ચાટ / કટોરી / દહીંવડાં / ભેળ / ઉસળ

આલુ ટિક્કી ચાટ :
સામગ્રી :
બાફેલા બટાકા-8-9, તેલ-3-4 ચમચા, સમારેલી કોથમીર-2-3 ચમચા, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, કોર્નફ્લોર-3 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.
સર્વ કરવા માટે : કોથમીરની તીખી ચટણી-અડધો કપ, આંબલીની ચટણી-અડધો કપ, શેકેલા જીરાનો પાઉડર-1-2 ચમચી, મરચું-1 ચમચી, સિંધાલૂણ-સ્વાદ મુજબ, ચણાની સેવ-અડધો કપ.
   
 રીત :
બાફેલા બટાકાને છોલી મસળી લો. તેમાં બારીક સમારેલાં લીલાં મરચાં, મીઠું, સમારેલી કોથમીર અને કોર્નફ્લોર નાખી બધું મિક્સ કરો અને લોટની માફક તૈયાર કરો. એક પેન ગરમ કરી હથેળીને સહેજ તેલવાળી કરી બટાકાના મિશ્રણમાંથી થોડું મિશ્રણ લો. આને હથેળીમાં જ રાખી ગોળો બનાવો અને તેને દબાવીને ચપટો કરી ટિક્કી બનાવો. હવે ગરમ પેનમાં થોડું તેલ રેડો. તેલને પેનમાં ફેલાવો. તેના પર જેટલી ટિક્કી સાંતળી શકાય એટલી મધ્ય આંચે સાંતળો. બ્રાઉન રંગની થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. સર્વ કરતી વખતે પ્લેટમાં એક-બે ટિક્કી ગોઠવી તેના પર વલોવેલું દહીં, ગળી ચટણી, કોતણીરની ચટણી રેડો. ઉપર શેકેલા જીરાનો પાઉડર, મીઠું, મરચું અને સેવ ભભરાવો.
_____________________________________________________________________
 દહીં પાપડી ચાટ :
સામગ્રી :
પાપડી માટે : મેંદો-1 કપ, તેલ-3 ચમચા, જીરું-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે, મગની દાળ-અડધો કપ(પકોડી માટે)
ચાટ માટે : તાજું દહીં-1 કપ, સિંધાલૂણ-પા ચમચી, ખાંડ1 ચમચી, ગળી ચટણી-કોથમીરની ચટણી-દાડમના દાણા-સ્વાદ મુજબ, મીઠું-સ્વાદ મુજબ, શેકેલું જીરું-પા ચમચી, ચાટ મસાલો-પા ચમચી, મરચું-પા ચમચી.



રીત :
મગની દાળને બે કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેમાંથી વધારાનું પાણી નિતારી લઈ અધકચરી ક્રશ કરી લો. મેંદો લઈને તેમાં મીઠું, જીરું અને તેલ નાખી મિક્સ કરો. પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતાં જઈ કઠણ કણક બાંધો. કણકને ઢાંકી રાખી પંદર-વીસ મિનિટ રહેવા દો. હવે ક્રશ કરેલી મગની દાળને ત્રણ-ચાર મિનિટ સતત હલાવો જેથી એ સહેજ ફૂલ જશે. તે સાથે પકોડી તળવા માટે કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં પકોડીઓ લાઇટ બ્રાઉન કલરની તળી નાખો. એક પ્યાલીમાં ત્રણ કપ પાણી રેડી તેમાં એક ચમચી મીઠું નાખો. તેમાં તળેલી પકોડી નાખી અને પંદર-વીસ મિનિટ પલાળી રાખો. ઢાંકી રાખેલા લોટને ખૂબ કૂણવો. તેના બે ભાગ કરો. એક ભાગ લઈ ગોળો વાળી લૂઓ બનાવો. તેને પરોઠાથી પણ સહેજ જાડા વણો. તે પછી તેમાં ઢાંગળાથી ગોળ-ગોળ પાપડી તૈયાર કરો. તે પછી પાપડીમાં કાંટા અથવા ચપ્પુથી કાપા પાડો. પાપડીને પણ ગરમ તેલમાં તળી લો. હવે દહીંમાં મીઠું અને ખાંડ નાખી મિક્સ કરો. પાપડી ચાટ સર્વ કરવા માટે પ્લેટમાં મગરની દાળની પાંચ-છ પકોડીઓ પાણી નિતારીને કાઢો. તે સાથે તેમાં બે પાપડી તોડીને નાખો. તેના પર પાંચ-છ ચમચી દહીં, 1 ચમચી  ગળી ચટણી, 1 ચમચી કોથમીરની ચટણી રેડો. તેના પર મીઠું, મરચું, જીરું પાઉડર, દાડમના દાણા અને ગળી ચટણી રેડો, ફરી તેના પર થોડું દહીં, થોડા દાડમના દાણા, શેકેલા જીરાનો પાઉડર, મીઠું અને ગળી ચટણી રેડો. પાપડી ચાટ તૈયાર છે.

_____________________________________________________________________

રોટી ચાટ :
સામગ્રી :
બાફેલા બટાકાનો છૂંદો-1 નંગ, રોટલી-4-5, બાફેલા ચણા-પોણો કપ, બાફીને સમારેલા બટાકા-2 નંગ, ટમેટાં-2 નંગ, ડુંગળી-2 નંગ, કોથમીર-1 ચમચો, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, વલોવેલું દહીં-1 વાટકી, જીરાં પાઉડર-1 ચમચો, મરચું-1 ચમચી, સિંધાલૂણ-1 ચમચી, દાડમના દાણા-પા કપ, મીઠું-સ્વાદ મુજબ, લીલી ચટણી-જરૂર પૂરતી, આંબલીની ચટણી-જરૂર પૂરતી, સેવ-જરૂર પૂરતી.



રીત :
રોટલીઓને વચ્ચેથી ચોરસ ટુકડા કરો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રોટલીના ટુકડાને તળી લો. બ્રાઉન રંગના થાય એટલે કાઢી લો. આ ટુકડાને ઠંડા થવા દો. હવે એક બાઉલમાં ચણા, બાફેલા બટાકા, બાફેલા બટાકાનો છુંદો, ડુંગળી, ટમેટાં મિક્સ કરો. તે પછી રોટલીના ટુકડા કરી તેમાં નાખી મિક્સ કરો. મિશ્રણને સર્વિંગ પ્લેટમાં કાઢી તેના પર બારીક સમારેલી ડુંગળી, ટમેટાં બંને પ્રકારની ચટણી, દહીં, લીલાં મરચાં, મરચું, જીરાં પાઉડર, સિંધાલૂણ, મીઠું અને છેલ્લે સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો.

_____________________________________________________________________

શક્કરિયાં ચાટ :
સામગ્રી :
શક્કરિયાં-2 નંગ, મરચું-1 ચમચી, સિંધાલૂણ-પા ચમચી, જીરાં પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીલી ચટણી-દોઢ ચમચી, આમલીની ચટણી-દોઢ ચમચી, દહીં-દોઢ ચમચી, લીંબુનો રસ-2 ચમચી, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, સમારેલી કોથમીર-જરૂર મુજબ, દાડમના દાણા-જરૂર મુજબ, સેવ-જરૂર મુજબ.



રીત :
શક્કરિયાંને પ્રેશર કૂકરમાં ત્રણ સીટી થાય ત્યાં સુધી બાફી લો. પછી છોલીને તેના ચોરસ ટુકડા સમારો. એક બાઉલમાં સમારેલા શક્કરિયાં, મરચું, સિંધાલૂણ, જીરાં પાઉડર, મીઠું, લીલી અને આમલીની ચટણી, લીંબુનો રસ, સમારેલાં લીલાં મરચાં નાખી મિક્સ કરો. ઉપર સમારેલી કોથમીર અને સેવ નાખી સર્વ કરો.

*************************************************************************

મગ-મકાઇ કટોરી :
સામગ્રી :
ફણગાવેલા મગ-1 કપ, મકાઇના બાફેલા દાણા-2 ચમચા, બારીક સમારેલી ડુંગળી-1 નંગ, બારીક સમારેલાં મરચાં-1 નંગ, દાડમના દાણા-2 ચમચા, બારીક સમારેલી કોથમીર-2 ચમચા, પનીરનું છીણ-અડધી વાટકી, મીઠું-સ્વાદ મુજબ, મરચું-જરૂર મુજબ, ચાટ મસાલો-1 ચમચી, શેકેલું જીરું-1 ચમચી, ફુદીનાનો પાઉડર-1 ચમચી, લીંબુનો રસ-જરૂર મુજબ, સિંધાલુણ-સ્વાદ મુજબ, બાફીને મસળેલા બટાકા-1 નંગ.
સજાવટ માટે : લીલી ચટણી-2 ચમચા, આમલીની ચટણી-2 ચમચા, સેવ-જરૂર મુજબ.
વાટકી બનાવવા માટે : મકાઇનો લોટ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, મેંદો-3 ચમચા, તેલ-1 ચમચો, તેલ-તળવા માટે.



રીત :
વાટકી બનાવવા માટેની બધી સામગ્રી મિક્સ કરો. તેમાંથી નાના નાના લૂઆ લઈ વણી લો. હવે વણેલી પાતળી પૂરીને વાટકી પર ચોંટાડી ગરમ તેલમાં બ્રાઉન રંગની તળી લો. આ રીતે બધી વાટકીઓ તૈયાર કરો. સ્ટફિંગ માટેની સામગ્રીને મિક્સ કરો. તેમાં લીલી ચટણી અને આમલીની ચટણી ભેળવો. એક પ્લેટમાં મકાઇની તળેલી વાટકી ગોઠવો. તેમાં મિશ્રણ ભરો. ઉપર લીલી ચટણી, આમલીની ચટણી અને સેવ ભભરાવો. ચાટ મસાલો ભભરાવો અને દાડમના દાણાથી સજાવટ કરો.

*************************************************************************

પનીર દહીંવડાં :
સામગ્રી :
વડા બનાવવા માટે : પનીર-200 ગ્રામ, બાફેલા બટાકા-2 નંગ, આરારુટ-2 ચમચા, તેલ-તળવા માટે, સમારેલાં લીલાં મરચાં-1 નંગ, આદુંનું છીણ-નાનો ટુકડો, મીઠું-સ્વાદ મુજબ.
સર્વ કરવા માટે : દહીં-3-4 કપ, લીલી ચટણી-1 કપ, ગળી ચટણી-1 કપ, મરચું-અડધી ચમચી, શેકેલું જીરું-2-3 ચમચા, સિંધાલૂણ-2 ચમચા.



રીત :
સૌથી પહેલાં પનીર અને બટાકાને છીણી લો. તેમાં આરારુટ મિક્સ કરો. આમાં આદું, મીઠું અને સમારેલાં લીલાં મરચાં નાખી મસળીને  સારી રીતે મિક્સ કરો. વડા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. એક કડાઈમાં તેલ ગરમ કરો અને મિશ્રણમાંથી ગોળા વાળી હથેળીથી દબાવી ગરમ તેલમાં તળી લો. હેવ એક પ્લેટમાં પનીરવડા ગોઠવો. તેના પર દહીં નાખો. ઉપર સિંધાલૂણ, શેકેલું જીરું અને મરચું ભભરાવો. ગળી ચટણી અને કોથમીરની ચટણી રેડો. ફરી તેના પર દહીં, સિંધાલૂણ, ભભરાવો. પનીર દહીંવડા તૈયાર છે.

_____________________________________________________________________

ફરાળી દહીંવડા :
સામગ્રી :
સીંગદાણા-1 કપ, આદું-લીલાં મરચાં-1 ચમચો, કોથમીર-જરૂર મુજબ, શિંગોડાનો લોટ-1 વાટકી, બટાકા-2 નંગ, મરીનો પાઉડર-અડધી ચમચી, લીંબુનો રસ-અડધી ચમચી, ખાંડ-1 ચમચી, ખજૂર-આંબલીની ચટણી, લીલી ચટણી, દાડમ-સજાવટ માટે, સિંધાલૂણ-જરૂર મુજબ.



રીત :
સીંગદાણાને નવશેકા પાણીમાં ત્રણ-ચાર કલાક પલાળવા. તેમાં જરૂર મુજબ સિંધાલૂણ તથા લીંબુનો રસ ભેળવો. હવે પલાળેલા સીંગદાણાને બાફી લેવા. બાફેલી સીંગને મિક્સરમાં બરાબર ક્રશ કરો. તેમાં સમારેલાં આદું-મરચાં, કોથમીર, લીંબુનો રસ, સિંધાલું તથા મરીનો પાઉડર ઉમરો. હવે બટાકા બાફી લઇ તેનો માવો તૈયાર કરો. આ માવામાં સિંધાલૂણ તથા શિંગોડાનો લોટ મિક્સ કરી તેમાંથી વડા બનાવી તેમાં ક્રશ કરેલા સીંગદાણાનું પૂરણ ભરવું. તે પછી તેને ફરી ગોળા વાળી અને તળી લેવા. આ વડાને સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના ઉપર દહીં, ખાંડ, લીલી ચટણી, ખજૂર-આંબલીની ચટણી, કોથમીર તથા દાડણના દાણા નાખી સર્વ કરો.
નોંધ : આ વડાને પાણીમાં પલાળવાના નથી.

*************************************************************************

ચટપટી ફરાળી ભેળ :
સામગ્રી :
બટાકા-500 ગ્રામ, સમારેલાં આદું-મરચાં-કોથમીર-જરૂર પ્રમાણે, સિંધાલૂણ-સ્વાદ મુજબ, લીલી ચટણી-જરૂર પ્રમાણે, ખજૂર-આંબલીની ચટણી-જરૂર પ્રમાણે, દાડમ-અડધું, ફરાળી ચેવડો-100 ગ્રામ, કાજુ-કિશમિશ-જરૂર પ્રમાણે.



રીત :
સૌ પ્રથમ બટાકા બાફી તેને છોલીને માવો બનાવો.તેમાં જરૂર મુજબ સિંધાલૂણ, સમારેલાં આદું-મરચાં તથા કોથમીર નાખી પેટીસ બનાવો તેને બ્રાઉન રંગની સાંતળી લો. આ ફરાળી પેટીસને પ્લેટમાં મૂકી તેના પર ફરાળી ચેવડો ભભરાવી ખજૂર-આંબલીની ચટણી રેડો અને છેલ્લે લીલી ચટણી, કાજુ, કિશમિર તથા કોથમીર અને દાડમના દાણા નાખી સર્વ કરો.

*************************************************************************

ઉસળ પૌંઆ :
સામગ્રી :
પૌંઆ-2 કપ, ખાંડ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, હળદર-પા ચમચી, લીંબુનો રસ-2 ચમચી, રાઇ-અડધી ચમચી, લીમડો-8-10 પાન, લીલાં મરચાં-2 નંગ, આદું-નાનો ટુકડો, કોથમીર-જરૂર પૂરતી, જીરું-પા ચમચી, મરચું-અડધી ચમચી, ધાણા પાઉડર-અડધી ચમચી, જીરા પાઉડર-પા ચમચી, સિંધાલૂણ-પા ચમચી, પલાળેલા સફેદ વટાણા-1 કપ, ચાટમસાલો-સ્વાદમ મુજબ, ઝીણી સેવ-સજાવટ માટે, સમારેલાં ટામેટાં-ડુંગળી-સજાવટ માટે.


રીત :
પૌંઆને સાફ કરી ધોઈ લો. થોડી વાર માટે કોરા થવા દો. પછી તેમાં ખાંડ, મીઠું, હળદર અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. કડાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇનો વઘાર કરો. પછી લીમડો અને સમારેલા લીલા મરચાં નાખી સાંતળો. આમાં મસાલાવાળા પૌંઆ ભેળવો. બરાબર મિક્સ કરી તેમાં કોથમીર નાખી ઢાંકીને સાઇડ પર રાખો. હવે એક મુઠ્ઠી કોથમીર, મરચાં, આદું અને લીંબુનો રસ ભેગા કરી પેસ્ટ બનાવો. હવે ઉસળ બનાવવા માટે કડાઇમાં તેલ કરો. તેમાં જીરાં પાઉડર, સિંધાલૂણ નાખીને એકાદ-બે મિનિટ સાંતળી તે પછી પલાળીને બાફેલા સફેદ વટાણા નાખો અને કપ પાણી રેડી બફાવા દો. સર્વ કરતાં પહેલાં પ્લેટમાં પૌંઆ કાઢો તેના પર તૈયાર ઉસળ પાથરો. તેના પર સમારેલી ડુંગળી અને ટમેટાંથી સજાવટ કરો. સેવ, ચાટમસાલો અને લીંબુનો રસ નાખી તરત ખાવ.
નોંધ : પૌંઆમાં ગ્રેવી ઝડપથી શોષાઇ જતી હોવાથી સર્વ કરતાં પહેલાં જ પ્રમાણસર ગ્રેવી નાખવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો