પરોઠાં / રોટી / થેપલાં / પૂરણપોળી / કુલચા

ફુદીનાનાં પરોઠાં :
સામગ્રી :
લોટ માટે : ફુદીનાનાં તાજાં પાન-અડધો કપ, ઘઉંનો લોટ-2 કપ, ઘી/માખણ/તેલ-2 ચમચી મીઠું-સ્વાદ મુજબ.
સ્ટફિંગ માટે : ફુદીનાનાં પાન-અડધો કપ, જીરું-1 ચમચી, વરિયાળી-1 ચમચી, આખાં લાલ મરચાં-1 નંગ, ચાટ મસાલો-1 ચમચો.
  
 

રીત :
લોટ બાંધવા માટે એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમાં ઘી અથવા તેલ કે માખણ નાખો અને સ્વાદ મુજબ મીઠું ભેળવો અને થોડા ફુદીનાનાં પાનને સમારી તેમાં નાખો.. તેને સારી રીતે મિક્સ કરો. તેમાં જરૂર પૂરતું પાણી રેડી નરમ લોટ બાંધો. આને ઢાંકીને અડધા કલાક સુધી રહેવા દો. હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે એક તપેલીમાં ફુદીનાનાં પાન લો. તેને ધીમી આંચે ગેસ પર શેકો. તે આછા બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય એટલે તેને કાઢીને બાજુ પર રહેવા દો. હવે એ જ તપેલીમાં ધીમી આંચે જીરું અને વરિયાળી પણ શેકી લો. તે પછી તેને એક પ્લેટમાં કાઢી તેમાં શેકેલા ફુદીનાનાં પાન ભેળવો અને મિક્સરમાં ગ્રાન્ડ કરીને તેનો બારીક ભૂકો કરો. આ ભૂકાને પ્લેટમાં કાઢી તેમાં ચાટ મસાલો ભેળવો. હવે કણકમાંથી પ્રમાણસર લૂઆ લઈ તેમાંથી પાતળી રોટલી વણો. તેના પર થોડું તેલ લગાવી ઉપર મસાલો ભભરાવો. પછી કિનારીએથી ચપટી વાળી ફરી તેનો લૂઓ વાળી અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધા લૂઆ તૈયાર કરી પંદર મિનિટ રહેવા દો. તે પછી પાટલી પર લોટ ભભરાવી આ લૂઓનાં પરોઠા વણો. ગરમ લોઢી પર થોડું ઘી મૂકી પરોઠાંને બંને બાજુએ સારી રીતે શેકી લો. ગરમાગરમ ફુદીનાનાં પરોઠાંને અથાણા કે દહીં સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ચીઝ પરોઠાં :
સામગ્રી :
લોટ માટે : ઘઉંનો લોટ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, ઘી/તેલ-1 ચમચી, પાણી-જરૂર પૂરતું.
સ્ટફિંગ માટે : ચીઝનું છીણ-અડધો કપ, સમારેલી ડુંગળી-પા કપ, લીલાં મરચાં-1-2 નંગ, મરીનો ભૂકો-પા ચમચી, ઘી/તેલ-સાંતળવા માટે.




રીત :
થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું, મોણ માટે ઘી અથવા તેલ અને જરૂર પૂરતું પાણી ઉમેરો. તેને મિક્સ કરીને નરમ લોટ બાંધી ઢાંકીને અડધા કલાક સુધી રહેવા દો. સ્ટફિંગ માટેની બધી સામગ્રી એક પ્લેટમાં કાઢો અને સારી રીતે મિક્સ કરો. મીઠું ઉમેરવાની જરૂર નથી. તે સાઇડ પર રહેવા દો. હવે લોટમાંથી બે પાતળી રોટલી વણો. એક રોટલીની વચ્ચે ચીઝનું સ્ટફિંગ મૂકો અને તેના પર બીજી રોટલી મૂકી તેને સહેજ વણી લો. આ પરોઠાંને ગરમ લોઢી પર બંને બાજુએ ઘી મૂકી શેકી લો. આને અથાણાં કે દહીં સાથે ખાવ.


_____________________________________________________________________

ચીઝ પરોઠાં :
સામગ્રી :
મેંદો-1 બાઉલ, ઠંડું બટર-2 ટે. સ્પૂન, બેકિંગ પાઉડર-1/2 ટી. સ્પૂન, સોડા-1/2 ટી. સ્પૂન, દૂધ-લોટ બાંધવા જરૂર મુજબ, ચીઝ-2 ક્યૂબ છીણેલા, બટર-પરોઠાં શેકવા માટે, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
એક બાઉલમાં લોટ, મીઠું, બેકિંગ સોડા લઈ બરાબર હલાવીને મેળવી લો. હવે તેમાં ઠંડું બટર નાખી લોટ ક્રમ્બલ કરી લો ત્યાર બાદ જરૂર પ્રમાણે દૂધથી પરોઠાંનો ઢીલો લોટ બાંધી ત્રીસ મિનિટ ભીનું કપડું ઢાંકી લોટને રાખી મૂકો. ત્યાર બાદ મેંદાનં અટામણ લઈ પરોઠું વણી તેમાં ચીઝનું સ્ટફિંગ ભરી ફોલ્ડ કરી નોનસ્ટિક ઉપર બટરથી ધીમા તાપે ગુલાબી શેકી લો.

_____________________________________________________________________

રાજગરાનાં પરોઠાં :
સામગ્રી :
રાજરાનો લોટ-પોણો કપ, બાફેલા બટાકા-2 નંગ, જીરાંનો ભૂકો-અડધી ચમચી, લીલાં મરચાં-1-2 નંગ, સિંધાલૂણ-સ્વાદ મુજબ, ઘી/તેલ-જરૂર પૂરતાં.




રીત :
સૌથી પહેલાં બટાકાને બાફી, છોલી એકદમ છૂંદો કરી લો. હવે એક બાઉલમાં રાજગરાનો લોટ લઈ તેમાં બટાકાનો છૂંદો મિક્સ કરો. તેમાં સમારેલાં લીલાં મરચાં, જીરાંનો ભૂકો અને સિંધાલૂણ ભેળવો. તેમાં જરૂર પડે તો એક-બે ચમચા પાણી ઉમેરી લોટ બાંધો. તેને થોડી વાર માટે રહેવા દો. હવે તેમાંથી લૂઓ લઈ રાજગરાના લોટમાં રગદોળી ભીનાં કપડાં પર મૂકો. ત્યાર બાદ તેને પાટલી પર હથેળીથી થેપીને પરોઠાં તૈયાર કરો. પરોઠાંને ધીમેથી ભીના કપડા પરથી લઈ ગરમ લોઢી પર શેકી લો. બંને બાજુએ ઘી અથવા તેલ લગાવી ક્રિસ્પી થાય એટલે થીળામાં કાઢી સર્વ કરો.
નોંધ : તમે ઇચ્છો તો આમાં સમારેલી કોથમીર અને આદુંની પેસ્ટ પણ નાખી શકો છો.


_____________________________________________________________________

પરત પરોઠાં :
સામગ્રી :
મેંદો-1 બાઉલ, દહીં મોળું-2 ટે. સ્પૂન, ઘી-2 ટે. સ્પૂન, દૂધ-લોટ બાધવા, ખાંડ-1/2 ટી. સ્પૂન, મીઠું-સ્વાદ મુજબ, ઘી-પરોઠાં શેકવા, ગાર્નિસિંગ માટે-બટર અને ડુંગળી, ટામેટાં,કોથમીર.


રીત :
એક બાઉલમાં મેંદો, મીઠું અને 2 ટે. સ્પૂન ઘીનું મોણ નાખી લોટને ક્રમ્બલ કરી લો. ત્યાર બાદ તેમાં વચ્ચે ખાડો કરી દહીં નાખી ગોળ ગોળ હાથ ઘુમાવી દહીંને લોટમાં મેળવી લો. તેમાં 1/2 ટી. સ્પૂન ખાંડ નાખી બરાબર હલાવી મેળવી લો. હવે દૂધ વડે પરોઠાંથી થોડો ઢીલો લોટ બાંધી લો. તેને અડધો કલાક ઉપર ભીનું કપડું ઢાંકી રાખી મૂકો. હવે લોટને ઘી નાખી કેળવી લો. તેમાંથી થોડો મોટો લૂઓ લઈ મેંદાનું અટામણ લઈ પરોઠો વણી લો. તેમાં ઘી ચોપડી લો. મેંદો છીડકી લો. સાડીની પ્લીટ વાળીએ તેવી રીતે પ્લીટ કરી ત્યાર બાદ ગોળ ગોયણું કરી લો. અવી રીતે બેથી ત્રણ વાર વણી પ્લીટ્સ કરી ગોળા વાળી લો. ત્યાર બાદ ગોળાને ફિટ ડબ્બામાં ભરી અડધો કલાક ફ્રીઝમાં મૂકો. હવે જ્યારે વણવાના હોય ત્યારે બહાર કાઢી પરોઠાં વણી એકદમ ધીમા તાપે ઘી રેડી ગુલાબી રંગના શેકી લો. લાજવાબ પરોઠાં તૈયાર છે. તેની એક એક પરત ખૂલી જશે.

_____________________________________________________________________

પાલક પરોઠાં :
સામગ્રી :
ઘઉંનો લોટ-1 બાઉલ(મલ્ટિગ્રેઇન), બાજરીનો લોટ-2 ટે. સ્પૂન, જુવારનો લોટ-2. ટે. સ્પૂન, મીઠું-સ્વા મુજબ, આદું,મરચાં,લસણ વાટેલા-2 ટે. સ્પૂન, ઝીણી સમારેલી પાલક-1 મોટો બાઉલ, ફ્લેક્રિડ્સ(અળસી)-2 ટે. સ્પૂન, દહી થોડું ખાટું-1/2 બાઉલ (જરૂર મુજબ), તેલ-પરોઠાં શેકવા માટે.



રીત :
એક મોટા વાસણમાં ત્રણે લોટ અને મીઠું, મોણ લઈ બરાબર હલાવી મેળવી લો. તેમાં આદું, મરચાં, લસણ, ધોઈને સમારેલી પાલક, ફ્લેક્સિડ્સ નાખી બધું ભેગું કરી લો. તેમાં જોઈતા પ્રમાણમાં દહીં નાખી લોટ બાંધી લો. ચોખાનું અટામણ લઈ પરોઠાં વણી નોનસ્ટિકમાં ધીમા તાપે તેલથી ગુલાબી શેકી લો. પાલક પરોઠાં તૈયાર થઈ જશે.


_____________________________________________________________________

કોકી (સિંધી પરોઠાં) :
સામગ્રી :
ઘઉંનો લોટ-1 બાઉલ, ધાણા,જીરું,અજમો,મરી-શેકીને અધકચરાં વાટી લો. તલ-1 ટે. સ્પૂન, કોથમીર-1 ટે. સ્પૂન, ફુદીનો-1 ટે. સ્પૂન, કાંદો-1 નંગ(ઝીણો સમારેલો), મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 થી 1/2 ટે. સ્પૂન(મોણ માટે), તેલ-પરોઠાં શેકવા માટે, વાટેલાં લીલાં મરચાં, લસણ-1 ટે. સ્પૂન.




રીત :
એક વાસણમાં ઘઉંનો લોટ લઈ મોણ નાખી બરાબર મસળી લો. ત્યાર બાદ સામગ્રીમાં જણાવવામાં આવેલા તમામ મસાલાને તેમાં નાખી એકસાથે મેળવી લો. ત્યાર બાદ પરોઠાં જેવો લોટ બાંધી સહેજ મોટા અને જાડા પરોઠાં વણી લો. ધીમા તાપે ગુલાબી શેકી લો.

 ____________________________________________________________________

નવરંગ પરોઠાં :
સામગ્રી :
ઘઉંનો લોટ-1 બાઉલ, ચણાનો લોટ-2 ટે. સ્પૂન, મગના સ્પાઉટ્સ-2 ટી. સ્પૂન(મિક્સરમાં વાટેલા), ગાજર-2 ટે. સ્પૂન, દૂધી-2 ટે. સ્પૂન, કોબીજ-2 ટે. સ્પૂન, પનીર-3-4 ટે. સ્પૂન, ચીઝ-એક ક્યૂબ, કોથમીર-1 ટે. સ્પૂન, ફુદીનો-1 ટે. સ્પૂન, મીઠું-સ્વાદ મુજબ, લીલાં મરચાં-2 નંગ ગોળ સમારેલાં, લાલ મરચું-1 ટી. સ્પૂન, ધાણા જીરું-1 ટે. સ્પૂન, ગરમ મસાલો-1/2 ટે. સ્પૂન, તેલ-મોણ માટે, બટર-પરોઠાં શેકવા માટે.



રીત :
એક બાઉલમાં ઘઉં અને ચણાનો લોટ મિક્સ કરી લો. મિક્સ કરેલા લોટમાં મોણ દઈ સામગ્રીમાં દર્શાવવામાં આવેલી બધી વસ્તુઓને મિક્સ કરી પરોઠાં જેવો લોટ બાંધી લો. મેંદાનું અટામણ લઈ નોનસ્ટિક તવીમાં બટર વડે આછા ગુલાબી રંગના શેકી લો.

_____________________________________________________________________

મસાલા મકાઇ પરોઠાં :
સામગ્રી :
મકાઇનો લોટ-1 વાટકી, ઘઉંનો લોટ-અડધી વાટકી, બારીક સમારેલી ડુંગળી-1 નંગ, ગાજર-1 નંગ, સમારેલી કોબીજ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-પા ચમચી, મોણ-જરૂર પૂરતુ, આદું-લસણની પેસ્ટ-1 ચમચી.



રીત :
મકાઇના લોટમાં ઘઉંનો લોટ ભેળવો. તેમાં સમારેલી ડુંગળી, ગાજર તેમ જ કોબીજનું છીણ મિક્સ કરો. તે પછી સ્વાદ મુજબ મીઠું, મરચું, મોણ અને એક ચમચી આદું-લસણની પેસ્ટ ઉમેરો. આનો કઠણ લોટ બાંધો. આ તૈયાર લોટમાંથી પ્રમાણસર લૂઆ લઈ પરોઠા બનાવો. આને લીલી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

મકાઇના સ્ટફ્ડ પરોઠાં :
સામગ્રી :
મકાઇનો લોટ-1 કપ, સમારેલી પાલક-પા કપ, સમારેલાં લીલાં મરચાં-2-3 નંગ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી, પનીરનું છીણ-અડધો કપ, બાફીને મસળેલા વટાણા-પા કપ, સમારેલી કોથમીર-પા કપ, મીઠું સ્વાદ મુજબ, ઘઉંનો લોટ-અટામણ માટે.



રીત :
મકાઈના લોટમાં સમારેલી પાલક, લીલાં મરચાં, તેલ અને મીઠું નાખી મિક્સ કરો. આમાં જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધો. એક બાઉલમાં પનીરનું છીણ, બાફીને મસળેલાં વટાણા, કોથમીર, મીઠું સારી રીતે મિક્સ કરો. હવે  લોટમાંથી લૂઆ લો. તેમાં સ્ટફિંગ ભરી ઘઉંના લોટનું અટામણ લઇ પરોઠાં વણી લોઢી પર બંને બાજુ તેલ મૂકી શેકી લો.
નોંધ : માત્ર મકાઇના લોટના પરોઠા વણવામાં મુશ્કેલી પડતી હોય તો તેમાં એટલા જ પ્રમાણમાં ઘઉંનો લોટ મિક્સ કરો. પાલને બદલે પરોઠાના સ્ટફિંગમાં સમારેલી કોબીજ, ફુદીનો અને મેથી પણ નાખી શકો છો.

_____________________________________________________________________

કોર્ન-પનીર પરોઠાં :
સામગ્રી :
પડ માટે : મેંદો-2 કપ, દહીં-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, તેલ-જરૂર પૂરતું.
સ્ટફિંગ માટે : મકાઇ-1 નંગ, પનીરનો ભૂકો-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, સમારેલાં લીલાં મરચાં-1 નંગ, સમારેલી કોથમીર-1 ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, મરચું-અડધી ચમચી, આમચૂર-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, તેલ-1 ચમચો.





રીત :
મેંદામાં મીઠું અને દહીં ભેળવી જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધો. આ લોટને ભીના કપડાથી ઢાંકીને રહેવા દો. સ્ટફિંગ માટે સૌથી પહેલાં મકાઇના દાણા બાફી લો. તે બરાબર બફાઇ જાય પછી મિક્સરમાં ક્રશ કરી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં ક્રશ કરેલા મકાઇના દાણા અને બધી સામગ્રી ભેળવી સ્ટફિંગ તૈયાર કરો. પનીર અને કોથમીર છેલ્લે નાખવાં. પરોઠાં માટે લોટમાંથી લૂઆ બનાવો. એને સહેજ વણીને પછી એક ચમચો સ્ટફિંગ લઇ તેના પર પાથરો. કિનારીએથી વાળીને ગોળ, ત્રિકોણ આકાર આપો. હળવા હાથે વણી લો. હવે લોઢી પર પરોઠાંને કિનારીએ ઘી મૂકી આગળ-પાછળ ફેરવી ધીમી આંચે સાંતળો. દહીં અથવા અથાણાં સાથે સર્વ કરો.

_____________________________________________________________________

પાપડ પરોઠા :
સામગ્રી :
ઘઉંનો લોટ-2 વાટકી, મીઠું-સ્વાદ મુજબ, મગની દાળના પાપડ-2 નંગ, સમારેલો ફુદીનો-અડધો કપ, કોથમીર-અડધો કપ, ચાટ મસાલો-સ્વાદ મુજબ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-પા ચમચી, શેકેલા જીરાંનો પાઉડર-જરૂર મુજબ.



રીત :
પાપડને તળી પછી તેનો ભૂકો કરો. તેમાં સમારેલો ફુદીનો, કોથમીર, ચાટ મસાલો, મીઠું, મરચું અને શેકેલા જીરાંનો પાઉડર ભેળવો. લોટમાંથી લૂઆ લઈ તેમાં આ મિશ્રણ ભરી પરોઠા વણો અને ઘી મૂકીને શેકી લો.

_____________________________________________________________________

બિકારેની પરોઠાં :
સામગ્રી :
ચણાની દાળ-1 કપ, હળદર-1 ચમચી, ઘી-1 ચમચો, હિંગ-ચપટી, આદુંનું છીણ-અડધો ચમચો, લીલાં મરચાં-3-4 નંગ, ધાણા પાઉડર-1 ચમચી, મરચું-1 ચમચી, આમચૂર-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલી કોથમીર-અડધો ચમચો, સમારેલો ફુદીનો-અડધો ચમચો, ઘઉંનો લોટ-કપ, પાણી-જરૂર પૂરતું.



રીત :
ચણાની દાળને પલાળી દો. બીજા દિવસે તેમાં થોડું મીઠું, હળદર અને થોડું પાણી ઉમેરી કૂકરમાં એક સીટી થાય ત્યાં સુધી બાફી લો. ઠંડુ થાય એટલે દાળનું પાણી નિતારી લો. નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો. તેમાં હિંગ, આદુંનું છીણ અને બારીક સમારેલાં લીલાં મરચાંનો વઘાર કરો. એક મિનિટ રહેવા દીધા પછી તેમાં ધાણા પાઉડર, મરચું, આમચૂર અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો. તેમાં બાફેલી ચણાની દાળ નાખીને મિક્સ કરો. આંચ ધીમી કરી ચમચાથી આ મિશ્રણને દબાવીને એકસરખું કરો. પાંચેક મિનિટ પછી આંચ પરથી ઉતારી લો. તેમાં સમારેલી ડુંગળી, કોથમીર અને ફુદીનો તથા મીઠું ભેળવો. હવે ઘઉંના લોટમાં સ્વાદ મુજબ મીઠું, તેલનું મોણ અને જરૂર પૂરતું પાણી લઇ કણક બાંધો. આના એકસરખા લૂઆ બનાવો અને તેની પાતળી રોટલી વણી વચ્ચે સ્ટફિંગ મૂકી પરોઠાં વણી શેકી લો.
નોંધ : સ્ટફિંગનું મિશ્રણ ત્રણ-ચાર દિવસ સારું રહે છે. આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં મૂકી દો. એકાદ દિવસ પછી આમાંથી પરોઠાં અથવા સ્ટફ્ડ બાટી પણ બનાવી શકો છો.

_____________________________________________________________________

બાજરા-બટાકાના પરોઠાં :
સામગ્રી :
બાજરીનો લોટ-2 કપ, સમારેલી ડુંગળી-પા કપ, બાફેલા બટાકાંનો છુંદો-પોણો કપ, કોપરાનું છીણ-પા કપ, સમારેલી કોથમીર-પા કપ, આદું-મરચાંની પેસ્ટ-2 ચમચી, આમચૂર-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક બાઉલમાં બાજરીનો લોટ, બાફેલા બટાકાનો છુંદો, સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર, આદું-મરચાંની પેસ્ટ, આમચૂર, ગરમ મસાલો, મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. આમાં જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો. તે પછી તેમાંથી પ્રમાણસર લૂણ લઇ પરોઠું વણો. આને ગરમ લોઢી પર બંને તરફ ઘી લગાવી શેકી લો. આ રીતે બધા પરોઠાં તૈયાર કરી દહીં કે અથાણાં સાથે સર્વ કરો.
નોંધ : તમે ઇચ્છો તો સમારેલી લીલી ડુંગળી અને વટાણાના ક્રશ કરેલા દાણા પણ નાખી શકો છો.

_____________________________________________________________________

દાળના પરાઠાં :
સામગ્રી :
દાળ-1 કપ, ઘઉંનો લોટ-દોઢ કપ, અજમો-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલાં લીલાં મરચાં-1 નંગ, સમારેલી કોથમીર-2 ચમચા.



રીત :
મોટી થાળીમાં બધી સામગ્રી મિક્સ કરો. પાણી રેડ્યા વિના નરમ કણક બાંધો. આમાંથી જાડી રોટલી વણો અને થોડું ઘી લગાવો. તે પછી તેનો લૂઓ બનાવી પરોઠા વણો. હવે લોઢી ગરમ કરી પરોઠાને એક તરફ ઘી લગાવી શેકો. તે પછી તેને બીજી તરફ ફેરવી તેના ઉપરના ભાગ અને સાઇડમાંથી ચમચા કે તાવેથાથી દબાવો. ગરમાગરમ પરોઠા દહીં સાથે સર્વ કરો.

*************************************************************************

મિસ્સી રોટી :
સામગ્રી :
ઘઉંનો લોટ-2 કપ, ચણાનો લોટ-1 કપ, અજમો-1 ચમચી, સમારેલાં લીલાં મરચાં-1-2 નંગ, સમારેલી ડુંગળી-50 ગ્રામ, હિંગ-ચપીટ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-3 ચમચી, પાણી-જરૂર પૂરતું, તેલ-જરૂર મુજબ.


રીત :
ઘઉંનો લોટ, ચણાનો લોટ, અજમાને એક થાળીમાં મિક્સ કરો. તેમાં સમારેલી ડુંગળી, લીલાં મરચાં, હિંગ અને થોડું તેલ નાખો. હવે જરૂર પૂરતું પાણી રેડી લોટ બાંધો. આ લોટને દસેક મિનિટ સુધી રહેવા દઈ પછી તેમાંથી પ્રમાણસર લૂઆ લો. આમાંથી સહેજ જાડી રોટલી વણો અને તેને ગરમ લોઢી પર શેકો. એકતરફ શેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી દો. શેકાયેલા ભાગ પર થોડું ઘી અથવા તેલ લગાવો. બીજી તરફ આછા બ્રાઉન રંગની થાય એટલે ફરી તેને ફેરવી નાખો. કિનારીએ સહેજ દબાવો જેથી તે બરાબર શેકાઈ જાય આ રીતે તેને એકાદ-બે વાર ફેરવીને સારી રીતે શેકી લો જેથી તે ક્રિસ્પી બને. મિસ્સી રોટી તૈયાર થઈ જાય એટલે અથાણાં, શાક અથવા દાલ મખની સાથે સર્વ કરો.

_____________________________________________________________________

સ્વીટ કોર્ન રોટી :
સામગ્રી :
મેંદો-2 કપ, સ્વીટકોર્ન-2 કપ, ડુંગળી-1 નંગ, બટાકા-1 નંગ, સમારેલી કોથમીર-1 ચમચો, મરચું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાણી-જરૂર મુજબ.



રીત :
ડુંગળી બારીક સમારી લો. બટાકાને બાફી લો. હવે સ્ટફિંગ માટેનું મિશ્રણ તૈયાર કરવા માટે કડાઇમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળીને બદામી રંગની સાંતળો. તે પછી તેમાં બાફેલા બટાકાનો છુંદો, સ્વીટ કોર્ન, મરચું અને સમારેલી કોથમીર મિક્સ કરો. આને પંદર મિનિટ સુધી થોડી થોડી વારે હલાવતાં રહી સીઝવા દો. મેંદાના લોટની કણકમાંથી પ્રમાણસર લૂઆ લઇ રોટલી વણો. તેના પર સ્વીટ કોર્નનું મિશ્રણ પાથરી બીજી રોટલી વણી ગોઠવો અને બંને રોટલીની કિનારીને તેલથી ચોંટાડી દો. લોઢી ગરમ કરી તેના પર અડધી ચમચી તેલ મૂકી, સહેજ પાણી છાંટો, તે પછી સ્ટફિંગવાળી રોટલીને લોઢી પર બંને બાજુએ તેલ મૂકી શેકી લો. રોટલી ખુલી ન જાય તેનું ધ્યાન રાખવું. સ્વીટ કોર્ન રોટી તૈયાર છે.

*************************************************************************

મેથીના થેપલાં :
સામગ્રી :
ઘઉંનો લોટ-2 વાટકી, બાજરીનો લોટ-અડધી વાટકી, ચણાનો લોટ-અડધી વાટકી, હળદર-પા ચમચી, મરચું-અડધી ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી, લીલાં મરચાં-2 નંગ, લસણની પેસ્ટ-1 ચમચી, બારીક સમારેલી મેથી-2 વાટકી.



રીત :
ચણાનો લોટ, બાજરીનો લોટ અને ઘઉંનો લોટને મિક્સ કરો. તે પછી તેમાં હળદર, મરચું, જીરાંનો પાઉડર, સમારેલાં લીલાં મરચાં, લસણની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં સમારેલી મેથી ભેળવો. બે-ત્રણ ચમચા તેલ ઉમેરી પાણી લઈ લોટ બાંધો. નાના નાના લૂઆ બનાવી થેપલાં વણી લો. તે પછી તેલ મૂકી શેકી લો. આ થેપલાંને લીલી ચટણી, દહીં અથવા બીટ ટામેટાંના સૂપ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

મગ-બટાકાના થેપલાં :
સામગ્રી :
બાફેલા બટાકાનો છુંદો-2 નંગ, મગની દાળ-500 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, આદું-મરચાં-કોથમીરની પેસ્ટ-1 ચમચી, મરચું-1 ચમચી, લીંબુનો રસ-અડધી ચમચી, જીરું-1 ચમચી, તેલ-100 ગ્રામ, ગરમ મસાલો-અડધી ચમચી, ચણાનો લોટ-1 ચમચો.


રીત :
મગની દાળને પાણીમાં બે કલાક માટે પલાળી રાખો. કડાઇમાં તેલ ગરમ કરી જીરાનો વઘાર કરો. તેમાં આદું-મરચાં-કોથમીરની પેસ્ટ નાખીને સાંતળો. હવે તેમાં વારાફરતી બટાકાનો છુંદો, ચણાનો લોટ, મગની દાળ તથા બાકીની તમામ સામગ્રી નાખી સારી રીતે ચડવા દો. તે પછી તૈયાર મિશ્રણને ઠુંડું કરી એમાંથી ગોળા વાળો. આને ચણાના લોટનું અટામણ લઈ ગમતા આકારના થેપલાં વણો. લોઢી ગરમ કરી તેમાં તેલ મૂકી આ થેપલાંને બંને બાજુએ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો. મગ-બટાકાના ગરમાગરમ થેપલાં ચટણી સાથે પીરસો.

*************************************************************************

જાફરાની પૂરણપોળી :
સામગ્રી :
ઘઉંનો લોટ-300 ગ્રામ, ચણાની દાળ-200 ગ્રામ, ખાંડ-300 ગ્રામ, ઘી-100 ગ્રામ, એલચીનો પાઉડર-1 ચમચી, જાયફળનો પાઉડર-પા ચમચી, કેસર-થોડા તાંતણા.



રીત :
ચણાની દાળને ધોઇ લો. કૂકરમાં દાળથી બમણું પાણી રેડી બાફી લો. બાફેલી દાળને ચાળણીમાં કાઢો જેથી બધું પાણી નિતરી જાય. તે ઠંડી થાય એટલે તેમાં અડધા ભાગની ખાંડ ફેળવી મિકસરમાં પૂરણ તૈયાર કરો. પછી એક કડાઈમાં કાઢી તેમાં બાકીની ખાંડ પણ ભેળવો. આ મિશ્રણને ધીમી આંચે શેકો. મિશ્રણ ચોંટતું બંધ થાય એટલે આંચ બંધ કરી તેમાં જાયફળ, એલચીનો પાઉડર, દૂધમાં ઘોળેલું કેસર મિક્સ કરો. પૂરણપોળી માટે લોટમાં ઘીનું મોણ નાખી લોટ બાંધો. તે પછી તેમાંથી લૂઆ લઈ રોટલી વણી વચ્ચે ચણાની દાળનું મિશ્રણ મૂકી ફરી જાડી પોળી વણી લો. આ પૂરણપોળીને બંને બાજુએ ઘી મૂકી શેકી લો.

_____________________________________________________________________

સ્વીટ પોળી :
સામગ્રી :
બાફેલા બટાકા-250 ગ્રામ, રાજગરાનો લોટ-1 વાટકી, શિંગોડાનો લોટ-અડધી વાટકી, એલચીનો પાઉડર-અડધી ચમચી, જાયફળનો પાઉડર-પા ચમચી, કોપરાનું છીણ-પા વાટકી, બૂરું ખાંડ-અડધી વાટકી, ઘી-જરૂર પૂરતું, રબડી-500 ગ્રામ.



રીત :
બાફેલા બટાકાને છોલી તેને મસળીને છુંદો કરો. તેમાં બાકીની બધી સામગ્રી અને બે ચમચા ઘી ભેળવી લોટ બાંધો. તેમાંથી જાડી જાડી રોટલી વણી લોઢી પર શેકી લઇ બંને બાજુએ ઘી લગાવો. ગરમાગરમ સ્વીટ પોળીને રબડી કે ઘી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

તલની પૂરણપોળી :
સામગ્રી :
શેકેલા કાળા-સફેદ તલ-100 ગ્રામ, ગોળ-150 ગ્રામ, ચણાનો લોટ-2 ચમચા, એલચી અને જાયફળનો પાઉડર-1 ચમચી, ઘઉંનો લોટ-250 ગ્રામ, ઘી-4 ચમચા, દૂધ-1 કપ.



રીત :
શેકેલા બંને તલને ક્રશ કરી લો. લોટમાં એક ચમચો તલ, મીઠું અને દૂધ મિક્સ કરો. જરૂર પૂરતું પાણી રેડી લોટ બાંધો એક કડાઇમાં બે ચમચા ઘી ગરમ કરો. તેમાં ચણાના લોટને શેકી અલગ કાઢી લો. ગોળને બારીક સમારો. આ કડાઇને આંચ પર મૂકો. ગોળ ઓગળવા લાગે એટલે તેમાં શેકીને ક્રશ કરેલા તલ, એલચી-જાયફળનો પાઉડર, ચણાનો લોટ ભેળવી સારી રીતે મિક્સ કરો અને આંચ પરથી ઉતારી લો. હવે તૈયાર લોટમાંથી લૂઆ લઇ દરેકમાં તલ-ગોળનું મિશ્રણ ભરી જાડા વણી લો. લોઢી પર ઘી મૂકી શેકો. ગરમાગરમ તલની પૂરણપોળી ચટણી સાથે સર્વ કરો.

*************************************************************************

અમૃતસરી આલુ કુલચા :
સામગ્રી :
કુલચા માટે : મેંદો-400 ગ્રામ, દહીં-3 ચમચા, બેકિંગ સોડા-પોણી ચમચી, તેલ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
સ્ટફિંગ માટે : બટાકા-300 ગ્રામ, જીરું-1 ચમચી, તેલ-1 ચમચો, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, આદુંની પેસ્ટ-1 ચમચી, મરચું-1 ચમચી, ગરમ મસાલો-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ઘી-જરૂર મુજબ.



રીત :
મેંદો ચાળી લો. તેમાં દહીં, બેકિંગ સોડા, મીઠું અને તેલ ભેળવો. નવશેકા પાણીથી કણક બાંધો. આને ત્રણ કલાક માટે ભીનું કપડું ઢાંકીને રાખી મૂકો. બટાકા બાફી તેને મસળી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો. પછી બટાકાનો છુંદો તેમાં નાખો. તે પછી સ્ટફિંગ માટેની બધી સામગ્રી નાખી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ઠંડું થવા દો. મેંદાના લોટમાંથી લૂઆ લઈ સ્ટફિંગ મૂકી જાડા કુલચા વણો. તે પછી તેને ઓવનમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુથી બેક કરો.

_____________________________________________________________________

ઓનિયન કુલચા :
સામગ્રી :
કુલચા માટે : ચાળેલો મેંદો-1 કિલો, મીઠું-સ્વાદ મુજબ, ઘી-4 ચમચા.
સ્ટફિગ માટે : બારીક સમારેલી ડુંગળી-3 નંગ, બાફેલા બટાકાનો છુંદો-2 નંગ, મરીનો પાઉડર-4 ચમચી, જીરું-2 ચમચી, ધાણા પાઉડર-3 ચમચી, અજમો-2 ચમચી, ઘી-1 ચમચી, તજનો પાઉડર-1 ચમચી, લવિંગનો ભૂકો-4 નંગ, એલચીનો પાઉડર-1 ચમચી.



રીત :
મેંદામાં મીઠું, ઘી ભેળવી તેની કઠણ કણક બાંધો. આ કણકને બે કલાક માટે ભીના કપડાંથી ઢાંકીને રહેવા દો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ડુંગળીને બ્રાઉન રંગની સાંતળી લો. ત્યાર બાદ વારાફરતી તમામ મસાલા, મીઠું અને બટાકાનો છુંદો નાખી મિક્સ કરો. આ મિશ્રણને ધીમી આંચે 3-4 મિનિટ રાખી આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. કણકને એકસાથે અડધો ઇંચ જાડાઇ રહે એ રીતે વણો. તેના પર થોડો કોરો મેંદો ભભરાવી થોડું ઘી લગાવો અને ત્રણ પડને વાળીને ફરી વણો. તે પછી તેમાંથી નાના નાના લૂઓ લો. તેમાં સ્ટફિંગ ભરી જાડા કુલચા વણો. આ તૈયાર કુલચામાં ચમચાથી નાનું કાણું પાડી દો જેથી શેકતી વખતે તે ફૂલે નહીં આને ઓવનમાં શેકી લો અને માખણ લગાવી સર્વ કરો.

_____________________________________________________________________

પનીર કુલચા :
સામગ્રી :
કુલચા માટે : ચાળેલો મેંદો-1 વાટકો, બેકિંગ પાઉડર-અડધી ચમચી, ખાંડ-1 ચમચી, દહીં-2 ચમચા, કસૂરી મેથી-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચા, અજમો-ચપટી.
સ્ટફિંગ માટે : સમારેલી ડુંગળી-2 નંગ, સમારેલું ટમેટું-1 નંગ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, પનીરનું છીણ-અડધી વાટકી, તેલ-3 ચમચા, મરચું-સ્વાદ મુજબ, ધાણા પાઉડર-પા ચમચી, ગરમ મસાલો-પોણી ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
મેંદામાં બેકિંગ પાઉડર ભેળવો. તેમાં દહીં, મીઠું, ખાંડ અને એક ચમચો તેલ ભેળવો. જરૂર પૂરતું નવશેકું પાણી લઇ નરમ કણક બાંધો. કણકને તેલ લગાવી ભીનું કપડું વીંટાળી ત્રણ કલાક રાખી મૂકો. એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી ડુંગળીને બ્રાઉન રંગની સાંતળી લો. તેમાં વારાફરતી બધા મસાલા ભેળવો. મીઠું અને ટમેટાં પણ નાખો. ટમેટાં બરાબર ચડી જાય એટલે પનીર અને કોથમીર નાખી મિક્સ કરો અને બેમિનિટ બાદ આંચ પરથી ઉતારી લો. મેંદામાંથી દસ લૂઆ બનાવો. દરેક લૂઆમાં ઠંડું મિશ્રણ ભરી હાથથી દબાવીને કુલચાનો આકાર આપો. આને તેલ કે ઘીવાળી લોઢી પર બંને બાજુએ ઘી મૂકી ધીમી આંચે શેકી લો. પનીર કુલચા તૈયાર છે.

_____________________________________________________________________

મેથી કુલચા :
સામગ્રી :
કુલચા માટે : ચાળેલો મેંદો-2 વાટકી, બેકિંગ સોડા-અડધી ચમચી, ખાંડ-1 ચમચી, દહીં-2 ચમચા, કસૂરી મેથી-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચા, અજમો-ચપટી.
સ્ટફિંગ માટે : બાફેલા બટાકાનો છુંદો-250 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, લીલા મરચાં-2 નંગ, આદુંની પેસ્ટ-1 ચમચી, ધાણાનો પાઉડર-અડધી ચમચી, ગરમ મસાલો-પા ચમચી, કોથમીર-1 ચમચો.



રીત :
મેંદામાં બેકિંગ સોડા ભેળવો. તેમાં દહીં, ખાંડ, મીઠું અને એક ચમચી તેલ નાખી મિક્સ કરો. નવશેકા પાણીથી નરમ કણક બાંધો. આને ખૂબ મસળી તેલ લગાવી ભીના કપડાંથી લપેટી બે-ત્રણ કલાક માટે રાખી મૂકો. બટાકાના છુંદામાં મીઠું, લીલાં મરચાં, આદુંની પેસ્ટ, ધાણા પાઉડર, મરચું, ગરમ મસાલો અને કોથમીર ભેળવી મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે. મેંદામાંથી એક લૂઓ લો. તેને મેંદાનું અટામણ લઈ વણો. પછી વચ્ચોવચ સ્ટફિંગ મૂકી લૂઆનો ગોળો વાળો. મેંદાનું અટામણ લઇ વણીને તેના પર અજમો ભભરાવી હળવેથી દબાવો. આને ઘી કે તેલવાળી લોઢી પર બંને બાજુએ તેલ લગાવી શેકી લો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો