સ્ટફ્ડ શાક / વિવધ શાક

સ્ટફ્ડ બ્રિંજલ :
સામગ્રી :
રવૈયા-250 ગ્રામ, બારીક સમારેલી ડુંગળી-2 નંગ, બારીક સમારેલું આદું-2 ચમચી, લસણની પેસ્ટ-1 ચમચો, આખા ધાણા-1 ચમચી, તલ-દોઢ ચમચી, જીરું-અડધી ચમચી, શેકેલા સીંગદાણા-3 ચમચા, ખસખસ-1 ચમચી, કોપરું-નાનો ટુકડો, મેથી-10-12 દાણા, હળદર-પા ચમચી, મરચું-અડધી ચમચી, ગોળ-જરૂર પ્રમાણે, આમલીનો પલ્પ-1 કપ, લીમડો-થોડા પાન, તેલ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ.



 રીત :
રવૈયાની લાંબી પાતળી ચીરી સમારો. તેને એવી રીતે સમારવાની છે કે તેમાં શાક બનાવતી વખતે છૂટી ન પડી જાય. ડુંગળીને કડાઇમાં આઠ-દસ મિનિટ સાંતળો. પછી કડાઇમાં આખા ધાણા, તલ, સીંગદાણા, જીરું, કોપરું, મેથી અને ખસખસ નાખી બ્રાઉન રંગના શેકો. હવે ડુંગળી, શેકેલો મસાલો, આદું, લસણ, મીઠું, હળદર, મરચું અને ગોળને મિક્સરમાં ક્રશ કરી લો. આ તૈયાર પેસ્ટમાંથી થોડી પેસ્ટ અલગ રાખી બાકીની પેસ્ટને રવૈયામાં ભરી દો. વધેલી પેસ્ટને આમલીના પલ્પમાં મિક્સ કરો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં લીમડો વઘારો. તેમાં ભરેલા રવૈયા નાખો. તેને ચમચાથી હલાવાને બદલે પેન હલાવીને મિક્સ કરો. દસ મિનિટ પછી તેમાં વધેલી પેસ્ટનું મિશ્રણ ભેળવો. તે પછી ઢાંકીને મધ્યમ આંચે પાંચ-સાત મિનિટ રહેવા દો. આ દરમિયાન રવૈયા બફાઇ ન ગયાં હોય, તો અડધો કપ પાણી રેડી થોડી વાર રહેવા દો.

_____________________________________________________________________

સ્ટફ્ડ ભીંડા :
સામગ્રી :
ભીંડા-500 ગ્રામ, મરચું-1 ચમચી, ધાણા પાઉડર-2 ચમચા, હળદર-અડધી ચમચી, આમચૂર-2 ચમચી, અજમો-અડધી ચમચી, તેલ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ભીંડાને ધોઇને કોરા થવા દો અથવા તો ભીના કપડાંથી સારી રીતે લૂછી લો. દરેક ભીંડાની બંને બાજુની કિનારી કાપી લો અને તેના બે ઇંચ લાંબા ટુકડા કરો. હવે બધા ટુકડામાં કાપો મૂકો. સ્ટફિંગ બનાવવા માટે તેલ સિવાયની તમામ સામગ્રીને એક બાઉલમાં લઇ સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ભીંડાના ટુકડામાં ભરો. કડાઇમાં તેલ ગરમ કરો. ધીમી આંચે વારાફરતી બધાં ટુકડા કડાઇમાં નાખો. બે મિનિટ પછી તેને ઢાંકી દો. થોડી થોડી વારે હલાવતાં રહો જેથી ભીંડા કડાઇમાં ચોંટી ન જાય. જ્યારે ભીંડા સારી રીતે ક્રિસ્પી થઇ જાય ત્યારે આંચ પરથી ઉતારી લો. આ સ્ટફ્ડ ભીંડાને પૂરી અને રાયતાં સાથે સર્વ કરો.

_____________________________________________________________________

પનીરી ટમેટા :
સામગ્રી :
ટમેટાં-4 નંગ, બાફેલા બટાકા-4 નંગ, ડુંગળી-1 નંગ, આદું-લસણની પેસ્ટ-2 ચમચી, લીલં મરચાં-2 નંગ, મરચું-1 ચમચી, જીરું-1 ચમચી, હળદર-અડધી ચમચી, સમારેલી કોથમીર-જરૂર મુજબ, પનીરનું છીણ-અડધી વાટકી, ક્રીમ/મલાઇ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ. તેલ-જરૂર પૂરતું.



રીત :
ડુંગળીને બારીક સમારી લો. ટમેટાંને ઉપરથી થોડું કાપી ચપ્પુથી અંદરનો ગર કાઢી લો. તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો અને આદું-લસણની પેસ્ટ સાંતળો. તે પછી સમારેલી ડુંગળીને બદામી રંગની સાંતળો. પાંચક મિનિટ પછી તેમાં બટાકા અને મીઠું ભેળવીને મિક્સ કરો. બે મિનિટ પછી પનીર અને કોથમીર ભેળવો. તે પછી તૈયાર મિશ્રણને આંચ પરથી ઉતારી લો. ઠંડું થાય એટલે તેને ટમેટામાં ભરો. કડાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં ટમેટાં મૂકી ઢાંકણું ઢાંકી થોડું પાણી રેડો. ટમેટાં બફાઇ જાય એટલે તાજા ક્રીમ અથવા મલાઇ અને કોથમીરથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

દાલપાલક ટમેટા :
સામગ્રી :
ટમેટાં-5 નંગ, બાફેલી મગની દાળ-1 કપ, બારીક સમારેલાં લીલાં મરચાં-2 ચમચા, લીંબુનો રસ-અડધી ચમચી, વરિયાળી-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, મરચું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
ગ્રેવી માટે : પાલક-100 ગ્રામ, લીલાં મરચાં-2 નંગ, બથુઆની ભાજી-100 ગ્રામ, આદું-નાનો ટુકડો, તેલ-2 ચમચા, ક્રીમ/મલાઇ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌપ્રથમ ટમેટાંને ઉકળતા પાણીમાં નાખી તરત જ કાઢી લો. હવે તેની છાલ કાઢી તેનો ગર કાઢી પોલાં કરી લો. અંદરથી કાઢેલા ગરને એક તરફ રહેવા દો. ગ્રેવી બનાવવાના કામમાં આવશે. મગની બાફેલી દાળમાં બધો મસાલો ભેળવો અને ટમેટાંમાં ભરો. હવે ગ્રેવી માટે પાલક અને બથુઆની ભાજીને બાફી, ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો. ટમેટાના ગરમાં આદું, લીલાં મરચાં ભેળવી ક્રશ કરી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં ટમેટાંની પેસ્ટ નાખો. તેમાં મીઠું ભેળવી સાંતળો. ત્યાર બાદ તેમાં ગ્રીન પેસ્ટ ભેળવો. હવે સ્ટફ્ડ ટમેટાંને ગ્રેવીમાં મૂકો અને ઉપર ક્રીમ નાખો. તેને ઢાંકીને બે-ત્રણ મિનિટ રહેવા દો. સ્વાદિષ્ટ સ્ટફ્ડ ટમેટાં તૈયાર છે. નાન કે રોટ સાથે ખાવ.

_____________________________________________________________________

નવાબી ચિલી :
સામગ્રી :
મોટા મરચાં (વઢવાણી)-8-10 નંગ, ચણાનો શેકેલો લોટ-અડધી વાટકી, સીંગદાણાનો ભૂકો-અડધી વાટકી, રાઇ-અડધી ચમચી, જીરું-અડધી ચમચી, મરુચં-પા ચમચી, આમચૂર-અડધી ચમચી, ધાણા પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કોથમીર-જરૂર પૂરતી, કોપરાનું છીણ-જરૂર મુજબ, તેલ-જરૂર પૂરતું.



રીત :
દરેક મરચાંમાં ચપ્પુથી લાંબો કાપો મૂકો. થોડા પાણીમાં મરચું, આમચૂર અને ધાણા પાઉડર ભેળવો. એક કડાઇમાં તેલ ગરમ કરી રાઇ અને જીરાંનો વઘાર કરો. તે પછી મસાલાવાળું પાણી રેડો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ, સીંગદાણાનો ભૂકો ભેળવો. ત્રણ મિનિટ બાદ થોડું પાણી રેડો અને પાણી શોષાઇ જાય એટલે મિશ્રણને આંચ પરથી ઉતારી લો. ઠંડું થાય એટલે આ મિશ્રણ મરચાંમાં ભરો. એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં મરચાં ગોઠવી ધીમી આંચે ચડવા દો. મરચાં આછા બદામી રંગના થાય એટલે આંચ પરથી ઉતારી લો. કોથમીર અને કોપરાના છીણથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

સ્ટફ્ડ તૂરિયાં :
સામગ્રી :
તૂરિયાં-500 ગ્રામ, તેલ-3-4 ચમચા, હિંગ-ચપટી, જીરું-પા ચમચી, વરિયાળીનો પાઉડર-2 ચમચી, ધાણા પાઉડર-2 ચમચી, મરચું-પા ચમચી, હળદર-અડધી ચમચી, આમચૂર-અડધી ચમચી, ગરમ મસાલો-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
તૂરિયાં છોલીને તેને બંને બાજુએથી થોડા કાપી નાખો. બધા તૂરિયાંને વચ્ચેથી કાપી તેના દરેક ટુકડામાં ચીરો મૂકો. હિંગ અને જીરાં સિવાયની તમામ સામગ્રી મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને તૂરિયાંના દરેક ટુકડામાં ભરો. તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરાંનો વઘાર કરો. તેમાં બધાં તૂરિયાં નાખી પાંચ મિનિટ સુધી ઢાંકીને ધીમી આંચે ચડવા દો. પછી ઢાંકણું ખોલી ચીપિયાથી તૂરિયાંને ફેરવી ફરી ઢાંકી દો. ત્રણેક મિનિટ રાખ્યા પછી ઢાંકણુ ખોલીને જુઓ કે તૂરિયાં બરાબર ચડી ગયાં છે કે નહીં. જો તે ચડી ગયાં હોય તો એકાદ-બે મિનિટ રહેવા દઇ પછી આંચ પરથી ઉતારી લો. સ્ટફ્ડ તૂરિયાં તૈયાર છે.

_____________________________________________________________________

ફલાવર મુસલ્લમ :
સામગ્રી :
નાના ફ્લાવર-2 નંગ, ડુંગળી-2 નંગ, ટમેટાં-3 નંગ, ધાણા પાઉડર-2 ચમચી, મરચું-1 ચમચી, હળદર-અડધી ચમચી, ગરમ મસાલો-1 ચમચી, આદું-લસણની પેસ્ટ-2 ચમચી, તેલ-જરૂર પૂરતું, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ડુંગળીને ક્રશ કરી તેની પેસ્ટ બનાવો. એ જ રીતે ટમેટાંની પણ પેસ્ટ બનાવો. હવે આખા ફ્લાવરને ડાંડલી સહિત સહેજ છોલી નાખો. એક તપેલામાં થોડું મીઠું નાખી પાણી ગરમ કરો. ઊભરો આવે એટલે તેમાં ફ્લાવર નાખો. પાંચેક મિનિટ પછી ફ્લાવર કાઢી ઠંડા પાણીથી ધૂઓ. તેના ફૂલ તૂટી ન જાય તેનું ધ્યાન રાખો. હવે પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળીની પેસ્ટ સાંતળો બધો મસાલો ભેળવો. થોડી વાર પછી ટમેટાની પેસ્ટ ભેળવો. આદું-લસણની પેસ્ટ ઉમેરો. જ્યારે તેમાંથી તેલ છૂટું પડે એટલે આંચ પરથી ઉતારી લો. મસાલો સહેજ ઠંડો થાય એટલે ફ્લાવરમાં ભરી દો. થોડો મસાલો કૂકરના તળિયે રહેવા દો. ફ્લાવરને ડાંડલીથી પકડીને કૂકરમાં ગોઢવો. ઢાંકીને એક સીટી થાય ત્યાં સુધી બફાવા દો. ઠંડું પડે એટલે ફ્લાવર કાઢી સમારેલી કોથમીરથી સજાવીને સર્વ કરો.

_____________________________________________________________________

પોટેટો રાઉન્ડલ્સ :
સામગ્રી :
બાફેલા બટાકા-250 ગ્રામ, ચીઝ-50 ગ્રામ, સમારેલા કેપ્સિકમ-2 ચમચા, પનીર-100 ગ્રામ, ઓરિગેનો હર્બ-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-જરૂર મુજબ.



રીત :
બાફેલા બટાકાના બે ટુકડા કરો. હવે સ્કૂપરની મદદથી તેનો ગર કાઢી વચ્ચેથી પોલા કરી લો. આ ગરને બારીક સમારી લો. ચીઝ અને પનીરને છીણી લો. કેપ્સિકમ, પનીર, મીઠું, મરીનો પાઉડર અને બટાકાના ગરને મિક્સ કરો. આ મિશ્રણને પોલા કરેલા બટાકામાં ભરી તેના પર ઓરિગેનો ભભરાવો અને ઉપર ચીઝનું છીણ ભભરાવો. અગાઉથી ગરમ કરેલા ઓવનમાં લગભગ દસ મિનિટ બેક કરીને ખાવ.

*************************************************************************

પાલક ટોફૂ :
સામગ્રી :
ટોફૂ-100 ગ્રામ, પાલક-250 ગ્રામ, બારીક સમારેલાં લીલાં મરચાં-2-3 નંગ, બારીક સમારેલું આદું-1 ચમચી, ઓલિવ ઓઇલ-અડધી ચમચી, મેથી-પા ચમચી, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું લસણ-1-2 કળી, જીરું-અડધી ચમચી, ટમેટાંની પ્યોરિ-2 નંગ, તાજું ક્રીમ-1 ચમચો, માખણ-3 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક પેનમાં તેલ ગરમ કરી આદું સાંતળો. તેમાં સમારેલી પાલક અને મીઠું ભેળવી તેને ઢાંક્યા વિના જ આંચ પર રાખો જેથી પાલકનો રંગ લીલો જ રહે. મીઠાથી પણ લીલો રંગ જળવાઇ રહેશે. તેને વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી છાંટતાં રહો. પાલક બફાઇ જાય એટલે આંચ પરથી ઉતારી લો. તે પછી મિક્સરમાં ક્રશ કરી લો. હવે બીજા પેનમાં તેલ ગરમ કરો. તેમાં મેથીનો વઘાર કરી ડુંગળીને આછા બ્રાઉન રંગની સાંતળો. તે પછી લસણ અને જીરું નાખો. અડધી મિનિટ પછી ટમેટાંની પ્યોરિ ભેળવો. તે ઘટ્ટ થાય એટલે ટોફૂ નાખીને હલાવો. છેલ્લે પાલકની પ્યોરિ ભેળવીને મિક્સ કરો. ચાર-પાંચ મિનિટ પછી આંચ પરથી ઉતારી લો. ટેસ્ટી ટોફૂ તૈયાર છે. આને તાજાં ક્રીમ અને માખણથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

નવાબી ભાજી :
સામગ્રી :
સમારેલી પાલક-500 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, મસૂરની દાળ-200 ગ્રામ, કાજુના તળેલા ટુકડા-50 ગ્રામ, બારીક સમારેલી ડુંગળી-2 નંગ, બારીક સમારેલા ટમેટાં-1 નંગ, મરીનો પાઉડર-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, રાઇ-અડધી ચમચી, જીરું-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, ધાણાનો પાઉડર-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, છાશ-1 કપ, બારીક સમારેલું લસણ-2-3 નંગ, ઘી-દોઢ ચમચો, સમારેલી કોથમીર-અડધો કપ.



રીત :
મસૂરની દાળને એક કલાક પલાળી રાખી પછી નિતારી લો. કડાઇમાં ઘી ગરમ કરી તેમાં ડુંગળી અને લસણ સાંતળો. જીરું, રાઇ અને હળદર નાખો. થોડી વાર પછી પલાળેલી દાળ અને પાલક મિક્સ કરો. પાલક બફાઇ જાય એટલે આંચ ધીમી કરી દો. તેમાં છાશ અને મીઠું નાખી ભેળવો. પાંચક મિનિટ પછી સમારેલાં ટમેટાં અને બધો મસાલો મિક્સ કરો. બે મિનિટ રહેવા દઇ આંચ પરથી ઉતારી લો. કાજુના ટુકડા અને કોથમીરથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

પાતળ ભાજી :
સામગ્રી :
પાલક-1 કિલો, બારીક સમારેલું આદું-નાનો ટુકડો, દહીં-અડધો કપ, ચણાનો લોટ-5 ચમચા, ચણાની દાળ-4 ચમચા, સીંગદાણા-4 ચમચા, નાળિયેરની ચીરીઓ-2 ચમચા, બારીક સમારેલાં લીલાં મરચાં-4 નંગ, ખાંડ-અડધી ચમચી, રાઇ-પા ચમચી, જીરું-પા ચમચી, હળદલ-અડધી ચમચી, લીમડો-7-8 પાન, લસણ-10 કળી, તેલ-2 ચમચા, હિંગ-ચપટી, લાલ મરચું-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચણાની દાળ અને સીંગદાણાને એક કલાક માટે પાણીમાં પલાળી દો. કૂકરમાં થોડું તેલ ગરમ કરો. તેમાં સમારેલાં લીલાં મરચાં, હિંગ અને બારીક સમારેલું આદું નાખો. હવે તેમાં સમારેલી પાલક, ચણાની દાળ, સીંગદાણા અને નાળિયેરની ચીરીઓ નાખો. જરૂર પૂરતું પાણી રેડી કૂકરનું ઢાંકણું ઢાંકી બે-ત્રણ સીટી થવા દો. પછી આંચ બંધ કરી દો. તેમાં ચણાનો લોટ અને દહીં ભેળવીને દાળની માફક ખૂબ વલોવો. કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ અને જીરાંનો વઘાર કરો. તેમાં હિંગ, લીમડો અને હળદર ભેળવો. આમાં પાલનું મિશ્રણ ભેલવો. લાલ મરચું અને ગરમ મસાલો ભેળવી ખૂબ ખદખદવા દો. આ પાતળ ભાજી ભાત કે પરોઠા સાથે ખાવ.

_____________________________________________________________________

ગ્રીન કાચરી :
સામગ્રી :
કાચરી-500 ગ્રામ, રાઇ-અડધી ચમચી, મેથીનો પાઉડર-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, ધાણાનો પાઉડર-2 ચમચી, આમચૂર-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-સ્વાદ મુજબ, વરિયાળીનો પાઉડર-1 ચમચી, હિંગ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચા.



રીત :
કડાઇમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને રાઇનો વઘાર કરો. રાઇ તડતડે એટલે મેથીનો પાઉડર અને હળદર નાખો. હવે કાચરી નાખો. તે સાથે મીઠા અને આમચૂર સિવાયના બધા મસાલા ભેળવો. કાચરીને ઢાંકીને પાંચેક મિનિટ સુધી રહેવા દો. છેલ્લે આમચૂર અને મીઠું ભેળવો અને ગરમાગરમ કાચરી સર્વ કરો.

_____________________________________________________________________

વૃંદાવની તલ-બટાકા :
સામગ્રી :
બટાકા-500 ગ્રામ, શેકેલા તલ-50 ગ્રામ, રાઇ-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, મરીનો પાઉડર-અડધી ચમચી, હળદર-પા ચમચી, ગરમ મસાલો-સ્વાદ મુજબ, બારીક સમારેલી કોથમીર-અડધો કપ, ધાણા પાઉડર-2 ચમચી, દહીં-અડધો કપ, મલાઇ-અડધો કપ, તેલ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બટાકાને ધોઈ, તેને છાલ સહિત સમારી તળી લો. એક કડાઇમાં થોડું તેલ ગરમ કરો. તેમાં રાઇ વધારી હળદર, તળેલા બટાકા, મીઠું અને બધો મસાલો ભેળવો. બે મિનિટ હલાવીને તેમાં દહીં, મલાઇ અને તલ નાખી પાંચ મિનિટ રહેવા દો. તે પછી કોથમીર ભભરાવી ગરમાગરમ વૃંદાવની તલ-બટાકા સર્વ કરો.

_____________________________________________________________________

કોર્ન પોરિયલ :
સામગ્રી :
સ્વીટ કોર્ન-100 ગ્રામ, શેકેલા સીંગદાણા-50 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ.
વઘાર માટે : તેલ-2 ચમચા, રાઇ-પા ચમચી, અડદની દાળ-પા ચમચી, ચણાની દાળ-પા ચમચી, બારીક સમારેલાં લીલાં મરચાં-3-4 નંગ, આખા લાલ મરચાં-5-6 નંગ, હિંગ-ચપટી, લીમડો-7-8 નંગ, ડુંગળી-1 નંગ, કોપરાનું છીણ-1  ચમચો, દહીં-2 ચમચા.


રીત :
સ્વીટ કોર્ન અને શેકેલા સીંગદાણાને બાફી લો. લાલ મરચાંના ટુકડા કરો અને ડુંગળીને સમારી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં વારાફરતી વઘારની બધી સામગ્રી નાખો. દાળ બદામી રંગની થાય એટલે તેમાં સ્વીટ કોર્ન, સીંગદાણા અને મીઠું નાખો. ધીમી આંચે પાંચેક મિનિટ સુધી ઢાંકીને રાખો. પછી કોપરાનું છીણ ભભરાવો.

_____________________________________________________________________

હાંડી ચણા :
સામગ્રી :
કાબુલી ચણા-2 ચપ, એલચા-2 નંગ, લવિંગ-4 નંગ, આદુંની પેસ્ટ-1 ચમચી, લસણની પેસ્ટ-1 ચમચી, બારીક સમારેલી ડુંગળી-1 નંગ, ધાણા પાઉડર-1 ચમચી, ચણા મસાલાનો પાઉડર-3 ચમચી, શેકેલું જીરું-2 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મરીનો પાઉડર-પા ચમચી, મરચું-અડધી ચમચી, આમલીનો પલ્પ-3 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, સજાવટ માટે : બારીક સમારેલાં ટમેટાં-1 નંગ, ડુંગળીની સ્લાઇસ-1 નંગ, બારીક સમારેલી કોથમીર-જરૂર મુજબ.



રીત :
ચણાને આખી રાત પલાળી રાખો. સવારે પાણી નિતારી લો. કૂકરમાં થોડું તેલ લઇ ગરમ કરો. તેમાં ડુંગળી, એલચા, લવિંગ, લસણની પેસ્ટ નાખી મિક્સ કરો. તે પછી તેમાં ચણા નાખી કૂકરને ઢાંકી ચણા બરાબર બફાવા દો. પ્રેશર ઓછું થાય એટલે કૂકર ખોલો. ફરી તેને આંચ પર મૂકી ચણામાં મીઠું, ધાણા પાઉડર, ચણા મસાલો, જીરાંનો પાઉડર, ગરમ મસાલો, મરીનો પાઉડર અને મરચું તથા આમલીનો પલ્પ નાખી હલાવીને મિક્સ કરો. થોડી વાર બાદ ચણાને સહેજ દબાવો. ત્યાર પછી કૂકરમાં ફરી એક સીટી થાય ત્યાં સુધી રાખો. તે પછી કોથમીર, ડુંગળીની સ્લાઇસ અને ટમેટાંથી સજાવી હાંડી ચણા સર્વ કરો.

_____________________________________________________________________

સરસવનું શાક :
સામગ્રી :
સરસવની ભાજી-1 કિલો, પાલક-મેથી-બથુઆની ભાજી-500 ગ્રામ, લસણ-20 કળી, લીલાં મરચાં-10 નંગ, આદું-મોટો ટુકડો, મરચું-અડધી ચમચી, મકાઇનો લોટ-અડધી વાટકી, ઘી-1 ચમચો, માખણ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બધા શાકને બારીક સમારી સારી રીતે ધોઇ લો. થોડું લસણ અલગ રાખી બાકીના લસણ, આદું અને લીલાં મરચાંને ક્રશ કરી લો. હવે કૂકરમાં ઘી ગરમ કરો. તેમાં ક્રશ કરેલા આદું-લસણ-મરચાં નાખી સાંતળો. બે મિનિટ પછી શાક અને મીઠું ઉમેરી ઢાંકીને અડધા કલાક સુધી રાખો. તે પછી આંટ પરથી ઉતારી લો. ઠંડું થાય એટલે બફાયેલા શાકને મિક્સરમાં અડકચરું ક્રશ કરો. આ મિશ્રણને ફરી કૂકરમાં બફાવા મૂકો. થોડી વાર ખદખદવા દઇ પછી ધીરે ધીરે મકાઇનો લોટ નાખતાં જઇ હલાવતાં રહો જેથી ગાંઠા ન બાઝે. વીસ મિનિટ ધીમી આંચ સુધી રાખ્યા બાદ તેમાં ઘી નાખી બારીક સમારેલું લસણ નાખો. લસણની સુગંધ આવવા લાગે એટલે મરચું નાખી વઘાર કરો અને શાક નાખી દો. દસ મિનિટ પછી ઘી કે માખણ નાખી મકાઇ કે ઘઉંના લોટની રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો.

_____________________________________________________________________

મેથી ભજિયાં શાક :
સામગ્રી :
શાક માટે : મેથી-250 ગ્રામ, તેલ-1 ચમચો, ટમેટાંની પ્યોરી-2 નંગ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, ધાણા પાઉડર-2 ચમચી, જીરું-અડધી ચમચી, રાઇ-અડધી ચમચી, લીંબુનો રસ-1 ચમચો, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
ભજિયાં માટે : ચણાનો લોટ-અડધો કપ, તેલ-2 ચમચી, મરચું-1 ચમચી, જીરું-અડધી ચમચી, વરિયાળી-અડધી ચમચી, લીંબુનો રસ-1 ચમચો, હિંગ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌપ્રથમ ભજિયાંની બધી સામગ્રીમાં થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. તે એટલું ઘટ્ટ હોવું જોઇએ કે ભજિયાં તળો ત્યારે પ્રસરી ન જાય. હવે કડાઇ ગરમ મૂકી તેમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ, જીરાંનો વઘાર કરી હિંગ નાખો. તે પછી ટમેટાંની પ્યોરી રેડી હલાવો અને આંચ ધીમી કરી દો. થોડી વાર ઉકળવા દઇ તેમાં હળદર, મરચું, ધાણા પાઉડર અને જીરાં પાઉડર ભેળવી તરત મેથી નાખો. હવે આ મિશ્રણમાં ચણાના લોટના ખીરામાંથી નાના ભજિયાં નાખતા જાવ. શાકમાં બધા ભજિયાં નાખી દીધા બાદ ધીમી આંચે ઢાંગો દો. પાંચ મિનિટ સુધી રહેવા દો. ભજિયાં મેથીના રસમાં જ બફાઇ જશે. પાણી શોષાઇ જાય એટલે શાકને સારી રીતે મિક્સ કરો. તેમાં લીંબુનો રસ અને ગરમ મસાલો ભેળવો. તૈયાર મેથી ભજિયાંને સમારેલા ટમેટાં અને ગાજરના છીણથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

કેળા-ટમેટાંનું શાક :
સામગ્રી :
કાચા કેળાં-2 નંગ, ટેમેટાં-1 નંગ, મરીનો પાઉડર-1 ચમચી, રાઇ-જીરું-વઘાર માટે, હળદર-પા ચમચી, ધાણાનો પાઉડર-પા ચમચી, વરિયાળી-પા ચમચી, હિંગ-ચપટી, તેલ-1 ચમચી, કોથમીર-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
કેળાંને બાફી, છોલીને ટુકડા કરો. ટમેટાંને બારીક સમારી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી રાઇ-જીરાં અને હિંગનો વઘાર કરો. તે પછી તેમાં બારીક સમારેલાં ટમેટાં નાખી તેમાં કેળાના ટુકડા નાખો. ત્યાર બાદ જરૂર પૂરતા હળદર, ધાણા પાઉડર, મરીનો પાઉડર નાખી હલાવીને મિક્સ કરો. શાક બરાબર ખદખદી જાય એટલે સમારેલી કોથમીર ભભરાવો અને ગરમાગરમ રોટલી સાથે ખાવ.

_____________________________________________________________________

સ્ટફ્ડ મટર પેન કેક :
સામગ્રી :
વટાણાના દાણા-2 કપ, ખાટું દહીં-2 કપ, પાણી-2 કપ, પનીર-250 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ.
સર્વ કરવા માટે : કોથમીરની ચટણી-2 ચમચા, ટમેટાંનો સોસ-2 ચમચા, શેકેલી ખસખસ-1 ચમચો.



રીત :
વટાણાના દાણાને એક કપ પાણી રેડી બારીક ક્રશ કરી લો. તે પછી તેને એક કડાઇમાં કાઢી બાકીનું પાણી, દહીં, અને મીઠું ભેળવી ઘટ્ટ થવા દો. મિશ્રણ કડાઇમાં ચોંટતું બંધ થાય ત્યારે તેને આંચ પરથી ઉતારી લો. ઠંડું થાય એટલે વાટકીથી તેને ગોળ કાપી લો અને તેના પર ખસખસના દાણા ચોંટાડો. હવે એક સ્લાઇસ પર ટમેટાંનો સોસ લગાવો અને ઉપર પનીરની સ્લાઇસ ગોઠવો. તે પછી વટાણાની બીજી સ્લાઇસ પર લીલી ચટણી લગાવો અને તેના પર પનીરની સ્લાઇસ ગોઠવી સર્વ કરો.

_____________________________________________________________________

હળદર વટાણાનું શાક :
સામગ્રી :
લીલી હળદર-50 ગ્રામ, આદું-20 ગ્રામ, લસણ-2 કળી, ડુંગળી-1 નંગ, ટામેટું-1 નંગ, વટાણા-પોણો કપ, કાજુના ટુકડા-4 નંગ, ઘટ્ટ દહીં-પોણો કપ, લાલ મરચું-1 ચમચી, ધાણાજીરું-અડધી ચમચી, પંજાબી ગરમ મસાલો-અડધી ચમચી, તેલ-3 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
લીલી હળદર છીણવી, આદું-લસણ, ડુંગળી ઝીણાં સમારવા. લીલી હળદર થોડી સજાવટ માટે રાખી બાકીની આદું-લસણ અને ડુંગળી સાથે વાટી પેસ્ટ બનાવવી. ટામેટાના બી કાઢી સમારી ક્રશ કરી લો. પોણો કપ પાણીમાં લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. કડાઇમાં તેલ આકરા તાપે ગરમ કરી તેમાં કાજુના ટુકડા સાંતળી બાજુ પર મૂકી રાખવા. એ જ તેલમાં હળદર, આદું-લસણની પેસ્ટ સાંતળો. પાંચેક મિનિટ બાદ ક્રશ કરેલું ટામેટું ઉમેરો. પાણીમાં મિક્સ કરેલો સૂકો મસાલો નાંખી હલાવી મિક્સ કરો. ઢાંકળ ઢાંકી શાકને પાંચ મિનિટ રાખવું. પાંચ મિનિટ બાદ ઢાંગણ ખોલી, દહીં ઉમેરી હલાવી બીજી પાંચ મિનિટ રાખવું. બરાબર સીજાઈ જાય એટલે શાકમાં બાફેલા વટાણા અને મીઠું ઉમેરી હલાવી ગેસ ઉપર ઉતારી લો. સર્વિંગ બાઉલમાં કાઢી સાંતળેલા કાજુ ટુકડા, વટાણા અને હળદરથી સજાવી પરોઠા સાથે સર્વ કરવું.

_____________________________________________________________________

ચીઝી કોર્ન ઓન બ્રીન્જોલ :
સામગ્રી :
રીંગનો ભુટ્ટો-1 મોટો, લીલી ડુંગળી-2 નંગ, ટામેટા-2 નંગ, બાફેલી મકાઇના દાણા-પા વાડકી, બાફેલા બટાકા-1 નંગ (મેશ કરેલો), છીણેલું ચીઝ-2 ચમચી, ટમેટો કેચર-2 ચમચી, મરી-1 ચમચી, ચીલીસોસ-સવા ચમચી, સોયા સોસ-સવા ચમચી, તેલ-તળવા માટે, કોથમીર સમારેલી-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
લીલા કાંદાને લીલા ભાગ સાથે ઝીણા સમારવા, ટામેટાના એકદમ નાના કટકા કરવા. 1 ટે. સ્પૂન તેલ ગરમ મૂકી લીલા કાંદા સાંતળવા, થોડીવાર બાદ ટામેટા નાંખી હલાવવાનું ચાલુ રાખવું, લચકા પડતું થાય એટલે બાફેલી મકાઇના દાણા બટાકાનો માવો ઉમેરવા, મીઠું, મરી છીણેલું ચીઝ, ચીલી સોસ તથા સોયા સોસ નાંખી બરાબર પૂરણ તૈયાર કરવું. ભટ્ટાની જાડી સ્લાઇસ કાપવી. નોનસ્ટીકમાં થોડું તેલ મૂકતા જઇ ગુલાબી તળવી. ગરમ પૂરણ સ્લાઇસ ઉપર પાથરી ટમેટો કેચપ મૂકી કોથમીર ભભરાવવી.

_____________________________________________________________________

તલ બીન્સ :
સામગ્રી :
સમારેલી ફણસી-250 ગ્રામ, મધ-2 ચમચા, સફેદ તલ-1 ચમચો, આદુંનું છીણ-1 ચમચી, લીંબુની છાલનું છીણ-1 ચમચી, મરચું-પા ચમચી, સોયા સોસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક પેનમાં તલને બ્રાઉન રંગ થાય ત્યાં સુધી સાંતળી પછી કાઢીને અલગ રાખી મૂકો. ગરમ પાણીમાં સમારેલી ફણસી અને સહેજ મીઠું નાખી ચાર મિનિટ બાફો. પછી આંચ પરથી ઉતારી લો. એક બાઉલમાં પાણી ભરી તેમાં થોડા આઇસક્યૂબ્સ નાખો. ફણસીને ગરમ પાણીમાંથી કાઢી તરત જ ઠંડા પાણીમાં નાખો. પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં આદું સાંતળો. સોયા સો ઉમેરો. ફણસીને પાણીમાંથી કાઢી તરત તેમાં નાખો. પછી મીઠું, તલ, લીંબુની છાલ, મધ અને મરચું નાખીને મિક્સ કરો. બે મિનિટ રહેવા દીધા બાદ આંચ પરથી ઉતારી ગરમાગરમ સર્વ કરો.

_____________________________________________________________________

મટર ફ્લાવર સબ્જી :
સામગ્રી :
બાફેલા વટાણા-2 કપ, બાફેલા બટાકા-2 નંગ, સમારેલું ફ્લાવર-1 કપ, સમારેલાં લીલાં મરચાં-1 ચમચો, સમારેલું આદું-1 ચમચો, સમારેલી કોથમીર-1 ચમચો, સમારેલાં ટમેટાં-અડધો કપ, હળદર-અડધી ચમચી, મરીનો પાઉડર-અડધી ચમચી, ઘી-2 ચમચા, લીંબુનો રસ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ. તેલ-4 ચમચા, જીરું-1 ચમચો, હિંગ-પા ચમચી, તમાલપત્ર-1, લવિંગ-1, એલચી-1.



રીત :
કોથમીર, ટમેટાં, લીલાં મરચાં અને આદુંને મિક્સરમાં ક્રશ કરો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં ફ્લાવર સાંતળી લો. પછી તેને કાઢીને અલગ રાખો. ત્યાર બાદ આ જ રીતે બટાકાને પણ સાંતળી લો. હવે વધેલા તેલમાં જીરાંનો વઘાર કરો. તેમાં વારાફરતી હિંગ, તમાલપત્ર, લવિંગ અને એલચી નાખીને સાંતળો. હવે કોથમીર-ટમેટાંની પેસ્ટ નાખીને સાંતળો. ત્યાર બાદ વટાણા નાખો અને ખદખદવા દો. તેમાં મરીનો પાઉડર, હળદર અને ત્રણ કપ પાણી રેડી હલાવો. મિશ્રણ ખદખદવા લાગે ત્યારે તેમાં ફ્લાવર, બટાકા અને મીઠું ભેળવી થોડી વાર રાખો. છેલ્લે લીંબુનો રસ ભેળવો અને સમારેલી કોથમીર ભભરાવો.

_____________________________________________________________________

ચણાદાળનું શાક :
સામગ્રી :
પલાળેલી ચણાની દાળ-1 વાટકી, ડુંગળી-2 નંગ, ટમેટાં-2 નંગ, લસણ-6 કળી, આદું-નાનો ટુકડો, હળદર-પા ચમચી, મરચું-પા ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, આમચૂર-અડધી ચમચી, સમારેલી કોથમીર-જરૂર પૂરતી, તેલ-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
કૂકરમાં તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી, આદું અને લસણ સાંતળો. ડુંગળી બદામી રંગની થાય એટલે તેમાં મીઠું, હળદર, મરચું અને સમારેલાં ટમેટાં નાખો. તેને એક મિનિટ માટે સાંતળી પછી તેમાં ચણાની પલાળેલી દાળ ભેળવી એક મિનિટ માટે શેકો. હવે ચાર વાટકી પાણી રેડી આંચ ધીમી કરીને ઢાંકણું ઢાંકી દો. ત્રણ સીટી વાગે એટલે કૂકરને આંચ પરથી ઉતારી લો. થોડી વાર પછી તેને ખોલી આમચૂર અને ગરમ મસાલો ભેળવો. ચણાની દાળ આખી રહેવી જોઇએ. સર્વ કરતી વખતે સમારેલી કોથમીર ઉપર ભભરાવો.

_____________________________________________________________________

જામફળની શાહી શાક :
સામગ્રી :
સમારેલાં જામફળ-500 ગ્રામ, દહીં-1 કપ, ક્રીમ-અડધો કપ, ટમેટાં-2 નંગ, લીલાં મરચાં-1 નંગ, રાઇ-અડધી ચમચી, જીરું-અધી ચમચી, હળદર-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, ટમેટો કેચઅપ-2 ચમચા, ધાણાનો પાઉડર-અડધી ચમચી, એલચીનો પાઉડર-અડધી ચમચી, ઘી/તેલ-1 ચમચી, આદું-નાનો ટુકડો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌપ્રથમ ટમેટાં, લીલાં મરચાં અને આદુંને ક્રશ કરી પેસ્ટ બનાવી લો. એક કડાઇમાં ઘી કે તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું નાખો. આમાં તૈયાર પેસ્ટ નાખીને સાંતળો. થોડું પાણી રેડો. પછી સમારેલું જામફળ, બધો મસાલો અને મીઠું નાખો અને પાંચ મિનિટ સુધી રહેવા દો. હવે તેમાં દહીં, ક્રીમ અને ટમેટો કેચઅપ નાખી બે-ત્રણ મિનિટ રહેવા દો. શાક ઘટ્ટ થવા લાગે એટલે આંચ બંધ કરી દો. છેલ્લે એલચીનો પાઉડર ભભરાવી અને કોથમીર ભભરાવો.

_____________________________________________________________________

પરવળ બટાકાનું શાક :
સામગ્રી :
પરવળ-500 ગ્રામ, બટાકા-200 ગ્રામ, રાઇ-1 ચમચી, હિંગ-ચપટી, હળદર-1 ચમચી, મરચું-1 ચમચી, ધાણાજીરું પાઉડર-અડધી ચમચી, તેલ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌ પ્રથમ પરવળની છાલ કાઢી નાખો અને તેમાંથી બી પણ કાઢી નાખો. ત્યાર બાદ એને ઉભા સમારી લો. બટાકાની પણ છાલ કાઢી તેને પણ ઉભા સમારી લો. પરવળ અને બટાકાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં પરવળ બટાકાને નાખો. પછી તેમાં મીઠું, હળદર નાખી હલાવીને ઢાંકી દો. પાંચ-દસ મિનિટ પછી હલાવતા રહો જેથી તે ચોટી ના જાય. જ્યારે પરવળ બટાકા ચઢી જાય પછી તેમાં મરચું, ધાણાજીરું પાઉડર નાખવા. ત્યાર બાદ બે-ત્રણ મિનિટ રહેવા દેવું. જેથી બધો મસાલો બરાબર ચઢી જાય. આ શાક ને તમે ગરમ ગરમ રોટલી સાથે પીરસો.
નોંધ : જો તમે પરવળની છાલ, ડુંગળી, લસણ, ટામેટા, આદું, લીલાં મરચાં, કોથમીર, ફુદીનો બધાની ગ્રેવી કરીને બનાવશો તો તેનું ગ્રીન ગ્રેવી વાળુ શાક બનશે.

_____________________________________________________________________

તંદૂરી આલુ :
સામગ્રી :
બટાકી-20-22 નંગ, દહીં-2 કપ, આદું-લસણની પેસ્ટ-દોઢ ચમચી, હળદર-અડધી ચમચી, કાશ્મીરી મરચું-અડધી ચમચી, શેકેલા જીરાનો પાઉડર-1 ચમચી, કસૂરી મેથી-1 ચમચી, તંદૂરી મસાલા-1 ચમચી, ટામેટાં કેચઅપ-1 ચમચો, ચણાનો લોટ-2 ચમચા, ગરમ મસાલો-પા ચમચી, એલચીનો પાઉડર-ચપટી, તેલ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બટાકીઓને બાફી કૂકરમાં એક-બે સીટી થાય ત્યાં સુધી બાફી લો. ઠંડા થાય એટલે છોલી કાંટાથી તેમાં કાણા પાડો. દહીંને મલમલના કપડામાં બાંધી લટકાવી દો જેથી વધારાનું પાણી નિતરી જાય. હવે દહીંમાં આદું-લસણની પેસ્ટ, મરચું, શેકેલા જીરાંનો પાઉડર, કસૂરી મેથી, તંદૂરી મસાલો અને ટામેટાંનો કેચઅપ, ચણાનો લોટ, ગરમ મસાલો, એલચીનો પાઉડર, મીઠું અને તેલ નાખી ખૂબ મિક્સ કરો. આ મિશ્રણમાં બાફેલી બટાકી ફેળવો. તે પછી આ મિશ્રણને આખી રાત ફ્રીજમાં રહેવા દો. ઓવનને અગાઉથી 180 ડિગ્રીએ ગરમ કરો. બેકિંગ ટ્રેમાં એલ્યુમિનિયમ ફોઇલ પાથરી તેલ લગાવો. તેના પર બટાકીઓ ગોઠવો. ઉપર થોડું તેલ રેડી ઓવનમાં પંદર-વીસ મિનિટ બેક કરો. ચાટ મસાલો ભભરાવી સર્વ કરો.
નોંધ : તંદૂરી મસાલો ન હોય તો ગરમ મસાલો એક ચમચી લેવો.

_____________________________________________________________________

સ્પાઇસી સ્ટર ફ્રાય :
સામગ્રી :
સોયા સોસ-1 ચમચી, ટોમેટો ચિલી સોસ-2 ચમચી, કોર્નફ્લોર-1 ચમચી, પાણી-2 ચમચા, તેલ-1 ચમચી, બેબી કોર્ન-200 ગ્રામ, લીલં મરચાં-2 નંગ, આદુંનું છીણ-દોઢ ચમચી, લસણ-1 ચમચી, કેપ્સિકમ-પા કપ, મરીનો પાઉડર-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક બાઉલમાં સોયા સોસ, ટોમેટો ચિલી સોસ, કોર્નફ્લોર અને પાણી મિક્સ કરો. પેનમાં તેલ ગરમ કરી તેમાં લંબાઇમાં સમારેલ બેબી કોર્ન નાખી બફાવા દો. પાંચ મિનિટ પછી તેમાં સમારેલાં લીલાં મરચાં, આદુંનું છીણ, સમારેલું લસણ ભેળવો. બે મિનિટ પછી તેમાં કોર્નફ્લોપ અને સોસનું મિશ્રણ ભેળવો. હવે કેપ્સિકમની ચીરીઓ અને મીઠું તથા મરીનો પાઉડર નાખી મિક્સ કરો. એક મિનિટ પછી આંચ પરથી ઉતારી લો.

_____________________________________________________________________

અળવી નવેલી :
સામગ્રી :
ખસખસ-1 ચમચો, મગજતરીના બી-1 ચમચો, ડુંગળી-2 નંગ, લસણ-3 કળી, આદું-નાનો ટુકડો, અળવી-250 ગ્રામ, ચણાનો લોટ-દોઢ ચમચો, મરચું-1 ચમચી, તેલ-જરૂર પૂરતું, ટામેટાંની પેસ્ટ-અડધો કપ, ગરમ મસાલો-અડધી ચમચી, આમચૂર-અડધી ચમચી, દહીં-2 ચમચા, દૂધ-અડધો કપ, કોથમીર-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
એક કપ નવશેકા પાણીમાં ખસખસ અને મગજતરીના બી પંદર મિનિટ પલાળો. તે પછી ડુંગળી, લસણ અને આદુંને એકસાથે ક્રશ કરી લો. અળવીને કૂકરમાં બે સીટી થાય ત્યાં સુધી બાફી લો અને ઠંડી થયા પછી છોલીને સમારી લો. ચણાના લોટમાં મીઠું અને મરચું ભેળવો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચણાના લોટવાળા અળવીના ટુકડા તળી લો. પેનમાં એક ચમચો તેલ ગરમ કરો. તેમાં તૈયાર મિશ્રણ નાખી ચડવા દો. પેસ્ટ આછા બ્રાઉન રંગની થાય એટલે તેમાં ટામેટાંની પેસ્ટ, ગરમ મસાલો અને આમચૂર નાખી મિક્સ કરો. જ્યારે ગ્રેવીમાંથી તેલ છુટું પડે ત્યારે તેમાં દહીં અને દૂધ ભેળવો. આને ધીમી આંચે ત્રણ મિનિટ ખદખદાવી તેમાં તળેલી અળવીના ટુકડા નાખો. મીઠું નાખી એકરસ કરો અને બે-ત્રણ મિનિટ પછી નીચે ઉતારી લો.
નોંધ : જો મગજતરીના બી ન મળે તો ખસખસ સાથે કાજુ પલાળી તેની પેસ્ટ બનાવો. આમાં કસૂરી મેથી અને લીમડાનો સ્વાદ પણ સારો લાગે છે.

_____________________________________________________________________

ક્રિસ્પી વેજીઝ :
સામગ્રી :
મેંદો-અડધો કપ, કોર્નફ્લોર-અડધો કપ, આજીનો મોટો-ચપટી, સફેદ મરચું-ચપટી, લીંબુનો રસ-1 ચમચી, આદું-લસણની પેસ્ટ-અડધી ચમચી, બાફેલા મિક્સ શાક-1 વાટકો, તેલ-તળવા માટે, લસણ-2 ચમચી, લીલી ડુંગળી-1 ચમચો, સોયા સોસ-1 ચમચો, રેડ ચિલી સોસ-1 ચમચો, વિનેગર-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર, આજીનોમોટો અને સફેદ મરચું, મીઠું, લીંબુનો રસ, આદું-લસણની પેસ્ટ અને જરૂર મુજબ પાણી ઉમેરી ભજીયાં જેવું ખીરું તૈયાર કરો. એક મોટા બાઉલમાં મિક્સ શાક(ફ્લાવર, કોબીજ, ડુંગળી, કેપ્સિકમ વગેરે) સમારો. તેલ ગરમ કરી તેમાં આ સમારેલા શાકને ખીરામાં બોળીને બ્રાઉન રંગના તળી લો. સોસ બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરો. આમાં સમારેલાં લસણ અને લીલી ડુંગળી સાંતળો. એક કપ પાણી રેડી થોડી વાર ગરમ થવા દો. તેમાં સોયા સોસ, રેડ ચિલી સોસ, વિનેગર અને મીઠું ભેળવો. ઊભરો આવે એટલે તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ ધીરે ધીરે મિક્સ કરો. એક-બે મિનિટ સુધી ખદખદવા દો. ક્રિસ્પી વેજીઝને ગરમાગરમ સોસ સાથે સર્વ કરો.
નોંધ : સર્વ કરવાના અન્ય વિકલ્પમાં ક્રિસ્પી વેજીઝને તૈયાર સોસમાં નાખો અથવા પ્લેટમાં વેજીઝ પાથરી તેના પર સોસ રેડો. ઇચ્છો તો શાક સાથે પનીરના ટુકડા પણ સર્વ કરી શકો છો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો