસાલો-અડધી ચમચી, લીંબુનો રસ-1 ચમચી, હળદર-ચપટી, ધાણાજીરુ-ચપટી, સમારેલી કોથમીર-અડધી વાટકી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક કડાઇમાં બે ચમચી તેલ ગરમ કરીને હિંગનો વઘાર કરો. તેમાં ફણગાવેલા મગ અને મીઠું નાખીને થોડી વાર ચડવા દો. તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું અને ખાંડ સ્વાદ પ્રમાણે નાખીને મિક્સ કરો. બધું બરાબર મિક્સ થઇને મગ બફાઇ જાય એટલે તેના પર બારીક સમારેલા ટામેટાં અને ડુંગળી ઉમેરી ચાટ મસાલો ભભરાવો. ત્યાર બાદ આંચ પરથી નીચે ઉતારી લઇ લીંબુનો રસ રેડી કોથમીર અને ઝીણી સેવ ભભરાવીને તેનો સ્વાદ માણો.
નોંધ : ખાંડ ન નાખવી હોય તો સફરજનના નાના ટુકડા કરીને પણ નાખી શકાય.

_____________________________________________________________________

કકુમ્બર-કેરેટ સલાડ :
સામગ્રી :
વ્હાઇટ વિનેગર-અડધો કપ, સમારેલા ગાજર-1 કપ, ખાંડ-1 ચમચી, સમારેલી ડુંગળી-2 ચમચા, તેલ-અડધી ચમચી, સમારેલું લાલ કેપ્સિકમ-2 ચમચા, સમારેલું આદું-પા ચમચી, સમારેલી કાકડી-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
વ્હાઇટ વિનેગર, ખાંડ, તેલ, આદું અને મીઠાને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરો. ડુંગળી, ગાજર, કાકડી અને કેપ્સિકમને પણ મિક્સ કરી લો. તે પછી તેના પર તૈયાર ડ્રેસિંગ રેડી સલાડને મિક્સ કરો. હવે આને પ્લાસ્ટિકથી કવર કરી અડધો કલાક ફ્રીજમાં રાખી ઠંડું જ સર્વ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો