રોલ્સ / મોમોઝ

પાલક પોટેટો રોલ્સ :
સામગ્રી :
પાલક-10 પાન, બાફેલા બટાકા-2 નંગ, બારીક સમારેલાં લીલાં મરચાં-1 ચમચી, કોથમીર-1 ચમચો, દાડમના દાણા-1 ચમચો, વરિયાળીનો પાઉડર-1 ચમચી, આદું-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-પા ચમચી.
  
 
 રીત :
પાલકના પાનને ધોઇને લૂછી લો. બટાકાને છોલીને છૂંદો કરો. આમાં પાલના પાન સિવાયની બધી સામગ્રી ભેળવો. તૈયાર મિશ્રણને પાલકના પાન પર ગોઠવી રોલ વાળી દો. ઓવનને 100 ડિગ્રી તાપમાને ગરમ કરી આઠ મિનિટ સુધી બેક થવા દો. ટમેટો સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

_____________________________________________________________________

 સ્પિનાચ રોલ્સ :
સામગ્રી :
રોટલી-4 નંગ, પાલક-1 વાટકો, સમારેલી ડુંગળી-2 કપ, સમારેલાં ટમેટાં-2 કપ, ધાણા પાઉડર-1 ચમચો, મરચું-1 ચમચો, આદું-લસણની પેસ્ટ-1 ચમચો, જીરું-1 ચમચી, રાઇ-1 ચમચી, હળદર-પા ચમચી, કેચઅપ-1 ચમચો, તેલ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
કડાઇમાં તેલ ગરમ કરી રાઇ અને જીરાંનો વઘાર કરો. તેમાં ડુંગળીને બ્રાઉન રંગની સાંતળો. તે પછી તેમાં સમારેલા ટમેટાં અને આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. બે મિનિટપછી મિશ્રણમાં બધો કોરો મસાલો અને ટમેટો કેચઅપ ભેળવો. ત્યાર બાદ પાલક મિક્સ કરી બે  મિનિટ રહેવા દો. હવે તેમાં મીઠું ભેળવો. સ્ટફિંગનું મિશ્રણ તૈયાર છે. રોટલી લઇ તેમાં આ મિશ્રણ ગોઠવો. તેનો રોલ વાળી દો. પાલના મિશ્રણમાં ભેળવેલા ટમેટો કેચઅપથી રોલ વધારે સ્વાદિષ્ટ લાગશે.

_____________________________________________________________________

વેજિટેબલ રોલ્સ :
સામગ્રી :
રોટલી-2 નંગ, ગાજર-2 નંગ, વટાણા-2 ચમચા, જીરું-ચપટી, રાઇ-જરૂર પૂરતી, મરચું-પા ચમચી, હળદર-પા ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, ચાટમસાલો-1 ચમચી, આદું-લસણની પેસ્ટ-જરૂર મુજબ, તેલ-2 ચમચા, ટોમેટો કેચઅપ-2 ચમચા, કોથમીર-જરૂર પૂરતી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ગાજર અને વટાણાને બાફી લો. પેનમાં તેલ ગરમ કરી રાઇ-જીરાંનો વઘાર કરો. તે પછી તેમાં આદું-લસણની પેસ્ટ સાંતળો. બધા મસાલા અને ટોમેટો કેચઅપ પણ નાખી દો. હવે આ મિશ્રણમાં બાફેલાં ગાજર અને વટાણા નાખી રહેવા દો. મીઠું અને કોથમીર મિક્સ કરો. હવે રોટલીમાં આ મિશ્રણને મૂકી તેનો રોલ વાળી દો.

_____________________________________________________________________

વેજિટેબલ સ્પ્રિંગ રોલ્સ :
સામગ્રી :
બારીક સમારેલી ડુંગળી-1 નંગ, ગાજરની લાંબી ચીરી-2 નંગ, કેપ્સિકમની ચીરી-1 નંગ, બારીક સમારેલી કોબીજ-અડધી, તળવા માટે તેલ-2 ચમચા, સોયા સોસ-1 ચમચો, સફેદ મરીનો પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ફણગાવેલું કઠોળ-પોણો કપ, સમારેલી ડુંગળી-2 નંગ, કોર્નફ્લોર-165 ગ્રામ, મેંદો-40 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-જરૂર પ્રમાણે.


રીત :
કડાઇમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને ગાજરને એક મિનિટ માટે સાંતળો. તેને સાંતળવાનું ચાલુ રાખીને જ સોયા સોસ ભેળવો. સફેદ મરીનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો. તેમાં ફણગાવેલું કઠોળ અને લીલી ડુંગળી નાખી લગભગ અડધી મિનિટ સુધી સતત હલાવતાં રહો. તે પછી ગેસ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. સ્પ્રિંગ રોલ રેપર તૈયાર કરવા માટે એક બાઉલમાં કોર્નફ્લોર, મેંદો અને મીઠું મિક્સ કરી તેમાં બે કપ પાણી રેડી ખીરું બનાવો. તેને પંદર મિનિટ રાખી મૂકો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો. એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ લગાવી તેમાં એક ચમચો ખીરું રેડો. હવે પેનને હળવેથી હલાવી ખીરું આખા પેનમાં ફેલાવો. આંચ ધીમી રાખી તેની કિનારીઓ સહેજ વળે એટલે એક તરફથી હળવેથી ઉખાડી લો. ત્યાર બાદ ઠંડું થાય એટલે તેના પર થોડો કોર્નફ્લોર ભભરાવો. આજ રીતે આઠથી દસ રેપર્સ બનાવો. એક ચમચો કોર્નફ્લોરમાં બે ચમચા પાણી ભેળવી પેસ્ટ તૈયાર કરો. હવે મિશ્રણમાંથી આઠથી દસ ભાગ કરો. દરેક ભાગને રેપર પર મૂકી તેનો રોલ વાળો અને તેની સાથે જ કિનારીને પણ વાળતાં જાવ. બંને છેડાને કોર્નફ્લોરની પેસ્ટથી સીલ કરી દો. એક કડાઇમાં પૂરતું તેલ ગરમ કરી તેમાં બે સ્પ્રિંગ રોલને વારંવાર ફેરવીને ક્રિસ્પી અને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો. તેને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. દરેક સ્પ્રિંગ રોલ્સના ચાર પીસ કરી સીઝવાન સોસ સાથે ખાવ.

_____________________________________________________________________

બનાના રોલ્સ :
સામગ્રી :
પનીર-250 ગ્રામ, ચણાનો લોટ-150 ગ્રામ, કાચા કેળા-2 નંગ, સમારેલાં લીલાં મરચાં-2-3 નંગ, દાડમના દાણા-પા વાટકી, શેકેલું જીરું-અડધી ચમચી, કોર્નફ્લોર-અડધી વાટકી, તેલ-તળવા માટે, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચણાના લોટમાં મીઠું અને કોર્નફ્લોર ભેળવી ખૂબ હલાવી ખીરું તૈયાર કરો. પનીરની સ્લાઇસ બનાવો. કાચા કેળાને બાફી છોલીને મસળી લો. મસળેલા કેળામાં લીલાં મરચાં, મીઠું અને બધો મસાલો ભેળવો. એક કડાઇમાં તેલ ગરમ કરી પનીરની બે સ્લાઇસ વચ્ચે કેળાનું થોડું મિશ્રણ મૂકી હાથથી દબાવો. ખીરામાં બોળી ધીમી આંચે બ્રાઉન રંગના તળી લો. આને કોથમીર અને ગળી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ગ્રીન કોરિએન્ડર ક્રિસ્પી રોલ્સ :
સામગ્રી :
પડ માટે : ચણાનો લોટ-1 વાટકી, ઘઉંનો લોટ-1 વાટકી, મેંદો-1 ચમચો, તેલ-પા વાટકી, હળદર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
સ્ટફિંગ માટે : બારીક સમારેલી કોથમીર-200 ગ્રામ, બારીક સમારેલી ડુંગળી-1 નંગ, કોપરાનું છીણ-1 ચમચો, લીબુંનો રસ-અડધો ચમચો, ખાંડ-2 ચમચી, ચારોળી-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચણાના લોટમાં ઘઉંનો લોટ અને મેંદો ભેળવી હળદર, મીઠું અને તેલનું મોણ નાખી કણક બાંધો. તે સહેજ કઠણ હોવી જોઇએ. આ કણકને અડધા કલાક માટે ઢાંકીને રહેવા દો. સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિક્સ કરો. હવે કણકમાંથી લૂઆ લઇ રોટલી વણો અને તેના પર સ્ટફિંગનું મિશ્રણ પાથરો. તે પછી તેનો રોલ વાળી કિનારીઓ બરાબર બંધ કરો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં આ રોલ્સ તળી લો. તૈયાર રોલ્સના બે કે ત્રણ ટુકડા કરી ચટણી સાથે સર્વ કરો. તમે ઇચ્છો તો કોથમીરના બદલે પાલક કે મેથીનો ઉપયોગ પણ કરી શકો છો. આનાથી સ્વાદ અને પૌષ્ટિકતા વધશે.

_____________________________________________________________________

સીંગદાણાના પૌષ્ટિક રોલ્સ :
સામગ્રી :
પડ માટે : ચોખાનો લોટ-1 કપ, રવો-અડધો કપ, મેંદો-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-જરૂર મુજબ.
સ્ટફિંગ માટે : શેકેલા સીંગદાણાનો ભૂકો-અડધો કપ, શેકેલા તલનો ભૂકો-અડધો કપ, કોપરાનું છીણ-અડધો કપ, બારીક સમારેલી કોથમીર-અડધો કપ, પનીરનું છીણ-100 ગ્રામ, આદું-લસણની પેસ્ટ-1 ચમચો, ગરમ મસાલો-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-અડધી ચમચી, લીંબુનો રસ-1 ચચમી, તેલ-તળવા માટે.



રીત :
ચોખાના લોટમાં રવો અને મેંદો ભેળવી જરૂર પૂરતું પાણી રેડી ખીરું બનાવો. એક બાઉલમાં સીંગદાણા અને તલનો ભૂકો, કોપરાનું છીણ લો. તેમાં બારીક સમારેલાં લીલાં મરચાં, આદું-લસણની પેસ્ટ, પનીર અને બધો મસાલો મિક્સ કરો. છેલ્લે સમારેલી કોથમીર ભેળવો. હવે નોનસ્ટિક લોઢી પર આ ખીરું પાથરો. એક તરફ શેકાઈ જાય એટલે ફેરવીને તૈયાર મીશ્રણ તેના પર મૂકી રોલ વાળો. પછી તેના બે-ત્રણ ભાગ કરો. ટમેટો કે ચિલિ સોસ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

વેજ સ્પ્રિંગ ક્રન્ચી રોલ્સ :
સામગ્રી :
મેંદો-100 ગ્રામ, બારીક સમારેલું પનીર-200 ગ્રામ, બારીક સમારેલી કોબીજ-1 વાટકી, લીલાં મરચાં-2 નંગ, મરચું-પા ચમચી, મરીનો પાઉડર-પા ચમચી, સોયા સોસ-1 ચમચી, આદું-નાનો ટુકડો, આજીનોમોટો-પા ચમચી, તેલ-તળવા માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
મેંદો ચાળી તેમાં પાણી રેડી પાતળું ખીરું તૈયાર કરો. આને એક કલાક ઢાંકીને રાખી મૂકો જેથી મેંદાને આથો આવી જાય. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં લીલાં મરચાં અને આદું નાખી સાંતળો. તે પછી તેમાં સમારેલી કોબીજ અને પનીર નાખો. થોડી વાર રહેવા દીધા બાદ મરીનો પાઉડર, મરચું, આજીનોમોટો, સોયા સોસ અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. સ્પ્રિંગ રોલ્સ બનાવવા માટે નોનસ્ટિક લોઢી પર તેલ લગાવો. આના પર મેંદાનું ખીરું પાથરી પૂડલા તૈયાર કરો. બદામી રંગના થાય એટલે આંચ પરથી ઉતારી લઇ દરેક પૂડલા વચ્ચે થોડું થોડું મિશ્રણ રોલ વાળી લો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં આ રોલને બ્રાઉન રંગના તળી લો. સોસ સાથે સ્વાદ માણો.

_____________________________________________________________________

બ્રેડના પિન વીલ ટેસ્ટી રોલ્સ :
સામગ્રી :
બ્રેડ-1 પેકેટ, ટમેટો સોસ-અડધો કપ, લીલી ચટણી-અડધો કપ, માખણ-જરૂર મુજબ, મરીનો પાઉડર-સ્વાદ મુજબ.



રીત :
બ્રેડની બધી સ્લાઇસની કિનારીઓ કાપી લો. તે પછી તેના છેડા પર સહેજ પાણી લગાવી ઉપર બીજી સ્લાઇસ ગોઠવી વણી લો. આ જ રીતે ત્રીજી સ્લાઇસ પણ ગોઠવો. આ કરવાથી એક લાંબી પટ્ટી બની જશે. હવે તેના પર માખણ લગાવો. તેના પર મરીનો પાઉડર ભભરાવો. તે પછી એક-એક ઇંચની પટ્ટી પર ટમેટાનો સોસ, લીલી ચટણી, ફરી ટમેટાનો સોસ, લીલી ચટણી એક લગાવો. આ રીતે આકી પટ્ટી લાલ અને લીલી દેખાશે. હવે આ રંગીન પટ્ટીનો રોલ વાળો. તેને એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી ફ્રીજમાં સેટ થવા મૂકો. એક કલાક પછી બહાર કાઢી સાચવીને તેની સ્લાઇસ કરો. સ્વિષ્ટ પિન વીલ રોલ તૈયાર છે. ટૂથપિક્સ ભરાવી મહેમાનોને આપો.

_____________________________________________________________________

બ્રેડ પનીર રોલ્સ :
સામગ્રી :
પનીરનું છીણ-250 ગ્રામ, બ્રાઉડ બ્રેડ-4 સ્લાઇસ, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલી કોથમીર-1 ચમચો, મરચું-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌથી પહેલાં બ્રેડની સ્લાઇસની કિનારીઓ કાપી લો. તે પછી પનીરનું છીણ, ડુંગળી, મરચું અને કોથમીરને સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને બ્રેડની સ્લાઇસ પર પાથરી તેનો રોલ વાળો. તે પછી ઓવનને 150 ડિગ્રી સે. પર ગરમ કરી તેમાં રોલ્સને દસ થી પંદર મિનિટ સુધી બેક કરો. પનીર રોલ્સ તૈયાર થઈ જાય એટલે પ્લેટમાં કાઢી તેને ટોમેટો કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

વોટર મેલન ચિલ્ડ રોલ્સ :
સામગ્રી :
તરબીચ-1 કિલો, પનીર-1 વાટકી, મિક્લ પાઉડર-1 ચમચી, બૂરું ખાંડ-5 ચમચી, એસેન્સ-2-3 ટીપીં, ટૂથપિક-8-10 નંગ.


રીત :
તરબૂચની થોડી છાલ કાઢી તેની એવી રીતે સ્લાઇસ કરો કે તેમાં લાલ અને સફેદ બંને ભાગ રહે. હવે તેમાંથી એક ઇંચ લાંબી અને અડધો ઇંચ પહોળી સ્લાઇસ કરો. તપેલીમાં એક કપ પાણી ગરમ કરો. તે ઉકળે એટલે તેમાં તરબૂચની સ્લાઇસને ધીમી આંચે પાંચ મિનિટ બફાવા દો. તે પછી ચાળણીમાં કાઢો જેથી બધું પાણી નિતરી જાય. પનીરને મિલ્ક પાઉડર, બૂરું ખાંડ અને એસેન્સ મિક્સ કરો. તરબૂચના લાલ ભાગમાંથી એક ઇંચ લાંબી અને અડધો ઇંચ પહોળી સ્લાઇસ સમારો. તેના પર પનીરનું મિશ્રણ પાથરી ફરી તેના પર ચાળણીમાં કાઢેલી સ્લાઇસ ગોઠવો. આને બરાબર સેટ કરી તેમાં ટૂથપિક ભરાવી દઇ ફ્રીજમાં ઠંડા થવા મૂકો. વોટર મેલન ચિલ્ડ રોલ મહેમાનોને સર્વ કરો.

_____________________________________________________________________

ક્રંચી મગ રોલ્સ :
સામગ્રી :
બ્રેડ-6 સ્લાઇસ, બાફેલા મગ-1 વાટકી,બારીક સમારેલાં લીલાં મરચાં-4 નંગ, બારીક સમારેલી કોથમીર-જરૂર મુજબ, બારીક સમારેલી ડુંગળી-1 નંગ, દાડમના દાણા-અડધી વાટકી, સીંગદાણાનો અધકચરો ભૂકો-2 ચમચા, પનીર-100 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-2 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, આમચૂર-અડધી ચમચી, રવો-અડધી વાટકી, તેલ-જરૂર પૂરતું.



રીત :
બાફેલાં મગમાં લીલાં મરચાં, કોથમીર, પનીર, ડુંગળી, સીંગદાણાનો ભૂકો, મીઠું, મરચું, ગરમ મસાલો, આમચૂર, દાડમના દાણા મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને એક તરફ રહેવા દો. બ્રેડની સ્લાઇસની કિનારી કોઢી નાખી દરેક સ્લાઇસને પાણીમાં પલાળી હાથથી દબાવીને નિતારી લો. જેથી વધારાનું પાણી નિતારી જાય. બ્રેડની વચ્ચે મગનું સ્ટફિંગ મૂકો અને ગોળ વાળી રોલ તૈયાર કરો. એક કડાઇમાં તેલ ગરમ કરી તૈયાર રોલ્સને રવામાં રંગદોળી તળી લો. આ ક્રંચી મગ રોલ્સને લીલી ચટણી કે ટમેટાના સોસ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

બીન્સ રોલ્સ :
સામગ્રી :
મગ-250 ગ્રામ, લસણ-4 કળી, ડુંગળી-1 નંગ, ઝીણી સમારેલી કોથમીર-અડધી વાટકી, લીલાં મરચાં-3 નંગ, ઘી અને મીઠું-જરૂર પ્રમાણે, લીલાં નાળિયેરનું છીણ- અડધી વાટકી, કેચઅપ-1 વાટકી.



રીત :
મગને રાત્રે પલાળી દો. બીજા દિવસે મગની અંદર ડુંગળી, લસણ, મીઠું, લીલાં મરચાં અને કોથમીર નાખીને મિક્સરમાં ક્રશ કરી ખીરું તૈયાર કરો. હવે આ ખીરામાંથી નોનસ્ટિકમાં મોટા અને પાતળા પુડલા ઉતારો. આ રીતે કરેલા પુડલમાં વચ્ચેના ભાગમાં કેચઅપ લગાવો અને કોથમીર અને નાળિયેરનું છીણ ભભરાવો. હવે આ પુડલાને વાળી દો અને કેચઅપ સાથે સર્વ કરો.

_____________________________________________________________________

દહીંના બ્રેડ રોલ્સ :
સામગ્રી :
પાણી નિતારેલું દહીં-500 ગ્રામ, પનીરનું છીણ-100 ગ્રામ, ગાજર-અડધો કપ, કેપ્સિકપ-અડધો કપ, કોથમીર-2 ચમચા, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, મરીનો ભૂકો-પા ચમચી, બ્રેડની સ્લાઇસ-3-4 નંગ, મેંદો-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક બાઉલમાં દહીં, પનીર, કેપ્સિકમ, ગાજર, કોથમીર, લીલાં મરચાં, મીઠું સારી રીતે ભેળવી મિશ્રણ તૈયાર કરો. બ્રેડની સ્લાઇસની કિનારીઓ કાપી લો. તે પછી સહેજ પાણી લઇ બ્રેડને વણી લો. મેંદાનું પાતળું ખીરું તૈયાર કરો. બ્રેડના જે પડને પાણીવાળું કર્યું હોય તે બહારની તરફ રાખો. તેની અંદર મિશ્રણ ભરી કિનારીએથી વાળીને રોલ બનાવો. રોલને સારી રીતે ચોંટાડવા માટે મેંદાનું ખીરું બનાવો. એક પોલિથિન શીટમાં રોલ મૂકી બંને ખૂણાને ટોફીના રેપરની માફક એકબીજાની વિરુદ્ધ દિશામાં વાળી દો. રોલને તેલમાં બ્રાઉન રંગના તળી લો. રોલની વચ્ચેથી બે ટુકડા કરી લીલી ચટણી અને ગળી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ચણા માવા રોલ્સ :
સામગ્રી :
ચણાની દાળ-2 વાટકી, ખાંડ-3 વાટકી, શેકેલો માવો-1 વાટકી, મગજતરીના બી-1 ચમચી, એલચીનો પાઉડર-1 ચમચી, સૂકો મેવો-1 ચમચો, ચાંદીનો વરખ-સજાવટ માટે.



રીત :
સૌપ્રથમ કડાઇમાં ઘી ગરમ કરો. ચણાની દાળને પલાળીને ક્રશ કરી લો. તે પછી દાળના મિશ્રણને સારી રીતે શેકી લો. ત્યાર બાદ આંચ પરથી ઉતારી લો. ખાંડની ચાસણી બનાવો તેમાં ચણાની દાળનું શેકેલું મિશ્રણ નાખો. તેમાં એલચીનો પાઉડર, સૂકો મેવો, શેકેલો માવો ભેળવો. જ્યારે મિશ્રણ એકરસ થઇ જાય ત્યારે તેના રોલ વાળો. કાજુ-બદામથી સજાવટ કરો.

_____________________________________________________________________

ચીઝ રોલ :
સામગ્રી :
બ્રેડની સ્લાઇસ-6 નંગ, માખણ-100 ગ્રામ, ચીઝ-100 ગ્રામ.



રીત :
એક બાઉલમાં ચીઝ અને માખણ બંનેને બરાબર મિક્સ કરો. બ્રેડની બંને તરફ ચીઝ અને બટરનું મિશ્રણ લગાવો. પછી સ્લાઇસનો રોલ વાળીને તેમાં ટૂથપિક ભરાવી દો જેથી તે ખૂલ ન જાય. આ રીતે બધા રોલ વાળીને ફ્રિજમાં દસ મિનિટ માટે સેટ થવા મૂકો. બેકિંગ ટ્રેને માખણથી ગ્રીસ કરો અને તેમાં બ્રેડના રોલ્સને મૂકીને ગ્રિલ ઓવનમાં દસ મિનિટ સુધી બેક કરો. બ્રાઉન રંગના થાય એટલે ગરમાગરમ ચીઝ રોલનો સ્વાદ માણો.

*************************************************************************

વેજ મોમોઝ :
સામગ્રી :
પડ બનાવવા માટે : મેંદો-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી.
સ્ટફિંગ બનાવવા માટે : છીણેલી કોબીજ-2 કપ, છીણેલું ગાજર-પા કપ, તેલ-3 ચમચી, મીઠું-વિનેગર અને સોયા સોસ-સ્વાદ મુજબ.





રીત :
પડ બનાવવા માટેની સામગ્રી બધી બરાબર ભેગી કરો. તેમાં જરૂર પ્રમાણેનું પાણી નાખી લોટ બાંધો. કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં કોબીજ અને ગાજર નાખી ચડવા દો. પછી તેમાં મીઠું, સોયા સોસ અને વિનેગર નાખી બરાબર હલાવો. તૈયાર થયેલું સ્ટફિંગ ઠરવા દો. બાંધેલા લોટની નાની પૂરીઓ વણો. દરેક પૂરીમાં સ્ટફિંગ ભરીને મોમોઝનો શેપ આપો. આ રીતે બનાવેલા મોમોઝને વરાળથી બાફી લો.

_____________________________________________________________________

વેજ. મોમોઝ :
સામગ્રી :
મેંદો-100 ગ્રામ, ગાજરનું છીણ-10 ગ્રામ, બારીક સમારેલી ડુંગળી-10 ગ્રામ, બારીક સમારેલી કોબીજ-50 ગ્રામ, બારીક સમારેલી કોથમીર-જરૂર પૂરતી, મીઠું-સ્વાદ મુજબ, મરીનો પાઉડર-સ્વાદ મુજબ, તેલ-જરૂર પૂરતું.



રીત :
મેંદામાં જરૂર મુજબ પાણી રેડી કણક બાંધો અને તેને વીસ મિનિટ માટે રહેવા દો. આ દરમિયાન કડાઇમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો. બ્રાઉન રંગની થાય એટલે તેમાં બધા શાક અને મીઠું ઉમેરો. શાક બફાઇ જવા આવે એટલે તેમાં મરીનો પાઉડર ભેળવો અને આંચ પરથી ઉતારી લો. મેંદાના કણકમાંથી આઠ એકસરખા લૂઆ લો. દરેક લૂઆની પાતળી રોટલી વણો. તૈયાર શાકનું મિશ્રણ આમાં ભરી મોમોઝનો આકાર આપો. આ રીતે બધા મોમોઝ તૈયાર કરો. આને પંદર મિનિટ સુધી વરાળથી બાફો. ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

_____________________________________________________________________

સ્ટીમ્ડ પનીર મોમોઝ :
સામગ્રી :
પડ બનાવવા માટે : મેંદો-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી.
સ્ટફિંગ બનાવવા માટે : બારીક સમારેલું લીલું મરચું-કેપ્સિકમ અને કોબીજ-1 કપ, છીણેલું ગાજર-અડધો કપ, પનીર-અડધો કપ, બારીક સમારેલી કોથમીર-તેલ-2 ચમચા, મરીનો ભૂકો-પા ચમચી, આદુંનું છીણ-1 ચમચી, વિનેગર અને સોયા સોસ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
મેંદાને ચાળીને સામગ્રીની બધી વસ્તુ નાથી લોટ બાંધો. બાંધેલા લોટને એક કલાક સુધી મૂકી રાખો. આમ કરવાથી મેંદો ફુલી જશે. કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં આદું, લીલાં મરચાં નાખો. પછી તેમાં બધા શાક, પનીર, મરી, વિનેગર, સોયા સોસ, મીઠું અને કોથમીર ભેળવીને બે મિનિટ હલાવીને સાંતળી લો. આ રીતે સ્ટફિંગ તૈયાર કર્યા પછી બાંધેલા લોટના લૂઆ બનાવો. તેની પૂરી વણીને સ્ટફિંગ ભરો અને ઘૂઘરા જેવી કાંગરી પાડો. મોમોઝને ઢોકળાંની જેમ વરાળથી બાફો. ઢોકળાં બનાવવા માટે જેમ ઢોકળિયું આવે છે એ જ રીતે મોમોઝ બનાવવા માટેનું પણ ખાસ સાધન આવે છે. તેનાથી મોમોઝ રાંધી શકાય છે. જો મોમોઝ બનાવવા માટેનું ખાસ સાધન ન વસાવેલું હોય તો એક મોટા તપેલાંમાં પાણી ગરમ કરો. તેમાં ચાળણી મૂકીને મોમોઝ મૂકો. પછી તેને ઉપરથી ઢાંકી દો. તેમાંતી વરાળ બહાર ન નીકળી જાય તેનું ધ્યાન રાખો. લગભગ દસ મિનિટમાં મોમોઝ ચડી જશે. તૈયાર મોમોઝ લાલ મરચાં અને લસણની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
નોંધ : પનીરના બદલે બારીક સમારેલાં મશરૂમનો ઉપયોગ કરીને મશરૂમ મોમોઝ પણ બનાવી શકાય છે.

_____________________________________________________________________

ફ્રાઇડ મોમોઝ :
સામગ્રી :
મેંદો-2 કપ, છીણેલું ફુલેવર-1 કપ, છીણેલી કોબીજ-1 કપ, છીણેલું પનીર-1 કપ, બારીક સમારેલી ડુંગળી,-અડધી વાટકી, આજીનોમોટો-અડધી ચમચી, બેકિંગ બાઉડર-ચપટી, મરીનો ભૂકો-અડધી ચમચી, તેલ-જરૂરિયાત મુજબનું, ચાટ મસાલો-મીઠું-સ્વાદ મુજબ.


રીત :
મેંદામાં બેકિંગ પાઉડર નાખી રોટલી વણી શકાય એવો લોટ બાંધો. બાઉલમાં ફુલેવર, કોબીજ, ડુંગળી અને પનીર એકસરખી રીતે ભેગાં કરો. તેમાં મીઠું, મરીનો ભૂકો અને આજીનોમોટો નાખીને ભેળવો. મેંદાના લોટના નાના લૂઆ બનાવો અને પૂરી વણો. વણેલી દરેક પૂરીમાં વચ્ચે સ્ટફિંગ ભરીને મોમોઝનો શેપ આપો. પછી કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં મોમોઝ તળી લો. ઉપરથી ચાટ મસાલો ભભરાવીને ચટણી સાથે ગરમગરમ મોમોઝ પીરસો.

_____________________________________________________________________

પાલક મોમોઝ :
સામગ્રી :
પડ બનાવવા માટે : મેંદો-2 કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-જરૂર પૂરતું.
સ્ટફિંગ બનાવવા માટે : તેલ-1 ચમચો, બારીક સમારેલી પાલક-1 કપ, પનીરનું છીણ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-જરૂર મુજબ.


રીત :
મેંદાને ચાળી તેમાં તેલ અને મીઠું ભેળવો. પછી જરૂર પૂરતું પાણી લઇ સહેજ કડક લોટ બાંધો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં સમારેલી પાલક નાખી એક મિનિટ રહેવા દો. તે પછી મીઠું, પનીરનું છીણ અને મરચું ભેળવો. મેંદાની પૂરીમાં આ મિશ્રણ ભરી તેને મોમોઝનો આકાર આપો. પછી આ મોમોઝને વીસ-પચીસ મિનિટ સુધી વરાળથી બાફો. ગરમગરમ મોમોઝ લસણ અને ટામેટાંની ચટણી સાથે ખાવ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો