કટલેસ / બોલ્સ / પેટિસ / ટિક્કી

કાચા કોલાર કટલેસ :
સામગ્રી :
કાચા કેળા-4 નંગ, બાફેલા વટાણાનો છુંદો-અડધો કપ, હળદર-અડધી ચમચી, તેલ-2 ચમચા, સમારેલી ડુંગળી-2 નંગ, આદુંની પેસ્ટ-1 ચમચી, મરચું-અડધી ચમચી, લીંબુનો રસ-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ




રીત :
કેળાંને છોલી તેના આડા બે ઇંચના ટુકડા કરો. તેને હળદર અને મીઠું લગાવો. તપેલીમાં એક કપ પાણી ગરમ કરી તેમાં આ ટુકડાને બાફી લો. ત્યારબાદ પાણી નિતારીને કેળાંને છુંદો કરો. નોનસ્ટિક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદુંની પેસ્ટ બાકીનાં હળદર, મરછું નાખી બે-ત્રણ મિનિટ સાંતળો. તેમાં કેળાં અને બાફેલા વટાણાનો માવો મિક્સ કરો. મીઠું અને લીંબુનો રસ ભેળવો. આછા બ્રાઉન રંગનું થાય એટલે આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. આ મિશ્રણમાંથી આઠ ભાગ કરી તેને કટલેશનો આકાકર આપો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી કટલેટ્સને બ્રાઉન રંગની સાંતળી લો.

_____________________________________________________________________

બીટની કટલેસ :
સામગ્રી :
બાફેલા બટાકાનો છુંદો-4-5 નંગ, બાફેલા બીટનું છીણ-1-2 નંગ, સમારેલું આદું-નાનો ટુકડો, સમારેલાં લીલાં મરચાં-3-4 નંગ, કોર્નફ્લોર-2 ચમચા, બ્રેડક્રમ્બસ-અડધો કપ, રવો-3-4 ચમચા, મરચું-અડધી ચમચી, શેકેલા જીરાંનો પાઉડર-અડધી ચમચી, ચાટમસાલો-1 ચમચી, આમચૂર-અડધી ચમચી, કોથમીર-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, તેલ-જરૂર મુજબ.



રીત :
બીટની કટલેસ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલા બીટનું છીણ અને બટાકાનો છુંદો, સમારેલું આદું, મરચાં, કોર્નફ્લોર, મરચું, જીરાનો પાઉડર, ચાટમસાલો, સમારેલી કોથમીર, આમચૂર, બ્રેડક્રમ્બસ અને મીઠું નાખી મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાના નાના ગોળા વાળી તેને સહેજ દબાવી ચપટા કરી કટલેસનો આકાર આપો. એક પ્લેટમાં રવો કાઢી તેમાં આ કટલેસને રગદોળી બધી કટલેસને બીજી પ્લેટમાં ગોઠવી થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દો. કટલેસ બરાબર સેટ થઈ જાય પછી એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં કટલેસને બંને બાજુએ તેલ મૂકી શેલો ફ્રાય કરો. આને બ્રાઉન પેપર પર કાઢો જેથી વધારાનું બધું તેલ શોષાઇ જાય. કોથમીરની ચટણી કે ટેમોટો સોસ સાથે બીટ કટલેસનો સ્વાદ માણો.
_____________________________________________________________________

વેજી કટલેસ :
સામગ્રી :
વધેલા ભાત-1 કપ, તૈયાર શાક-અડધો કપ, આરારૂટ-અડધો ચમચો, મીઠું-સ્વાદ મુજબ, મરચું-જરૂર મુજબ, ધાણા પાઉડર-અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, તેલ-જરૂર મુજબ.



રીત :
રાતના વધેલા ભાતમાં તૈયાર બનાવેલું શાક મિક્સ કરો. આમાં મીઠું, મરચું, ધાણા પાઉડર અને ચાટમસાલો નાખી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણની મનગમતા આકારની કટલેસ તૈયાર કરો. નોકસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં કટલેસને સાંતળી લો. લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

બેક્ડ બદામ કટલેસ :
સામગ્રી :
બાફેલા બટાકા-2 કપ, સમારેલી બદાર-પોણો કપ, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-1 ચમચી, જાયફળનો પાઉડર-ચપટી, દૂધ-2 ચમચા, સમારેલી ડુંગળી-અડધો કપ, મેંદો-1 ચમચો, બ્રેડક્રમ્બ્સ-જરૂર પૂરતા.



રીત :
બટાકાને બાફી, છોલીને બારીક સમારી લો. તેમાં સમારેલી બદામ, મીઠું, મરી અને જાયફળનો પાઉડર, દૂધ, સમારેલી ડુંગળી અને મેંદો નાખીને મિક્સ કરો. આ મિશ્રણને પંદર મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દો. તે પછી તેમાંથી એકસરખા આકારના કટલેસ તૈયાર કરો. મેંદા અને બ્રેડક્રમ્બ્સને પ્લેટમાં અલગ અલગ કાઢો. કટલેસ પર મેંદો ભભરાવો અને પછી તેને બ્રેડક્રમ્બ્સમાં સારીરીતે રગદોળો. તે પછી તેને અગાઉથી 200 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરેલા ઓવનમાં વીસ મિનિટ માટે બેક થવા દો. આછા બ્રાઉન રંગના થઇ જાય એટલે તેના પર ડુંગળીની સ્લાઇસ અને સમારેલા ટમેટાંથી સજાવટ કરી ગરમાગરમ સર્વ કરો.

_____________________________________________________________________

કોર્ન રાઇસ કટલેસ :
સામગ્રી :
ડુંગળી,2 નંગ, મકાઇના દાણા-દોઢ કપ, તેલ-2 ચમચા, ભાત-દોઢ કપ, બાફેલા બટાકા-2 નંગ, ફુદીનો-14-15 પાન, કોથમીર-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, લીલાં મરચાં-2-3 નંગ, મરચું-અડધી ચમચી, બ્રેડક્રમ્બ્સ-1 કપ.


રીત :
નોનસ્ટિક પેનમાં 2 ચમચા તેલ ગરમ કરો. ડુંગળીને બારીક સમારી લઇ તેને આ તેલમાં સાંતળો. તે પછી મકાઇના દાણા ભેળવો. બે મિનિટ પછી આંચ પરથી ઉતારી લો. હવે તેમાં દોઢ કપ ભાત, બાફેલા બટાકાનો છુંદો, સમારેલો ફુદીનો, સમારેલી કોથમીર, મીઠું, સમારેલાં લીલાં મરચાં, અડધી ચમચી મરચું અને બ્રેડક્રમ્બ્સ મિક્સ કરો. આ મિશ્રણને પંદર મિનિટ રહેવા દો પછી તેમાંથી નાની નાની કટલેસ બનાવો. હવે નોનસ્ટિક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં કટલેસને સાંતળો.
નોંધ : તમે ઇચ્છો તો આ કટલેસને ઓવનમાં બેક પણ કરી શકો છો. એ માટે બ્રશથી કટલેસ પરતેલ લગાવી 180 ડિગ્રી તાપમાને બેક થવા મૂકો.

_____________________________________________________________________

સ્વીટ કોર્ન કટલેસ :
સામગ્રી :
સ્વીટ કોર્નના દાણા-1 કપ, બાફેલા બટાકા-2 નંગ, સમારેલાં કેપ્સિકમ-અડધો કપ, બ્રેડક્રમ્બ્સ-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, આદુંનું છીણ-નાનો ટુકડો, સમારેલાં લીલાં મરચાં-1-2 નંગ, સમારેલી કોથમીર-2-3 ચમચા, મેંદો-2 ચમચા, તેલ-2-3 ચમચા.



રીત :
સૌ પ્રથમ સ્વીટ કોર્નના દાણાને અધકચરા ક્રશ કરી લો. બટાકાને છોલી તેને એકદમ મસળી નાખો. હવે મેસ્ડ કરેલા બટાકા, સ્વીક કોર્ન, આદું, મરચાં, કોથમીર, અડધા ભાગના બ્રેડક્રમ્બ્સ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. થોડું મીઠું મેંદાના ખીરામાં નાખો. મેંદામાં ગાંઠો ન થાય એ રીતે પાણી ઉમેરતાં જઈ ખીરું તૈયાર કરો. કટલેસ માટેના મિશ્રણમાંથી થોડો ભાગ લઈ તેને ઓવલ શેપ આપી મેંદાના ખીરામાં બોળો. બ્રેડક્રમ્બ્સમાં રગદોળી તેને નોનસ્ટિક પેનમાં તેલ મૂકી સાંતળી લો. ગરમાગરમ સ્વીટકોર્ન કટલેસ ગળી અને કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

દૂધીની કટલેસ :
સામગ્રી :
દૂધીનું છીણ-1 કપ, ચણાની દાળ-અડધો કપ, લીલાં મરચાં-1 નંગ, મરચું-પા ચમચી, ચાટ મસાલો-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-પા ચમચી, જીરું-1 ચમચી, સમારેલી કોથમીર-સજાવટ માટે, લસણ-2 કળી, બ્રેડ ક્રમ્બ્સ-જરૂર પૂરતા, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે.



રીત :
સૌથી પહેલાં ચણાની દાળને પલાળી તેને ક્રશ કરી લો. મરચાંને પણ સમારી લો. હવે દૂધીનું પાણી નિચોવી તેમાં ક્રશ કરેલી ચણાની દાળ, લીલાં મરચાં, આદું, ચાટ મસાલો, મીઠું, કોથમીર, લસણની પેસ્ટ, મરીનો પાઉડર મિક્સ કરો. તે પછી મિશ્રણને મનગમતો આકાર આપી કટલેસ બનાવો અને બ્રેડ ક્રમ્બ્સમાં રગદોળી ગરમ તેલમાં ધીમી આંચે તળી લો. લીલી ચટણી અથવા સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

*************************************************************************

આલુ બોલ્સ :
સામગ્રી :
બટાકા-300 ગ્રામ, વટાણા-પોણો કપ, પનીર-પા કપ, મીઠું-સ્વાદ મુજબ, ગરમ મસાલો-પા ચમચી, મરચું-અડધી ચમચી, આમચૂર-પા ચમચી, ખાંડ-1 ચમચી, કોથમીર-પા ઝૂડી, તેલ-તળવા માટે.


રીત :
આલુ બોલ્સ બનાવવા માટે બટાકા બાફી લો. પછી તેને મસળીને છુંદો કરો. વટાણાને અધકચરા ક્રશ કરી, તેમાં પનીરને હાથથી મસળીને નાખો. તેમાં વટાણા, મીઠું અને બાકીનો મસાલો ભેળવો. કોથમીર બારીક સમારીને ભેળવો. આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું. બટાકાનો માવો ચીકણો લાગે તો કોર્નફ્લોર નાખી પ્રમાણસર બોલ્સ બનાવો. આ બોલ્સને વચ્ચે ખાડો કરો. તેમાં સ્ટફિંગ ભરી હળવા હાથે ફરી બોલ વાળી દો. આ રીતે બધા બોલ્સ તૈયાર કરવા. નોનસ્ટિકમાં 2-3 ચમચી તેલ ગરમ કરી તેમાં આ બોલ્સને સાંતળો. બ્રાઉન કલર થાય એટલે બીજી તરફ ફેરવી સાંતળો. આ રીતે બધા બોલ્સ તૈયાર કરો.

_____________________________________________________________________

ટેસ્ટી કેબેજ બોલ્સ :
સામગ્રી :
બાફેલા બટાકા-1 નંગ, પનીર-1 વાટકી, ફલાવર-કોબીજનું છીણ-1 વાટકી, લીલા મરચાં-3-4 નંગ, જીરું-1 ચમચી, આજીનો મોટો-ચપટી, ઘી-1 ચમચો, બારીક સમારેલી કોથમીર-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.
ખીરા માટે : ચણાનો લોટ-1 કપ, મરચું-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે.



રીત :
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરાંનો વઘાર કરો. તેમાં ફલાવર-કોબીજનું છીણ અને આજીનો મોટો નાખી ચડવા દો. તે પછી તેમાં બાફેલા બટાકાનો છુંદો, પનીર, લીલાં મરચાં અને સમારેલી કોથમીર તથા મીઠું ઉમેરો. આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. ત્યાર બાદ તેના ગોળા વાળો. ખીરાની બધી સામગ્રી નાખી ખીરું બનાવો. ચણાના લોટના ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લો. મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

કેળા-કોપરાના બોલ્સ :
સામગ્રી :
પાકા કેળાંનો છુંદો-6 નંગ, ખાંડ-250 ગ્રામ, કોપરાનું છીણ-200 ગ્રામ, પીળો રંગ-ચપટી, લીલ રંગ-ચપટી, એલચીનો પાઉડર-અડધી ચમચી.


રીત :
એક બાઉલમાં કેળાંનો છુંદો, કોપરાનું છીણ, એલચીનો પાઉડર અને ખાંડને સારી રીતે મિક્સ કરો. તૈયાર મિશ્રણને ગેસ પર મૂકી ઘટ્ટ થવા દો. તે પછી આંચ પરથી ઉતારી લઇ તેના બે ભાગ કરો. એક ભાગમાં પીળો રંગ અને બીજા ભાગમાં લીલો રંગ મિક્સ કરો. પીળા અને લીલા બંને રંગના લૂઆ લઈ તેની પ્રમાણસર જાડાઇ ધરાવતી રોટલી વણો. એક રંગની રોટલી પર બીજા રંગની રોટલી મૂકી રોલ વાળો. તે પછી તેના પીસ કરી તેના બોલ્સ બનાવો અને ખાવ.

_____________________________________________________________________

ફરાળી પનીર બોલ્સ :
સામગ્રી :
પનીર-200 ગ્રામ, માખણ-અડધો કપ, શિંગોડાનો લોટ-જરૂર મુજબ, સિંધાલૂણ-સ્વાદ મુજબ, લાલ મરચું-1 ચમચી, લીલાં મરચાં-આદું-1 ચમચી, કોથમીર-1 ચમચી, તેલ-જરૂર પ્રમાણે, કાજુ-કિશમિશ-દાડમના દાણા-જરૂર પ્રમાણે.



રીત :
એક બાઉલમાં માખણ અને શિંગોડાનો લોટ મિક્સ કરો. તેમાં પનીર, સિંધાલૂણ, મરચું, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, કાજુ-કિશમિશ-દાડમના દાણા નાખીને લોટ બાંધો. આ મિશ્રણમાંથી નાના નાના બોલ્સ બનાવો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં આ બોલ્સને આછા બદામી રંગના તળી લો. આ ફરાળી પનીર બોલ્સને લીલી ચટણી અથવા ખજૂર-આંબલીની ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

દાલપાલક બોલ્સ :
સામગ્રી :
મગની ફોતરાવાળી દાળ-1 વાટકી, ચણાની દાળ-અડધી વાટકી, તુવેરની દાળ-અડધી વાટકી, બારીક સમારેલી પાલક-100 ગ્રામ, પનીર-200 ગ્રામ, બારીક સમારેલાં લીલાં મરચાં-2 નંગ, મરચું-પા ચમચી, ગરમ મસાલો-પા ચમચી, ચાટ મસાલો-પા ચમચી, તેલ-તળવા માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બધી દાળને 4-5 કલાક માટે પલાળી રાખો. તે પછી પાણી નિતારીને તેને અધકચરી ક્રશ કરો. તેમાં પાલક, કોથમીર, મરચાં અને બધો મસાલો ભેળવો. પનીરને છીણી લો. તેમાં ચાટમસાલો ભેળવો. દાળના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં વચ્ચે પનીરનું મિશ્રણ ભરો. આ રીતે બધા બોલ્સ તૈયાર કરો. આને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. તળેલા બોલ્સને ચપ્પુથી બે ભાગ કરો. ચટણી કે સોસ સાથે સર્વ કરો.

*************************************************************************

બદામની પેટિસ :
સામગ્રી :
ચણાની દાળ-પાકપ, સોયાનો ભૂકો-અડધો કપ, સમારેલી બદામ-20 નંગ, સમારેલી ડુંગળી-અડધો કપ, સમારેલું આદું-2 ચમચી, સમારેલું લસણ-દોઢ ચમચી, શાહજીરું-2 ચમચી, વરિયાળી-2 ચમચી, તજ-નાનો ટુકડો, એલચો-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ, હળદર-1 ચમચી, પાણી-જરૂર પૂરતું.



રીત :
ચણાની દાળ અને સોયાના ભૂકાને અલગ અલગ પાણીમાં પંદર મિનિટ માટે પલાળી રાખો. તે પછી બદામને અડધી અડધી સમારી પંદર મિનિટ માટે પલાળી દો. ત્યાર બાદ ત્રણેયને પાણી નિતારી લો. હવે એક તપેલીમાં ચણાની દાળ, બદામ અને સોયાના ભૂકો લઈ તેમાં સમારેલી ડુંગળી, આદું, લસણ, આખા લાલ મરચાં, સમારેલાં લીલાં મરચાં, શાહજીરું, વરિયાળી, તજનો ટુકો, એલચાનો પાઉડર, મીઠું અને હળદર મિક્સ કરો. તેમાં 500 મિ.લિ. પાણી ઉમેરી ધીમી આંચે ગરમ કરો. તેમાં ફીણ ન થવા જોઈએ. એ માટે વચ્ચે વચ્ચે હલાવતાં રહો. દાળ બફાઈ જાય ત્યાં સુધી મિશ્રણને ઉકાળો. તે પછી આંચ પરથી ઉતારી લઈ ઠંડું પડે એટલે મિક્સરમાં બ્લેન્ડ કરો. આ મિશ્રણમાંથી પેટિસ તૈયારકરો. સમારેલી બદામને વચ્ચે સહેજ દબાવી તેમાં બંને બાજુએ આછા બ્રાઉન રંગની તળો અને ગરમગરમ સર્વ કરો.


_____________________________________________________________________

પાલક બદામની પેટિસ :
સામગ્રી :
બારીક સમારેલી પાલક-1 વાટકી, બદામનો ભૂકો-2 ચમચા, પનીરનું છીણ-2 ચમચા, બાફેલા બટાકા-2 નંગ, બ્રેડક્રમ્બ્સ-અડધી વાટકી, ચાટ મસાલો-અડધી ચમચી, ગ્રીન ચિલી સોસ-અડધી ચમચી, તેલ-તળવા માટે, મીઠું-સ્વાદ મુજબ.




રીત :
તેલ સિવાયની બધી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરો. આ મિશ્રણમાંથી એક સરખા આકારની પેટિસ બનાવો. દરેક પેટિસ પર બદામ ચોંટાડો. જો મિશ્રણ ઢીલું હોય તો થોડો કોર્નફ્લોર ભેળવી શકો છો. હવે ગરમ તેલમાં પેટિસને સાંતળી લો. ચિલી સોસ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

મગની દાળની પેટિસ :
સામગ્રી :
બટાકાના મિશ્રણ માટે : બાફીને મસળેલા બટાકા-500 ગ્રામ, બારીક સમારેલી કોથમીર-પા વાટકી, ચણાનો શેકેલો લોટ-1 ચમચો, બ્રેડક્રમ્બ્સ-1 વાટકી, કોર્નફ્લોર-અડધી ચમચી.
સ્ટફિંગ માટે : મગની પલાળેલી દાળ-100 ગ્રામ, જીરું-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, મધ-1 ચમચી, બારીક સમારેલા લીલાં મરચાં-અડધી ચમચી, લીંબુનો રસ-1 ચમચો, ઘી-2 ચમચા, તેલ-1 ચમચો, હિંગ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ.
સજાવટ માટે : ચાટ મસાલો-અડધી ચમચી, આદુંની પેસ્ટ-1 ચમચી, દહીં-અડધી વાટકી, ફુદીનાની ચટણી-1 ચમચો, ડુંગળીની સ્લાઇસ-જરૂર મુજબ, સમારેલી કોથમીર-જરૂર મુજબ.




રીત :
તેલ અને ઘીને એકસાથે પેનમાં ગરમ કરો. તેમાં જીરું, લીલાં મરચાં, સમારેલું આદું અને હિંગ નાખો. થોડી વાર સાંતળો. તે પછી મગની દાળ નાખીને મિક્સ કરો. મિશ્રણ એકદમ કોરું થાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. એક બાઉલમાં બટાકાની સામગ્રી મિક્સ કરો. ત્યાર બાદ પેટિસ બનાવવા માટે નાના નાના ગોળા વાળી લો. દરેક બોલને પેટિસનો આકાર આપો. તેમાં મગની દાળનું સ્ટફિંગ ભરો. એક કડાઇમાં ઘી ગરમ કરી તેમાં આ પેટિસને તળી લો. બંને તરફથી ક્રિસ્પી અને બ્રાઉન રંગની થાય એટલે પ્લેટમાં કાઢી સજાવટ માટેની તમામ સામગ્રી ભભરાવી સર્વ કરો.

_____________________________________________________________________

દહીંવડા પેટિસ :
સામગ્રી :
અડદની દાળ-1 નાની વાટકી, ચોખાનો લોટ-1 ટે. સ્પૂન, બાફેલા બટાકા-4 નંગ, ટોસ્ટનો ભૂકો-1 ટે. સ્પૂન, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-3 ટે. સ્પૂન, તાજું નાળિયેર છીણેલું-2 ટે. સ્પૂન, વાટેલા આદું-મરચાં-સવા ટે. સ્પૂન, લીબુંના ફૂલ-ચપટી, ખાંડ-તજ-લવિંગનો ભૂકો-હીંગ-ચપટી. તળવા માટે તેલ, સર્વ કરવા માટે મોળું દહીં, આમલી / આંબોળિયાની ગળી ચટણી.



રીત :
દાળને 4-5 કલાક પલાળીને ઝીણી વાટવી. ચોખાનો લોટ ભેળવી થોડું ઢીલું ખીરું રાખવું. બટાકાને છોલી માવો કરીને ટોસ્ટનો ભૂકો ભેળવવો. મીઠું, આદું-મરચાં નાંખવા. કોથમીર, નાળિયેરનું છીણ ભેગા કરી ખટાશ તથા ખાંડ, તજ-લવિંગનો ભૂકો નાંખવા. હલાવીને પૂરણ તૈયાર કરવું. અડધના ખીરામાં મીઠું, હીંગ, આદું-મરચાં નાંખી ખૂબ ફીણવું. પટાકાના માવામાંથી નાના વાડકી આકાર બનાવી થોડું પૂરણ ભરી ચપટી, વડા જેવી પેટીસ તૈયાર કરવી. તેલ ગરમ મૂકવું. ચમચી ગરમ તેલ અડદની દાળના ખીરામાં ઉમેરવું. પેટિસ તેમાં બોળીને ગુલાબી તળવી. દરેક પેટિસ-વડા ઉપર મોળું દહીં, મીઠું, લાલ મરચું, જીરાનો ભૂકો તેમજ ગળી ચટણી નાંખી સર્વ કરવું.
નોંધ : પેટિસ પહેલેથી તૈયાર કરી ફ્રીજમાં રાખી શકાય. તળતા પહેલાં બહાર કાઢી રૂમ ટેમ્પરેચરે લાવી દેવી.

_____________________________________________________________________

મકાઇની પેટિસ :
સામગ્રી :
બટાકા-500 ગ્રામ, બાફેલી મકાઇ-2 કપ, ચાટ મસાલો-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, આદુંની પેસ્ટ-અડધી ચમચી, વાટેલાં મરચાં-અડધી ચમચી, જીરું-1 ચમચી, કોર્નફ્લોર-અડધો કપ, સમારેલી કોથમીર-1 ચમચો, તેલ-જરૂર પૂરતું, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બટાકાને બાફી છોલીને તેનો છૂંદો કરી લો. બાફેલી મકાઇના દાણાને અધકચરા ક્રશ કરો. હવે એ કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને આદું-લીલાં મરચાંની પેસ્ટ નાખો. તે પછી મકાઇના દાણાની પેસ્ટ નાખી ત્રણ-ચાર મિનિટ સાંતળો. કોથમીર ભેળવી આંચ પરથી ઉતારી લો. હવે બટાકાના છૂંદામાં મીઠું અને કોર્નફ્લોર ભેળવી મિશ્રણ તૈયાર કરો. હથેળી પર આ મિશ્રણને પાથરી તેમાં મકાઇનું સ્ટફિંગ ભરી ગોળ વાળી પેટિસ બનાવો. આને તેલમાં આછા બ્રાઉન રંગની સાંતળી લો. આંબલીની ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

રાજમા-ચોખાની પેટિસ :
સામગ્રી :
બાફેલા રાજમા-1 કપ, ભાત-1 કપ, બ્રેડક્રમ્બ્સ-3 કપ, મેંદો-1 કપ, મકાઇના દાણા-1 કપ, બારીક સમારેલી ડુંગળી-1 કપ, તેલ-1 ચમચો, મરચું-2 ચમચી, હળદર-2 ચમચી, ગરમ મસાલો-2 ચમચી, તેલ-તળવા માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક તપેલીમાં રાજમાનો છુંદો કરો. જો તમે ભાતના બદલે પૌંઆ નાખવા હોય તો થોડા પૌંઆ રાજમા સાથે મસળી દો. જો રાતનો વધેલો ભાત ઉપયોગમાં લેવાનાં હો, તો મિક્સરમાં ભાત, ડુંગળી અને મકાઇના દાણાને અધકચરા કર્શ કરી લો. હવે એક મોટી તપેલી લઇ તેમાં બધી સામગ્રી મિક્સ કરો અને દસ મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ મિશ્રણમાંથી નાના નાના ગોળા લઇ તેની પેટિસ બનાવો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી પેટિસને બંને બાજુએ તેલ મૂકી બ્રાઉન રંગની સાંતળો. આને ઇચ્છો તો બર્ગરમાં મૂકીને અથવા ટમેટો સોસ સાથે ખાવ.

_____________________________________________________________________

કાજુ-સિંગદાણાની પેટિસ :
સામગ્રી :
બાફેલા બટાકાનો છૂંદો-3 નંગ, ઘી-100 ગ્રામ, મીઠું તેમજ મરચું-સ્વાદ મુજબ, ખારેક-1 ચમચો, જીરું-1 ચમચી, કોપરાનું છીણ-3 ચમચા, રાજગરાનો લોટ-30 ગ્રામ, શિંગોડાનો લોટ-30 ગ્રામ, લીંબનો રસ-1 ચમચો, સિંગદાણા અને કાજુ (ઘીમાં સાંતળી ક્રશ કરેલા)50-50 ગ્રામ, આદુંનું છીણ-2 ચમચી.



રીત :
કડાઇમાં ઘી ગરમ કરી જીરાનો વઘાર કરો. રાજગરા અને શિંગોડાનો લોટ, નાળિયેર, સિંગદાણા, કાજુ તેમજ બટાકા નાખી બ્રાઉન રંગના થવા દો અને બાકીની સામગ્રી પણ નાખો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેની પેટિસ બનાવવા કોપરાના છીણમાં રગદોળો. નોનસ્ટિક લોઢી પર પેટિસને બ્રાઉન રંગની સાંતળી લો. ગરમાગરમ કાજુ-સિંગદાણાની પેટિસ કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

*************************************************************************

આલુ ચીઝ ટિકી :
સામગ્રી :
બાફીને મસળેલા બટાકા-500 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-અડધી ચમચી, મોઝેરેલા ચીઝ-2 ચમચા, સાદું ચીઝ-2 ચમચા, ચિલી ગાર્લિક સોસ-3 ચમચા, મેંદો-અડધો કપ, બ્રેડક્રમ્બ્સ-જરૂર મુજબ.



રીત :
બટાકાને બાફીને મસળી લો. તેમાં મીઠું, મરીનો પાઉડર મિક્સ કરો. આ મિશ્રણમાંથી પ્રમાણસર માપની ટિકી બનાવો. એક બાઉલમાં મોઝેરેલા ચીઝ, સાદું ચીઝ અને ચિલી ગાર્લિક સોસ ભેળવો. બધી ટિકીમાં વચ્ચે આંગળીથી કાણું પાડો. તેમાં ચીઝનું મિશ્રણ ભરી ફરી રોલ વાળી ટિકીનો આકાર આપો. મેંદામાં થોડું પાણી રેડી પાતળું ખીરું તૈયાર કરો. તેમાં ટિકી બોળી પ્લેટમાં પાથરેલા બ્રેડક્રમ્બ્સમાં રગદોળો. તે પછી તેને તેલમાં બ્રાઉન રંગની તળી લો. આ બધી ટિકીને લીલી ચટણી અથવા ટમેટો સોસ સાથે સર્વ કરો.
નોધ : ચીઝના સ્ટફિંગમાં બાફેલા મકાઈના થોડા દાણા અને બારીક સમારેલો ફુદીનો અથવા કોથમીર નાખી શકો છો.

_____________________________________________________________________

પાલક ટિકી :
સામગ્રી :
રવો-2 ચમચા, ઘી-2 ચમચા, ચણાનો શેકેલો લોટ-2 ચમચા, મરચું-પા ચમચી, એલચીનો પાઉડર-પા ચમચી, દાડમના દાણા-અડધી વાટકી, દહીં-અડધી વાટકી, સમારેલો ફુદીનો-1 ચમચો, લીલાં મરચાં-2 ચમચા, સમારેલી કોથમીર-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
પાલકને બારીક સમારી લો. એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં પાલક બાફવા નાખો. તે પછી પાણી નિતારીને બરફનો ભૂકો પાથરેલી પ્લેટમાં મૂકો જેથી તેનો લીલો રંગ જળવાઇ રહે. થોડી વાર પછી આ પાલકને નિચોવી વધારાનું પાણી નિતારી લો અને તેની પેસ્ટ બનાવો. હવે એક કડાઇમાં ઘી ગરમ કરો. તેમાં રવો શેકો. તે પછી તેમાં પાલની પેસ્ટ નાખી ધીમી આંચે રાખી હલાવો. બધું પાણી શોષાઇ જાય ત્યાં સુધી શેકો પછી તેમાં ચણાનો શેકેલો લોટ, લીલા મરચાં, એલચી અને મરચું તથા મીઠું નાખી હલાવો. ત્યાર બાદ આંચ પરથી ઉતારી લો. સ્ટફિંગ માટે એક બાઉલમાં દહીં, લીલાં મરચાં, દાડમના દાણા, સમારેલી કોથમીર અને ફુદીનો લઈ મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાના નાના ગોળા વાળો. પાલકના મિશ્રણમાંથી પણ નાના ગોળા લઇ તેની વચમાં સ્ટફિંગ બોલ્સ મૂકો. તેને ચારે બાજુથી બંધ કરી હથેળીથી દબાવી ટિકી જેવો આકાર આપો. આને ઘીમાં તળીને ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ટેસ્ટી ટિકી :
સામગ્રી :
તમામ કઠોળ-20-20 ગ્રામ, સમારેલી કોથમીર-20 ગ્રામ, સમારેલી પાલક અને મેથી-50-50 ગ્રામ, કાળા તલ-2 ચમચી, શેકેલા સીંગદાણા-2 ચમચા, શેકેલા કાળા તલ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-2 ચમચા.


રીત :
તમામ કઠોળ-મગ, મઠ, અડદ, ચણા, રાજમાને પાંચ-છ કલાક માટે પલાળી દો. તે પછી તેનું પાણી નિતારી લઇ તેને ક્રશ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. આમાં મીઠું, સીંગદાણા, લીંબુનો રસ અને તલનો પાઉડર ભેળવો. આ મિશ્રણમાંથી એકસરખા માપની ટિકી બનાવી તેને તેલ મૂકીને સાંતળી લો. આ ટિકીને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

બાદશાહી ટિક્કી :
સામગ્રી :
બાફેલા બટાકાનું છીણ-300 ગ્રામ, બ્રેડ-1 સ્લાઇસ, કોર્નફ્લોર-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, ગરમ મસાલો-પા ચમચી, મરચું-અડધી ચમચી.
સ્ટફિંગ માટે : ચણાનો લોટ-1 ચમચો, કાજુના ટુકડા-કિશમિશ-1 ચમચો, અડદની દાળ-2 ચમચા, સમારેલાં લીલામ મરચાં-1 નંગ, ફુદીનાનો પાઉડર-ચપટી, ચાટ મસાલો-સ્વાદ મુજબ, સફેદ મરીનો પાઉડર-સ્વાદ મુજબ.
અન્ય સામગ્રી : કોર્નફ્લેક્સ-પોણો કપ, મેંદો-2 ચમચા, બીટનો રસ-3 ચમચા, શેકેલા તર-1 ચમચી, તેલ-જરૂર મુજબ.



રીત :
બ્રેડની સ્લાઇસને પાણીમાં પલાળી નિતારી લો. બટાકાના છીણમાં બ્રેડને મિક્સ કરો. તેમાં બીજા મસલા નાખી મિશ્રણ કરો. અડદની દાળને અડધો કલાક પલાળી નિતારી લો. એક ચમચો તેલ ગરમ કરી તેમાં દાળ સાંતળો. બે મિનિટ પછી ચણાનો લોટ નાખીને શેકો. તેમાંથી સુગંધ આવે એટલે તેમાં મસાલો અને બાકીનું મિશ્રણ નાખી આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. કોર્નફ્લેક્સનો ભૂકો કરી તેમાં શેકેલા તલ ભેળવો અને એક પ્લેટમાં અલગ રહેવા દો. મેંદાને બીટના રસમાં ઘોળી તેમાં આ ટિક્કીને બોળી કોર્નફ્લેક્સના ભૂકામાં સારી રીતે રગદોળો. લોઢી પર તેલ મૂકી આ ટિક્કીને સાંતળી લો અને ચટણી સાથે ખાવ. ઇચ્છો તો દહીં મસાલો રેડીને આની ચાટ પણ બનાવી શકો છો.

_____________________________________________________________________

રાજમા ટિક્કી :
સામગ્રી :
પલાળેલા રાજમા-200 ગ્રામ, પીળું મરચું-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મરચું-1 ચમચી, ઘી-1 ચમચો, ગુલાબજળ-3 ચમચા, ડુંગળીની સાંતળેલી પેસ્ટ-2 ચમચા, બારીક સમારેલી ડુંગળી-2 નંગ, લીલાં મરચાં-2 ચમચા, ચણાનો શેકેલો લોટ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-જરૂર મુજબ.
ટિક્કીનો મસાલો : એલચીનો પાઉર-પા ચમચી, લવિંગનો પાઉડર-પોણી ચમચી, જાવંત્રીનો પાઉડર-પા ચમચી, મરીનો પાઉડર-પોણી ચમચી, તજનો પાઉડર-પોણી ચમચી, જાયફળનો પાઉડર-પોણી ચમચી.



રીત :
રાજમાને આગલી રાતે પલાળી દો. આ પલાળેલા રાજમાને મીઠાવાળા પાણીમાં બાફી લો. તે પછી રાજમાનો બરાબર છુંદો કરો. તેમાં ટિક્કીનો મસાલો, ડુંગળીની સાંતળેલી પેસ્ટ, સમારેલી ડુંગળી, લીલાં મરચાં, કોથમીર અને ચણાનો શેકેલો લોટ નાખી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાંથી નાની નાની ટિક્કી વાળો. નોનસ્ટિક લોઢી પર થોડું ઘી મૂકી તેમાં ટિક્કી સાંતળો. ગરમાગરમ સર્વ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો