કઠોળ / દાળ / ઢોકળી / કઢી

સ્પ્રાઉટડ મઠ :
સામગ્રી :
મઠ-1 કપ, બાફેલા બટાકા-2 નંગ, મરચું-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, રાઇ-અડધી ચમચી, જીરું-1 ચમચી, હિંગ-ચપટી, લીમડો-10-12 પાન, સમારેલી કોથમીર-2 ચમચા, લીંબુ-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ.
  
 રીત :
મઠને ધોઈ આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે પાણી નિતારી લઈ મઠને કપડામાં બાંધી ગરમી હોય એવી જગ્યાએ રાખો એક દિવસ પછી કપડું ખોલશો તો મઠને અંકૂર ફૂટ્યા હશે. તેને બાફી લો. હવે એક કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ, જીરું અને રાઇ નાખી લીમડો નાખો. તે પછી ગરમ મસાલો, મરચું પણ નાખો. હવે બાફેલા મઠ નાખી મિક્સ કરો. મીઠું, લીંબુનો રસ અને કોથમીર નાખીને સર્વ કરો.

_____________________________________________________________________

મસાલા મસુર :
સામગ્રી :
મસુર-1 કપ, ચણાની દાળ-અડધો કપ, સમારેલા કાંદા-2 નંગ, સમારેલાં ટામેટાં-2 નંગ, આદું-મરચાં-લસણની પેસ્ટ-1 ચમચી, હળદર-અડધી ચમચી, લાલ મરચું-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, ઘી/તેલ-2 ચમચી, તમાલપત્ર-1 નંગ, લવિંગ-2 નંગ, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-1 ચમચી સજાવટ માટે.



રીત :
મસુર અને ચણાની દાળને ધોઇ પ્રેશરકુકરમાં સમારેલા કાંદા અને ટામેટામાંથી અડધા ભાગના કાંદા અને ટામેટા તથા 2-3 કપ પાણી ઉમેરી 4 સીટી વગાડી બાફવા. કડાઇમાં ઘી અથવા તેલ ગરમ કરી તમાલપત્ર અને લવિંગ, આદું, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી સાંતળી. બાકી રહેલા કાંદા નાંખી સાંતળવા. કાંદા ઘેરા બદામી રંગના થાય એટલે ટામેટા, હળદર, મરચું, ગરમ મસાલો અને પોણો કપ પાણી ઉમેરી મિક્સ કરવું. ગ્રેવીનું પાણી બળી બધું એકરસ થાય એટલે બાફેલા મસુર અને સ્વાદ મુજબ મીઠું નાખી મધ્યમ તાપે ઢાંકણ ઢાંકી 5 થી 10 મિનિટ મસુરમાં મસાલો બરાબર ભળવા દો. તૈયાર થયેલા મસાલા મસુર કોથમીરથી સજાવી પરઠો અથવા જીરા-રાઇસ સાથે પીરસવા.

_____________________________________________________________________

મગ મસાલા :
સામગ્રી :
બાફેલા મગ-1 કપ, ટામેટાંની પ્યોરી-3 નંગ, બારીક સમારેલાં લીલાં મરચાં-2 નંગ, મરચું-અડધી ચમચી, ગરમ મસાલો-પા ચમચી, તેલ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, બારીક સમારેલી કોથમીર-જરૂર પૂરતી.



રીત :
એક કડાઇમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં પા ચમચી જીરું વધારો. પછી ટામેટાંની પ્યોરી ભેળવો. એક મિનિટ પછી તેમાં બાફેલા મગ, બધા મસાલા અને અડધો કપ પાણી નાખો. બે મિનિટ પછી તેમાં કોથમીર ભેળવો તૈયાર મગ મસાલાને ગરમાગમર રોટલી સાથે ખાવ.

*************************************************************************

દાળ ઢોકા :
સામગ્રી :
ચણાની દાળ-1 કપ, જીરું-અડધી ચમચી, હળદર-પા ચમચી, આદુંનું છીણ-1 ચમચી, તેલ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.
ગ્રેવી માટે : આદું-નાનો ટુકડો, ટામેટાં-2 નંગ, લીલાં મરચાં-2 નંગ, જીરા પાઉડર-અડધી ચમચી, જીરું-અડધી ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, ઘી-1 ચમચી, હિંગ-2 ચપટી, ગરમ મસાલો-અડધી ચમચી, મરચું-1 ચમચી, હળદર-પા ચમચી, તેલ-તળવા માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચણાની દાળને ધોઈને ચાર-પાંચ કલાક માટે પલાળી રાખો. તે પછી દાળને બારીક ક્રશ કરી લો. એક કડાઇમાં બે ચમચી તેલ ગરમ કરો અને જીરું સાંતળો. એ પછી હિંગ અને હળદર નાખો. તે પછી ક્રશ કરેલી દાળ નાખી સાંતળો. દાળ બરાબર ચડી જાય અને તેનું પાણી શોષાઇ જાય એટલે આંચ પરથી ઉતારી લો. હવે એક મોટી થાળીમાં તેલ લગાવી દાળને તેમાં કાઢી લગભગ અડધા ઇંચ જેટલો થર પાથરો અને ઠંડું થવા દો. તે પછી તેના ટુકડા કરો. હવે કડાઇમાં તેલ ગરમ કરી તેમાં દાળના ટુકડાને આછા બ્રાઉન રંગના તળી લો. બધા ટુકડા તળીને અલગ રહેવા દો. તે પછી ટામેટાં, લીલાં મરચાં અને આદુંની પેસ્ટ તૈયાર કરો. કડાઇમાં બે ચમચા તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખો. તે પછી તેમાં ટામેટાંની પેસ્ટ નાખી સાંતળો. ધાણા પાઉડર, હળદર અને જીરું પાઉડર નાખી તેલ છૂટું પડવા દો. બે કપ પાણી રેડી ધીમી આંચે ઉકળવા દો. બરાબર ઉકળે એટલે તેમાં તળેલા ટુકડા નાખો અને લગભગ પાંચ-છ મિનિટ સુધી ખદખદવા દો. ગરમ મસાલો નાખી આંચ પરથી ઉતારી લો. સમારેલી કોથમીરથી સજાવી ભાત સાથે સર્વ કરો.

*************************************************************************

દાળ ઢોકળી :
સામગ્રી :
ઢોકળી બનાવવા માટે : ઘંઉનો લોટ-400 ગ્રામ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, તેલ-1 ચમચો, અજમો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
દાળ બનાવવા માટે : બાફેલી તુવેરની દાળ-200 ગ્રામ, ટામેટા-1 નંગ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, ધાણાજીરુ પાઉડર-1 ચમચી, રાઇ-1 ચમચી, હિંગ-ચપટી, ગોળ-સ્વૈચ્છિક, લીંબુ-અડધુ, તેલ-વધાર માટે, કોથમીર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ઢોકળી બનાવવાની બધી સામગ્રી ભેગી કરો અને ઘઉંના લોટમાં બનાખી કણક બાધો. જે ભાખરીના લોટથી થોડો ઢીલો બાંધવો. થોડી વાર રહેવા દો. બાફેલી તુવેરની દાળને હેન્ડ ગ્રાઇન્ડર ક્રશ કરો. દાળમાં 6 ગ્લાસ પાણી નાખી પાતળી બનાવો. એક કૂકરમાં દાળ, હળદર અને મીઠું નાખી ગરમ કરી ઉકળવા દો. ત્યાર બાદ ઘઉંના લોટમાંથી છ મોટા લૂઆ લઈ મોટા રોટલા વળો. ત્યાર બાદ તેમાં કાપી પાડી દાળમાં નાખો. વચ્ચે વચ્ચે હલાવતા જાઓ જેથી ઢોકળી એક બીજા સાથે ચોટી ના જાય. કૂકર બંધ કરી પાંચ-છ સિટી બોલાવી બંધ કરી દો. પછી એક કડાઇમાં તેલ લઈ તેમાં રાઇ તતડે એટલે હિંગ, મરચાનો વઘાર ઢોકળીમાં નાખો. ઢોકળીમાં થોડો ગોળ અને લીંબુનો રસ નાખી હલાવો. પાંચ-છ મિનિટમાં દાળ ઢોકળી તૈયાર થઈ જશે.

_____________________________________________________________________

વાલોર દાણા ઢોકળી :
સામગ્રી :
ઢોકળી બનાવવા માટે : ઘંઉનો લોટ-400 ગ્રામ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, તેલ-1 ચમચો, અજમો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ. વાલોર-250 ગ્રામ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, ધાણાજીરુ પાઉડર-1 ચમચી, રાઇ-1 ચમચી, હિંગ-ચપટી, ગોળ-સ્વૈચ્છિક, લીંબુ-અડધુ, લસણની પેસ્ટ-9 કળી, તેલ-વધાર માટે, કોથમીર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ઢોકળી બનાવવાની બધી સામગ્રી ભેગી કરો અને ઘઉંના લોટમાં બનાખી કણક બાધો. જે ભાખરીના લોટથી થોડો ઢીલો બાંધવો. થોડી વાર રહેવા દો. વાલોર ને દાળા કાઢી તેને ધોઈ લો. એક કૂકરમાં 6 ગ્લાસ પાણી નાખી વાલોર, હળદર, મીઠું નાખી ઉકાળો. ઢોકળીમાંથી 6 લૂઆ કરી મોટા વળી લો. ત્યારબાદ કાપા પાડી કૂકરમાં નાખો. કૂકરનું ઢાંકણું બંધ કરી પાંચ-છ સિટી બોલાવી બંધ કરી દો. પછી એક કડાઇમાં તેલ લઈ તેમાં રાઇ તતડે એટલે હિંગ, લસણની પેસ્ટ, મરચાનો વઘાર ઢોકળીમાં નાખો. ઢોકળીમાં થોડો ગોળ અને લીંબુનો રસ નાખી હલાવો. પાંચ-છ મિનિટમાં દાળ ઢોકળી તૈયાર થઈ જશે.

_____________________________________________________________________

ગવાર ઢોકળી :
સામગ્રી :
ઢોકળી બનાવવા માટે : ઘંઉનો લોટ-400 ગ્રામ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, તેલ-1 ચમચો, અજમો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ. ગવાર-250 ગ્રામ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, ધાણાજીરુ પાઉડર-1 ચમચી, રાઇ-1 ચમચી, હિંગ-ચપટી, ગોળ-સ્વૈચ્છિક, લીંબુ-અડધુ, લસણની પેસ્ટ-9 કળી, તેલ-વધાર માટે, કોથમીર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ઢોકળી બનાવવાની બધી સામગ્રી ભેગી કરો અને ઘઉંના લોટમાં બનાખી કણક બાધો. જે ભાખરીના લોટથી થોડો ઢીલો બાંધવો. થોડી વાર રહેવા દો. ગવાર સુધારી તેને ધોઈ લો. એક કૂકરમાં 6 ગ્લાસ પાણી નાખી ગવાર, હળદર, મીઠું નાખી ઉકાળો. ઢોકળીમાંથી 6 લૂઆ કરી મોટા વળી લો. ત્યારબાદ કાપા પાડી કૂકરમાં નાખો. કૂકરનું ઢાંકણું બંધ કરી પાંચ-છ સિટી બોલાવી બંધ કરી દો. પછી એક કડાઇમાં તેલ લઈ તેમાં રાઇ તતડે એટલે હિંગ, લસણની પેસ્ટ, મરચાનો વઘાર ઢોકળીમાં નાખો. ઢોકળીમાં થોડો ગોળ અને લીંબુનો રસ નાખી હલાવો. પાંચ-છ મિનિટમાં ગવાર ઢોકળી તૈયાર થઈ જશે.

_____________________________________________________________________

તુવેર ઢોકળી :
સામગ્રી :
ઢોકળી બનાવવા માટે : ઘંઉનો લોટ-400 ગ્રામ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, તેલ-1 ચમચો, અજમો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ. સુકી તુવેર -150 ગ્રામ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, રાઇ-1 ચમચી, હિંગ-ચપટી, ગોળ-સ્વૈચ્છિક, લીંબુ-અડધુ, લસણની પેસ્ટ-9 કળી, તેલ-વધાર માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ઢોકળી બનાવવાની બધી સામગ્રી ભેગી કરો અને ઘઉંના લોટમાં બનાખી કણક બાધો. જે ભાખરીના લોટથી થોડો ઢીલો બાંધવો. થોડી વાર રહેવા દો. કૂકરમાં સૂકી તુવેને બાફી લો. પાંચ-છ સીટી બોલાવી ગેસ બંધ કરી દો. કૂકર ઠંડુ પડે એટલે તેમાં 6 ગ્લાસ પાણી નાખી તુવેર, હળદર, મીઠું નાખી ઉકાળો. ઢોકળીમાંથી 6 લૂઆ કરી મોટા વળી લો. ત્યારબાદ કાપા પાડી કૂકરમાં નાખો. કૂકરનું ઢાંકણું બંધ કરી પાંચ-છ સિટી બોલાવી બંધ કરી દો. પછી એક કડાઇમાં તેલ લઈ તેમાં રાઇ તતડે એટલે હિંગ, લસણની પેસ્ટ, મરચાનો વઘાર ઢોકળીમાં નાખો. ઢોકળીમાં થોડો ગોળ અને લીંબુનો રસ નાખી હલાવો. પાંચ-છ મિનિટમાં તુવેર ઢોકળી તૈયાર થઈ જશે.

*************************************************************************

મેથી પાલક ડબકા કઢી :
સામગ્રી :
કઢી માટે : દહીં-1 કપ, ચણાનો લોટ-ડોઢ ચમચી, આદું-અડધી ચમચી, મરચાંની પેસ્ટ-અડધી ચમચી, ખાંડ-1 ચમચી (સ્વૈચ્છિક), મીઠું-સ્વાદ મુજબ. વધાર માટે : ઘી-1 ચમચી, જીરું-અડધી ચમચી, મેથી-અડધી ચમચી, લીલું લસણ-1 ચમચી.
ડબકા માટે : ચણાનો લોટ-2 ચમચી, સોજી-1 ચમચી, જીણી સમારેલી મેથી-પાલકની ભાજી-3 ચમચી, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, સમારેલું લસણ-1 ચમચી, ખાંડ-1 ચમચી, સોડા-પા ચમચી, હળદર-પા ચમચી, તેલ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-ડબકા તળવા માટે.



રીત :
દહીંમાં ચણાનો લોટ કાલવી 1 થી ડોઢ કપ પાણીમાં ઉમેરી હલાવી કઢી તૈયાર કરો. તેમાં આદું-મરચાંની પેસ્ટ, મીઠું અને ખાંડ નાખી મિક્સ કરો. વઘાર માટે ઘી ગરમ કરી જીરું અને મેથી નાખો. જીરું તતડે એટલે ગેસ બંધ કરી તૈયાર કરેલા વઘારમાં લીલું લસણ ઉમેરી કઢી ઉકળવા મૂકવી. ડબકા માટેની સામગ્રી ભેગી કરી નાના ગોળ ડબકા વાળી લેવા. તેલ ગરમ કરી મધ્યમ તાપે ઘેરા બદામી રંગના ડબકા તળવા. તળેલા ડબકા કઢીમાં નાંખવા ગરમ, કઢી પુલાવ અથવા પરોઠા સાથે સર્વ કરવી.
નોંધ : (વાળેલા ડબકા ઉકળતી કઢીમાં તળ્યા વગર પણ નાંખી શકાય) કઢીમાં ડબકા સર્વ કરવાની થોડી વાર પહેલા જ ઉમેરવા.

_____________________________________________________________________

અજમાના પાનની કઢી :
સામગ્રી :
છાશ-1 લિટર, હળદર-અડધી ચમચી, ચણાનો લોટ-1 ચમચી, ઘી-2 ચમચા, જીરું-અડધી ચમચી, મરી-8-10 નંગ, લીલાં મરચાં-2 નંગ, અજમાના પાન-8-9 નંગ, કોપરાનું છીણ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
સૌપ્રથમ છાશમાં હળદર અને ચણાનો લોટ ભેળવી એકરસ કરો. અજમાના પાન બારીક સમારી લો. જાડા તળિયાવાળી તપેલીમાં ઘી ગરમ કરો. તેમાં જીરા અને મરીનો વઘાર કરો. પછી તેમાં બારીક સમારેલાં લીલાં મરચાં નાખો. એક મિનિટ રાખીને અજમાના બારીક સમારેલા પાન પણ નાખી દો. બે મિનિટ પછી તેમાં કોપરાનું છીણ ભેળવી સારી રીતે મિક્સ કરો. લગભગ ત્રણેક મિનિટ સુધી ખદખદવા દો. પછી તેમાં ચણાના લોટનું મિશ્રણ અને મીઠું ભેળવો. વચ્ચે વચ્ચે હલાવતાં રહી લગભગ પોણો કલાક ખદખદવા દો. આંચ પરથી ઉતારી ભાત સાથે સર્વ કરો.
નોંધ : જો અજમાના પાન ન મળે તો મરીનો વઘાર કરતા પહેલાં એક ચમચો અજમો નાખી દો. ભજીયાં બનાવતાં હો તો તેમાં પણ અજમો નાખો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો