અથાણાં

જામફળનું ચટપટું અથાણું :
સામગ્રી :
અધકચરા પાકેલા જામફળ-250 ગ્રામ, લસણ-5-6 કળી, મેથી-1 ચમચી, રાઇના કુરિયાં-1 ચમચી, લીલું મરચું-1 નંગ, હિંગ-ચપટી, લીમડો-5-7 પાન, વિનેગર-1 ચમચો, તેલ-2 ચમચા, હળદર-1 ચમચી, મરચું-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
  
 રીત :
કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં મેથી અને રાઇના કુરિયાં નાખો. પછી હિંગ અને લીમડો નાખો. થોડી વાર સાંતળીને તેમાં લસણની કળી નાખી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં સમારેલા જામફળ ભેળવો. મીઠું, હળદર અને મરચું નાખી બે મિનિટ સુધી ખદખદવા દો. ત્યાર બાદ આંચ પરથી ઉતારી લઇ વિનેગર ભેળવી મિક્સ કરો. જામફળનું અથાણું તૈયાર છે.

_____________________________________________________________________

પંજાબી અથાણું :
સામગ્રી :
ફ્લાવર-500 ગ્રામ, સલગમ-500 ગ્રામ, ગાજર-500 ગ્રામ, આખો ગરમ મસાલો-4 ચમચા, ધાણા-2 ચમચા, વરિયાળી-2 ચમચા, વ્હાઇટ વિનેગર-પા કપ, ગોળ-અઢી ચમચા, તેલ-પા કપ, હિંગ-અડધી ચમચી, મરચું-3 ચમચા, આદુંનું છીણ-150 ગ્રામ, હળદર-1 ચમચો, રાઇનાં કુરિયાં-1 ચમચો, મેથીનો ભૂકો-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
ફ્લાવરના ફુલ તોડીને સાફ કરી લો. ગાજર અને સલગમને છોલી ટુકડા સમારો. એક પેનમાં પાણી ગરમ કરો અને મીઠું ભેળવો. તેમાં ફ્લાવરના ફૂલ નાખી એક મિનિટ માટે રાખો. તે પછી સલગમ અને ગાજર નાખીને એખ મિનિટ માટે રાખો. પાણી નિતારી તેને એક દિવસ તડકે સૂકાવા દો. હવે આખો ગરમ મસાલો, ધાણા અને વરિયાળીને ક્રશ કરી લો. એક તપેલીમાં વ્હાઇટ વિનેગરને ધીમી આંચે ગરમ કરો. તેમાં ગોળનું છીણ નાખો અને તે ઓગળી જાય એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. એક પેનમાં પા કપ તેલ ગરમ કરી તેમાં આદુંનું છીણ નાખો. થોડીવા સાંતળ્યા પછી હિંગ, મરચું, હળદર અને તૈયાર મસાલો નાખો. હવે બધા શાક એક સાથે નાખી તેમાં રાઇના કુરિયાં અને મેથીનો ભૂકો નાખી મિક્સ કરો. શાકને બાફવાના નથી, તેમાં મસાલો જ મિક્સ કરવાનો છે. શાક ઠંડા થાય એટલે તેમાં મીઠું અને વિનેગર-ગોળનું મિશ્રણ ભેળવો. આ અથાણાંને બરણીમાં ભરી બે દિવસ તડકે રાખો.
નોંધ : જો લસણ ભાવતું હોય તો આદુંના છીણ સાથે લસણ પણ સાંતળો આખો ગરમ મસાલો ન હોય તો તૈયાર ચાર ચમચા ગરમ મસાલો ભેળવી શકો છો.

_____________________________________________________________________

વઢવાણી મરચાંનું અથાણું :
સામગ્રી :
વઢવાણી મરચાં-200 ગ્રામ, તેલ-4 ચમચા, જીરું-અડધી ચમચી, હિંગ-પા ચમચી, હળદર-અડધી ચમચી, વરિયાળી-2 ચમચી, આમચૂર-અઢી ચમચી, ધાણા પાઉડર-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
વઢવાણી મરચાંને ધોઇને કોરા કરી લો. તેની ડાંડલી તોડી અડધા ઇંચના ટુકડા સમારો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો. તે પછી હિંગ અને હળદર નાખી સમારેલાં મરચાં પણ નાખી દો. તૈયાર બાદ વરિયાળી, આમચૂર, ધાણા પાઉડર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. હલાવતાં રહીને બે મિનિટ રાખો. બધો મસાલો મરચાંને સારી રીતે ચોંટી જાય પછી ઢાંકીને બે મિનિટ ધીમી આંચે રહેવા દો. તે પછી આંચ તેજ કરી ઢાંકણું ખોલી બધું પાણી શોષાઇ જવા દો. ત્યાર બાદ આંચ પરથી ઉતારી લો. ઠંડા થાય એટલે ફ્રીજમાં મૂકી દો. આ અથાણું એક અઠવાડિયા સુધી સારું રહે છે.
નોંધ : તમે ફરવા જતાં હો તો સાથે લઇ જવા માટે આ સારો વિકલ્પ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો