મિઠાઈ / ખીર

ખજૂર-કોકો બરફી :
સામગ્રી :
ખજૂર-250 ગ્રામ, કોર્નફ્લોર-1 ચમચો, માવો-250 ગ્રામ, કોકો પાઉડર-1 ચમચો, ઘી-2 ચમચા, દૂધ-અડધો કપ, ચેરી અને તલ-સજાવટ માટે, ખાંડ-1 કપ.



રીત :
ખજૂરના ઠળિયા કાઢી લો. આ ખજૂરને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂરની પેસ્ટ સાંતળી લો. તે પછી માવો શેકો. કોર્નફ્લોરને દૂધમાં ઘોળી કોકો પાઉડર મિક્સ કરી ખજૂરની પેસ્ટમાં ભેળવો. ખાંડ નાખીને બરાબર હલાવો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઘીવાળી થાળીમાં પાથરો. તેના ટુકડા કરી મહેમાનોને સર્વ કરો.

_____________________________________________________________________

ખજૂર મખાના રોલ :
સામગ્રી :
ખૂજર-10 નંગ, મખાના-અડધો કપ, શેકેલા કાજુનો ભૂકો-5 નંગ, મગજતરીનાં બી-2 ચમચી, શેકેલી ખસખસ-1 ચમચી, અધકચરા શેકેલા મખાના-2 ચમચી, બદામની ચીરીઓ-1 ચમચી, મિલ્ક પાઉડર-જરૂર મુજબ, કોપરાનું છીણ-1 ચમચી, ઘી-1 ચમચી.
સ્ટફિંગ માટે : ઘીમાં શેકીને ક્રશ કરેલા મખાના-પા કપ, મિલ્કમેડ-5 ચમચી, પિસ્તાંની ચીરીઓ-2 ચમચી, કાજુનો ભૂકો-2 ચમચી.


રીત :
સૌ પ્રથમ સ્ટફિંગ માટેની બધી સામગ્રીને મિક્સ કરી લો. ખજૂરના ઠળીયા કાઢી તેને મિક્સરમાં ક્રશ કરો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂરને એક મિનિટ માટે શેકો. હવે પેનને ગેસ પરથી ઉતારી લઈ તેમાં મખાનાનો ભૂકો, કાજુનો ભૂકો, મગજતરીનાં બી, મિલ્કપાઉડર, બદામની ચીરીઓ નાખી મિક્સ કરો. એક થાળીમાં થોડું ઘી લગાવી ખસખસ અને શેકેલા મખાનાનો ભૂકો ભભરાવો. મિશ્રણમાંથી નાના નાના રોલ્સ બનાવી તેમાં થોડું સ્ટફિંગ ભરી ફરી રોલ વાળો અને તેને કાજુ અને મખાનાના ભૂકામાં રગદોળો. એક કલાક માટે ફ્રીઝમાં મૂકી દો જેથી રોલ્સ બરાબર સેટ થઈ જાય. આ ખજૂર મખાના રોલ્સને નાસ્તમાં સર્વ કરો.

_____________________________________________________________________

ત્રિરંગી બરફી :
સામગ્રી :
ગાજરની પેસ્ટ-1 કપ, વટાણાની પેસ્ટ-1 કપ, નાળિયેરની પેસ્ટ-1 કપ, માવો-3 ચમચા, કેસર-4-5 તાંતણા, ખાંડ-સવા બે કપ, ઘી-2 ચમચી, ચાંદીનો વરખ-સજાવટ માટે, એલચીનો પાઉડર-પા ચમચી.



રીત :
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં પા કપ ખાંડ, ગાજરની પેસ્ટ અને માવાને સતત હલાવતાં રહી શેકી લો. તેમાં ઘોળેલું કેસર નાખી મિશ્રણ એકદમ કોરું પડે ત્યાં સુધી શેકો. તે પછી તેને ઠંડું થવા દો. ફરી પેનમાં વટાણાની પેસ્ટ, પા કપ ખાંડ, 1 ચમચી ઘી અને 1 ચમચો માવો નાખી મિશ્રણ કોરું થાય ત્યાં સુધી શેકો અને પછી તેમાં એલચીનો પાઉડર ભેળવો. ત્રણેય રંગના મિશ્રણ ઠંડા થાય એટલે ઘી લગાવેલી થાળીમાં સૌથી પહેલાં લીલા રંગના મિશ્રણનો થર કરો. તેના પર કોપરાના મિશ્રણનો અને છેલ્લે ગાજરના મિશ્રણનો એકસરખો થર કરો. તેના પર ચાંદીનો વરખ લગાવી ચોરસ ટુકડા કરો. દસ મિનિટ માટે તેને ફ્રિજમાં સેટ થવા મૂકો અને ટેસ્ટી ત્રિરંગી બરફીનો સ્વાદ માણો.

*************************************************************************

શાહી મલાઇ ખાજા :
સામગ્રી :
મેંદો-દોઢ વાટકી, મલાઇ-અડધી વાટકી, ખાંડ-2 વાટકી, એલચીનો પાઉડર-અડધી ચમચી, બાદમ-પિસ્તાની ચીરી-અડધી વાટકી, પીગળેલું ઘી (મોણ માટે)-અડધી વાટકી, મીઠું-સ્વાદ મુજબ, ઘી તળવા માટે, ચાંદીનો વરખ-સજાવટ માટે.



રીત :
મેંદાને ચાળી લો. તેમાં મોણ માટેનું પીગળેલું ઘી અને મીઠું ભેળવો અને મલાઇથી પૂરી જેવો લોટ બાંધો. આને પંદર-વીસ મિનિટ માટે કપડાંથી ઢાંકીને રાખી મૂકો. ખાંડ ડૂબે એટલું પાણી લઇ તેની દોઢતારી ચાસણી બનાવો. ત્યાર બાદ મેંદાના લોટમાંથી નાના નાના લૂઆ લઇ અંગૂઠાથી વચ્ચે સહેજ દબાવો અથવા તો રોટલી વણી તેને ત્રિકોણ આકાર આવો. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં આ ખાજાને મધ્યમ આંચે બદામી રંગની તળી લો. આ ખાજાને ચાસણીમાં બોળી કોઢી લો. તે પછી તેના પર બદામ-પિસ્તાની ચીરીઓ ભભરાવી સજાવો. ચાંદીનો વરખ પણ લગાવી શકો છો.

_____________________________________________________________________

ગળ્યા સાટા :
સામગ્રી :
મેંદો-1 વાટકી, ઘી-250 ગ્રામ, કોર્નફ્લોર-અડધી વાટકી, બેકિંગ બાઉડર-અડધી ચમચી, એલચીનો પાઉડર-અડધી ચમચી, બદામ-પિસ્તાંની ચીરી-2 ચમચી, કાજુનો પાઉડર-2 ચમચા, કેસર-થોડા તાંતણા.



રીત :
મેંદામાં ચાર ચમચી ઘી, કાજુનો પાઉડર ભેળવી પાણીથી કણક બાંધો. તેના ત્રણ ભાગ કરી ત્રણેયની એક-એક રોટલી વણો. રોટલી પર ઘી અને કોર્નફ્લોર લગાવો. એક રોટલી પર બીજી રોટલી ગોઠવો. તેના પર ફરી ઘી અને કોર્નફ્લોર લગાવો. આ જ રીતે રોલ વાળો. રોલના નાના નાના ટુકડા કરો. હવે જરૂર પૂરતી ખાંડ લઇ તેમાં કેસર અને એલચી નાખી એકતારી ચાસણી તૈયાર કરો. હવે તૈયાર સાટાને ગરમ ઘીમાં બ્રાઉન રંગના તળી લો. છેલ્લે બધા સાટા પર ચાસણી રેડો અને ઉપર બદામ-પિસ્તાંની ચીરી ભભરાવી ખાવ.

*************************************************************************

ખજૂરનો હલવો :
સામગ્રી :
ખજૂર-2 કપ, નાળિયેરનું છીણ-1 વાટકી, માવો-1 કપ, ખાંડ-અડધો કપ, ઘી-અડધો કપ, સમારેલો મેવો-અડધી વાટકી.



રીત :
સો પ્રથમ ખજૂર ધોઇ તેના ઠળિયા કાઢી લો. તે પછી તેને ક્રશ કરી પેસ્ટ બનાવો. એક પેનમાં ઘી ગરમ કરી ખજૂરની પેસ્ટને ધીમી આંચે બે-ત્રણ મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં માવો, નાળિયેરનું છીણ અને ખાંડ નાખીને થોડી વાર શેકો. જ્યારે મિશ્રણ એકદમ કોરું થઇ જાય ત્યારે આંચ પરથી ઉતારી લઇ હલવાને પ્લેટમાં કાઢો. તેના ઉપર સમારેલા મેવાથી સજાવટ કરી ગરમાગરમ સર્વ કરો. આ હલવો શિયાળામાં ખૂબ પૌષ્ટિક રહે છે.
_____________________________________________________________________
બદામનો હલવો :
સામગ્રી :
બદામ-અડધોકપ, ખાંડ-અડધો કપ, ઘી-પા કપ, દૂધ-પા કપ, કેસર-થોડા તાંતણા, એલચીનો પાઉડર-ચપટી.
  

 રીત :
બદામને નવશેકા પાણીમાં એક કલાક પલાળી રાખો. તે પછી તેના ફોતરાં કાઢી દૂધમાં લસોટી પેસ્ટ બનાવો. કેસરને નવશેકા પાણીમાં ઘોળો. એક કડાઇમાં ખાંડ અને પાણી ગરમ કરો. ખાંડ ઓગળી જાય એટલે આંચ ધીમી કરી દઇ તેમાં ધીરે ધીરે બદામની પેસ્ટ ભેળવો. તેમાં ગાંઠા ન બાઝી જાય તેનું ધ્યાન રાખવું. તેની સાથે કેસર અને એલચીનો પાઉડર પણ ભેળવો. ત્રણ-ચાર મિનિટમાં મિશ્રણ ખદખદે એટલે આંચ પરથી ઉતારી લો આ હલવાને થોડી વાર ફ્રીજમાં મૂકી રાખો અથવા ગરમાગરમ ખાઇ શકો છો.

_____________________________________________________________________

જામફળનો હલવો :
સામગ્રી :
જામફળનો ગર-500 ગ્રામ, રવો અથવા ઘઉંનો લોટ-1 ચમચો, ખાંડ-2 કપ, કાજુ-બદામ,પીસ્તાંના ટુકડા-6-7 નંગ એલચીનો પાઉડર-અડધી ચમચી, ખાવાનો પીળો રંગ-પા ચમચી, ઘી-1 ચમચો.



રીત :
કડાઇમાં ઘી લઇ તે ગરમ કરો. તેમાં રવો નાખી ધીમી આંચે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં બી કાઢેલો જામફળનો ગર અને ત્રણ કપ અથવા જરૂર પૂરતું પાણી રેડો. ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. ત્યાર બાદ ખાંડ, કાજુ, બદામ, પીસ્તાં અને એલચીનો પાઉડર ભેળવો. ખાંડનું પાણી એટલે કે ચાસણી શોષાઇ જાય ત્યાં સુધી રહેવા દો. જામફળનો સ્વાદિષ્ટ હલવો તૈયાર છે.

_____________________________________________________________________

દૂધનો હલવો :
સામગ્રી :
દૂધ-500 m.l., દહીં-4 ચમચી, ખાંડ-125 ગ્રામ.


રીત :
સૌપ્રથમ દૂધમાં ખાંડ નાખી ઉકળવા દો. બે ઉભરા આવે એટલે તેમાં દહીં નાખી દો. ઘટ્ટ થાય ત્યાં સુધી તેને સતત હલાવતાં રહો. બ્રાઉન રંગનો થાય એટલે ગેસ બંધ કરી થડો થવા દો. સ્વાદિષ્ટ હલવો તૈયાર છે.

*************************************************************************

રસમલાઇ :
સામગ્રી :
દૂધ-1 લિટર, વ્હાઇટ વિનેગર-થોડાં ટીપાં, ખાંડ-500 ગ્રામ, મલાઇવાળું દૂધ-750 ગ્રામ, મેંદો-20 ગ્રામ.



રીત :
દૂધને ગરમ કરી તેને આંચ પરથી ઉતારી લો. થોડી વાર પછી તેમાં 6-8 ટીપાં વ્હાઇટ વિનેગર નાખી સતત હલાવતાં રહો. દૂધ ફાટી જાય એટલે તેને મુલાયમ કાપડમાં બાંધીને દોઢ કલાક સુધી લટકાવી દો જેથી વધારાનું બધું પાણી નિતરી જાય. આમાં મેંદો ભેળવી મિશ્રણને બરાબર મસળો જેથી તેમાં ગાંઠા બાઝી ન જાય. આ તૈયાર મિશ્રણમાંથી એકસરખા ગોળા વાળી તેને સહેજ દબાવી ચપટો આકાર આપો. અડધો લિટર પાણીમાં પાંચસો ગ્રામ ખાંડ ભેળવી ચાસણી તૈયાર કરો. ખાંડ બરાબર ઓગળી જાય એટલે તેમાં તૈયાર પેંડા નાખી દસ-પંદર મિનિટ સુધી રહેવા દો. થોડી વાર પછી જ્યારે આ પેંડા બફાઇને ફૂલી જાય એટલે આંચ પરથી ઉતારી લો. રસમલાઇના ગોળા તૈયાર છે. રબડી બનાવવા માટે મલાઇવાળું દૂધ ગરમ કરી ઘટ્ટ થવા દો. તે ઉકળીને અડધા ભાગનું રહે એટલે તેમાં ખાંડ અને કેસર ભેળવો. ઠંડું થાય એટલે તેમાં રસમલાઇ નાખો અને સમારેલા પિસ્તાં તથા કેસરના તાંતણાથી સજાવો.

_____________________________________________________________________

પનીર સંદેશ :
સામગ્રી :
પનીર-200 ગ્રામ, ખાંડ-200 ગ્રામ, ડ્રાય ફ્રૂટ્સની ચીરીઓ-જરૂર મુજબ.



રીત :
પનીરને હાથથી મસળીને ભૂકો કરો. એક નોનસ્ટિક કડાઇ ગરમ કરી તેમાં પનીર અને ખાંડ નાખી સારી રીતે મિક્સ કરો. ખાંડ ઓગળી જાય એટલે પનીરને આંચ પરથી  ઉતારી લો. ધ્યાન રાખો કે પનીરનો રંગ ન બદલાય. તે પછી મનગમતા આકારના મોલ્ડમાં પહેલાં ડ્રાય ફ્રૂટ્સની ચીરીઓ નાખો પછી બધા પર તૈયાર પનીર નાખી હાથથી સહેજ દબાવો. ઠંડા થાય એટલે પ્લેટમાં કાઢી  અને ઉપર ડ્રાય ફ્રૂટ્સની ચીરીઓથી સજાવટ કરો.
નોંધ : જો મોલ્ડ ન હોય તો હાથથી પણ પનીરના મિશ્રણના પેંડા અથવા બોલ્સ બનાવી શકો છો. આને સજાવવા માટે કેસરયુક્ત પાણીનો છંટકાવ પણ કરી શકો છો.

*************************************************************************

મેવા-કેસર ખીર :
સામગ્રી :
દૂધ-1 લિટર, ચોખા-100 ગ્રામ, ખાંડ-પોણો કપ, એલચીનો પાઉડર-દોઢ ચમચી, કસ્ટર્ડ પાઉડર-2 ચમચી, કેસર-થોડા તાંતણાં, બદામ-પિસ્તાની ચીરી-સજાવટ માટે.



રીત :
ચોખાને વીણી, ધોઇ લો. તે પછી તેને દોઢ કલાક માટે પલાળી રાખો. અડધા કપ ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઘોળો. બાકીનું દૂધ ગરમ કરવા મૂકો. તેમાં બે-ચાર ઊભરા આવે એટલે પલાળેલા ચોખા ભેળવો. આંચ ધીમી કરી ખદખદવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. ચોખા બરાબર ફૂલી જાય એટલે તેમાં ખાંડ, કેસર અને એલચીનો પાઉડર ભેળવો. તે પછી કસ્ટર્ડ પાઉડરનું મિશ્રણ ભેળવી સતત હલાવતાં રહો. એકદમ ઘટ્ટ ખીર તૈયાર થાય એટલે આંચ પરથી ઉતારી લો. બારીક સમારેલા બદામ-પિસ્તાં અને કેસરથી સજાવી સર્વ કરો.
નોંધ : ખીર અથવા રબડી ઝડપથી ઘટ્ટ બનાવવા માટે તેમાં એક ચમચી કસ્ટર્ડ પાઉડર દૂધમાં ઘોળીને તેમાં ભેળવો. આના લીધે ખીરનો સ્વાદ પણ અનેરો આવશે.

_____________________________________________________________________

ઘઉંની ખીર :
સામગ્રી :
ઘઉં-પોણો કપ, દૂધ-1 લિટર, ખાંડ-પા કપ, પાણી-1 કપ, બદામની ચીરી-1 ચમચી, કિશમિશ-1 ચમચી, પિસ્તાં-1 ચમચી, એલચીનો પાઉડર-પા ચમચી, કેવડાનું એસન્સ-1-2 ટીપાં, કેસર-થોડા તાંતણાં.



રીત :
એક તપેલામાં પાણી ગરમ કરો. તેમાં ઘઉં નાખી ધીમી આંચે બફાવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. હવે તેમાં ગરમ કરેલું દૂધ નાખી અને હલાવતાં રહી પંદર મિનિટ સુધી ધીમી આંચે રહેવા દો. ઘઉં બરાબર બફાઇ જાય એટલે ખાંડ નાખો અને તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. પછી એલચીનો પાઉડર અને બધી સામગ્રી ભેળવો. બે-ત્રણ મિનિટ ખદખદવા દઇ આંચ પરથી ઉતારી લો. દૂધમાં ઘોળેલા કેસરથી સજાવી ઘઉંની ખીર સર્વ કરો.

_____________________________________________________________________

સેવઇયાં ખીર :
સામગ્રી :
મેંદાની સેવ-100 ગ્રામ, ઘી-2 ચમચા, દૂધ-500 ગ્રામ, ખાંડ-અડધો કપ, કેસર-થોડા તાંતણા, બદામ-પિસ્તાંની ચીરી-સજાવટ માટે.



રીત :
એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં સેવને શેકી લો. ગુલાબી રંગની થાય એટલે તેને કાઢીને અલગ રાખો. હવે આ પેનમાં અડધો લિટર દૂધ અને ખાંડ મિક્સ કરીને ગરમ કરો. બે-ચાર વાર ઊભરો આવે પછી તેમાં શેકેલી સેવ અને કેસરના તાંતણા ભેળવી ધીમી આંચે ખદખદવા દો. સેવ બરાબર એકરસ થઇ જાય અને દૂધ ઘટ્ટ થવા માંડે એટલે આંચ પરથી ઉતારી લો. તેમાં બદામ-પિસ્તાંની ચીરીઓ નાખી સર્વ કરો.

_____________________________________________________________________

પનીરની ખીર :
સામગ્રી :
પનીર-250 ગ્રામ, ખાંડ-અડધો કપ, એલચીનો ભૂકો-અડધી ચમચી, કાજુ-6-7 નંગ, મલાઇવાળું દૂધ-500 ગ્રામ, પિસ્તાં-2-3 નંગ.



રીત :
પનીરની ખીર બનાવવા માટે સૌથી પહેલાં દૂધને એક તપેલીમાં લઈ ઉકળવા મૂકો. દૂધ ઊકળે ત્યાં સુધીમાં પનીરને છીણી લો. દૂધમાં એક ઊભરો આવે એટલે તેને છ-સાત મિનિટ ઉકળવા દઈ ઘટ્ટ થવા દો. તેમાં પનીરનું છીણ દૂધમાં નાખી મિક્સ કરો. પનીર નાખ્યા પછી દૂધને સતત હલાવતા રહી ઊભરો આવે એટલે ધીમી આંચે ઘટ્ટ થવા દો. કાજુના પણ ટુકડા કરી લો. ખીર ઘટ્ટ થાય એટલે તેમાં કાજુના ટુકડા, ખાંડ અને એલચીનો ભૂકો નાખી ખાંડ ઓગળવા દો. પનીરની ખીર તૈયાર છે. તેના પર પિસ્તાંની ચીરીઓથી સજાવટ કરો.

_____________________________________________________________________

રસગુલ્લાની ખીર :
સામગ્રી :
મલાઇવાળું દૂધ-500 ગ્રામ(માવો બનાવવા માટે), મલાઈવાળું દૂધ-1 લિટર, ખાંડ-1 કપ, બૂરું ખાંડ-પા કપ, લીંબુ-1 નંગ, કેસર-થોડા તાંતણા, એલચી-4-5 નંગ, પિસ્તાં-7-8 નંગ.



સામગ્રી :
બે અલગ અલગ તપેલી લઈ તેમાં દૂધ ગરમ કરવા મૂકો. એકમાં દૂધને ઘટ્ટ થવા દો અને બીજી તપેલીમાં માવો તૈયાર કરો. એ માટે લીંબુનો રસ કાઢી તેમાં એટલું જ પાણી ભેળવો. દૂધમાં ઊભરો આવે એટલે તેને ગેસ પરથી ઉતારી લો. તે પછી ત્રણ-ચાર મિનિટ પછી તેમાં લીંબુનો રસ નાખી ચમચાથી હલાવો. દૂધ ફાટી અને પાણી અલગ પડવા લાગશે. માવાને કપડાંમાં કાઢી તેને નીતરવા મૂકી દો. હવે ખીર બનાવવા માટેના દૂધમાં ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દો. થોડી થોડી વારે હલાવતા રહો જેથી દૂધ ચોંટી ન જાય. એલચીનો ભૂકો, ઘોળેલું કેસર અને બૂરું ખાંડ નાખી હલાવો. માવાની ગોળીઓ બનાવો. કૂકરમાં ખાંડ અને અઢી કપ પાણી ભેળવી તેની ચાસણી બનાવો. તેમાં ઊભરો આવે એટલે માવાની ગોળીઓ બનાવી તેમાં નાખી દો. તે પછી કૂકર બંધ કરી એક સીટી થાય ત્યાં સુધી રાખી ગેસ પરથી ઉતારી લો. ઠંડું થાય એટલે તેમાંથી માવાની ગોળીઓ કાઢી ઘટ્ટ દૂધમાં નાખી પાંચ-છ મિનિટ ઉકળવા દો. રસગુલ્લાની ખીર તૈયાર છે. તેના પર પિસ્તાંની ચીરીઓથી સજાવી સર્વ કરો.

_____________________________________________________________________

રબડી ખીર :
સામગ્રી :
રબડી-250 ગ્રામ, ચોખા-અડધો કપ, ખાંડ-અડધો કપ, એલચીનો ભૂકો-અડધી ચમચી, ક્રિશમિશ-1 ચમચો, બદામ-10-12 નંગ, કાજુ-10-12 નંગ, દૂધ-1 લિટર.



રીત :
ચોખાને સાફ કરી ધોઈને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો. તે પછી પાણી નિતારીને ચોખાને અધકચરા ક્રશ કરી લો. દૂધને ગરમ કરી તેમાં ઊભરો આવે એટલે અધકચરા ક્રશ કરેલા ચોખા નાખી હલાવીને મિક્સ કરો. દૂધમાં એક-બે મિનિટે ચમચો હલાવતા રહો. કાજુ અને બદામની બારીક ચીરીઓ કરો. ચોખા અને દૂધ એકરસ થઈ જાય એટલે સમારેલાં કાજુ, બદામ અને ક્રિશમિશ ખીરમાં નાખો. તેને ગેસ પરથી ઉતારી લઈ ખીરમાં ખાંડ નાખો અને એલચીનો ભૂકો નાખી થોડી વાર ઢાંકી દો. ખાંડ ઓગળી જાય એટલે તેનું ઢાંકણું ખોલી તેમાં રબડી ભેળવો. ઉપર કાજુ-બદામની ચીરીઓથી સજાવો. રબડી ખીર ઠંડી અને ગરમ બંને સારી લાગે છે.

_____________________________________________________________________

કોકોનટ ખીર :
સામગ્રી :
શ્રીફળ-1 નંગ, દૂધ-5 કપ, કાજુ-5-7 નંગ, ક્રિશમિશ-1 ચમચો, ખાંડ-પા કપ, એલચી-4 નંગ, બદામ-6-7 નંગ.


રીત :
તપેલીમાં દૂધ ઉકળવા મૂકો. શ્રીફળનું પડ કાઢી તેને છીણી લો. દૂધમાં ઊભરો આવે એટલે તેમાં નાળિયેરની છીણ નાખી ચમચાથી હલાવતા રહો. આ દરમિયાન સૂકો મેવો સમારીને રાખો. એલચીનો ભૂકો કરો. ખીર ઘટ્ટ થાય એટલે તેમાં સૂકો મેવો અને ક્રિશમિશ નાખી હલાવતાં રહો જેથી તે ચોટી ન જાય. નાળિયેરની છીણ અને દૂધ એકરસ થઇ જાય એટલે ગેસ પરથી ઉતારી લઈ તેમાં ખાંડ અને એલચીનો ભૂકો નાખી ઢાંકી દો. આના પર બદામની ચીરીઓથી સજાવટ કરો. આ ખીરને ઠંડી કે ગરમ સર્વ કરી શકાય.

_____________________________________________________________________

સોયા ખીર :
સામગ્રી :
સોયાબીન-પોણો કપ, દૂધ અઢી કપ, ખાંડ-5 ચમચી, મકાઇનો લોટ-1 ચમચો, એલચીનો પાઉડર-અડધી ચમચી, કેસર-થોડા તાંતણા.


રીત :
સોયાબીનને અધકચરા ક્રશ કરી લો. તેને ગરમ પાણીમાં પાંચ મિનિટ પલાળી રાખી ઢાંકી દો. પાણી નિતાર્યા બાદ ઠંડા પાણીથી બે-ત્રણ વાર ધોઇ નાખો. મકાઇના લોટમાં એક ચમચો પાણી રેડી મિશ્રણ તૈયાર કરો. કેસરને દૂધમાં ઘોળી લો. એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો. તેમાં સોયાબીન, ખાંડ અને મકાઇનો લોટ નાખી ઉકાળો. તે પછી તેમાં એલચીનો પાઉડર અને કેસર ઉમેરો. આને એક કલાક ફ્રીજમાં ઠંડું કર્યા પછી સર્ કરો.

*************************************************************************

ડબલ ટ્રીટ :
સામગ્રી :
નાનાં રસગુલ્લા-5-7 નંગ, માવો-250 ગ્રામ, બૂરું ખાંડ-100 ગ્રામ, પિસ્તાંનો ભૂકો-2 ચમચા, કોપરાનુ છીણ-2 ચમચા, એલચીનો પાઉડર-અડધી ચમચી, કોપરાનું છીણ-સજાવટ માટે.



રીત :
માવામાં બૂરું ખાંડ ભેળવી થોડી વાર માટે ધીમી આંચ પર શેકો. તે એકરસ થઇ જાય એટલે આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. હવે તેમાં એલચી, પિસ્તાંનો ભૂકો અને કોપરાનું છીણ ભેળવો. રસગુલ્લાને સહેજ દબાવીને તેનો રસ નિતારી લો. હવે કોપરાના મિશ્રણમાંથી ગોળો લઇ તેને હથેળી પર પાથરો. તેની વચ્ચે રસગુલ્લા મૂકીને ફરીથી ગોળો વાળી દો. આ રીતે બધા બોલ તૈયાર કરો. હવે એક પ્લેટમાં કોપરાનું થોડું છીણ કાઢો. બધા બોલ્સને આમાં રગદોળો જેથી તેના પર કોપરાનું છીણ ચોંટી જાય ડબલ ટ્રીટ તૈયાર છે.

*************************************************************************

સ્ટફડ બટર બોલ :
સામગ્રી :
તાજું માખણ-2 કપ, બૂરું ખાંડ-200 ગ્રામ, શેકેલો માવો-અડધો કપ, કેસર-પાંચ-છ તાંતણા, એલચીનો પાઉડર-પા ચમચી, બારીક સમારેલા તુલસીના પાન-5 નંગ, કિશમિશ-જરૂર મુજબ, કોપરાનું છીણ-જરૂર મુજબ, પિસ્તાંની ચીરી-સજાવટ માટે.



રીત :
માખણમાં બૂરું ખાંડ મિક્સ કરો. તેમાં શેકેલા માવામાં કેસર, એલચીનો પાઉડર, તુલસીના પાન અને થોડ કિશમિશ ભેળવો. આ મિશ્રણના નાના નાના ગોળા વાળો. તેના પર માખણ લગાવી પછી એક પ્લેટમાં કોપરાનું છીણ કાઢી તેમાં રગદોળો. આ તૈયાર બટર બોલ્સને કેસર અને પિસ્તાંની ચીરીથી સજાવો.
નોંધ : ઇચ્છો તો માખણમાં જ સાકર મિક્સ કરી કોઈ પ્રકારના સ્ટફિંગ વિના પણ બટર બોલ્સ બનાવી શકો છો. સ્ટફ્ડ બટર બોલ્સને લાંબો સમય રાખવા હોય તો એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં મૂકો.

_____________________________________________________________________

સ્વીટ બીટ :
સામગ્રી :
બીટ-2 નંગ, દૂધ-2 કપ, મિલ્ક પાઉડર-અડધો કપ, ખાંડ-2 ચમચા, એલચીનો પાઉડર-પા ચમચી, ડ્રાયફ્રૂટ-સજાવટ માટે.



રીત :
બીટને છોલી, છીણી લો અને તેનો રસ નિતારી લો. તેને દૂધમાં રેડો. દૂધ ગરમ કરો અને જ્યારે ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ખાંડ ભેળવો. મિશ્રણ કડાઇને ચોંટતું બંધ થાય ત્યાં સુધી હલાવતાં રહો. પછી આંચ પરથી ઉતારી લઇ તેમાં મિલ્ક પાઉડર અને એલચીનો પાઉડર ભેળવો. હવે આ મિશ્રણમાંથી લાંડુ બનાવો. છેલ્લે તેના ઉપર ડ્રાયફ્રૂટ ચોટાડી સજાવો.

*************************************************************************

ત્રિરંગી મેવા કતલી :
સામગ્રી :
કાજુનો પાઉડર-1 કપ, બદામનો પાઉડર-1 કપ, પિસ્તાંનો પાઉડર-1 કપ, ખાંડ-2 કપ, પાણી-1 કપ, કેસર-થોડા તાંતણા, ખાવાનો પીળો રંગ-ચપટી.



રીત :
સૌપ્રથમ પોણો કપ પાણીમાં દોઢ કપ ખાંડ નાખી ગરમ કરો. અને દોઢ તારી ચાસણી બનાવો. તેમાં કાજુ-બદામનો પાઉડર ભેળવીને સતત હલાવતાં રહી ઘટ્ટ થવા દો. જ્યારે બરાબર મિક્સ થઈ જાય ત્યારે આંચ પરથી ઉથારી લઇ તેના બે ભાગ કરો. એકમાં કેસર ઘોળીને ભેળવો અને બીજામાં ખાવાનો પીળો રંગ મિક્સ કરો. હવે અડધા કપ ખાંડમાં પા કપ પાણી રેડી ઉકાળો અને ચાસણી તૈયાર થાય એટલે તેમાં પિસ્તાંનો પાઉડર ભેળવો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે આંચ પરથી ઉતારી લો. ત્રણેય રંગના મિશ્રણમાંથી સરખા ભાગે લૂઆ લઈ એકબજા પર ગોઠવો અને હળવા હાથે વણી લો. તે પછી તેના ચોરસ ટુકડા કરો. ઇચ્છો તો ચાંદીના વરખથી સજાવો.

*************************************************************************

સેવ બાસ્કેટ :
સામગ્રી :
વર્મિસેલી-અડધું પેકેટ, મિક્સ મેવાના ટુકડા-અડધો વાટકો, મોળો માવો-100 ગ્રામ, તેલ-તળવા માટે.
ચાસણી માટે : ખાંડ-2 કપ, પાણી-જરૂર પ્રમાણે.



રીત :
સેવને પાણીમાં પલાળી દો. તે પછી તેને ચા ગાળવાની ગળણીમાં કાઢી બાસ્કેટ જેવો આકાર આપો. તેલ ગરમ કરી તેમાં બ્રાઉન રંગની તળી લો. આ બાસ્કેટને ટિશ્યૂ પેપર અથવા બ્રાઉન પેપર પર કાઢો, જેથી વધારાનું તેલ શોષાઇ જાય. મોળા માવાને એક કડાઇમાં પાંચ મિનિટ શેકો. ખાંડની એકતારી ચાસણી તૈયાર કરો. બે-ત્રણ મિનિટ પછી તેને ચાસણીમાંથી બહાર કાઢી ફ્રિજમાં મૂકો. તૈયાર બાસ્કેટમાં માવાનું મિશ્રણ ભરો. તેના પર સમારેલા મિક્સ મેવાના ટુકડા ભભરાવી સર્વ કરો.

*************************************************************************

મિલ્કી બનાના :
સામગ્રી :
મિલ્ક પાઉડર-1 વાટકી, બૂરું ખાંડ-4 ચમચા, દૂધમાં ભેળવેલો કોકો પાઉડર-2 ચમચા, પીળો રંગ-ચપટી, દૂધ-જરૂર પ્રમાણે, એલચીનો પાઉડર-અડધી ચમચી.



રીત :
મિલ્ક પાઉડરમાં ખાંડ, પીળો રંગ, એલચીનો પાઉડર નાખીને મિક્સ કરો. તેમાં થોડું થોડું દૂધ ઉમેરતાં જઇ લોટ બાંધો. આમાંથી લૂઆ લઇ તેને કેળા જેવો આકાર આપો. થોડી વાર પછી કોકો પેસ્ટથી સજાવી સર્વ કરો.

 *************************************************************************

 બનાના ચોકો સ્ટિક :
સામગ્રી :
પાકા કેળા-6 નંગ, ડાર્ક ચોકલેટ-100 ગ્રામ, લાઇટ(મિલ્ક) ચોકલેટ-100 ગ્રામ, અધકચરા ક્રશ કરેલા કાજુ-8-10 નંગ, આઇસ્ક્રીમ સ્ટિક-8-10 નંગ, સિલ્વર ફોઇલ-જરૂર મુજબ.



રીત :
કેળાં છોલી તેના એક ઇંચ લાંબા ટુકડા કરો. એક બાઉલમાં બંને ચોકલેટ મિક્સ કરો. હવે એક મોટી તપેલીમાં થોડું પાણી ગરમ કરો. તેમાં ચોકલેટ ભરેલો બાઉલ મૂકીને ચોકલેટ ઓગાળો. આઇસ્ક્રીમ સ્ટિક પર સિલ્વર ફોઇલ વીંટાળી કેળાંના ટુકડામાં ભરાવો. પછી તેને પીગળેલી ચોકલેટમાં બોળો અને ક્રશ કરેલા કાજુમાં રગદોળી ઠંડી કરીને સર્વ કરો.

*************************************************************************

મિલ્કી પોટેટો :
સામગ્રી :
બાફેલા બટાકા-6-7 નંગ, ઘી-1 ચમચો, દૂધ-250 ગ્રામ, ખાંડ-પા કપ, એલચીનો પાઉડર-1 ચમચી, જાવંત્રીનો પાઉડર-પા ચમચી, કાજુ-જરૂર મુજબ, ચેરી-સજાવટ માટે.



રીત :
બાફેલા બટાકાને સારી રીતે મસળીને તેનો છુંદો કરો. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં છુંદાને પાંચેક મિનિટ માટે સાંતળો. તે પછી તેમાં દૂધ રેડીને ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહી મિક્સ કરો. ખાંડ, એલચીનો પાઉડર અને જાવંત્રીનો પાઉડર ભેળવો. ખાંડ ઓગળી જઇને બધું પાણી શોષાઇ જાય ત્યાં સુધી હલાવતાં રહો. જ્યારે મિશ્રણ કડાઇમાં ચોંટતું બંધ થાય અને ઘી છૂટું પડવા લાગે એટલે આંચ પરથી ઉતારી લઇ સવિંગ પ્લેટમાં કાઢો. તેમાં કાજુના ટુકડા ભેળવો અને ઇચ્છો તો ઉપરથી ચેરીથી સજાવટ કરો.

*************************************************************************

બદામનો શીરો :
સામગ્રી :
બદામનો દાણાદાર ભૂકો-અડધો કપ, ઘી-2 ચમચી, દૂધ-અડધો કપ, ખાંડ-2 ચમચી, કેસર-ચપટી, ઇલાયચી પાઉડર-ચપટી, સજાવવા માટે : 4 પિસ્તા અને 4 બદામ.



રીત :
કડાઇમાં ઘી ગરમ કરી ધીમા તાપે બદામનો ભૂકો સાંતળો. બીજી તરફ એક તપેલીમાં દૂધ લઈ ખાંડ ઉમેરી ગરમ કરવા મૂકવું. ઇલાયચી અને કેસર ખલમાં ભેગા ક્રશ કરો. બદામનો ભૂકો આછા બદામી રંગનો શેકાય એટલે ખાંડવાળું દૂધ ઉમેરી અને બરાબર હલાવી મિક્સ કરો. દૂધ બળી જાય અને શીરો કડાઇની ધાર છોડે એટલે ઇલાયચી-કેસર નાખી હલાવી ગેસ પરથી ઉતારી લો. પ્લેટમાં કાઢી, પિસ્તા-બદામની ફાડથી સજાવી ગરમ શીરો સર્વ કરવો.

_____________________________________________________________________

ચણાના લોટનો શીરો :
સામગ્રી :
ચણાનો લોટ-1 કપ, પાણી-અઢી કપ, ખાંડ-પોણો કપ, એલચીનો પાઉડર-1 ચમચી, કેસર-થોડા તાંતણાં, ઘી-અડધો કપ, પિસ્તાંની ચીરી-સજાવટ માટે.


રીત :
પાણીમાં ખાંડ મિક્સ કરી ગરમ કરો. તેની ચાસણી બની જાય એટલે કેસરના તાંતણા અને એલચીનો પાઉડર તેમાં નાખી આંચ પરથી ઉતારી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ચણાના લોટને સતત હલાવતાં રહી બદામી રંગનો થવા દો. તેની સુગંધ આવે એટલે તેમાં કેસર અને એલચીના પાઉડરવાળી ચાસણીને થોડી થોડી નાખતાં જઈ મિક્સ કરો. આને સતત હલાવતાં રહો જેથી તેમાં ગઠાં ન બાઝી જાય. આ રીતે બધી ચાસણી મિક્સ કરી મિશ્રણ કડાઇમાં ચોંટતું બંધ થાય એટલે આંચ પરથી ઉતારી લો. બદામની ચીરીઓથી સજાવો.

_____________________________________________________________________

સપ્તમેળ ભોગ :
સામગ્રી :
બદામની ચીરીઓ-100 ગ્રામ, કોપરાનું છીણ-70 ગ્રામ, ઘીમાં તળેલો ગુંદર-50 ગ્રામ, અજમો-30 ગ્રામ, મખાના-40 ગ્રામ, ચારોળી-1 ચમચો, ઘીમાં સાંતળેલા તલ-1 ચમચો, ઘીમાં સાંતળેલા પિસ્તા-40 ગ્રામ, ઘીમાં સાંતળેલી બદામના ટુકડા-50 ગ્રામ, , એલચીનો ભૂકો-2 ચમચી, ઘી-150 ગ્રામ, કેસર-થોડાં તાંતણા(દૂધમાં ઘોળેલું), બૂરું ખાંડ-સ્વાદ મુજબ, નાળિયેરના ટુકડા-1 ચમચો.



રીત :
કડાઈમાં ઘી ગરમ કરી નાળિયેર, બદામ, અજમો નાખી સાંતળો. હવે બાકીની બધી સામગ્રી પણ નાખો. મિશ્રણ ઠંડું થાય એટલે તેમાં ખાંડ, એલચી તેમજ કેસર મિક્સ કરો. સપ્તમેળ ભોગને કેસર તેમજ એલચીના ભૂકાથી સજાવી સર્વ કરો.

*************************************************************************

આગ્રાના પેઠા :
સામગ્રી :
સફેદ કોળું-1 કિલો, લીંબુ-1 નંગ, પાણી-2 કપ, ખાંડ-3 કપ, એલચીનો ભૂકો-અડધી ચમચી.


રીત :
કોળાને સાફ કરી તેમાંથી બી કાઢી લઈ મોટા મોટા ટુકડા કરો. કાંટાથી બધા ટુકડામાં કાણા પાડો. એક લીંબુનો રસ કાઢી આ ટુકડા પર લગાવો. ઇચ્છો તો બે-ત્રણ કપ પાણીમાં એક લીંબુ નીચોવી તેમાં કોળાના ટુકડાને દસ-પંદર મિનિટ પલાળી રાખો. પછી તેને સારી રીતે ધોઇ લો. એક પેનમાં પાણી ગરમ કરી તેમાં આ ટુકડા નાખી તે પોચા અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બાફો. એક તપેલીમાં પાણી લઇ તેમાં ખાંડ નાખો અને ગરમ કરો. તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એલચીનો ભૂકો નાખી એકતારી ચાસણી તૈયાર કરો. પછી તેમાં કોળાના ટુકડા નાખી બે-ત્રણ મિનિટ રહેવા દઈ આંચ પરથી ઉતારી લો. આમાં ગુલાબજળ ભેળવો અને ઠંડા થાય એટલે સર્વ કરો.
નોંધ : પેઠા દૂધીમાંથી પણ બની શકે છે. એ માટે કોળાને બદલે દૂધી ચાર કિલો લેવી. દૂધી એકદમ પાકી અને લીલી ન હોવી જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો