સૂપ


 મિક્સ વેજ સૂપ:
સામગ્રી :
ગાજર,મશરૂમ,મકાઈના દાણા, કોબીજ, કેપ્સિકમ,લીલી ડુંગળી, વટાણા- દોઢ કપ, પાણી અથવા વેજિટેબલ સ્ટોક-3 કપ, કોર્નફ્લોર-2 ચમચા, સફેદ વિનેગર-અડધી ચમચી, સૂપ ક્યૂબ-અડધી ચમચી, સફેદ મરચું-જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ.



રીત :
એક પેનમાં પાણી અથવા વેજિટેબલ સ્ટોકમાં સમારેલા બધા શાક, સૂપ ક્યૂબ અને મીઠું ભેળવી બે-ચાર મિનિટ હલાવો. હવે અડધા કપ પાણીમાં કોર્નફ્લોર ઘોળી તેને ઉકળતા સૂપમાં ભેળવો અને ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવા દો. તૈયાર મિક્સ વેજ સૂપ ગરમાગરમ સર્વ કરો.
 _______________________________________________________________________
ફ્રેન્ચ ઓનિયન સૂપ :
સામગ્રી :
ડુંગળી-1 નંગ, માખણ-અડધી ચમચી, કોર્નફ્લોર-અડધી ચમચી, વેજિટેબલ સ્ટોક-2 કપ, ગાર્લિક સોસ-અડધી ચમચી, સીઝનીંગ ક્યૂબ-1, મરીનો પાઉડર-અડધી ચમચી, ક્રીમ-સજાવટ માટે, કોથમીર-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ, ગાર્લિક બ્રેડ-સજાવટ માટે.




રીત :
સોપ્રથમ પેનમાં માખણ ગરમ કરી તેમાં ડુંગળીની સ્લાઇસને આછા બદામી રંગની સાંતળો. તેમાં વેજિટેલબ સ્ટોક, સીઝનિંગ ક્યૂબ, મરીનો પાઉડર અને મીઠું નાખી ડુંગળીને સહેજ નરમ પડે ત્યાં સુધી રહેવા દો. અડધા કપ પાણીમાં કોર્નફ્લોર ઘોળી તેમાં મિક્સ કરો. બે-ચાર મિનિટ રહેવા દઈને ગાર્લિક સોસ ભેળવી આંચ પરથી ઉતારી લો. તૈયાર સૂપને ક્રીમ અને કોથમીરથી સજાવી મહેમાનોને સર્વ કરો. ________________________________________________________________________
હોટ એન્ડ સોર સૂપ :
સામગ્રી :
ગાજર, મશરૂમ, કેપ્સિકમ, લીલી ડુંગળી-દોઢ કપ, પાણી અથવા વેજિટેબલ સ્ટોક-3 કપ, ટમેટાંનો સોસ-2 ચમચી, કોર્નફ્લોર-1 ચમચી, સોયા સોસ અને ચિલી સોસ-અડધી ચમચી, વિનેગર-1 ચમચી, આજુનો મોટો-પા ચમચી, માખણ-1 ચમચી, લસણ-5-7 કળી, મીઠું- સ્વાદ મુજબ.


રીત :
પેનમાં માખણ ગરમ કરી તેમાં અધકચરું ક્રશ કરેલું લસણ નાખો. સહેજ વાર સાંતળીને તેમાં બધા સમારેલા શાક, પાણી અથવા વેજિટેબલ સ્ટોક અને મીઠું ઉમેરી બે-ચાર મિનિટ રહેવા દો. હવે અડધા કપ પાણીમાં કોર્નફ્લોર, ચિલી સોસ, સોયા સોસ, વિનેગર અને આજીનો મોટો ઘોળીને ઉકળતા સૂપમાં ભેળવો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. તૈયાર થઈ જાય એટલે ગરમાગરમ સૂપનો સ્વાદ માણો.
________________________________________________________________________
હોટ એન્ડ સોર સૂપ
સામગ્રી :
પનીરના ટુકડા-150 ગ્રામ, લીલી ડુંગળી અને ગાજર-2 નંગ, ફણસી-5-6 નંગ, સમારેલું ફ્લાવર-અડધો કપ, વેજીટેલબ સ્ટોક-3 કપ, કોર્નફ્લોર-2 ચમચા, પાણી-4 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, સોયા સોસ-2 ચમચી, સફેદ મરી પાઉડર-પોણી ચમચી, વ્હાઇટ વિનેગર-1 ચમચો, તેલ-દોઢ ચમચી.

રીત :
ડુંગળી, ફણસી અને ગાજરને બારીક સમારી લો. નવશેકા પાણીમાં કોર્નફ્લોરને ખૂબ મિક્સ કરીને ઘોળો. એક તપેલીમાં તેલ ગરમ કરી તેમાં ગાજર નાખી એક મિનીટ માટે સાંતળો. લીલી ડુંગળી સિવાયના બધા શાક અને પનીર તેમાં નાખી ઉકાળો. એક મિનીટ પછી વેજીટેબલ સ્ટોક, મીઠું, સફેદ મરીનો પાઉડર અને વ્હાઈટ વિનેગર ભેળવો. એક ઊભરો આવે પછી ધીરે ધીરે તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ ભેળવો. સતત હલાવતાં રહો. સૂપ તૈયાર થઈ જાય એટલે આંચ પરથી ઉતારી લઈ બારીક સમારેલી લીલી ડુંગળીથી સજાવી સર્વ કરો.

 _______________________________________________________________________
વેલવેટ ક્રીમી સૂપ :
સામગ્રી :
બાફેલા ચોળા-2 ચમચી, બારીક સમારેલું ફ્લાવર-2 કપ, લસણ-5-7 કળી, સમારેલી સફેદ ડુંગળી-2 ચમચા, માખણ-1 ચમચી, વેજિટેબલ સ્ટોક-3 કપ, દૂધ-અડધો કપ, ક્રીમ-2 ચમચી, મરચું-જરૂર મુજબ, મરીનો પાઉડર-1 ચમચી, ઓલિવ ઓઇલ અને લાલ મરચું-સજાવટ માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌપ્રથમ પેનમાં માખણ ગરમ કરી તેમાં સમારેલું ફ્લાવર, લસણ, સફેદ ડુંગળી નાખી ધીમી આંચે પાંચ-સાત મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરો. તે સાથે બાફેલા ચોળા અને સ્ટોક ભેળવી એકદમ બારીક ક્રશ કરી લો. હવે આ મિશ્રણને ફરી વાર ગરમ કરો. તેમાં મીઠું, મરીનો પાઉડર અને દૂધ ઉમેરી બે-ત્રણ વાર ઉભરો આવે ત્યાં સુધી રહેવા દો. ઓલિવ ઓઇલમાં લાલ મરચું ભેળવો અને આને તૈયાર સૂપ પર રેડી સર્વ કરો.
________________________________________________________________________
દૂધીનો સૂપ :
સામગ્રી :
દૂધી-500 ગ્રામ, આદું-નાનો ટુકડો, વેજિટેબલ સ્ટોક-2 કપ, કોથમીર-2 ચમચા, લીંબુનો રસ-જરૂર મુજબ, શેકેલા જીરાનો પાઉડર-અડધી ચમચી, ચાટ મસાલો-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.




રીત :
દૂધીને છોલ્યા વિના જ પ્રેશર કૂકરમાં મૂકી, તેમાં સમારેલું આદું અને વેજિટેબલ સ્ટોક રેડી બે-ત્રણ સીટી વાગે ત્યાં સુધી રાખો જેથી દૂધી બરાબર બફાઈ જાય. હવે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી ગરમ કરો અને તેમાં મીઠું તથા કોથમીર નાખી ઉકળવા દો. બરાબર ઘટ્ટ થાય એટલે સૂપમાં સ્વાદ મુજબ લીંબુનો રસ, ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાઉડર ભભરાવી સર્વ કરો. 
________________________________________________________________________
ફ્લાવર સૂપ
સામગ્રી :
ફ્લાવર-400 ગ્રામ, ડુંગળી-2 નંગ, દૂધ-1 કપ, માખણ-4 ચમચી, મકાઈનો લોટ-1 ચમચી, મરી-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ફ્લાવરને ધોઈ તેના નાના ટુકડા સમારો. ડુંગળીને પણ ઝીણી સમારી લો. હવે કડાઈમાં માખણ ગરમ કરી તેમાં ફ્લાવર અને ડુંગળીને સાંતળો. બદામી રંગના થાય એટલે આંચ પરથી ઊતારી લઈ ઠંડું થવા દો. મિક્સરમાં ક્રશ કરી તેમાં દૂધ ઉમેરી ગરમ કરવા મૂકો. મિશ્રણને બરાબર ઉકળવા દો. હવે બે ચમચી માખણ એક કડાઈમાં ગરમ કરી તેમાં મકાઈનો લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં દૂધ અને ફ્લાવરનું મિશ્રણ ભેળવો અને એકરસ કરો. મીઠું અને મરી ઉમેરીને તેનો સ્વાદ માણો.
________________________________________________________________________
પાલકનો સૂપ
સામગ્રી :
પાલક-350 ગ્રામ, ડુંગળી-2 નંગ, મીઠું-મરી-સ્વાદ મુજબ, ખાંડ-2 ચમચી, વ્હાઈટ સોસ-2 ચમચા, છીણેલું ચીઝ-2 ચમચી, ઘી-1 ચમચી, ગાજર-2 નંગ, ફણસી-7 નંગ, વટાણા-50ગ્રામ.



રીત :
પાલક અને ડુંગળીને ઝીણાં સમારી લો. ગાજર અને ફણસીના નાના ટુકડા કરો. વટાણા, ગાજર અને ફણસીને બાફી લો. એક કડાઈમાં ઘી ગરમ કરી ડુંગળી સાંતળો. પછી તેમાં પાલક ઉમેરીને બરાબર ચડવા દો. ત્યારબાદ આ બાફેલા શાકભાજીને ક્રશ કરી લો. તેને ગાળીને ફરીથી ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ, મીઠું અને મરી ઉમેરો અને ખદખદવા દો. બરોબર ઉકળી જાય પછી વ્હાઈટ સોસ નાખો અને આંચ પરથી ઉતારી લો. સર્વ કરતી વખતે ઉપર ચીઝથી ગાર્નિશિંગ કરો.
________________________________________________________________________
કેપ્સિકમ ક્લીઅર સૂપ
સામગ્રી :
લાલ કેપ્સિકમ-5-6 નંગ, ટામેટાં-4 નંગ, આદુંનો ટુકડો-1 નંગ, ડુંગળી-1 નંગ, માખણ-1 વાટકી, દૂધ-1 વાટકી, લીંબુનો રસ-1 ચમચી, મીઠું-1 ચમચી, ખાંડ-1 ચમચી.




રીત :
લાલ કેપ્સિકમને સમારીને તેમાંથી બી કાઢી લો. (જો તીખો સૂપ પસંદ હોય તો થોડા બી રહેવા દો.) ટામેટાં, ડુંગળી અને આદુંને ઝીણા સમારી લો. આ બધા શાક અને કેપ્સિકમને બાફી લો. ઠંડું પડે એટલે મિક્સરમાં ક્રશ કરી લો. મિશ્રણને ગાળી લઈ તેમાં દૂધ અને માખણ ભેળવી કડાઈમાં ગરમ કરવા મૂકો. તેમાં લીંબુનો રસ, ખાંડ અને મીઠું ભેળવો. થોડી વાર ઉકાળીને પછી ગરમાગરમ સૂપનો સ્વાદ માણો.
________________________________________________________________________
ચાઈનીઝ વેજીટેબલ સૂપ
સામગ્રી :
વટાણા-50 ગ્રામ, ફ્લાવર-100 ગ્રામ, બાફેલા નુડલ્સ-2 વાટકી, વિનેગર-1 ચમચો, ગાજર-100 ગ્રામ, તેલ-2 ચમચા, આજીને મોટો- અડધી ચમચી, સોયા સોસ-2 ચમચા, ફણસી-100 ગ્રામ, લીલા મરચાં-5 નંગ, ડુંગળી-200 ગ્રામ, કોર્નફ્લોર-2 ચમચી, મીઠું-પ્રમાણસર.



રીત :
બધા વેજીટેબલના લાંબા, પાતળા પીસ કરો અને ફ્લાવરને છૂટું પાડો. એક કડાઈમાં તેલ ગરમ કરીને ડુંગળીને સાંતળી લો. પછી બધા શાક નાખીને સાંતળી લો. ત્યારબાદ લીલા મરચાં અને મીઠું નાખો અને આજીનો મોટો ઉમેરો. શાક ચડી જાય એટલે ઘટ્ટ કરવા પાણીમાં કોર્નફ્લોર ભેળવી તેમાં ઉમેરો. વિનેગરમાં લીલા મરચાંના ટુકડા નાખી ગરમ કરો. શાક બરાબર ચડી જાય એટલે તેમાં નુડલ્સ ઉમેરી ચિલી, વિનેગર, સોયા સોસ સાથે સર્વ કરો.
________________________________________________________________________
મિક્સ વેજીટેબલ સૂપ
સામગ્રી :
ગાજર-1 નંગ, ઝીણી સમારેલી કોબીજ-1 કપ, સમારેલી લીલી ડુંગળી-2 કપ, ટામેટાંના ઝીણા ટુકડા-1 કપ, બટાકા-1 નંગ, વાટેલું લસણ-4-5 કળી, છીણેલું આદું-1 ચમચી, આખાં મરી-5-6 નંગ, તજનો ભૂકો-પા ચમચી, એલચી-1 નંગ, ચિલિ સોસ-2 મોટા ચમચા, ટામેટો સોસ-1 ચમચી, સોયા સોસ-1 ચમચી, માખણ-4 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ગાજર અને બટાકાને છોલીને છીણી નાખો. હવે ગાજર, બટાકા, લીલી ડુંગળી, ટામેટાં, લસણ, આદું, આખા મરી, તજ, એલચી આખા નાખીને કૂકરમાં પાણી નાખી બાફી લો. તેમાં માખણ અને મીઠું ઉમેરો અને થોડું પાણી રેડી ગરમ કરો. પછી તેમાં ટામેટો સોસ, ચિલિ સોસ, અને સોયા સોસ નાખીને તેનો સ્વાદ માણો.
________________________________________________________________________
ચિલી બીન્સ સૂપ
સામગ્રી :
ટામેટા-400 ગ્રામ, સમારેલી લીલી ડુંગળી-1 વાટકી, ગાજર-100 ગ્રામ, કેપ્સિકમ-50 ગ્રામ, ડુંગળી-2 નંગ, લીલાં મરચાં-2 નંગ, બેકડ બીન્સ-100 ગ્રામ, વ્હાઇટ સોસ-2 ચમચા, ખાંડ-2 ચમચી, માખણ-2 ચમચી, ચીઝ-2 ક્યુબ, મીઠું-મરી-પ્રમાણસર, ચિલિ સોસ-1 ચમચી.




રીત :
થોડા ટામેટાં અને ગાજરના મોટા ટુકડા કરી બાફીને ક્રશ કરી લો. ડુંગળી, લીલી ડુંગળી, ટામેટું, મરચાં અને કેપ્સિકમના ના ટુકડા કરો. એક વાસણમાં માખણ ગરમ કરીને ડુંગળી સાંતળો. થોડી વાર પછી લીલાં મરચાં અને કેપ્સિકમના ટુકડા નાખો. તરત જ ગાજર-ટામેટાંનાો રસ અને બેક્ડ બીન્સ નાખો. પ્રમાણસર મીઠું અને ખાંડ ઉમેરો. બરાબર ઉકળવા દો. હવે તેમાં વ્હાઇટ સોસ, મરી અને ટામેટાંના ટુકડા નાખી થોડી વાર ઉકાળીને બાઉલમાં સૂપ કાઢો. તેની ઉપર ચીઝનું છીણ નાખી ચિલિ સોસ સાથે સર્વ કરો.
________________________________________________________________________
મટર-કોરિએન્ડર સૂપ
સામગ્રી :
લીલા વટાણા-1 કપ, સમારેલી કોથમીર-અડધો કપ, લીલાં મરચાં-2 નંગ, જીરું-1 ચમચી, માખણ-2 ચમચી, લીંબુનો રસ-1 ચમચો, બારીક સમારેલું લસણ-2 કળી, ચીઝનું છીણ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સોથી પહેલાં કૂકરમાં લીલા વટાણા, કોથમીર, સમારેલાં લીલાં મરચાં, લસણ, લીંબુનો રસ, મીઠું અને ત્રણ કપ પાણી ઉમેરી વટાણા બફાઈ જાય ત્યાં સુધી રહેવા દો. પછી ઠંડું થાય એટલે તેને ક્રશ કરી ગાળી લો. એક પેનમાં માખણ ગરમ કરી તેમાં જીરું નાખો. તે આછા બદામી રંગનું થાય એટલે વટાણાનું ક્રશ કરીને ગાળેલું મિશ્રણ તેમાં નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. મટર-કોરિએન્ડર સૂપ તૈયાર છે. તમે ઇચ્છો તો ચીઝના છીણ, ક્રીમ અને બ્રેડના તળેલા ટુકડાથી સજાવી સર્વ કરો.
________________________________________________________________________
બીટનો સૂપ
સામગ્રી :
બીટ-1 નંગ, સમારેલી દૂધી-1 વાટકી, ડુંગળી-1 નંગ, ટામેટું-1 નંગ, મરી-4-5 નંગ, ખાંડ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ક્રીમ-સજાવટ માટે, માખણ-જરૂર મુજબ.



રીત :
બધા શાકને સારી રીતે ધોઈ સમારી લો. તેને કૂકરમાં 4-5 કપ પાણી રેડી બે સીટી થાય ત્યાં સુધી બાફો. ત્યારબાદ ઠંડા થાય એટલે ક્રશ કરીને ગાળી લો. એક તપેલીમાં માખણ ગરમ કરો. તેમાં આ ગાળેલું મિશ્રણ, એક કપ પાણી, મીઠું, મરીનો પાઉડર, ખાંડ નાખી ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ સૂપ બાઉલમાં કાઢી ઉપર સમારેલી કોથમીર અને ક્રીમથી સજાવટ કરી સર્વ કરો.
________________________________________________________________________
મિક્સ બટર સૂપ
સામગ્રી :
ગાજર-250 ગ્રામ, સમારેલી ડુંગળી-1 નંગ, લસણની પેસ્ટ-અડધી ચમચી, સમારેલાં ટમેટાં-2 નંગ, માખણ-2 ચમચી, મરી પાઉડર-મીઠું - સ્વાદ મુજબ.



રીત :
ગાજરને છોલી, ધોઈને સમારી લો. એક પાનમાં માખણ ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી અને લસણની પેસ્ટ નાખી તેને આછા બદામી રંગના થવા દો. હવે તેમાં ગાજર અને ટમેટાં નાખી બે મિનીટ સાંતળો. ત્યારબાદ ત્રણ કપ પાણી ઉમેરો. ઊભરો આવે એટલે આંચ ધીમી કરી ઢાંકીને ત્રણેક મિનીટ રહેવા દો. તે પછી આંચ પરથી ઉતારી લઈ ઠંડું થાય એટલે ક્રશ કરી લો. સર્વ કરતાં પહેલાં તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરીનો પાઉડર નાખી એક ઊભરો આવે એટલું ગરમ કરી સર્વ કરો.
________________________________________________________________________
ઓરેન્જ-કેરટ સૂપ
સામગ્રી :
સમારેલા ગાજર-2 કપ, નારંગનો તાજો રસ-3 કપ, માખણ-4 ચમચી, સમારેલી ડુંગળી-અડધો કપ, સફેદ મરચું-અડધી ચમચી, ખાંડ-2 ચમચા, ક્રીમ-અડધો કપ, મીઠું, જીરાંનો પાઉડર-સ્વાદ મુજબ.



 રીત :
માખણ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળીને આછા બદામી રંગની સાંતળો. સમારેલા ગાજર નાખી ક્રીમ સિવાયની તમામ સામગ્રી નાખી ગાજર બફાઈ જાય ત્યાં સુધી રહેવા દો. તે પછી આંચ પરથી નીચે ઉતારી મિક્સરમાં ક્રશ કરો અને ગાળી લો. આ સૂપને ફરી ગરમ કરી તેમાં એક ચમચો ક્રીમ બાજુ પર રાખી બાકીનું ક્રીમ સૂપમાં ઉમેરો. તે ઉકળે એટલે આંચ પરથી ઉતારીને ક્રીમથી સજાવી ગરમાગરમ સર્વ કરો.
________________________________________________________________________
પોટેટો સૂપ
સામગ્રી :
બટાકા-6 નંગ, દૂધ-3 કપ, લીલી ડુંગળી-2-3 નંગ, માખણ-3 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



 રીત :
બટાકા અને ડુંગળીને છોલીને ટુકડા સમારો. માખણ ગરમ કરીને ડુંગળી અને બટાકાને સાંતળો. આછા બદામી રંગના થાય એટલે તેમાં દૂધ, મીઠું, ખાંડ અને બે કપ પાણી ઉમેરી થોડી વાર ઉકળવા દો. બટાકા બફાઈ જાય એટલે તેને આંચ પરથી ઉતારી સૂપની ગળણીથી ગાળી લો. અડધો કલાક ફ્રીજમાં રાખી તે ઠંડો થાય એટલે ચિલ્ડ સર્વ કરો.
________________________________________________________________________
મશરૂમ સૂપ
સામગ્રી :
સમારેલી લીલી ડુંગળી-1 ઝૂડી, બટન મશરૂમ-300 ગ્રામ, પાણી-4 કપ, અજમાના પાન-અડધો કપ, જાયફળનો પાઉડર-અડધી ચમચી, મરીનો પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
લીલી ડુંગળી અને બટન મશરૂમને બારીક સમારી લો. હવે દોઢ કપ પાણીમાં સામારેલી ડુંગળી અને મશરૂમ નાખી તેને દસ મિનીટ સુધી ઉકાળો. તેમાં અજમાના સમારેલા પાન, જાયફળનો પાઉડર, મરીનો પાઉડર, મીઠું અને વધારાનું પાણી ઉમેરો. વીસ મિનીટ સુધી ધીમી આંચે રહેવા દઈ પછી એક ઊભરો આવે એટલે ગરમાગરમ સર્વ કરો.
________________________________________________________________________
ચાઇનીઝ સૂપ
સામગ્રી :
કેપ્સિકમ-અડધુ, કોબીજ-1 પાન, ટમેટું-1 નાનું, ડુંગળી-1 નંગ, ગાજર-1 નંગ, પાલક-1 પાન, ફલાવર-નાનું, ફણસી-1 નંગ, ફુદીનો-3-4 પાન, કોથમીર-થોડી,બારીક સમારેલું આદું-પા ચમચી, લસણ-1 કળી, ખાંડ-અડધી ચમચી, મરચું-સ્વાદ અનુસાર, સોયા સોસ, જરૂર પ્રમાણે, મીઠું-સ્વાદ મુજબ, તેલ-1 ચમચી, કોર્નફ્લોર-1 ચમચો, પાણી-3 કપ.



રીત :
બધાં શાકને બારીક સમારી લો. એક તપેલીમાં તેલ ગરમ કરો. તેમાં બધા શાક નાખી પાંચ મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્રણ કપ રેડી ઉકાળો. બાકી વધેલા પાણીમાં કોર્નફ્લોર ઘોળી તેને સૂપમાં મિક્સ કરો અને સૂપને ઉકળવા દો. જ્યારે સૂપ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં સોયા સોસ, મીઠું, ખાંડ, મરચું નાખી હલાવો અને આંચ પરથી ઉતારી લો.
________________________________________________________________________
ગાજરનો સૂપ
સામગ્રી :
ગાજર-5 નંગ, આદુંની પેસ્ટ-1 ચમચી, ડુંગળી-2 નંગ, વેજિટેબલ સ્ટોક-1 કપ, નારંગીનો રસ-1 કપ, મરીનો પાઉડર-જરૂર પ્રમાણે, ઓલિવ ઓઇલ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ક્રીમ-સજાવટ માટે.



રીત :
ગાજરને કુકરમાં બાફી પછી મિક્સરમાં ક્રશ કરી લો. એક તપેલીમાં તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી અને આદુંની પેસ્ટ સાંતળો. બે મિનીટ પછી ગારજ અને વેજિટેબલ સ્ટોક તેમાં ઉમેરો અને ઘીમી આંચે રહેવા દો. થોડી થોડી વારે હલાવતાં રહી 20-25 મિનીટ ઉકાળો. સૂપ ઘટ્ટ થાય એટલે તેમાં નારંગીનો રસ ઉમેરો. બે-ત્રણ મિનીટ બાદ આંચ પરથી ઉતારી લો. તૈયાર સૂપને બાઉલમાં કાઢી મીઠું ભેળવી મરીનો પાઉડર અને ક્રીમથી સજાવી સર્વ કરો.
________________________________________________________________________
નૂડલ્સ પીનટ સૂપ
સામગ્રી :
બાફેલા નુડલ્સ-2 વાડકી, કેપ્સિકમ,ગાજર,કોબીજ,ડુંગળી-1 કપ, વટાણા-2 ચમચા, સીંગદાણાનો ભૂકો-2 ચમચા, માખણ-2 ચમચા, મરીનો પાઉડર-પા ચમચી, બારીક સમારેલા ટામેટાં-2 કપ, કોર્નફ્લોર-2 ચમચા, નૂડલ્સનો મસાલો-સ્વાદ મુજબ, મીઠું-સ્વાદ મુજબ, કોથમીર-સજાવટ માટે.



રીત :
એક તપેલીમાં પાણી ગરમ કરો. તેમાં બારીક સમારેલાં કોબીજ, કેપ્સિકમ, ડુંગળી અને ગાજર નાખી બફાઈ જવા દો. તે પછી તૈયાર મિશ્રણને ક્રશ કરી ગાળી લો. બીજી તપેલીમાં માખણ ગરમ કરી તેમાં કોર્નફ્લોરને શેકી લો. ત્યારબાદ વેજીટેબલ સ્ટોક ઉમેરો. તે સાથે મીઠું, મરીનો પાઉડર, બાફેલા નૂડલ્સ અને નૂડલ્સનો મસાલો પણ ભેળવો. થોડી વાર હલાવીને સીંગદાણાની પેસ્ટ નાખો. ઘટ્ટ થાય એટલે આંચ પરથી ઉતારી લો અને કોથમીરથી સજાવી સર્વ કરો.
________________________________________________________________________
ગ્રીન સૂપ
સામગ્રી :
પાણી-5 ગ્લાસ, ગાજર-1 નંગ, બટાકા-6 નંગ, અજમો-ચપટી, પાલની ભાજી-1 ઝૂડી, લીલાં મરચાં-2 નંગ, ડુંગળી-2 નંગ, ઓલિવ ઓઇલ-2 ચમચી, મરીનો પાઉડર-જરૂર પ્રમાણે, મીઠું-સ્વાદ મુજબ, ક્રીમ-1 ચમચી.



રીત :
ગાજર સમારી લો. પાણી ગરમ કરી તેમાં સમારેલા ગાજર અને બટાકા નાખો. દસ મિનીટ સુધી ઉકળવા દો. તે પછી આંચ પરથી ઉતારીને મિશ્રણને એકરસ કરો. આમાં બારીક સમારેલી પાલક ભેળવી ફરી દસ મિનીટ ગરમ કરો. એક તપેલીમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં અજમો નાખો. તે પછી બારીક સમારેલી ડુંગળી અને લીલાં મરચાં નાખી સાંતળો. સતત હલાવતાં રહી સૂપ તૈયાર થવા દો. છેલ્લે મરીનો પાઉડર અને ક્રીમથી સજાવી સર્વ કરો.
________________________________________________________________________
ગ્રીન ચીઝ સૂપ
સામગ્રી :
લીલા વટાણા-250 ગ્રામ, બટાકા-2 નંગ, ડુંગળી-1 નંગ, ચીઝનું છીણ-1 કપ, દૂધ-અડધો કપ, માખણ-2 ચમચા, કોર્નફ્લોર-1 ચમચી, મરીનો પાઉડર-દોઢ ચમચી, તજનો પાઉડર-દોઢ ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ક્રીમ-સજાવટ માટે.



રીત :
ડુંગળીને બારીક સમારી એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં સાંતળો. બદામી રંગની થાય એટલે તેમાં સમારેલા બટાકા, લીલા વટાણા નાખીને હલાવો. બારબર બફાઈ જાય એટલે તેને આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી મિક્સરમાં ક્રશ કરો. પછી તેને ગાળી તપેલીમાં એક ચમચી માખણ ગરમ કરી તેમાં આસૂપ, મીઠું, મરી અને તજનો પાઉડર, દૂધમાં ઓગાળેલો કોર્નફ્લોર નાખી બરાબર ખદખદવા દો. પછી થોડું ચીઝનું છીણ નાખી પાંચક મિનિટ ઉકાળો અને ગરમ ગરમ ગ્રીમ ચીઝ સૂપ પર ક્રીમ નાખી સર્વ કરો.
________________________________________________________________________
બ્રોકોલી પીનટ સૂપ
સામગ્રી :
બ્રોકોલી-મધ્યમ સાઇઝની, દૂધી-1 ચમચી, ડુંગળી-1 નંગ, સીંગદાણા-3 ચમચી, તજ-લવિંગ- 2 નંગ, મરી પાઉડર-જરૂર મુજબ, ખાંડ 1 ચમચી, માખણ-1 ચમચી, છીણેલું ચીઝ-2 ચમચી, ઘી-પા ચમચી, વ્હાઇટ સોસ-પા વાડકી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સીંગદાણાને સહેજ શેકી છોતરાં દૂર કરવા. 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળવા. બ્રોકોલીનો ફૂલવાળો ભાગ તથા કૂણી ડાળીને ઝીણા સમારવા. ડુંગળીને છોલીને સમારવી. ઘી તથા બટર ગરમ મૂકી તજ, લવિંગ નાખો. ડુંગળી ઉમેરી સાંતળવું, બ્રોકોલી, દૂધી તથા સીંગદાણા પ્રેશર કૂકરમાં પાણી નાખી બાફવા. બાફ્યા બાદ ઠંડુ કરવું, ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરવું, વ્હાઇટ સોસ, જરૂર પુરતુ પાણી, મીઠું, મરી પાઉડર, માખણ નાખી ઉકાળવું,  ચીઝથી સર્વ કરવું.
________________________________________________________________________
પીઝ પોટેટો સૂપ
સામગ્રી :
વટાણા-1 કપ, પાણી-3 કપ, પેસ્ટો પેસ્ટ માટે : અખરોટનો ભૂકો-1 ચમચી, બેસિલ પત્તા અથવા તુલસી પાન-5-6 નંગ, લસણ-2 કળી, લીલું લસણ-1 ચમચી, ઓલિવ ઓઇલ-1/2 ચમચી, માખણ-1 ચમચી, મરી પાઉડર- જરૂર પ્રમાણે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
વટાણાને પ્રેશરકુકરમાં 3 કપ પાણી ઉમેરી બાફી લેવા. ઠંડા પડે એટલે પાણી સાથે ક્રશ કરવા. વટાણાનો સૂપ મધ્યમ તાપે ઉકળવા મૂકવો. પેસ્ટો પેસ્ટ બનાવવા કલમાં ચીલગોઝા અથવા અખરોટ, લસણની કળી, બેસિલ અથવા તુલસીના પાન અને થોડું મીઠું લઈ પીસી લેવું. તૈયાર પેસ્ટમાં ઓલિવ ઓઈલ ઉમેરી મિક્સ કરવું. વટાણાના સૂપમાં આ પેસ્ટ, મીઠું અને મરી પાઉડર ઉમેરી, બરાબર મિક્સ કરી ઘીમા તાપે સૂપ ઉકળવા દો. જરૂર લાગે તો સૂપને રુચિ મુજબ પાતળો કરવો. સૂપ સર્વ કરતી વખતે બટર ઉમેરી સર્વ કરવો. ટોસ્ટ અથવા ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવો.
_______________________________________________________________________
જીંજર સૂપ :
સામગ્રી :
ઝીણા સમારેલી ડુંગળી-2 નંગ, આદુંનો રસ-2 ચમચી, કોર્નફ્લોર-1 ચમચી, પાણી-2 ચમચી, પાણી અથવા વેજીટેબલ સ્ટોક-3 કપ, બટર-1 ચમચી, વિનેગર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
નોનસ્ટીક પેનમાં બટર ગરમ કરી ડુંગળી સાંતળવી. ડુંગળી પારદર્શક સંતળાઈ જાય એટલે તેમાં પાણી અથવા વેજીટેબલ સ્ટોક ઉમેરી ઉકળવા દો. આદુંના રસમાં પાણી નાંખી, કોર્નફ્લોર ઓગાળો. ઉકળતા સૂપમાં આદુંના રસવાળું મિશ્રણ મિક્સ કરવું. મીઠું નાંખી હલાવી લેવું. થોડીવાર પછી સૂપ થોડો ઘટ્ટ થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવો. ગરમ સૂપ વિનેગાર ઉમેરી બ્રેડ સ્ટીક અથવા ચીઝ સ્ટીક્સ સાથે સર્વ કરવો.
_______________________________________________________________________
ઓરિએન્ટલ સૂપ :
સામગ્રી :
ઝીણાં સમારેલા ટામેટાં-2 નંગ, ઝીણી સમારેલી ડુંગળી-1 નંગ, ઝીણું સમારેલું લસણ-2 કળી, ઝીણી સમારેલી કોબી-પા કપ, ઝીણાં સમારેલાં લીલી ડુંગળી-પા કપ, પાતળા-લાંબા સમારેલાં કેપ્સિકમ-પા કપ, પાતળા-લાંબા સમારેલાં ગાજર-પા કપ, ઉભા લાંબા સમારેલાં ફ્લાવર અથવા બ્રોકલીના ટુંકડા-પા કપ, આદુંનો રસ-અડધી ચમચી, ચીલી ફ્લેક્સ-1 ચમચી, બટર-1 ચમચી, વિનેગાર-1 ચમચી, પાણી-4 કપ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ગાજર અને ફ્લાવર અથવા બ્રોકલીને પાર બોઈલ કરી લેવા. પ્રેશર પાનમાં ટામેટાં, ડુંગળી, લસણ અને 2 કપ પાણી ભેગા કરી બાફવા. બફાઈ ગયેલ ટામેટાંને પાણી સાથેજ મિક્સરમાં ક્રશ કરી લેવાં. ગાળી સૂપ ઉકળવા મુકવો. તેમાં બાકીનું પાણી ઉમેરી દેવું. નોન સ્ટીક પેનમાં બટર ગરમ કરી કેપ્સિકમ, કોબી અને લીલા કાંદા સેલો ફ્રાય કરવા. તેમાં પારબોઈલ કરેલા ગાજર, ફ્લાવર અથવા બ્રોકલી ઉમેરી મિક્સ કરવા. મિશ્ર શાકમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ગેસ પરથી ઉતારી લેવું. ઉકળતા સૂપમાં આ શકા નાંખવું. સ્વાદ મુજબ મીઠું અને ચીલી ફ્લેક્સ નાંખી બરાબર હલાવી સૂપ ગેસ ઉપરથી ઉતારી લેવો સૂર્વ સર્વ કરતી વખતે તેમાં આદુંનો રસ અને વિનેગાર ઉમેરી દેવા. ગરમાગરમ ઓરીએન્ટલ સૂપ પ્લેન અથવા ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવો.

1 ટિપ્પણી:

  1. What are the best casinos to play in 2021?
    Which casinos offer slots? — Casino Sites. Best casino sites are 출장마사지 those that allow players to wooricasinos.info try a game from anywhere. The casinosites.one most jancasino.com common online slots

    જવાબ આપોકાઢી નાખો