પુલાવ / રાઇસ / બિરયાની / ખીચડી

હરિયાળો પુલાવ :
સામગ્રી :
ચોખા-1 વાડકી, ફૂદીનો-અડધી ઝૂડી, કાજુ-10 નંગ, દ્રાક્ષ-1 વાડકી, દાડમના દાણા-1 વાડકી, જીરૂં-પા ચમચી, તમાલપત્ર-2-3 નંગ, એલચા-2 નંગ, લીલાં મરચાં-2 નંગ, આદું-નાનો ટુકડો, ઘી-1 ચમચો, ક્રિશમિશ-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ


  

રીત :
ચોખાને સારી રીતે ધોઈ બે વાડકી પાણીમાં અધકચરા બફાઈ જાય ત્યાં સુધી રહેવા દો.ફૂદીનાને સાફ કરી તેને લીલાં મરચાં અને આદું સાથે પેસ્ટ બનાવો. એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર અને જીરૂં નાખી એલચાને તતડવા દો. તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરીને તેને થોડીવાર સાંતળો. પછી તેમાં ફૂદીનાની પેસ્ટ નાખી અધકચરા બફાયેલા ચોખા, મીઠું અને મેવો ઉમેરો. આ બધી વસ્તુને હલાવીને મિક્સ કરો. તે પછી તેને ઢાંકીને ધીમી આંચે સીઝવા દો. પુલાવ તૈયાર થઈ જાય એટલે ક્રિશમિશ અને દાડમના દાણાંથી સજાવી સર્વ કરો. આ પુલાવનો ગરમ ગરમ સ્વાદ માણો.
_____________________________________________________________________


ત્રિરંગી પુલાવ :
સામગ્રી :
ચોખા-દોઢ કપ, ઘી-3-4 ચમચા, બાફેલી ફળસી-પા કપ, બાફેલા વટાણા-પા કપ, ગાજરનું છીણ-અડધો કપ, બાફેલું ફ્લાવર-એક કપ, ટમેટાંનો સોસ-1 ચમચો, ટમેટાંની સ્લાઇસ-1 નંગ, કોપરાનું દૂધ-1 કપ, પાણી-1 કપ, ટમેટાંની રસ-અડધો કપ, મીઠું-સ્વાદ મુજબ લીલા થર માટે સમારેલી કોથમીર-અડધી ઝૂડી, ફૂદીનો-અડધી ઝૂડી, નાળિયોરનું છીણ-2 ચમચા, આદું-નાનો ટુકડો, લીલાં મરચાં-2-3 નંગ, જીરું-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ




રીત :
સૌ પ્રથમ એક કપ ચોખા ધોઈ, પલાળી દો અને અડધો કપ ચોખા અલગ રાખો. પલાળેલા ચોખામાં કોપરાનું દૂધ અને એક કપ પાણી રેડો. બાકીના અડધા કપ ચોખામાં અડધો કપ ટમેટાંનો રસ અે અડધો કપ પાણી ભેળવો. બંનેને અલગ અલગ તપેલીમાં પંદર મિનિટ સુધી રાખો. તે પછી આંચ પરથી ઉતારી લઈ ઠંડા થવા દો અને પાણી નિતારી લો. સફેદ રંગના ભાતના એકસરખા બે ભાગ કરો. લીલા રંગ માટેની સામગ્રીને ક્રશ કરી એક ભાગમાં ભેળવો. તેમાં મીઠું અને ઘી પણ મિક્સ કરો. હવે જીરાંનો વઘાર કરી તેમાં ફ્લાવર નાખો અને મીઠું ઉમેરી થોડી વાર સાંતળો. આને બીજા સફેદ ભાતમાં મિક્સ કરો. ભાતને લાલ રંગનો બનાવવા ગાજરનું છીણ, સાંતળેલા ટમેટાં, ટમેટાંનો સોસ, મીઠું અને સ્વાદ મુજબ મરચું ભેળવો. એક તપેલીને ઘી કે તેલ લગાવો. તેમાં સૌથી પહેલાં લીલા રંગનો ભાત પાથરી પછી સફેદ રંગનો ભાત પાથરો. તેના પર થોડું દહીં નાખો. ત્યાર બાદ તેના પર લાલ રંગનો ભાત પાથરો. સહેજ દબાવીને પછી કૂકરમાં આઠ-દસ મિનિટ માટે પુલાવ સીઝવા દો. તે પછી તેને સર્વિગ પ્લેટમાં કાઢી ઉપર કાજુના ટુકડાથી સજાવટ કરો.

_____________________________________________________________________

કોકોનટ પુલાવ :
સામગ્રી :
નાળિયેરના લાંબા ટુકડા-અડધી વાટકી, ઓસાયોલા ચોખા-2 વાટકી, તેલ-જરૂર પૂરતું, રાઈ-વઘાર માટે, જીરું-વધાર માટે, મગની દાળ-પા વાટકી, કાજુ-પા વાટકી, સમારેલાં લીલાં મરચાં-2-3 નંગ, લીમડો-જરૂર મુજબ, આદુંનું છીણ-નાનો ટુકડો, મરચું-ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સોથી પહેલાં નાળિયેરની લાંબી પાતળી ચીરીઓ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને મગની દાળ તથા કાજુ નાખો. દાળનો રંગ બદામી થાય ત્યાં સુધી સાંતળો અને પછી તેમાં સમારેલાં મરચાં, લીમડો, આદું, મરચું નાખો. બધું સારી રીતે મિક્સ કરો અને તેમાં નાળિયેરની ચીરીઓ, ઓસાયેલા ચોખા અને મીઠું ભેળવો. બરાબર હલાવી થોડી વાર પછી આંચ પરથી ઉતારી લો. તેના પર દહીં અને નાળિયેરનું છીણ ભભરાવી સર્વ કરો.

_____________________________________________________________________

શેઝવાન ફ્રાઇડ પુલાવ :
સામગ્રી :
ઓસાયેલા ચોખા-2 કપ, આખાં લાલ મરચાં-2-3 નંગ, રાઇ-વઘાર માટે, લીમડો-10-12 નંગ, સમારેલું લસણ-12-15 કળી, ડુંગળી-1 નંગ, ખાંડ-1 ચમચી, સમારેલાં મિક્સ શાક-2 વાટકી, શેઝવાન મસાલો-1 ચમચી, સોયાસોસ-1 ચમચો, ટોમેટો કેચઅપ-જરૂર પૂરતો, વિનેગર-થોડા ટીપાં, કોથમીર-1 ચમચી.



રીત :
ચોખાને ધોઈ લો. હવે એક મોટા પેનમાં તેલ ગરમ કરી તેમાં આખાં લાલ મરચાં, રાઈ અને લીમડાનો વઘાર કરો. રાઈ તતડે એટલે તેમાં બારીક સમારેલું લસણ, ડુંગળી અને ખાંડ નાખો. ડુંગળી આછા બદામી રંગની થાય એટલે તેમાં સમારેલાં મિક્સ શાક-ગારજ, કેપ્સિકમ અને કોબીજ નાખો. શાક ચડી જાય એટલે તેમાં શેઝવાન મસાલો, સોયાસોસ, ટોમેટો કેચઅપ અને વિનેગર મિક્સ કરો. બધું બરાબર મિક્સ કર્યા પછી તેમાં ઓસાયેલા ચોખા નાખી તેજ આંચ પર બે મિનિટ સુધી રાઇસ તૈયાર થવા દો. છેલ્લે સમારેલી કોથમીર નાખી સજાવટ કરો.

_____________________________________________________________________


પાઉંભાજી પુલાવ :
સામગ્રી :
ઓસાયેલા ચોખા-2 વાટકી, આખાં લાલ મરચાં-2-3 નંગ, તજ-1 મોટો ટુકડો, રાઈ-પા ચમચી, સમારેલી ડુંગળી-1 નંગ, આદુંની પેસ્ટ-નાનો ટુકડો, પાઉંભાજીનો મસાલો-1 ચમચી, હળદર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરચું-1 ચમચી, સમારેલાં મિક્સ શાક-1 વાટકી, લીંબુનો રસ-2 ચમચા, સમારેલી કોથમીર- સજાવટ માટે.



રીત :
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં આખાં લાલ મરચાં, તજ, રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી નાખી અને આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તે પછી આદુંની પેસ્ટ નાખી સાંતળો. ત્યારબાદ પાઉંભાજીનો મસાલો, હળદર, મીઠું અને મરચું નાખો. સમારેલાં મિક્સ શાક-બારીક સમારેલા બચાકા, ગાજર અને કેપ્સિકમ નાખો. તે ચડી જાય એટલે તેમાં ઓસાયેલા ચોખા નાખી સારી રીતે મિક્સ કરો અને લીંબુનો રસ ઉમેરો. સમારેલી કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

_____________________________________________________________________

ચિલી ગાર્લિક પુલાવ :
સામગ્રી :
ઓસાયેલા ચોખા-2 વાટકી, સોયાબીનની વડી-1 વાટકી, બારીક સમારેલું લસણ-15-20 કળી, આદું-નાનો ટુકડો, ચિલી ગાર્લિક ડીપ-અડધી ચમચી, સમારેલી કોથમીર-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ.




રીત :
એક પેનમાં તેલ ગરમ કરો. સોયાબીનની વડીને બાફી લો. તેમાં બારીક સમારેલું લસણ અને આદું નાખો. તે બ્રાઉન રંગનાં થાય એટલે તેમાં સોયાબીનની બાફેલી વડી નાખી અને સાંતળો. પછી તેમાં ઓસાયેલા ચોખા નાખો. થોડીવાર સુધી હલાવો જેથી તે વડી સાથે બરાબર મિક્સ થઈ જાય. તે પછી ચિલી ગાર્લિક ડીપ નાખી હલાવો. ચિલી ગાર્લિક પુલાવ તૈયાર છે. ઉપર સમારેલી કોથમીર ભભરાવી સર્વો કરો. તમે ઈચ્છો તો સોયાબીનની વડીને બદલે પનીર પણ નાખી શકો છો.

_____________________________________________________________________

સ્વીટ કોર્ન મટર પુલાવ :
સામગ્રી :
ચોખા-દોઢ કપ, ફ્રોઝન મટર-પા કપ, ફ્રોઝન સ્વીટકોર્ન(મકાઇના દાણા)-પા કપ, ડુંગળીની સ્વાઇસ-1 નંગ, સમારેલું લસણ-5-6 કળી, લીલાં મરચાં-2 નંગ, આદુંનું છીણ-નાનો ટુકડો, મરચું-પા ચમચી, જીરું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-જરૂર મુજબ, ચીઝ-સજાવવા માટે, કોથમીર-સજાવટ માટે.



રીત :
સૌથી પહેલાં ચોખામાંથી છુટો ભાત તૈયાર કરો અને તેને એકદમ ઠંડો થવા દો. હવે એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરું, સમારેલું લસણ, મરચાં, આદુંનું છીણ અને સમારેલી ડુંગળીને સાંતળો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં ફ્રોઝન સ્વીટકોર્ન અને વટાણા નાખી હલાવીને ત્રણ-ચાર મિનિટ સાંતળો. તે પછી આમાં ઠંડો કરેલો ભાત, મીઠું અને મરચું નાખી બરાબર મિક્સ કરી પાંચેક મિનિટ સુધી ગેસ પર રહેવા દો. તે પછી આંચ પરથી ઉતારી લઇ સ્વીટ કોર્ન મટર પુલાવ પર ચીઝ અને કોથમીરથી સજાવવો અને રાયતા કે અથણા સાથે સર્વ કરો.

_____________________________________________________________________

ચણાની દાળનો મુગલાઇ પુલાવ :
સામગ્રી :
ચોખા-1 કપ, ચણાની દાળ-પોણો કપ, કિશમિશ-2 ચમચા, કાજુના ટુકડા-2 ચમચા, દહીં-3 ચમચા, લીલાં મરચાં-2 નંગ, આદુંની પેસ્ટ-1 ચમચી, સમારેલું આદું-1 ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, ઘી અને તેલ-2-2 ચમચા, આખા લાલ મરચાં-2 નંગ, તમાલપત્ર-2 નંગ, એલચી-4 નંગ, લવિંગ-4 નંગ, મરી-10 નંગ, તજ-નાનો ટુકડો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચોખા અને ચણાની દાળને અલગ અલગ પલાળો. લગભગ વીસ મિનિટ બાદ તેનું પાણી નિતારી લો. એક કડાઈમાં ઘી અને તેલ બંનેને સાથે ગરમ કરી તેમાં વારાફરતી બધો ગરમ મસાલો નાખો. તે પછી તેમાં બારીક સમારેલાં લીલાં મરચાં, આદુંની પેસ્ટ, કાજુ અને ચણાની દાળ ભેળવો. એક મિનિટ બાદ અઢી કપ પાણી રેડી એક ઊભરો આવે એટલે પેનને ઢાંકી દો. દસ મિનિટ પછી તેને આંચ પરથી ઉતારી લઈ તેમાં વલોવેલું દહીં ભેળવો. ફરી આંચ પર મૂકી તેમાં બારીક સમારેલું આદું, કિશમિશ, મીઠું અને ચોખા નીખી મિક્સ કરો. આને ઢાંકીને ધીમી આંચે રહેવા દો. જરૂર લાગે તો તેમાં ગરમ પાણી રેડી શકો છો. પુલાવ તૈયાર થઇ ગયા બાદ કોથમીર અને ઘી નાખી કાંટાથી હલાવો. ગરમાગર ચણાની દાળનો મુગલાઇ પુલાવ દહીં, રાયતા કે કેરી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

કોથમીર પુલાવ :
સામગ્રી :
ચોખા-2 કપ, તેલ-1 ચમચી, રાઇ-1 ચમચી, અડદની દાળ-1 ચમચી, લાલ મરચાં-3-4 નંગ, હિંગ-ચપટી, કોથમીર-1 ઝૂડી, આમલીની પેસ્ટ-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ડુંગળી-1 નંગ, બાફેલા વટાણા-અડધો કપ, તેલ-અડધી ચમચી, લવિંગ-4-5 નંગ, તજનો ભૂકો-પા ચમચી, તમાલપત્ર-1 નંગ, ગરમ મસાલો-સ્વાદ મુજબ, ઘી-1 ચમચી.


રીત :
ચોખાને અડધા કલાલ માટે પલાળી રાખો. એક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો અને એક ચમચી રાઇ નાખો. તેમાં અડદની દાળ, મરચાં અને હિંગ નાખો અને દાળ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ચોખાને બે કપ પાણી રેડી ભાત તૈયાર થવા દો. કોથમીરને સમારી ધોઇ લો. અડધી ચમચી આમલીની પેસ્ટ, સમારેલી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું તેમ જ શેકેલી સામગ્રી મિક્સ કરી ક્રશ કરી લો. આ પેસ્ટનો ચટણીની માફક પણ ઉપયોગ કરી શકાય છે. તેને ફ્રીજમાં રાખી શકાય છે. હવે એક ડુંગળીની સ્લાઇસ કરો. કડાઇમાં અડધી ચમચી તેલ ગરમ કરી ડુંગળીની સ્લાઇસ, બાફેલા વટાણા, લવિંગ, પા ચમચી તજનો પાઉડર, તમાલપત્રને આછા બ્રાઉન રંગના સાંતળો. આ મિશ્રણને ધીરે ધીરે ભાતમાં મિક્સ કરો. બે ચમચી તૈયાર ચટણી નાખો અને હળવા હાથે મિક્સ કરો. ગરમ મસાલો અને મીઠું તથા એક ચમચી ઘી ભેળવો અને રાયતાં સાથે ખાવ.

_____________________________________________________________________

બંગાળી મિષ્ટી પુલાવ :
સામગ્રી :
ચોખા-2 કપ, હળદર-2 ચમચી, ખાંડ-3 ચમચા, લવિંગ-4 નંગ, એલચી-4 નંગ, કાજુ-2 ચમચા, કીચમીસ-1 ચમચો, ઘી-1 ચમચો, પાણી-4 કપ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
એક તપેલીમાં ચોખાને અડધા કલાક માટે પલાળી રાખો. તે પછી નિતારી લઈ ચોખાને અલગ કરો. હવે મધ્યમ આંચ રાખી એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં લવિંગ, એલચીનો વઘાર કરો. લવિંગ ફૂટે તે પછી તેમાં ચોખા, હળદર, ખાંડ, મીઠું ભેળવી ત્રણ-ચાર મિનિટ હલાવો. ત્યાર બાદ કાજુ, કિશમિસ નાખીને ચોખા ચડી જાય એટલું પાણી રેડો. એક વાર ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દઇ પંદર મિનિટ સુધી મિષ્ટી પુલાવ તૈયાર થવા દો. પુલાવ તૈયાર થઇ જાય એટલે ગરમાગરમ બંગાળી મિષ્ટી પુલાવ સર્વ કરો.

*************************************************************************

તલ રાઇસ :
સામગ્રી :
ભાત-3 કપ, શેકેલા સફેદ તલ-2 ચમચા, શેકેલા કાળા તલ-2 ચમચા, બારીક સમારેલી ડુંગળી-2 નંગ, લીલા વટાણા-પા વાટકી, લીમડો-અડધો કપ, તેલ-2 ચમચા, ઘી-2 ચમચી, હિંગ-ચપટી, રાઇ-અડધી ચમચી, ચણાની દાળ-1 ચમચી, સમારેલાં લીલાં મરચાં-3 નંગ, હળદર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લીંબુનો રસ-2 ચમચી, મરીનો પાઉડર-અડધી ચમચી.



રીત :
એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં એક ચમચી ઘી ગરમ કરો. પછી તેમાં હિંગ, રાઇ અને ચણાની દાળનો વધાર કરો. તેમાં સમારેલી ડુંગળી બ્રાઉન રંગની સાંતળો. લીંમડાના પાનનો થોડા આખા રાખી બાકીના સમારી લો. લીમડો, લીલાં મરચાં અને હળદર નાખી બે મિનિટ સાંતળો. તે પછી ભાત નાખી હલાવીને મિક્સ કરો. થોડું પાણી છાંટો. તે સાથે મીઠું, સફેદ અને કાળા તલ પણ ભેળવો. છેલ્લે વધેલું ઘી ઉમેરી અને ગરમગરમ સર્વ કરો.

_____________________________________________________________________

મેક્રોની ફ્રાઇડ રાઇસ :
સામગ્રી :
ચોખા-દોઢ કપ, મેક્રોની (બાફીને ઠંડી કરેલી)-1 કપ, સમારેલી ફણસી-10-12 નંગ, સમારેલું કેપ્સિકમ-1 નંગ, ગાજર-1 નંગ, ડુંગળીની સ્લાઇસ-1 નંગ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, વિનેગર-અડધી ચમચી, સોયા સોસ-અડધી ચમચી, રેડ ચિલી સોસ-પા ચમચી, તેલ-3-4 ચમચી, મરચું-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ચોખાને સાફ કરી પાણીમાં લગભગ દસ મિનિટ સુધી પલાળી રાખો. તે પછી કૂકરમાં ત્રણ કપ પાણી રેડી એક-બે સીટી થાય ત્યાં સુધી ભાત તૈયાર કરો. હવે આ ભાતને એક મોટી પ્લેટમાં કાઢી ઠંડો થવા દો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં લીલાં મરચાં અને ડુંગળીને આછા બ્રાઉન રંગનાં સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલાં ફણસી, ગાજર, કેપ્સિકમ નાખી હલાવીને ત્રણ-ચાર મિનિટ સાંતળો. પછી બાફેલી મેક્રોની, વ્હાઇટ વિનેગર, સોયા સોસ, રેડ ચિલી સોસ અને મીઠું નાખી હલાવીને મિક્સ કરી બે મિનિટ સાંતળો. આ મેક્રોની મસાલામાં ઠંડો કરેલો ભાત નાખી મિક્સ કરો અને થોડી વાર માટે તેને સીઝવા દો. તે પછી આંચ પરથી ઉતારી લઈ સ્વાદિષ્ટ મેક્રોની ફ્રાઇડ રાઇસ મનપસંદ ગ્રેવી, રાયતા કે કરી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

સેઝવાન રાઇસ :
સામગ્રી :
આખા લાલ મરચાં-8 નંગ, ભાત-2 વાટકી, તેલ-6 ચમચા, બારીક સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું લસણ-8-9 કળી, ટમેટો સોસ-4 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, વિનેગર-2 ચમચી, સમારેલી ફણસી-8 નંગ, સમારેલું ગાજર-1 નંગ, સેઝવાન સોસ-2 ચમચા.



રીત :
એક કપ પાણીમાં આઠ આખ લાલ મરચાં નાખી દસ મિનિટ બાફો. ઠંડું થાય ત્યારે પાણી નિતારીને મરચાંને ક્રશ કરી લો. એક નોનસ્ટિક પેનમાં છ ચમચા તેલ ગરમ કરો. આમાં બારીક સમારેલી ડુંગળી સાંતળો. તે પછી સમારેલાં આદું-લસણ પણ તેમાં ભેળવો. બે મિનિટપછી લાલ મરચાંની પેસ્ટ નાખી મિક્સ કરો. બે મિનિટ પછી ટમેટો સોસ, મીઠું અને વિનેગર નાખી મિક્સ કરો. સેઝવાન સોસ તૈયાર છે. હવે અલગ નોનસ્ટિક પેન લઈ તેમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી સહેજ સાંતળો પછી સમારેલી ફણસી અને સમારેલું ગાજર નાખો. તેમાં સેઝવાન સોસ, તૈયાર ભાત, મીઠું અને થોડો વિનેગર નાખી મિક્સકરો. ટેસ્ટી સેઝવાન રાઇસ તૈયાર છે.

_____________________________________________________________________

કેસર મસાલા રાઇસ :
સામગ્રી :
ચોખા-1 કપ, કનોલા તેલ(સરસિયું)-પા કપ, જીરું-1 ચમચી, તજ-2 ટુકડા, તમાલપત્ર-2 નંગ, એલચી-5 નંગ, ડુંગળી-1 નંગ, કેસર-થોડાં તાંતણા, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
એક તપેલીમાં ચોખા લઇ તેમાં પાણી રેડો. ચોખાને બે થી ત્રણ વાર ધોઈ પછી તેમાં પાણી ભરી ચોખા વીસથી ત્રીસ મિનિટ પલાળી રાખો. એ પછી નિતારી લો. હવે કનોલા તેલ (સરસિયાં)ને ગરમ કરી તેમાં જીરું, તજના ટુકડા, તમાલપત્ર અને એલચી નાખી સાંતળો. એલચી બરાબર ફૂલી જાય એટલે તેમાં ડુંગળીની સ્લાઇસ નાખો અને સાંતળો. કેસરને નવશેકા પાણીમાં ઘોળો. આને ચોખામાં નાખી તેના પર સાંતળેલી ડુંગળી નાખો. જરૂર પૂરતું પાણી રેડી સ્વાદ મુજબ મીઠું ભેળવો. એક વાર હલાવીને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. મધ્યમ આંચે ભાત તૈયાર થવા દો. જ્યારે બધું પાણી શોષાઇ જાય અને ભાત તૈયાર થઇ જાય એટલે તેને હલાવીને ઢાંકી દઇ ધીમી આંચે આઠ-દસ મિનિટ સીઝવા દો. પછી નીચે ઉતારી લો. દસ મિનિટ પછી ઢાંકણું ખોલી સર્વ કરો.
નોંધ : કનોલા તેલ એટલે સરસિયું. જાણકારોના મતે કનોલા તેલમાં અન્ય તેલની સરખામણીએ ઓછી ચરબી હોય છે.

_____________________________________________________________________

બ્રિન્જલ રાઇસ :
સામગ્રી :
ચોખા-1 કપ, ઘી અથવા તેલ-1 ચમચો, રાઇ-અડધી ચમચી, લીલાં મરચાં-1 નંગ, હિંગ-ચપટી, સમારેલાં રીંગણા-1 કપ, સમારેલા બટાકા-1 કપ, વટાણા-અડધો કપ, હળદર-અડધી ચમચી, ગરમ મસાલો-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, નવશેકું પાણી-2 કપ.



રીત :
એક કૂકરમાં ઘી ગરમ કરો. રાઇનો વઘાર કરી, તેમાં સમારેલાં લીલાં મરચાં અને હિંગ નાખો. સમારેલાં રીંગણાં સાંતળો. પછી બટાકા નાખો અને પાંચ મિનિટ સુધી સાંતળો. વટાણા ભેળવો. તે પછી ચોખા નાખો. ત્યાર બાદ વારાફરતી હળદર, ગરમ મસાલો અને મીઠું ભેળવો. નવશેકું પાણી રેડી હળવા હાથે મિક્સ કરો. પછી ઢાંકી દો. પૂરતી વરાળ ભરાય એટલે આંચ મધ્ય કરી પાંચ મિનિટ રહેવા દો. કૂકરને આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. સર્વ કરતાં પહેલાં ચમચા કે કાંટાથી ભાત મિક્સ કરો. ચટણી સાથે ગરમ જ સર્વ કરો.

_____________________________________________________________________

પાલક-કોર્ન રાઇસ :
સામગ્રી:
ચોખા-2 વાડકી, મકાઈ-2 વાડકી, સમારેલી પાલક-1 વાડકી, મરચું-1 ચમચી, મરીનો પાઉડર-2 ચમચી, તેલ-વધાર માટે, લવિંગ-1 નંગ, તજ-2-3 નંગ, જીરૂં-1 ચમચી, મીઠું-સ્વા મુજબ




રીત :
ચોખામાં જરૂર પૂરતું પાણી રેડી ભાત તૈયાર થવા મૂકો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરાનો વધાર કરો. તે બ્રાઉન રંગનું થાય એટલે તેમાં તજ, લવિંગ, બાફેલી મકાઈ, બારીક સમારેલી પાલકની ભાજી નાખી ધીમી આંચે રહેવા દો. તે પછી તેમાં મીઠું, મરચું નાંખી હલાવીને આ મિશ્રણને ભાતમાં મિક્સ કરો. હળવા હાથે હલાવીને ગરમાગરમ પાલક-કોર્ન રાઈસ સર્વ કરો.

_____________________________________________________________________

પાઇનેપલ મુઝાફર :
સામગ્રી :
ભાત બનાવવા માટે : ચોખા 1 વાટકી, એલચી-2 નંગ, લવિંગ-2 નંગ, પાણી-પોણા બે વાટકી, પાઇનેપલના ટુકડા-સજાવટ માટે,
ચાસણી બનાવવા માટે : ખાંડ-1 વાટકી, પાણી-1 વાટકી, એલચીનો પાઉડર-2 નંગ, કેસર-થોડા તાંતણાં, પિસ્તાંની ચીરીઓ-2 ચમચા, કેવડા-ગુલબજળ અને પાઇનેપલનું એસન્સ-2-2 ટીપાં.



રીત :
સૌપ્રથમ ચોખા ધોઇ, પાણીમાં અડધો કલાક પહેલાં પલાળી દો. હવે પોણા બે કપ પાણીમાં ચોખા, એલચી અને લવિંગ નાખી ઉકળવા દો. ખાંડની એકતારી ચાસણી તૈયારકરી એટલે તેમાં કેસર, પિસ્તાંની ચીરી, કેવડા, ગુલાબજળ અને પાઇનેપલનું એસન્સ ભેળવો. તે પછી તેમાં ભાત, ગુલાબની પાંખડી અને પાઇનેપલના ટુકડા નાખી સારી રીતે મિક્સ કરો તથા ઉપર ચારે બાજુથી ઘી રેડો. આ તપેલા પર ઢાંકણું ઢાંકીને તેને લોટથી સીલ કરી દો. ગેસ પર એક જાડી લોઢી મૂકી તેના પર આંચ ધીમી કરીને આ તપેલું મૂકી દો. અડધા કલાક સુધી સારીરીતે સીઝવા દો. તે પછી ઢાંકણું ખોલીને ગરમાગરમ સર્વ કરો.

_____________________________________________________________________

મેક્સિકન ફ્રાઇડ રાઇસ :
સામગ્રી :
ભાત-3 કપ, તેલ-3 ટેબલસ્પૂન, કાંદા પાતળી સ્લાઇસ કરેલા-1/2 કપ, ટામેટાં ઝીણા સમારેલાં-1/2 કપ, શિમલા મરચાં ઝીણી સ્લાઇસ કરેલાં-1/2 કપ, મીઠું-સ્વાદ પ્રમાણે, બાફેલાં મિક્સ શાક (ગાજર, મકાઇ અને ફણસી)-1 કપ.
પેસ્ટ બનાવવા માટે :
સૂકાં આખા કાશ્મીરી મરચાં-5 નંગ, લસણની કળી-4-5 નંગ.


રીત :
એક પહોળી નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળી લો. પછી તેમાં તૈયાર કરેલાં મરચાં-લસણની પેસ્ટ, ટામેટાં અને શિમલા મરચાં નાખી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં મીઠું અને 2 ટેબલસ્પૂન પાણી મેળવી મધ્યમ તાપ પર વધુ 1 મિનિટ સુધી સાંતળો. પછી તેમાં મિક્સ શાકભાજી અને 1 ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધુ વચ્ચે-વચ્ચે હલાવતા રહો. છેલ્લે તેમાં ભાત અને થોડું મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહો. મેક્સિકન ફ્રાઇડ રાઇસ તૈયાર છે.


*************************************************************************

શાહી મુગલાઇ બિરયાની :
સામગ્રી :
ચોખા-2 કપ, લીંબુનો રસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ફણસી-અડધો કપ, વટાણા-અડધો કપ, બારીક સમારેલું ગારજ-1 કપ, સમારેલું ફલાવર-1 કપ.
મસાલા માટે : કાજુ-1 ચમચો, ખસખસ-1 ચમચી, નાળિયેરનું છીણ-1 ચમચો, તેલ-2 ચમચા, ડુંગળીની પેસ્ટ-2 નંગ, તમાલપત્ર-1 નંગ, તજ-1 ટુકડો, લવિંગ-4 નંગ, એલચી-2 નંગ, આદુંની પેસ્ટ-1 ચમચી, લસણની પેસ્ટ-1 ચમચી, ટમેટાંની પ્યોરી-2 નંગ, દહીં-અડધો કપ, ગરમ મસાલો-1 ચમચી, મરચું-2 ચમચી, જીરાં પાઉડર-પા ચમચી.
સજાવટ માટે : બારીક સમારેલી કોથમીર-અડધો કપ, બારીક સમારેલો ફુદીનો-અડધો કપ, કેસરવાળું દૂધ-પોણો કપ, ઘી-2 ચમચા.



રીત :
પાણી ગરમ કરો. તેમાં સહેજ મીઠું અને લીંબુનો રસ ભેળવો. ઊભરો આવે એટલે તેમાં ચોખા નાખો. એક ઊભરો આવે એટલે આંચ ધીમી કરી દો. હલાવતાં રહી ભાત તૈયાર થવા દો. ભાત બની જાય એટલે આંચ પરથી ઉતારી પાણી નિતારી લો. એક મોટા તપેલામાં પાણી ગરમ કરો. તેમાં ફણસી, વટાણા, ગાજર નાખી લગભગ બે મિનિટ સુધી રહેવા દઇ બફાવા દો. તે પછી ફ્લાવર નાખી વધુ બે મિનિટ રહેવા દો. શાક એકદમ બફાવા ન જોઇએ. કાજ, ખસખસ અને નાળિયેરના છીણની બારીક પેસ્ટ બનાવો. કડાઇમાં તેલ ગરી તેમાં સૌપ્રથમ ડુંગળીની પેસ્ટ સાંતળો. તે બ્રાઉન રંગની થાય એટલે તેમાં તમાલપત્ર, તજ, લવિંગ, એલચી નાખો. મધ્યમ આંચ પર સુગંધ આવે ત્યાં સુધી રાખો. ત્યાર બાદ આદું-લસણની પેસ્ટ નાખી લગભગ અડધી મિનિટ સાંતળો. આમાં કાજુની પેસ્ટ નાખીને હલાવો. એક મિનિટ પછી તેમાં ટમેટાંની પ્યોરી રેડી પાંચ મિનિટ રહેવા દો. તે પછી આંચ પરથી ઉતારી લઇ દહીં ભેળવો. ફરી આંચ પર મૂકી તેમાં ગરમ મસાલો, મરચું અને જીરું પાઉડર નાખી મિક્સ કરો. એક મિનિટ પછી તેમાં બધા શાક અને ભાત નાખી હલાવો. દસ મિનિટ પછી અડધો કપ પાણી રેડી ધીમી આંચે સીઝવા દો. સોસપેનમાં સૌપ્રથમ ભાતનો થર પાથરો. તેના પર કોથમીર અને ફુદીનાનો થર કરો. હવે તૈયાર શાકનો થર પાથરો. ફરી ભાતનો થર કરો. સમારેલી કોથમીર, ફુદીના અને કેસર ભભરાવો. તે સાથે ઉપર ગરમ ઘી પર રેડો. સોસપેનને ઢાંકી ધીમી આંચે દસ મિનિટ રહેવા દો.

_____________________________________________________________________

મસૂર વડીની બિરયાની :
સામગ્રી :
ચોખા-1 કપ, મસૂરની વડી-10-12 નંગ, તેલ-2 ચમચા, જીરું-1 ચમચી, મરી-5-6 નંગ, લવિંગ-3-4 નંગ, એલચા-2 નંગ, તમાલપત્ર-3-4 નંગ, તજ-1 ટુકડો, હળદર-ચપટી, બારીક સમારેલાં લીલાં મરચાં-1-2 નંગ, એલચી પાઉડર-ચપટી,મીઠું-સ્વામ મુજબ




રીત :
કડાઈમાં એક ચમચો તેલ ગરમ કરો. તેમાં મસૂરની વડીને આછા બદામી રંગની સાંતળી લો. ચોખાને ધોઈ અડધા કલાક માટે ચોખાથી બમણા પાણીમાં પલાળી દો. હવે કૂકરમાં એક ચમચો તેલ ગરમ કરો. તેમાં જીરું, મરી, લવિંગ, એલચા, તમાલપત્ર, તજની ભૂકો, એલચીનો પાઉડર નાખો. પલાળેલા ચોખામાં મીઠું અને હળદર ભેળવો. સાંતળેલા મસાલામાં મસૂરની તળેલી વડી નાખો. તેમાં પલાળેલા ચોખા પાણી સહિત ઉમેરી કૂકરને ઢાંકી દો. એકાદ સીટી થઈને બિરયાની તૈયાર થઈ જાય એટલે આંચ પરથી ઉતારી લો. પછી થોડી વાર રહીને મસૂર વડીની ગરમાગરમ બિરયાની સર્વ કરો.

*************************************************************************

સ્વીટ કોર્ન ખીચડી :
સામગ્રી :
પલાળેલા ચોખા-2 કપ, પલાળેલી તુવેર દાળ-2 કપ, ફ્રોઝન સ્વીટ કોર્ન-અડધો કપ, ટામેટાંની પેસ્ટ-2 નંગ, ડુંગળીની સ્લાઇસ-1 નંગ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, આદુંનું છીણ-નાનો ટુકડો, જીરું-અડધી ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, હળદર-અડધી ચમચી, મરચું-અડધી ચમચી, ગરમ મસાલો-1 ચમચી, કોથમીર-2 ચમચા, તેલ-3-4 ચમચા, ઘી-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌથી પહેલાં ચોખાને એક પ્લેટમાં કાઢી લો. તે પછી કૂકરમાં તેલ ગરમ કરો. તેમાં જીરાંને એક મિનિટ માટે ાસંતળો. પછી તેમાં સમારેલી ડુંગળી, આંદુ અને લીલાં મરચાં પણ સાંતળી લો. ડુંગળી બદામી રંગની થાય એટલે તેમાં ટામેટાંની પેસ્ટ નાખીને થોડી વાર રહેવા દો. તેમાં હળદર મિક્સ કરો. પછી સ્વીટ કોર્ન નાખીને મિક્સ કરો. આમાં પલાળેલા ચોખા અને દાળ ભેળવો અને મરચું, ધાણા પાઉડર, ગરમ મસાલો તથા મીઠું નાખીને નવ-દસ કપ પાણી રેડી કૂકર ઢાંકી દો. બે-ત્રણ સીટી થાય એટલે આંચ પરથી ઉતારી લો અને કૂકર ઠંડુ પડે એટલે ગરમાગરમ સ્વીટ કોર્ન ખીચડીમાં ઘી નાખી અથાણાં, રાયતા સાથે સર્વ કરો.

2 ટિપ્પણીઓ: