બિસ્કિટ / કેક / પેસ્ટ્રી / બ્રેડ

ચોકો લેયર કુકીઝ :
સામગ્રી :
મેંદો-દોઢ વાટકો, રવો-અડધો વાટકો, ઘી-1 વાટકી, બૂરું ખાંડ-1 વાટકી, ચોકલેટ એસેન્સ-થોડાં ટીપાં, લિક્વિડ ચોકલેટ-2 ચમચા, કોકો પાઉડર-2 ચમચા, કોફી પાઉડર-1 ચમચી.
  
 રીત :
એક બાઉલમાં ઘી લઈ તેને ખૂબ ફીણો. તે એકદમ ફૂલી જવું જોઇએ. હવે તેમાં ખાંડ નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી તેમાં થોડો થોડો મેંદો અને રવો નાખી કણક બાંધો. આ તૈયાર મિશ્રણના બે ભાગ કરો. એક ભાગને સફેદ જ રહેવા દો અને બીજા ભાગમાં લિક્વિડ ચોકલેટ, કોકો પાઉડર, કોફી અને ચોકલેટ એસેન્સ ભેળવો. ચોકલેટ અને સફેદ મિશ્રણને વણી ચોરસ પટ્ટી તૈયાર કરો. ચોકલેટ પટ્ટી તૈયાર કરો. ચોકલેટ પટ્ટી પર સફેદ પટ્ટી મૂકી ફરી તેના પર ચોકલેટ પટ્ટી મૂકો. અને આને એક સાથે વણીને ચોરસ કુકીઝ બનાવી ઓવનમાં બેક કરો.

_____________________________________________________________________

રાગીની નાનખટાઇ :
સામગ્રી :
રાગીનો લોટ-2 કપ, બૂરું ખાંડ-પોણો કપ, ઘી-1 કપ, એલચીનો પાઉડર-અડધી ચમચી, બેકિંગ સોડા-ચપટી, કાળા તલ-અડધી ચમચી, મીઠું-ચપટી.



રીત :
રાગીના લોટને એક કડાઇમાં ધીમી આંચે સુગંધ આવે ત્યાં સુધી શેકો. તેમાં ખાંડ, ઘી, બેકિંગ સોડા અને એલચીનો પાઉડર ભેળવો. ઘી એટલું પીગળેલું હોય કે તેનાથી લોટ બાંધી શકાય. જરૂર લાગે તો માખણ ઉમેરી શકો છો. હવે આમાંથી નાના નાના ગોળા વાળી દબાવીને નાનખટાઇનો આકાર આપો. આ નાનખટાઇને 300 ડિગ્રીએ ગરમ કરેલા ઓવનમાં બાર-પંદર મિનિટ સુધી બેક થવા દો. તે પછી બહાર કાઢી નાનખટાઇ ઠંડી પડે એટલે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લો.

_____________________________________________________________________

મલ્ટિગ્રેન ચીઝી બાઇટ્સ :
સામગ્રી :
મલ્ટિગ્રેન લોટ-1 કપ, મેંદો-અડધો કપ, ઓટ્સ પાઉડર-પા કપ, તલ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ચિલી ફ્લેક્સ-1 ચમચી, ચીઝ ગાર્લિક હર્બ્સ-1 ચમચી, ચીઝ સ્પ્રેડ-3 ચમચી, ચીઝ-1 ક્યૂબ, ઓરેગાનો-1 ચમચી, તેલ-2 ચમચા, માખણ- મોણ માટે, તેલ-તળવા માટે.
ડીપ બનાવવા માટે : ગાર્લિક ચીઝ સ્પ્રેડ-1 ચમચી, મેયોનિઝ-2 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સાંતળેલું લસણ-4 કળી, મરીનો ભૂકો-પા ચમચી.


રીત :
સૌપ્રથમ ડીપ માટેની સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી ડીપ તૈયાર કરો. હવે ચીઝી બાઇટ્સ માટેની તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. એ ભૂકા જેવી થાય ત્યાં સુધી તેને ભેળવતા રહો. તે પછી જરૂર મુજબ પાણી લઈ કઠણ કણક બાંધો. તેમાંથી લૂઓ લઈ મોટી રોટલી વણો. તેના ચોરસ ટુકડા કરો. અડધો કલાક માટે બાઇટ્સને થાળીમાં ખુલ્લા રહેવા દો જેથી તે થોડા સુકાઈ જાય. આમ કરવાથી બાઇટ્સ ક્રિસ્પી બનશે. તે પછી બાઇટ્સને ધીમી આંચે તળી લો. ગરમાગરમ બાઇટ્સ ડીપ સાથે સર્વ કરો.
નોંધ : ઈચ્છો તો લોટમાં બેકિંગ પાઉડર નાખી બાઇટ્સને બેક કરી શકો છો. 180 ડિગ્રીએ ગરમ કરેલા ઓવનમાં 20 મિનિટ બેક કરી શકો.

_____________________________________________________________________

મેથી મકાઈ નાચોસ :
સામગ્રી :
મકાઈનો લોટ-1 કપ, મેંદો-પા કપ, કસૂરી મેથી-2 ચમચા, મિલ્ક પાઉડર-1 ચમચી, લવિંગનો ભૂકો-1 ચમચી, લીંબુનાં ફૂલ-અડધી ચમચી, ગાર્લિક પાઉડર-1 ચમચી, ઓનિયન પાઉડર-1 ચમચી, હળદર-પા ચમચી, મરચું-1 ચમચી, સૂંઠ-અડધી ચમચી, તજનો ભૂકો-ચપટી, મીઠું-સ્વાદ મુજબ, માખણ-મોણ માટે, તેલ- તળવા માટે.
નાચોસ ડીપ : મેયોનિઝ-2 ચમચી, ચીઝનું છીણ-2 ચમચી, ક્રીમ-2 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, મિક્સ હર્બ્સ-1 ચમચી, મરીનો ભૂકો-પા ચમચી, ચિલી ટોમેટો સોસ-2 ચમચી.


રીત :
નાચોસની બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી કઠણ કણક બાંધો. તેના નાના લૂઆ લઈ વણી લો. હવે તેને લોઢી પર અધકચરા શેકો. તે પછી ત્રિકોણ આકારમાં કાપી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. હવે ડીપની સામગ્રીને મિક્સીમાં બ્લેન્ડ કરી સ્મૂધ ડીપ તૈયાર કરો અને ગરમાગરમ નાચોસ સાથે સર્વ કરો.
નોંધ : જો તમે આમાં તાજી મેથીનો ઉપયોગ કરવા ઇચ્છતાં હો તો તેને ધોઈ, ટિશ્યૂ પેપરથી કોરી કરી તળીને નાચોસના લોટમાં ઉપયોગ કરી શકો છો.

*************************************************************************

ચોકલેટ કેક :
સામગ્રી :
મેંદો-200 ગ્રામ, કોકો પાઉડર-100 ગ્રામ, ખાવાનો સોડા-1 ચમચી, બેકિંગ પાઉડર-1 ચમચી, માખણ-25 ગ્રામ, કન્ડેન્સ્ડ મિલ્ક-400 ગ્રામ, વેનીલા એસેન્સ-દોઢ ચમચી, દૂધ-પોણો કપ.
સજાવટ માટે : ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ ક્રીમ.



રીત :
એક બાઉલમાં માખણ લઇ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક કાઢી હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરો. કોકો પાઉડર, મેંદો, ખાવાનો સોડા અને બેકિંગ પાઉડરને ભેળવીને ચાળી લો. આને માખણના મિશ્રણમાં નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી વેનીલા એસેન્સ ભેળવો. છેલ્લે દૂધ રેડી એકરસ કરો. આ મિશ્રણને ઘી કે તેલ લગાવેલા મોલ્ડમાં ભરી અગાઉથી ગરમ કરેલા ઓવનમાં 30-40 મિનિટ સુધી બેક કરો. ઠંડું થાય એટલે મોલ્ડમાંથી કાઢી લો. તૈયાર કેકને ચોકલેટ ક્રીમ રેડી કવર કરી લો. કિનારી પર ચોકલેટ ક્રીમથી ભરેલા કોનથી ડિઝાઇન બનાવો અને વચ્ચે ચોકલેટ ચિપ્સ ગોઠવો.

_____________________________________________________________________

ચોકલેટ એપલ પેન કેક :
સામગ્રી :
મેંદો-1 કપ, દૂધ-પોણો કપ, સફરજનનું છીણ-અડધો કપ, તેલ-1 ચમચો, ખાંડ-2 ચમચા, વેનીલા એસેન્સ-અડધી ચમચી, તેલ-થોડું, બેકિંગ પાઉડર-પોણી ચમચી, ડાર્ક ચોલેટનો ભૂકો-પોણી ચમચી, તેલ-જરૂર પૂરતું.
સજાવટ માટે : ચોકલેટ સિરપ અને સફરજનની સ્લાઇસ.



રીત :
મેંદો, દૂધ, સફરજનનું છીણ, ખાંડ, તેલ, વેનીલા એસેન્સ, બેકિંગ પાઉડર અને ડાર્ક ચોકલેટ મિક્સ કરો. આમાં થોડું પાણી રેડી મિશ્રણ તૈયાર કરો અને ખૂબ ફીણો. નોનસ્ટિક લોઢી ગરમ કરો. તેના પર થોડું તેલ મૂકી લોઢીને વચમાં ગોળાકારમાં પેનકેકનું મિશ્રણ પાથરો. તેની ચોતરફ થોડું થોડુ તેલ મૂકો. પાંચ સેકન્ડ પછી ફેરવીને મૂકો. બંને બાજુએ બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે આંચ પરથી ઉતારી લો. આ રીતે બધા પેનકેક તૈયાર કરો. તૈયાર પેનકેકને એક પર એક એ રીતે ગોઠવો. તેના પર ચોકલેટ સિરપ રેડો અને કેળાંની સ્લાઇસથી સજાવટ કરો.

_____________________________________________________________________

સોલ્ટી કેક :
સામગ્રી :
તુવેરની દાળ-1 કપ, રવો-દોઢ કપ, સમારેલું મિક્સ શાક-અડધો કપ, લીંબુનો રસ-2 ચમચી, આદુંની પેસ્ટ-1 ચમચી, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, કોપરાની છીણ-સજાવટ માટે, સમારેલી કોથમીર-સજાવટ માટેર, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
તુવેરની વધેલી દાળ, રવો, સમારેલા મિક્સ શાક (ગાજર, ફણસી, કેપ્સિકમ), લીંબુનો રસ, આદુંની પેસ્ટ, લીલાં મરચાં, મીઠું અને થોડી કોથમીર બધું મિક્સ કરો. જરૂર પૂરતું પાણી ઉમેરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. કેકના મોલ્ડમાં ઘી લગાવી તેમાં આ મિશ્રણ ભરો. આને કૂકરમાં મૂકી સીટી લગાવ્યા વિના સ્ટીમથી બાફો. દસ મિનિટ પછી આંચ બંધ કરી દો. એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં રાઇ, લીમડો અને લીલાં મરચાં નાખી આ વધારને કેક પર પાથરો. છેલ્લે કોપરાના છીણ અને કોથમીર ભભરાવો.

_____________________________________________________________________

કસ્ટર્ડ કેક :
સામગ્રી :
લોટ-પોણો કપ, વેનીલા એસેન્સ-1 ચમચી, ખાંડ-પોણો કપ, માખણ-8 ચમચા, નવશેકું દૂધ-2 કપ, બૂરું ખાંડ-સજાવટ માટે.


રીત :
માખણ અને વેનીલા એસન્સને ખૂબ ફીણીને મિક્સ કરો. આમાં લોટ નાખીને મિક્સ કરો. તેમાં ધીરે ધીરે દૂધ રેડતાં જઇ સારી રીતે મિક્સ થાય એ માટે હળવા હાથ હલાવતાં રહો. આ તૈયાર મિશ્રણને મનગમતા આકારની બેકિંગ ટ્રેમાં ભરી તેને 180 ડિગ્રીએ ગરમ કરેલા ઓવનમાં કલાક માટે બેક કરો. પછી બહાર કાઢી લઇ તે ઠંડું થાય એટલે બૂરું ખાંડથી સજાવી સર્વ કરો.


*************************************************************************

પાઇનેપલ પેસ્ટ્રી :
સામગ્રી :
પાઇનેપલના ટુકડા-2 વાટકી, મેંદો-1 વાટકી, બેકિંગ પાઉડર-1 ચમચી, વેનીલા એસેન્સ-અડધી ચમચી, માખણ-અડધી વાટકી, દૂધ-1 કપ, સોડાવોટર-1 કપ, બુરું ખાંડ-1 ચમચો.



રીત :
પાઇનેપલના ટુકડાને મિક્સરમાં ક્રશ કરી લો. મેંદામાં બેકિંગ પાઉડર ભેળવી તેને ચાળી લો. દૂધ ભેળવી મિશ્રણ તૈયાર કરો. સોડાવોટરમાં માખણ અને ખાંડ ભેળવી ખૂબ ફીણો. આને કેક મોલ્ડમાં ભરી પંદર મિનિટ સુધી બેક થવા દો. તે પછી બહાર કાઢી ઠંડી થાય એટલે તેના પર ક્રીમ અને આઇસિંગ સુગર મિક્સ કરી સજાવટ કરો.

*************************************************************************

ચોકલેટ બ્રેડ :
સામગ્રી :
માખણ-5 ચમચા, મેંદો-1 ચમચો, ખાંડ-પા કપ, બેકિંગ સોડા-ચપટી, ચોકલેટ એસેન્સ-1 ચમચી, કોકો પાઉડર-4 ચમચી, દૂધ-1 કપ, કાજુના ટુકડા-જરૂર મુજબ, કિશમિશ-જરૂર મુજબ.



રીત :
એક મોટા બાઉલમાં માખણ, મેંદો, ખાંડ, બેકિંગ સોડા, ચોકલેટ એસેન્સ, કોકો પાઉડર અને દૂધ ભેળવી લગભગ વીસ મિનિટ સુધી ખૂબ ફીણો. તે પછી તેમાં કાજુના ટુકડા અને કિશમિશ નાખો. પહોળો ચોરસ બાઉલમાં ઘી કે તેલ લગાવી તેમાં આ મિશ્રણ ભરો. કૂકરના તળિયે રેતી પાથરી તેના પર એલ્યુમિનિટમ ફોઇલ પાથરો. આના પર આ મિશ્રણ ભરેલો બાઉલ મૂકી દો. કૂકરનું ઢાંકણું ઢાંકી તેની સીટી કાઢી નાખો. આ મિશ્રણને ધીમી આંચે વીસ મિનિટ સુધી રહેવા દો. પછી કૂકર ખોલી ધીરેથી બ્રેડ કાઢી લો અને સ્લાઇસ કરો.

_____________________________________________________________________

દહીંની મસાલા બ્રેડ :
સામગ્રી :
બ્રેડની સ્લાઇસ-6 નંગ, ડુંગળી-2 નંગ, ટામેટાં-3 નંગ, વાટેલાં લીલા મરચાં-1 ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, માખણ/ઘી-3 ચમચી, મીઠું-મરી-સ્વાદ મુજબ, દહીં-1 વાડકી.



રીત :
બ્રેડના અડધા ઇંચના ચોરસ ટુકડા કરો. ડુંગળીને છીણી લો અને એક કડાઇમાં ઘી ગરમ મૂકી તેને સાંતળી લો. ટામેટાંના ઝીણા ટુકડા કરો અને દહીંને વલોવી રાખો. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે તેમાં ટામેટાંના ટુકડા નાખી પાંચ મિનિટ રાખો. હવે તેમાં બ્રેડના ટુકડા, મરચાં, મીઠું, મરી અને વલોવેલું દહીં નાખીને હલાવો. થોડી વાર ચડવા દો અને પછી નીચે ઉતારી તેના પર કોથમીર ભભરાવી નાસ્તામાં સર્વ કરો.

_____________________________________________________________________

બનાના બ્રેડ :
સામગ્રી :
મેંદો-200 ગ્રામ, બેકિંગ પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાકાં કેળાં-2 નંગ, માખણ-60 ગ્રામ, ખાંડ-125 ગ્રામ.


રીત :
સૌથી પહેલાં મેંદામાં બેકિંગ પાઉડર અને મીઠું નાખીને ચાળી લો. હવે કોઈ પહોળી તપેલીમાં પાકેલાં કેળાં છોલીને નાખો અને તેને સારી રીતે સ્મેશ કરો. સ્મેશ બનાનામાં માખણ અને ખાંડ નાખી હલાવો. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે બેકિંગ પાઉડરવાળા મેંદાને બનાનાના મિશ્રણમાં મિક્સ કરો. જો આ મિશ્રણ ડ્રાય લાગે તો તેમાં 2-3 ચમચી દૂધ નાખી શકો છો. બેકિંગ માટે વાસણમાં સૌપ્રથમ માખણ લગાવો. આ ચીકણા વાસણ પર થોડો સૂકો લોટ ભભરાવો અને વાસણ હલાવી મેંદાનું કોટિંગ કરો. વધારાનો મેંદાનો લોટ વાસણમાંથી બહાર કાઢી લો. હવે આ વાસણમાં બનાના મિશ્રણ નાંખો અને તેને એકસરખી રીતે ફેલાવો. ત્યારબાદ પહેલાં ઓવનને 180 સેન્ટિગ્રેડ પર ગરમ કરો. વાસણને ઓવનમાં 180 સેન્ટિગ્રેડ પર 30 મિનિટ માટે મૂકી બેક કરો. સમય પૂરો થતાં બ્રેડ ચેક કરો. હવે ોવનને 10 મિનિટ માટે સેટ કરી બ્રેડને ફરીથી બેક થવાદો. જો બ્રેડ ઉપરથી બ્રાઉન ન થઈ હોય તો બ્રેડને 5-10 મિનિટ માટે આ જ તાપમાન પર ફરી બેક કરો. આ રીતે બનાના બ્રેડ તૈયાર થઈ જશે. બનાના બ્રેડના વાસણને ઓવનમાંથી કાઢી બ્રેડને ઠંડી કરો અને બ્રેડને વાસણમાંથી કાઢી તેની 1 સેન્ટિમિટર જેટલી પાતળી સ્લાઇસ કાપી લો. ફ્રીઝમાં રાખીને આ બ્રેડ ત્રણેક દિવસ સુધી ખાઈ શકાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો